You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાન ઉપર સર્જાયું લૉ-પ્રેશર, ગુજરાતના કયા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી?
સમગ્ર ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે અને મોટા ભાગના વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયામાં ખૂબ સારો વરસાદ થયો છે. જોકે, હવે રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ ધીમી પડી જશે તો કેટલાક વિસ્તારોમાં અટકી જશે.
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર હજી ગુજરાતમાં પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા છે પરંતુ ભારેથી અતિભારે વરસાદમાં ઘટાડો થવાની શક્ચતા છે.
રાજસ્થાન પર સર્જાયેલી લૉ-પ્રેશર સિસ્ટમ હવે નબળી પડી ગઈ છે અને તે સાયક્લૉનિક સર્ક્યુલેશન બની ગયું છે. આ સિસ્ટમ હવે ઉત્તર-પૂર્વ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની આસપાસ પહોંચી છે એટલે કે ગુજરાતથી દૂર ગઈ છે.
જેના કારણે મૉન્સુન ટ્રફ પણ ઉત્તર ભારત તરફ ખસી છે અને રાજસ્થાનના બિકાનેરથી મધ્ય પ્રદેશના સતના તરફ આગળ વધીને બંગાળ સુધી પહોંચી રહી છે.
એના કારણે ગુજરાતમાં પડી રહેલા વરસાદમાં આજે ઘટાડો થવાની સંભાવના છે પરંતુ વરસાદ સાવ બંધ નહીં થાય અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતા હજી રહેલી છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાત સહિત પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
'બિપરજોય' વાવાઝોડાને કારણે રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ થયો હતો. જે બાદ વરસાદે વિરામ લીધો હતો અને રાજ્યના કેટલાક વિસ્તારોએ ચોમાસાની રાહ જોવી પડી હતી.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસાની વિધિવત શરૂઆત 25 જૂનના રોજ થઈ હતી અને 27 જૂન સુધીમાં એટલે કે માત્ર બે દિવસમાં ચોમાસું સમગ્ર રાજ્યમાં પહોંચી ગયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જુલાઈ મહિનાની શરૂઆતથી જ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો છે અને અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.
ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી?
હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં હજી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
11 જુલાઈના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ગાંધીનગર, મહિસાગર, ખેડા, દાહોદ અને પંચમહાલ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. કોઈ સ્થળે ભારેથી થોડો વધારે વરસાદ પણ પડવાની સંભાવના છે.
આ સિવાય આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત અને તાપી જિલ્લામાં પણ કેટલાંક સ્થળોએ વધારે વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે.
હવામાન વિભાગ અનુસાર આવનારા બેથી ત્રણ દિવસ સુધી હજી ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત તથા દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં કોઈ સ્થળોએ ભારે વરસાદ શક્યતા છે.
ગુજરાતમાં વરસાદનું જોર કયા દિવસથી ઘટશે?
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી રહ્યો છે, પરંતુ હવે ધીમેધીમે વરસાદનું જોર ઘટવાની સંભાવના દેખાઈ રહી છે. 11 જુલાઈથી સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જે બાદ 12 જુલાઈથી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર ઘટી જશે.
12 જુલાઈ બાદ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છુટોછવાયો વરસાદ પડે તેવી શક્યતા છે, ભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે.
જોકે, દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના વિસ્તારો તથા અમરેલી, ભાવનગર અને ગીર-સોમનાથના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. એટલે કે ગુજરાતમાં બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે અને ઘણા વિસ્તારોમાં વરસાદી ગતિવિધિ બંધ થવાની શક્યતા દેખાઈ રહી છે.
ગુજરાતમાં અત્યાર સુધી કેટલો વરસાદ?
ગુજરાતમાં ચોમાસું તેની નિર્ધારિત તારીખ 15 જૂન કરતાં 10 દિવસ મોડું પહોંચ્યું હોવા છતાં અત્યાર સુધી તેની ચોમાસાની સિઝનનો 40 ટકા જેટલો વરસાદ પડી ગયો છે.
અત્યાર સુધીમાં સૌથી વધારે વરસાદ કચ્છ અને બનાસકાંઠામાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. કુલ છ જિલ્લાને બાદ કરતાં બાકીના બધા જિલ્લાઓમાં તેની સરેરાશ કરતાં વધારે વરસાદ થયો છે.
9 જુલાઈ સુધીના આંકડા પર નજર કરીએ તો ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તેની સરેરાશ કરતાં 39 ટકા વધારે વરસાદ થયો છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં અત્યાર સુધીમાં તેની સરેરાશના 197 ટકા વધારે વરસાદ થયો છે.
રાજ્યમાં વાવાઝોડા અને ત્યારે બાદ આવેલા ચોમાસાને કારણે સારો વરસાદ થયો છે. બિપરજોય વાવાઝોડાને કારણે ઉત્તર ગુજરાત, કચ્છ તથા સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો હતો.