હિમાચલ પ્રદેશ: બિયાસ નદીની આસપાસ જ વરસાદે સૌથી વધુ તબાહી કેમ મચાવી?

    • લેેખક, અર્ચના ફુલ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી હિન્દી માટે

છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે હિમાચલ પ્રદેશમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

બિયાસ, સતલુજ, રાવી, ચિનાબ (ચંદ્ર અને ભાગા) અને યમુના નદીઓ વહી રહી છે. પાણી અને ભારે પવનોને કારણે જનજીવન ખોરવાયું છે.

સંવેદનશીલ વિસ્તારોમાં બિયાસ નદી પાસે ગીચ વસતી ધરાવતાં કુલ્લુ અને મનાલીમાં ભારે તબાહી મચી છે. કુદરત સાથે ખિલવાડ કરવાનું આ પરિણામ છે.

મંડીથી મનાલી સુધીનો હાઈવે ઘણી જગ્યાએ બંધ છે. રસ્તાના અનેક ભાગો તૂટી ગયા છે. છેલ્લા બે દિવસમાં તેજ ગતિએ વહેતા પાણીને કારણે અનેક જગ્યાએ પુલ, ઇમારતો અને વાહનો વહી ગયાં છે.

હિમાચલ પ્રદેશમાં કમસે કમ 20નાં મોત

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને લીધે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે અને અત્યાર સુધીમાં 20 લોકોનાં મોત થયાં છે.

રાજ્યના મંત્રી જગતસિંહ નેગીએ વર્તમાન સ્થિતિ અંગે જણાવ્યું કે “અત્યાર સુધીમાં 20 લોકોનાં મોત થયાં છે. મોટા ભાગના લોકોનાં મોત રોડ દુર્ઘટનાને કારણે થયાં છે. ભૂસ્ખલન અને અચાનક આવેલા પૂરથી મરનારની સંખ્યા વધુ નથી.”

રાજ્યના આપદા પ્રબંધન વિભાગના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશમાં 29 સ્થળોએ ભૂસ્ખલન થયું છે, એક જગ્યાએ આભ ફાટ્યું છે, 24 જગ્યાઓ પર પૂર આવ્યું છે, 825 રસ્તાઓને નુકસાન થયું છે અને 4597 વીજ લાઇનો ખરાબ થઈ ગઈ છે.

આ સિવાય પાણીની 795 પાઇપો પણ તૂટી ગઈ છે.

ભારે વરસાદને કારણે પર્વત પરથી વહેતા પાણીની સાથે કાટમાળ પણ આવી રહ્યો છે અને શિમલા-કાલકા હાઈવેને વારંવાર બંધ કરવો પડી રહ્યો છે. તીવ્ર પાણી સાથે પથ્થરો પણ પડી રહ્યા છે અને ભૂસ્ખલન પણ થઈ રહ્યા છે.

ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ સ્થાનિકો અને પ્રવાસીઓ ફસાયેલા છે. એનડીઆરએફની ટીમોએ પણ ઘણા લોકોને બચાવ્યા છે.

મંડીમાં રહેતા કેટલાક વૃદ્ધોનું કહેવું હતું કે, તેમણે બિયાસ નદીમાં આ પ્રકારનું પાણી પહેલાં ક્યારેય જોયું નથી.

વરિષ્ઠ ફોટો પત્રકાર બીરબલ શર્મા કહે છે કે, “બિયાસ નદીમાં પાણીએ તમામ રેકૉર્ડ તોડી નાખ્યા છે. પ્રાચીન પંચવક્ત્ર મંદિર પણ ડૂબી ગયું છે, મારા જીવનકાળ દરમિયાન આવું ક્યારેય થયું નથી.”

મુખ્ય મંત્રી સુખવિંદરસિંહ સૂક્ખૂનું કહેવું છે કે, પ્રારંભિત અંદાજ પ્રમાણે રાજ્યને ત્રણથી ચાર હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું હશે.

પર્યાવરણવિદનું શું કહેવું છે?

દેવભૂમિ તરીકે ઓળખાતા હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જે તબાહી સર્જાઈ છે, તે અણધારી નથી.

છેલ્લા કેટલાક દાયકાઓમાં પર્યટનનું કેન્દ્ર ગણાતા આ પર્વતીય રાજ્યે વિકાસની દૃષ્ટિએ મેદાનોના માર્ગે ચાલવાનો પ્રયાસ કર્યો છે અને તેનું પરિણામ કુદરતી આફતોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.

ભલે તે નબળા પર્વતોમાં ફોર લેન હાઈવે બનાવવાનો હોય કે હાઇડ્રો પ્રોજેક્ટ માટે ટનલ ખોદવાનો હોય- આના કારણે પર્વતો અને પથ્થરો ખસે છે.

દરેક જગ્યાએ આડેધડ, ભારે અને અસુરક્ષિત બાંધકામો થઈ રહ્યાં છે અને બાંધકામનો કચરો નદીઓ અને તેની ઉપનદીઓ સુધી પહોંચી રહ્યો છે. આ બધાએ મળીને વરસાદની તબાહીમાં વધારો કર્યો છે.

હિમાચલ પ્રદેશમાં કથિત અવૈજ્ઞાનિક નદીના ખોદકામે પણ આવી આપત્તિઓના વધતા જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

પર્યાવરણવિદો માને છે કે હિમાચલ પ્રદેશની નદીઓ, ખાસ કરીને બિયાસ નદીના કારણે સર્જાયેલી ભારે તબાહીનું એક કારણ ખાસ કરીને સ્પષ્ટ છે.

