You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડ્રાઇવર પુત્ર સુખવિંદરસિંહ સુક્ખૂ હિમાચલ પ્રદેશના મુખ્ય મંત્રીપદ સુધી કેવી રીતે પહોંચ્યા?
- લેેખક, પંકજ શર્મા
- પદ, બીબીસી હિન્દી માટે, શિમલાથી
મુખ્ય અંશો
- સુખવિંદરસિંહ સુક્ખૂના પિતા હિમાચલ પ્રદેશ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશનમાં ડ્રાઈવર હતા
- સુક્ખૂ કૉલેજકાળથી જ કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા
- તેઓ રાહુલ ગાંધીના નજીકના ગણાય છે
- સુક્ખૂને રાજ્યના દિગ્ગજ કૉંગ્રેસી નેતા વીરભદ્રસિંહના વિરોધી તરીકે પણ જોવામાં આવે છે
- હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસના તમામ મુખ્ય મંત્રીઓ રાજપૂત જાતિના છે અને સુક્ખૂ પણ રાજપૂત છે
હિમાચલ પ્રદેશના નાદૌન વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય અને કૉંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ સુખવિંદરસિંહ સુક્ખૂ રાજ્યના નવા મુખ્ય મંત્રી બની ગયા છે.
ચોથી વખત ધારાસભ્ય બનેલા સુખવિંદરસિંહે 11 ડિસેમ્બરે મુખ્ય મંત્રીપદના શપથ લીધા છે.
હિમાચલ પ્રદેશના હમીરપુર જિલ્લાના નાદૌન તાલુકાના સેરા ગામના રહેવાસી સુખવિંદરસિંહ સુક્ખૂનો જન્મ 26 માર્ચ, 1964ના રોજ થયો હતો.
એક સામાન્ય પરિવારમાં જન્મેલા સુખવિંદરસિંહ સુક્ખૂના પિતા રસિલસિંહ હિમાચલ રોડ ટ્રાન્સપૉર્ટ કૉર્પોરેશન, શિમલામાં ડ્રાઇવર હતા.
આ પહેલાં હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસના ત્રણ મુખ્ય મંત્રીએ શાસન કર્યું હતું. યશવંતસિંહ પરમાર, ઠાકુર રામલાલ અને ડૉ. વીરભદ્રસિંહ.
ત્રણેય રાજપૂત જાતિના હતા. આ વખતે પણ કૉંગ્રેસે રાજપૂત જાતિના સુક્ખૂને મુખ્ય મંત્રી બનાવવાનો નિર્ણય કર્યો છે.
2011ની વસ્તીગણતરી મુજબ, હિમાચલ પ્રદેશની 50.72 ટકા વસ્તી ઉચ્ચ જાતિની છે. તેમાંથી 32.72 ટકા રાજપૂત અને 18 ટકા બ્રાહ્મણો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
25.22% અનુસૂચિત જાતિના, 5.71% અનુસૂચિત જનજાતિના, 13.52% ઓબીસી અને 4.83% અન્ય સમુદાયોના છે.
સુખવિંદરસિંહનાં માતા સંસાર દેવી ગૃહિણી છે. સુખવિંદરસિંહ સુક્ખૂએ શરૂઆતના અભ્યાસથી લઈને એલએલબી સુધીનો અભ્યાસ હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં કર્યો છે.
સુખવિંદરસિંહ સુક્ખૂ તેમનાં ચાર ભાઈ-બહેનમાં બીજા નંબરે છે. તેમના મોટા ભાઈ રાજીવ સેનામાંથી નિવૃત્ત છે. તેમની બે નાની બહેન પરિણીત છે.
સુખવિંદરસિંહ સુક્ખૂનાં લગ્ન 11 જૂન, 1998ના રોજ કમલેશ ઠાકુર સાથે થયાં હતાં. તેમને બે દીકરી છે જે દિલ્હી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.
