You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તર ભારતમાં આટલો ભારે વરસાદ કેમ પડ્યો, પાણીમાં કેમ ગરકાવ થયાં શહેર, આનાથી બચવા શું કરી શકાય, જાણો જરૂરી સવાલોના જવાબ
- લેેખક, કીર્તિ દુબે
- પદ, બીબીસી સંવાદદાતા
શનિવારની સવારથી ઉત્તર ભારતમાં સતત ભારે વરસાદે વિનાશ વેર્યો છે.દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં અનેક જગ્યાએ સતત વરસાદને કારણે પાણી ભરાયાં હતાં. હિમાચલ પ્રદેશમાં ભારે તારાજી સર્જાઈ હતી અને વરસાદ તથા ભૂસ્ખલનથી અત્યાર સુધી અનેક લોકોનાં મૃત્યુ થયાં છે.
અલગઅલગ રાજ્યોનાં તંત્ર પ ણસજ્જ થઈ ગયાં હતાં તો કેન્દ્ર સરકાર પણ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.
સોમવારે પણ ઘણાં રાજ્યોમાં વરસાદનો કહેર યથાવત હતો. આ રાજ્યોમાંથી વરસાદ અને પૂરની ભયાનક તસવીરો સામે આવી હતી.
દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સુધી ભારે વરસાદ પછી રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા હતા.
પાણીના ભયાનક વહેણમાં ગાડીઓ તણાતી નજરે ચડે છે. ઘરની અંદર પાણી પૂર ઝડપે ઘૂસી રહ્યા હતા. ઘણી બહુમાળી ઇમારતોનો પહેલો માળ પાણીમાં ગરકાવ હતો.
ઘણાં વીડિયો સોશિયલ મીડિયા ઉપર છવાયેલા રહ્યા જેમાં ગાંડીતૂર નદીઓના કારણે પુલો તૂટી રહ્યા છે અને મકાનો પણ વહી ગયાં છે.
દિલ્હીમાં 40 વર્ષનો રૅકોર્ડ બ્રેક
રાજધાની દિલ્હીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. યમુના નદી ભયજનક સપાટીને પાર કરી ગઈ છે. અને સેંકડો લોકોને એ વિસ્તારમાંથી બહાર ખસેડી લેવામાં આવ્યા હતા જેમના તણાવાની શક્યતા હતી.
દિલ્હીના પીડબ્લૂડી મંત્રી આતિશી માર્લેનાએ વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિની વિગતો મેળવી હતી અને સોમવારે મીડિયાને વાત કરી હતી કે, "હથિની કુંડથી ત્રણ લાખ ક્યૂસેક પાણી પ્રતિ કલાકે છોડવામાં આવી રહ્યું છે. સવાલ એ છે કે જો સતત વરસાદ વરસતો રહ્યો, હરિયાણામાં, હિમાચલ પ્રદેશમાં વરસાદ વરસી રહ્યો છે તો આપણે એ જોવું પડશે કે કેટલું પાણી હજુ આવતું રહેશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હથિની કુંડમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે એને અહીં સુધી પહોંચવામાં થોડો સમય લાગશે. અમે પૂરની ચપેટમાં આવનારા સંભવિત જગ્યાઓથી લોકોને ખસેડી લેવાનું કાર્ય શરૂ કર્યું છે. પરલાથી લઈને દક્ષિણ દિલ્હી સુધી અમે તૈયારી કરી લીધી છે. અનેક જગ્યાએ હોડીને તહેનાત કરી દેવામાં આવી છે. "
"કોઈપણ શહેરના બાંધકામની પોતાની મર્યાદા હોય છે, અમે સતત અમારી ક્ષમતા વધારવા ઉપર કામ કરી રહ્યા છીએ.”
ચોમાસાની દસ્તક સાથે થયેલા આ વરસાદે દિલ્હીમાં પાછલાં 40 વર્ષનો રૅકોર્ડ તોડી નાખ્યો છે.
આટલો ભારે વરસાદ આખરે કેમ વરસી રહ્યો છે?
રાજધાની દિલ્હીથી લઈને અનેક શહેરોમાં રહેણાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિએ અનેક સવાલ ઊભા કર્યા છે, મુદ્દો એ છે કે શહેર કેમ પૂરના સંકટ સામે ઝઝૂમી રહ્યાં છે?
આજ સવાલો સાથે અમે હવામાન વિભાગના જાણકાર અને શહેરી વિકાસ ક્ષેત્રના જાણકારો સાથે વાત કરી.