તેમજ તેની સરખામણી વર્ષ 2000માં સતલુજ નદીમાં આવેલા પૂર સાથે કરી શકાય. ત્યારે રામુપર શહેરમાં ભારે તબાહી સર્જાઈ હતી, ત્યાં નદી પાસે બનેલા બાંધકામમાં ઘણા લોકો રહેતા હતા.

વિનાશ માટે કોણ જવાબદાર?

બિયાસ નદીના તટપ્રદેશમાં પણ નદીની આસપાસ બાંધકામ પહોંચી ગયું છે, એવામાં અચાનક આવેલા પૂરને કારણે નુકસાનનું જોખમ વધી ગયું છે.

વાસ્તવમાં તે થયું પણ છે, બિયાસમાં ઝડપથી આગળ વધી રહેલા પાણીએ પોતાનો માર્ગ બદલ્યો છે અને મનાલીથી મંડી વચ્ચેનાં અમુક મકાનો, વાહનો, પ્રાણીઓ અને કેટલીક જગ્યાએ રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ભાગો પણ ધોવાઈ ગયા છે.

આમ પણ બિયાસની ઝડપ આ વિસ્તારમાં તેજ હોય છે અને રસ્તાથી પાણી ઘણું નથી હોતું.

પર્યાવરણ વિશેષજ્ઞ સંજય સહગલ કહે છે કે, “આ પર્યટન સંચાલિત રાજ્યમાં આપણે વિકાસનું મૉડલ અપનાવવાનો સમય આવી ગયો છે, જે પર્યાવરણને અનુકૂળ હોય. આપણે કુદરત સાથે છેડછાડ ન કરવી જોઈએ. અવૈજ્ઞાનિક વિકાસ કાર્યો માટે પર્વતોનો બ્લાસ્ટિંગ અને બાંધકામના કાટમાળનો ડમ્પ આયોજન વિના અને અને પર્વતીય માર્ગો પર ચાલતા વાહનોની અનિયંત્રિત સંખ્યાનાં પ્રતિકૂળ પરિણામો આવી શકે છે. અમે તેનો અહેસાસ કરી શકતા નથી.”

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ દ્વારા 2017માં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે હિમાચલ પ્રદેશમાં કુલ 118 હાઇડ્રો પ્રોજેક્ટ છે, જેમાંથી 67 ભૂસ્ખલન ઝોનમાં છે.

રાજ્યના આદિવાસી પ્રભુત્વ ધરાવતા જિલ્લાઓમાં કિન્નૌર, કુલ્લી અને અન્ય ભાગોમાં હાઇડ્રો પ્રોજેક્ટ સ્થાપવામાં આવી રહ્યા હતા, ત્યારે પર્યાવરણવિદ અને પ્રભાવિત સ્થાનિક નાગરિકોએ તેનો વિરોધ પણ કર્યો હતો અને ઘણાં જાહેર અભિયાનો પણ હાથ ધરાયાં હતાં.

જોકે તત્કાલીન સત્તાધારી રાજકીય દળોએ તેને નજરઅંદાજ કરી દીધા હતા.

જાણીતા પર્યાવરણવિદ કુલભૂષણ અભિમન્યુ કહે છે કે, “પર્યાવરણવિદ જાગૃત છે અને પર્યાવરણની રક્ષા માટે વિકાસના પરિપ્રેક્ષ્યને પુન:લક્ષી કરીને લાંબા ગાળે એક મોટી ભૂમિકા ભજવવા માટે રાજકીય નેતૃત્વ તરફ જોઈ રહ્યા છે.”

ચંબા જિલ્લામાં રહેવાસી અને ચિપકો આંદોલનનો ભાગ રહેલા અભિમન્યુ કહે છે કે, “પ્રકૃતિના આ આક્રોશ પરથી શીખ લેવાનો સમય આવી ગયો છે, આ સંવેદનશીલ પર્યાવરણ અને પરિસ્થિતિને જોતા નાજુક વિસ્તારમાં પર્યાવરણની કિંમતે થઈ રહેલા અસંતુલિત વિકાસના કારણે પ્રકૃતિનો પ્રકોપ વધી રહ્યો છે.”

અભિમન્યુ કહે છે કે, હિમાચલ પ્રદેશ એક પર્યટન રાજ્ય છે અને લોકો અહીં કુદરતી નજારો જોવા આવે છે.

તેઓ સવાલ કરે છે કે, “જુઓ અમે કુદરત સાથે ખિલવાડ કરીને આપણા સુંદર પર્વતો સાથે શું કરી રહ્યા છે. તેના બદલામાં કુદરત પણ આપણા માટે ખતરનાક થઈ રહ્યું છે. આપણને ફોર લેનવાળા માર્ગની જરૂર શું છે, આપણને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હાઇડ્રો પ્રોજેક્ટની જરૂર કેમ છે, જે પર્વતોને અંદરથી ખોખલા બનાવી રહ્યા છે? આપણે આવા પ્રોજેક્ટ શરૂ કરતા પહેલાં પર્વતો અને નદીઓની વહન ક્ષમતાનો અભ્યાસ કેમ કરતા નથી, જેથી પર્યાવરણને બચાવી શકાય.”