હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે 'હાહાકાર', નદીઓ ગાંડીતૂર અને ઉત્તર ભારતમાં કેટલાંય મૃત્યુ

    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

હિમાચલ પ્રદેશમાં બે દિવસથી અતિભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ છે.

હિમાચલ પ્રદેશના મંડીથી બીબીસી હિંદીના સહયોગી આદર્શ રાઠૌર અનુસાર નદીઓ અને ધારાઓ છલકાઈ રહ્યાં છે અને ભૂસ્ખલન તથા ઘર-ગાડીઓ તૂટવાના અને તણાઈ જવાના સમાચાર આવી રહ્યા .

અત્યાર સુધી રાજ્યમાં 17 લોકોનાં મૃત્યુ થયાં છે અને વરસાદને કારણે મૃત્યુનો આંકડો વધી શકે તેવી સંભાવના છે.

સૌથી વધારે નુકસાન મંડી અને કુલ્લી જિલ્લામાં થયું છે. બિયાસ નદીમાં જળસ્તર ગત કેટલાંય વર્ષોના રેકૉર્ડ સ્તર પર પહોંચી ગયું છે.

કુલ્લુથી મંડીના ધરમપુર સુધીમાં છ બ્રિજ ધોવાઈ ગયાના સમાચાર છે. આમાંથી કેટલાક બ્રિજ સો વર્ષથી પણ જૂના હતા.

રાજ્યમાં 800થી વધુ નાના રસ્તાઓ અને છ રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ છે. રાહત અને બચાવકાર્યમાં પણ વરસાદને કારણે બાધા ઉત્પન્ન થઈ રહી છે.

કેટલાક રસ્તાઓ શરૂ કરાયા છે પરંતુ વરસાદનાં પાણીમાં રસાતઓનો કેટલોક ભાગ ધોવાઈ ગયો છે. અને ભૂસ્ખલન પણ થયું છે.

વરસાદના પાણીને કારણે કુલ્લુનું વીજમથક નુકસાન પામ્યું છે.અન્ય પાવરપ્લાન્ટ બંધ રહેતા વીજપુરવઠામાં પણ નુકસાન થયું છે.

હાલ, 4500છી વધુ ટ્રાન્સફૉર્મર્સ કામ નથી કરી રહ્યાં. વીજળી ન હોવાને કારણે મોબાઇલ સેવા પણ પ્રભાવિત થઈ છે.

શનિવાર સવારે હિમાચલ પ્રદેશમાં શરૂ થયેલા વરસાદને કારણે પાણી ભરાવાનું શરૂ થયું અને ભૂસ્ખલનનાં દૃશ્યો જોવા મળ્યાં.

કુલ્લુ-મનાલીમાં બિયાસ નદીના કિનારે જ્યાં પર્યટકો ફરવા આવે છે, રવિવારે તેમાં બસો અને ગાડીઓ તરતી હતી.

જોતજોતામાં પાણી કુલ્લુ ખીણના પ્રવેશ સુધી પહોંચી ગયું હતું. 100 કિલોમિટર જૂનો બ્રિજ પણ ધોવાઈ ગયો હતો. મંડી નજીક પંડોહ ડૅમના દરવાજા ખોલવા પડ્યા.

ભારે વરસાદના કારણે દેશના ઉત્તરી અને પશ્ચિમી રાજ્યોમાં પાછલા 24 કલાકમાં ભારે આર્થિક નુકસાન થવાના સમાચાર છે, અનેક લોકોનાં મૃત્યુ પણ થયાં છે.

ભારતીય હવામાન વિભાગે રવિવારે દિલ્હી,ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીરમાં આવનારા 24 કલાકમાં રેડ ઍલર્ટ જાહેર પાડ્યું છે. પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન માટે ઑરૅન્જ ઍલર્ટ બહાર પાડ્યું છે. હવામાન વિભાગે સોમવારે આ વિસ્તારોમાં ચેતવણી આપી હતી.

સોમવારે પણ દિલ્હી, પંજાબ અને હિમાચલમાં ભારે વરસાદનું ઍલર્ટ

ઉત્તર ભારતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. હિમાચલ પ્રદેશ, પંજાબ અને દિલ્હીમાં સોમવારે પણ ભારે વરસાદનું અનુમાન છે.

દિલ્હી અને નોઇડામાં સાવચેતીના પગલે સોમવારે શાળાઓ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

બીજી બાજુ, હરિયાણામાં હથિની કુંડ બરાજમાં બે લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે, જેનાથી યુમના નદી પણ જોખમકારક સ્તરે છે અને ટૂંક સમયમાં જ આ સ્તરને પણ વટાવી જશે.