48 કલાકમાં વરસેલા વરસાદ પાછળ કયું કારણ જવાબદાર છે?
સ્કાઈમેટના ઉપાધ્યક્ષ મહેશ પલાવતે બીબીસી સાથેની વાતચીતમાં આ અગત્યની માહિતી આપી-
પર્વતો ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે. પંજાબ અને હરિયાણામાં એક સાયક્લોનિક સર્કુલેશન છે. ઘણાં બધાં મૉનસૂન ટર્ફ મધ્ય ભારતથી ચાલીને પંજાબ હરિયાણા તરફ આવી ગયાં છે.
સાયક્લોનિક સર્કુલેશન એ સ્થિતિ હોય છે જેમાં હવા ઘડીયાળના કાંટાની વિપરીત દિશામાં વહે છે અને વાતાવરણમાં ઉપરની તરફ ઊઠે છે. આ હવા જ્યારે ઠંડી હોય છે ત્યારે વરસાદ પડે છે, મોટાપાયે કહીએ તો જ્યાં સાયક્લોનિક સર્કુલેશન થાય છે ત્યાં હવામાન ખરાબ હોય છે. જ્યાં-જ્યાં આ જાય છે ત્યાં-ત્યાં વરસાદ વધતો જાય છે.
સાથે જ મૉનસૂન ટ્રર્ફ પણ આ વિસ્તારમાં છે. મૉનસૂન ટર્ફ એ સ્થિતિ છે જ્યારે ચોમાસા દરમિયાન હવા કોઈ એક જગ્યાએ એકત્ર થાય છે અને ત્યાં ઓછા દબાણવાળું ક્ષેત્ર પેદા થાય છે, ત્યાં વાદળા બંધાય છે અને હવાની સાથે ભેજ પણ આવે છે અને એના કારણે આ વિસ્તારોમાં વરસાદ થાય છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, અતિભારે સાયક્લોનિક સર્કુલેશન અને મૉનસૂન ટર્ફ ત્રણેય સ્થિતિઓની ટક્કરને કારણે પાછલા બે દિવસોમાં દિલ્હી, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પંજાબ અને યુપીના વિસ્તારોમાં જોરદાર વરસાદ થયો છે.
મંગળવારે મૉનસૂન ટર્ફ થોડું ઉત્તર ભારત તરફ આગળ વધ્યું. એવામાં દિલ્હીમાં વરસાદ ઓછો થઈ જશે. પરંતુ ટર્ફ ઉત્તરની તરફ આગળ વધશે એટલે હિમાલયના વિસ્તારોમાં એટલે કે પર્વતોમાં વરસાદ વધી જશે.
જોકે 15 કે 16 જુલાઈએ આ મૉનસૂન ટર્ફ પાછું દિલ્હી અને ઉત્તર પ્રદેશ ઉપર આવી જશે અને ફરી દિલ્હીમાં વરસાદ વધી જશે.
જોકે આ વરસાદ એટલો ભારે નહીં હોય, કારણ કે પાછલાં બે દિવસોમાં આ તમામ હવામાનની પૅટર્ન અંદરોઅંદર ભળી ગઈ અને એટલા માટે વધુ ભારે વરસાદ થયો. આવનારા દિવસોમાં આનાથી ઓછો વરસાદ વરસશે.
દિલ્હીમાં એક અનુમાન પ્રમાણએ એક દિવસમાં 8થી 9 મિલીમિટરનો વરસાદ થાય છે પરંતુ પાછલાં બે દિવસોમાં વરસાદ 153 મિલીમિટર થયો. જે દિલ્હીના સરેરાશથી 1000 ગણો વધુ હતો.
આવનારા દિવસોમાં 15-16 જુલાઈએ જ્યારે દિલ્હીમાં વરસાદ થશે તો એ સમયે સરેરાશ 30થી 40 મિલીમિટર સુધી થઈ શકે છે.
શહેરો જળબંબાકાર થયાં એનું કારણ શું?
રાજસ્થાનના શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપાલ ઍડ્વાઇઝર એસએચ સંચેતીએ બીબીસી સાથે વાત કરી અને જણાવ્યું કે બે દિવસમાં વરસાદમાં દિલ્હી સહિત અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ. એમની સાથેની વાતચીતનો સારાંશ વાંચો-
એ વાત માનવી પડશે કે મોનસૂન પહેલાં આટલો ભારે વરસાદ વરસશે એનો અંદાજો નહોતો.