સુખવિંદરસિંહ સુક્ખૂએ કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ સાથે પોતાની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. અહીં તેઓ શિમલાની સંજૌલી કૉલેજમાં વર્ગ પ્રતિનિધિ અને વિદ્યાર્થી કેન્દ્રીય સંઘના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા.
આ પછી તેઓ સંજૌલીની સરકારી કૉલેજમાં સ્ટુડન્ટ સેન્ટ્રલ ઍસોસિયેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા. અહીં તેમણે યુવા વિદ્યાર્થીઓમાં જબરદસ્ત પકડ જમાવી હતી. પછી તેઓ ધીરે ધીરે એક મજબૂત યુવા નેતા તરીકે ઊભરી આવ્યા.
એનએસયુઆઈની પ્રદેશ પ્રમુખથી શરૂઆત
આ એ સમયગાળો હતો જ્યારે હિમાચલ પ્રદેશના રાજકારણમાં કૉંગ્રેસ અને વીરભદ્રસિંહ, સુખરામ અને ભાજપના શાંતાકુમાર જેવા મોટા નેતાઓનું વર્ચસ્વ હતું.
દરમિયાન સુખવિંદરસિંહ સુક્ખૂએ 1988માં એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષનું પદ સંભાળ્યું હતું. ત્યાર બાદ 1995માં તેમને યુવા કૉંગ્રેસના પ્રદેશ મહાસચિવનો પદભાર મળ્યો હતો. તે એક મોટી જવાબદારી હતી.
સુખવિંદરસિંહ સુક્ખૂ વિશે વરિષ્ઠ પત્રકાર અર્ચના ફૂલ કહે છે કે તેમનામાં શરૂઆતથી જ અલગ નેતૃત્વના ગુણો હતા. તેઓ હંમેશાં પોતાની વાત મુક્તમને રજૂ કરતા હતા.
પોતાના લોકોમાં તેમની પકડ ઘણી મજબૂત હતી. આ જ કારણ હતું કે જ્યારે દિલ્હીની નિરીક્ષક ટીમે એક પછી એક ધારાસભ્યોની સંમતિ માગી, ત્યારે મોટા ભાગનાનો ઝુકાવ સુખવિંદર તરફ હતો. આ કારણસર સુખવિંદરનો દાવો સૌથી મજબૂત હતો.
નાદૌન વિધાનસભા ક્ષેત્રમાંથી આવેલા તેમના સમર્થક સુનીલ કશ્યપનું કહેવું છે કે સુક્ખૂ એક સાધારણ પરિવારમાંથી આવે છે.
તેમની વિશેષતા એ છે કે તેઓ દરેકનું ધ્યાન રાખે છે. તેમના કારણે જ નીચેના હિમાચલના હમીરપુર, ઉના અને કાંગડા જિલ્લામાં કૉંગ્રેસે આટલું સારું પ્રદર્શન કર્યું હતું. તેઓ લોકપ્રિય નેતા છે.
સુખવિંદરસિંહ સુક્ખૂએ વિદ્યાર્થી રાજકારણમાં પોતાની પકડ એટલી મજબૂત કરી હતી કે 1998થી 2008 સુધી તેઓ સતત દસ વર્ષ યૂથ કૉંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રહ્યા હતા.
તેમની રાજકીય કારકિર્દી દરમિયાન તેઓ બે વખત શિમલા મ્યુનિસિપલ કૉર્પોરેશનના કાઉન્સિલર પણ બન્યા હતા.
પરંતુ તેમનું લક્ષ્ય મોટું હતું. તેથી 2002માં તેમણે તેમની પ્રથમ વિધાનસભા ચૂંટણી લડી અને તેઓ પ્રથમ વખત હિમાચલ પ્રદેશ વિધાનસભામાં પહોંચ્યા.