હવામાન વિભાગ પ્રમાણે, સોમવારે પણ પંજાબ, હરિયાણા-ચંદીગઢ, દિલ્હી અને રાજસ્થાનમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ત્યાં, ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં અતિશય વરસાદનું અનુમાન છે.

ચંદીગઢ નગરનિગમનાં કમિશનર અનિંદિતા મિત્રાએ સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું છે કે શહેરમાં રવિવારે 300એમએમથી વધુ વરસાદ ત્રાટક્યો છે.

કોઈ પણ વણસેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે ત્રણ ઇમર્જન્સી કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે અને સાથે 18 ત્વરીત પ્રતિક્રિયાની ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. તેમણે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવાનું આહવાન કર્યું છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ભારે વરસાદના કારણે પંજાબના ફતેહગઢ સાહિબમાં પૂર જેવી પરિસ્થિતિ બનેલી છે અને લોકોને અહીંથી સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. પંજાબના રોપડ વિસ્તારમાં સોમવારથી વરસાદ સતત વરસી રહ્યો છે.

તો દિલ્હીમાં પીડબલ્યૂડી મંત્રી આતિશીના ઘરમાં પણ રવિવારે વરસાદનું પાણી ઘૂસી ગયું હતું, જેને પાછળથી પંપની મદદથી બહાર કાઢવામાં આવ્યું હતું.

હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વરસાદના કારણે 50 વર્ષ જૂનો પુલ વહી ગયો હતો. રાજ્યામાં બયાસ નદી જોખમકારક સ્તરે છે અને ઘણી જગ્યાએ ગાડી, મકાન પાણીમાં વહી ગયાં છે.

હવામાન ખાતા પ્રમાણે સોમવારે રાજ્યના બિલાસપુર, સોલન, શિમલા, સિરમૌર, ઉના, હમીરપુર, મંડી અને કુલ્લુમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે છે. તો અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ વરસી શકે છે.

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં જિલ્લા પ્રશાસને પોલીસ અને એસડીઆરએફની મદદથી અલગ-અલગ જગ્યાએ ફસાયેલા 36 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે. આ તમામ લોકો ઉઝ નદીમાં અચાનક સર્જાયેલી પૂરની પરિસ્થિતિના કારણે ફસાઈ ગયા હતા.

ભારે વરસાદ પાછળ શું છે કારણ?

ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક નરેશકુમારે સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાતચીતમાં ભારે વરસાદનું મુખ્ય કારણ મજબૂત પશ્ચિમી વિક્ષોભને ગણાવ્યું છે.

દિલ્હીના હવામાન વિજ્ઞાન કેન્દ્રના પ્રમુખ ચરણસિંહે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં આવનારા બે દિવસ સુધી ભારે વરસાદ થવાનું અનુમાન છે.

બીજી બાજુ સમાચાર એજન્સી પીટીઆઈએ ચંદીગઢ હવામાન વિભાગના વૈજ્ઞાનિક એ.કે.સિંહના હવાલાથી જણાવ્યું છે કે દેશમાં આ દિવસોમાં ચોમાસાની સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ ભારતમાં સક્રિય થઈ ગયું છે, જેના લીધે ભારે વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગે યૂટ્યૂબ ઉપર મૂકેલા વીડિયોમાં જણાવ્યું છે કે ઉત્તર પાકિસ્તાનથી ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર સુધી ફેલાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવમાં ભારતનાં પશ્ચિમી અને ઉત્તરી રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે.

વિભાગના અનુસાર, મોનસુન ટ્રેપ અત્યારે રાજસ્થાનના જેસલમેરથી મિઝોરમ સુધી ફેલાયેલો છે.

શું છે રેડ ઍલર્ટનો મતલબ?

હવામાન વિભાગ ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં રેડ ઍલર્ટ બહાર પાડે છે. જેમાં સત્તાધીશોને તાત્કાલીક સક્રિય થવાના સંકેત મળે છે.

ઑરૅન્જ ઍલર્ટ હવામાનના ખરાબ હોવા ઉપર બહાર પાડવામાં આવે છે અને આમાં સત્તાધીશોને ‘તૈયાર રહો’નો સંકેત મળે છે. યલો ઍલર્ટ સત્તાધીશોને સતર્ક રહેવા માટે મળે છે.

ગુજરાતમાં આ સિઝનમાં 52 લોકોના મૃત્યુ

હવામાન વિભાગ પ્રમાણે, ગુજરાતમાં 12 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. રાજ્યના સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. 12 જુલાઈ પછી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઘટે તેવી સંભાવના છે.

