You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં હજુ ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી, કયા જિલ્લામાં મેઘમહેર થશે?
સમગ્ર ગુજરાતના જિલ્લામાં હાલ ભારે અથવા તો સામાન્ય વરસાદ પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના સમાચાર પણ મળી રહ્યા છે.
તો હવામાન વિભાગની આગાહી અનુસાર, હજુ પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર રહે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ચોમાસું જામ્યું છે અને કેટલીક જગ્યાએ ધોધમાર પણ પડી રહ્યો છે.
તો ગુજરાત સહિત ઉત્તર ભારતમાં વરસાદ પડી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.
રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના હવાલાથી સમાચાર એજન્સી પીટીઆઈએ કહ્યું કે રવિવાર સવારે સાડા આઠ વાગ્યાના આંકડા અનુસાર, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 153 મિમી વરસાદ નોંધાયો છે, જે જુલાઈ 1982 બાદ સૌથી વધારે છે.
ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી
હવામાન વિભાગ અનુસાર, ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવામાન વિભાગની આગાહી અનુસાર, 9 જુલાઈથી 12 જુલાઈ સુધી વરસાદનું જોર રહેશે. એટલે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડશે.
આ દિવસોમાં ગુજરાતમાં કેટલીક જગ્યાએ ધોધમાર વરસાદ, તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ પડી શકે છે.
12 જુલાઈ બાદ ગુજરાતમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે.
કચ્છ, બનાસકાંઠા, મોરબી, પાટણ, જામનગર, રાજકોટ, મહેસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ સહિતના જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.
બાકીના જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે.
તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આવતી કાલથી વરસાદનું જોર ઘટે તેવી શક્યતા છે.
ગુજરાતમાં હાલ શું છે સ્થિતિ?
બીબીસી ગુજરાતીના સહયોગી બિપિન ટંકારિયાએ માહિતી આપી હતી કે હવામાનની આગાહી અનુસાર, રાજકોટમાં 10 જુલાઈના રોજ જિલ્લામાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે, જ્યારે 11 જુલાઈના રોજ જિલ્લાનાં કેટલાંક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે.
રાજકોટ સિંચાઈ પૂર વર્તુળ એકમની યાદી અનુસાર જણાવાયું છે કે, જિલ્લાના 13 ડૅમોમાં છેલ્લા 24 કલાકમાં નવાં નીરની આવક થઈ છે.
જળાશયોના કૅચમેન્ટ વિસ્તાર મુજબ ફોફળ ડૅમમાં 08 મિમી, વેણુ-2 ડૅમમાં 05 મિમી, આજી-2 ડૅમમાં 11 મિમી, સુરવો ડૅમમાં 15 મિમી, ડોંડી ડૅમમાં 10 મિમી, વેરી ડૅમમાં 30 મિમી, ન્યારી-1 ડૅમમાં 12 મિમી, ન્યારી-2 ડૅમ અને લાલપરી ડૅમમાં 15 મિમી, છાપરવાડી-2 ડૅમમાં 13 મિમી, ઇશ્વરિયા ડૅમ અને કરમાળ ડૅમમાં 10 મિમી, ઘેલા સોમનાથ ડૅમમાં 05 મિમી વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં વરસાદના લીધે ભાદર ડૅમમાં 0.43 ફૂટ, આજી -1 ડૅમ, લાલપરી ડૅમ અને છાપરવડી-2 ડૅમમાં 0.33 ફૂટ, આજી-2 ડૅમમાં 0.98 ફૂટ, ન્યારી-1 ડૅમમાં 0.16 ફૂટની જળસપાટીમાં વધારો નોંધાયો છે.
ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે, ત્યારે બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવાએ માહિતી આપી હતી કે, વરસાદને કારણે સુરેન્દ્રનગરના દૂધરેજ ગામમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકો રોષે ભરાયા હતા.
ઉપરાંત સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે સુરેન્દ્રનગરમાં આજે મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
ધ્રાંગધ્રા પંથકમાં વરસાદને કારણે ઇસ્દ્રા ગામની શીમમાં મોટરસાયકલ પર ઘર તરફ આવી રહેલા ત્રણ લોકો પર વીજળી પડતા ઈજાગ્રસ્ત થયા છે.
આ દંપતી સહિત ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ પ્રાથમિક સારવાર આપી રજા આપી હતી.
હિમાચલમાં ભારે વરસાદથી તબાહી, દિલ્હીમાં ધોધમાર
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. રાજ્યમાં અનેક રસ્તાઓ બંધ છે અને ઝેલમ અને ચિનાબ ગાંડીતૂર બની છે.
ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત છે અને સેંકડો પ્રવાસીઓ ફસાયા છે.
તો હિમાચલ પ્રદેશમાં પણ ભારે વરસાદને કારણે તબાહી સર્જાઈ છે.
રવિવારે પણ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડ્યો હતો અને હવામાન વિભાગે રાજ્યના સાત જિલ્લામાં રેડ ઍલર્ટ જારી કર્યું છે.
ભારે વરસાદને કારણે રાજ્યના ઘણા જિલ્લામાં બિયાસ નદી ગાંડીતૂર બની છે અને અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનના રિપોર્ટ છે.
સોશિયલ મીડિયામાં વરસાદ બાદની તબાહીના કેટલાક વીડિયો પણ વાઇરલ થઈ રહ્યા છે.
એક વીડિયોમાં ચંદીગઢ મનાલી હાઈવે પર રોડનો કેટલાક ભાગ વહી જતો દેખાઈ રહ્યો છે.
ભૂસ્ખલન અને વાદળ ફાટવાને લીધે શિમલા, સિરમૌર, લાહૌલ, સ્પિતિ, ચંબા અને સોલન જિલ્લામાં અનેક રસ્તા અવરજવર માટે બંધ છે.