શહેરોના પ્લાનની વાત કરીએ તો આ જ્યારે વસ્યાં એ સમયે માસ્ટર પ્લાન બનાવવામાં આવે છે પરંતુ પ્લાન લાગુ એ રૂપમાં નથી થતાં જે રૂપમાં તૈયાર કરવામાં આવે છે, તે કાગળ ઉપર જ રહી જાય છે.
જ્યારે પણ શહેર કે સોસાયટી વસે છે તો એની સાથે પાણીના નિકાલનો પણ પ્લાનં બનાવવામાં આવે છે. પ્લાનમાં જોવામાં આવે છે કે કયા વિસ્તારમાં પાણી વધુ જમા થઈ જાય છે, કયા નીચાણવાળા વિસ્તારો છે અને તેમના માટે પાણીના નિકાલનો માર્ગ શું હશે?
આનું સમગ્ર વિવરણ ડ્રેનેજ સિસ્ટમ પ્લાનમાં હોય છે, પરંતુ આટલી વિસ્તૃત યોજના જમીન ઉપર લાગુ જ નથી કરવામાં આવતી.
જો શહેરોમાં પાણીના નિકાલની સિસ્ટમને યોગ્ય રીતે લાગુ કરી દેવામાં આવે તો શહેરમાં પાણી જમા થવાની 70થી 80 ટકા સમસ્યા સમાપ્ત થઈ જશે.
મૂળરૂપે મોટાં શહેરોમાં પૂર આવવાનું કારણ હોય છે નદી-નાળાના વિસ્તારોમાં ગેરકાયદેસર વસાહતનું હોવું અને ડ્રેનેજ સિસ્ટમ ઉપર જરૂરિયાત કરતા વધુ દબાણ હોવું.
કોઈ નિકાલની સિસ્ટમ તૈયાર થાય છે તો નાળા અને શહેરોની એક ક્ષમતા હોય છે જેમાં કેટલું પાણી જઈ શકે. જ્યારે શહેર વસે છે ત્યારે નક્કી થાય છે કે કેટલી ક્ષમતા ધરાવનારું ડ્રેનેજ સિસ્ટમ શહેર માટે રાખવું જોઈએ. પરંતુ પછી થાય છે એવું કે અનેક ગેરકાયદેસર અને અયોગ્ય વસાહત વસવા લાગે છે અને આનાથી નદી-નાળામાં જે પાણી જાય છે એ તેની ક્ષમતાથી ખૂબ જ વધુ હોય છે, જેના માટે તે તૈયાર નથી.
એટલે આપણે એ સ્થિતિ જોઈએ છીએ જેમાં આપણે ગત શનિવારે અને રવિવારે દિલ્હી, હરિયાણા, પંજાબ અને યુપીના વિસ્તારોમાં જોઈ.
નદી-નહેરોની આસપાસના વિસ્તારોમાં વસાહતના વસવાટથી આ સાંકડા થઈ જાય છે.
નિયમ એ કહે છે કે નદી-નાળાના કૅચમૅન્ટ વિસ્તારોમાં કોઈ પણ પ્રકારનો વસવાટ ન થાય પરંતુ મોટાભાગે એ જોવામાં આવ્યું છે કે આજ વિસ્તારોમાં લોકો કોઈ જ પ્રકારની તૈયારી વગર વસવાટ કરવા લાગે છે. એ ખૂબ જ જરૂરી છે કે જે પ્લાન શહેરોમાં પાણીના નિકાલ માટે બનાવવામાં આવે તેને લાગુ કરવામાં આવે પરંતુ એ હકીકતમાં થતું નથી અને આજ સમસ્યાનું મૂળ છે.
આજ નિયમ મોટી-મોટી સોસાયટી અને રહેણાક ઍપાર્ટમૅન્ટ માટે પણ લાગુ પડે છે. આપણે ઘણી સોસાયટીનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર જોયા જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ હતી . ઘણાં લોકોના ફ્લૅટ ડૂબી ગયા છે.
કોઈ પણ બિલ્ડરની જવાબદારી હોય છે કે જ્યારે સોસાયટીનું પ્લાનિંગ કરે છે, એજ સમયે એ પણ પ્લાન કરે કે જો બાહ્ય પરિબળોથી પાણી આવશે તો તેના નિકાલનો માર્ગ શું હોઈ શકે?