ગુજરાતના ઇમર્જેન્સી ઑપરેશન સેન્ટર પ્રમાણે, ચોમાસું બેઠું ત્યારબાદ અત્યાર સુધી રાજ્યમાં વરસાદના કારણે કુલ 52 લોકોનાં મૃત્યુ થઈ ચુક્યાં છે.

દિલ્હીમાં રવિવારે રૅકોર્ડ વરસાદ

રાજધાની દિલ્હીમાં રવિવારે મુશળધાર વરસાદ થયો. સમાચાર એજન્સી પીટીઆઈએ ભારતીય હવામાન વિભાગના હવાલેથી જણાવ્યું કે રવિવારે સવારે સાડા આઠથી સાડા પાંચની વચ્ચે દિલ્હીમાં 12.61 સેન્ટિમિટર વરસાદ નોંધાયો હતો.

આની પહેલાં શનિવારે પણ દિલ્હીમાં લગભગ 12 સેન્ટિમિટર વરસાદ નોંધાયો હતો.

દિલ્હીના અનેક વિસ્તારો ભારે વરસાદના કારણે પાણીમાં ગરકાવ છે. રાજધાનીના પૉર્શ વિસ્તાર લુટિયંસ ઝોનમાં ઘણા મંત્રીઓના બંગલાઓમાં વરસાદનાં પાણી ભરાઈ ગયાં છે.

દિલ્હીની ખરાબ હાલતને જોઈને દિલ્હીના મેયર શૈલી ઓબેરૉયે સોમવારે એમસીડીની તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

આની પહેલાં દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ તમામ સરાકારી કર્મચારીઓને રવિવારે રજા રદ કરવાના આદેશ આપ્યા હતા.

હિમાચલ પ્રદેશમાં પાંચ લોકોના મૃત્યુ

હિમાચલ પ્રદેશમાં વરસાદના કારણે શહેરમાં પાંચ લોકોનાં મૃત્યું થયાં છે.

આના સિવાય પ્રદેશમાં ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર અલગ-અલગ જગ્યાએ પથ્થરો પડવાથી રસ્તામાં અવરોધ પેદા થઈ ગયો હતો.

બીબીસીના સહયોગી પત્રકાર પંકજ શર્માએ જણાવ્યું કે કુદરતના આ કહેરમાં રાજ્યમાં અનેક રસ્તાઓ, ઘરો અને પુલો ફસાઈ ગયાં છે.

પાછલા 24 કલાકથી વધુ સમયથી થઈ રહેલા વરસાદે રસ્તા, રેલ અને હવાઈ સેવા ખરાબ રીતે પ્રભાવિત કરી છે. જેનાથી જાનમાલને ભારે નુકસાન પહોંચ્યું છે.

વરસાદના કારણે અનેક ઘરો ક્ષતિગ્રસ્ત પણ થયાં છે અને પરિસ્થિતિને ધ્યાને રાખતા મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સુક્ખુએ રાજ્યની તમામ શાળા, કૉલેજો અને વિશ્વવિદ્યાલયોને આવનરા બે દિવસ માટે બંધ કરવાના આદેશ આપ્યા હતા.

રાજ્યના શિમલા, મંડી અને કુલ્લૂ જિલ્લામાં ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્યની અનેક નદીઓ અને નાળા જોખમકારક સ્તરે છે.

હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લાઓમાંથી 10 માટે રેડ ઍલર્ટ આપ્યું છે. આ દરમિયાન ભારે એટલે કે 20 સેન્ટિમિટરથી વધુ વરસાદ વરસે તેવી સંભાવના છે.

સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા અમુક વીડિયોમાં હિમાચલ પ્રદેશના હોવાનો દાવો કરીને પાણીના ભારે વહેણમાં અનેક કારો વહેતી જોવા મળી હતી.

હરિયાણામાં ગુરુગ્રામની ખરાબ હાલત

હરિયાણામાં પણ ભારે વરસાદથી જનજીવન બેહાલ થઈ ગયું છે. દિલ્હીની બાજુમાં આવેલ ગુરુગ્રામથી સામે આવેલા વીડિયોમાં સમગ્ર શહેર તળાવમાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે.

આવી પરિસ્થિતિને ધ્યાને રાખતા ગુરુગ્રામ જિલ્લા સત્તાધીશોએ જિલ્લાના તમામ કૉર્પોરેટ કાર્યાલયો અને પ્રાઇવેટ સંસ્થાનોને સલાહ આપી હતી કે પોતાના કર્મચારીઓને સોમવારે એટલે કે 10 જુલાઈએ ઘરેથી કામ કરવા માટે કહે, જેથી રસ્તા ઉપર જામની સમસ્યાથી બચી શકાય. સાથે જ શહેરની શાળાઓ અને કૉલેજોને બંધ રાખવાની ઘોષણા કરી છે.