સાથે એ પણ જોવાનું હોય છે કે કઈ હદ સુધી પાણી બાહ્ય પરિબળોથી આવી શકે છે. આ બધું જ એક ગણતરી ઉપર આધારિત હોય છે. કોઈ પણ શહેરનાં પ્લાનિંગ માટે ત્યાંના 30થી 50 વર્ષના ડેટા જોવામાં આવે છે જેથી એ અંદાજ લગાવી શકાય કે ત્યાં કેટલો ઓછો કે કેટલો વધુ વરસાદ થવાને લઈને ઇતિહાસ રહ્યો છે.
પરંતુ જે રીતની પરિસ્થિતિ છે એને જોઈને એ કહેવું પડશે કે જમીન ઉપર આ તમામ નિયમ કાયદા યોગ્ય રીતે લાગુ નથી થઈ રહ્યા.
બધું જ એકબીજા સાથે સંકળાયેલું છે એ સમજવું પડશે. નાળું, નહેરોમાં ભળે છે, આ નહેર સહાયક નદીઓમાં ભળે છે, આ સહાયક નદીઓ નદીમાં ભળે છે અને નદી સમુદ્રમાં જઈ ભળે છે.
દિલ્હીની વાત કરીએ તો જો યમુના નદીમાં વધુ પાણી આવી ગયું તો એની આસપાસના વિસ્તારોમાં પૂરની સ્થિતિ થઈ જશે. જો કોઈ રીતે પાણીને જગ્યા આપી નિકાસ કરવામાં આવે તો પશ્ચિમી ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં પૂર આવી જશે. આ બધું જ જોડાયેલું છે.
ભારત સરકારનો એક મોટો પ્રોજેક્ટ હતો જેમાં કેવી રીતે જળબંબાકારની સ્થિતિમાં એક નદીને અન્ય નદી સાથે જોડી આ સંકટનો સામનો કરી શકાય એના ઉપર કામ કરવાનું અભિયાન ચાલાવવામાં આવ્યું, જોકે આ દિશામાં એટલું કામ નથી થઈ શક્યું જેટલું હોવું જોઈતું હતું.
જળબંબાકારની સ્થિતિથી બચવાના ઉપાય?
એસએચ સંચેતી કહે છે કે જળબંબાકારની સ્થિતિથી બચવા તમારે શું કરવું જોઈએ-
સોસાયટીમાં રહેનારા લોકોની જવાબદારી છે કે ચોમાસું બેસે તે પહેલાં જ પાણીનો નિકાલ જ્યાંથી થાય છે, એ તમામ પૉઇન્ટને તપાસી લે કે ક્યાંક તે જામ તો નથી થયાં ને.
આ કાર્ય હળીમળીને કરી શકાય છે.
દરેક ઇંચ જમીન માટે ડ્રેનેજ પ્લાન હોવો જોઈએ, આ પ્લાન હોવો જ જોઈએ કે પાણી આવશે તો આખરે નીકળશે ક્યાંથી?
આ પ્રકારના વરસાદની પરિસ્થિતિમાં સોસાયટીની પાસે હોડી અને લોકો માટે લાઇફ જાકીટ હોવા જોઈએ. કટોકટીની સ્થિતિમાં તૈયારી સંપૂર્ણ હોવી જોઈએ.
સરકારી સ્તરે એ નક્કી કરવું ખૂબ જ જરૂરી છે કે તેઓ ગેરકાયદેસર વસવાટનો અભ્યાસ કરે અને જુએ કે વસાહત કૅચમૅન્ટ વિસ્તારમાં આવી રહી છે તો એમને ખાલી કરાવવામાં આવે. આ વિસ્તારમાં રહેનારા લોકોને સુરક્ષિત સ્થળે સરકાર સહાયતા આપી આવાસ આપે.
સરકારી વિભાગો પાસે પાછલાં 50 વર્ષના આંકડા હોય છે અને તેમનો અભ્યાસ કરીને એ જોવું જોઈએ કે કયા વિસ્તારોમાં ભૂતકાળમાં અતિભારે વરસાદથી પાણી ભરાયાં છે.
આ વિસ્તારોમાં બાંધકામના હિસાબે શું બદલાવ કરવાની જરૂર છે અને કેવી રીતે તકનીકના ઉપયોગથી પાણી જમા થાય કે તરત નિકાલ કરી શકાય છે એનો અભ્યાસ કરવો જોઈએ અને તકનીકને વિકસિત કરવી જોઈએ.