વીરભદ્રસિંહ સાથે ટક્કર
ત્યાર બાદ તેઓ 2007, 2017 અને હવે ચોથી વખત 2022માં નાદૌન વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. દરમિયાન 2008માં તેઓ પ્રદેશ કૉંગ્રેસના મહામંત્રી બન્યા હતા.
વર્ષ 2012માં વિધાનસભાની ચૂંટણીમાં તેમને પહેલી હાર મળી હતી પરંતુ તેનાથી તેઓ નિરાશ ન થયા. તેમણે 8 જાન્યુઆરી 2013ના રોજ હિમાચલ પ્રદેશ કૉંગ્રેસના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી હતી.
દરમિયાન તેઓ અલગ-અલગ મુદ્દાઓ પર તેમની સરકાર અને કૉંગ્રેસના છ વખતના મુખ્ય મંત્રી વીરભદ્રસિંહનો સીધો સામનો કરતા રહ્યા.
તેઓ લગભગ છ વર્ષ સુધી પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ હતા. દરમિયાન તેઓ સંગઠનને મજબૂત કરતા રહ્યા. પરંતુ 2017-18ની ચૂંટણીમાં કૉંગ્રેસની હાર બાદ 10 જાન્યુઆરી 2019ના રોજ તેઓ પ્રમુખપદેથી હટી ગયા હતા.
2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં કૉંગ્રેસે તેમને એપ્રિલ 2022માં હિમાચલ પ્રદેશ કૉંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અને ટિકિટ વિતરણ સમિતિના સભ્ય બનાવીને મોટી જવાબદારી સોંપી હતી.
હિમાચલ પ્રદેશમાં કૉંગ્રેસે ચૂંટણી જીત્યા બાદ જ્યારે મુખ્ય મંત્રી અંગેની ચર્ચાએ જોર પકડ્યું ત્યારે તેઓ શરૂઆતથી જ રેસમાં રહ્યા અને કેન્દ્રીય નિરીક્ષકો સાથેની લગભગ 48 કલાક સુધી ચાલેલી લાંબી ચર્ચા બાદ પાર્ટીએ તેમને મુખ્ય મંત્રી બનાવવાનો નિર્ણય લીધો.
નામ નહીં આપવાની શરતે કૉંગ્રેસના એક નેતાએ જણાવ્યું કે, પ્રથમ રેસમાં ત્રણ નામો પર વધુ ચર્ચા થઈ હતી. તેમાં પ્રતિભાસિંહ, સુખવિંદરસિંહ સુક્ખૂ અને મુકેશ અગ્નિહોત્રી હતા.
પછી જ્યારે ધારાસભ્યોના અભિપ્રાય અલગથી જાણવામાં આવ્યા ત્યારે 21થી વધુ ધારાસભ્યો સુખવિંદરસિંહ સુક્ખૂના નામ પર સંમત થયા હતા, જ્યારે કેટલાક ધારાસભ્યોએ નિર્ણય હાઇ-કમાન્ડ પર છોડવાનું કહ્યું હતું.
મોટી જવાબદારી
આમ કેન્દ્રીય નિરીક્ષકોની ટીમે તેમની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જોકે, શુક્રવારની બેઠકમાં એક લીટીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં અંતિમ નિર્ણય કૉંગ્રેસ હાઈકમાન્ડ પર છોડી દેવામાં આવ્યો હતો. પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને જોતા શનિવારે જ શિમલામાં આ નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો.
શુક્રવાર અને શનિવારની આ ઘટના પર વરિષ્ઠ પત્રકાર પ્રદીપ ચૌહાણ કહે છે કે તેમણે પહેલી વાર જોયું કે કૉંગ્રેસે નિર્ણય લેવામાં કોઈ વિલંબ કે ભૂલ કરી નથી.
તેણે દરેક પાસાંને ધ્યાનમાં રાખીને ઝડપી નિર્ણય લીધો, કારણ કે પંજાબ જેવી સ્થિતિનો સામનો હિમાચલ પ્રદેશમાં ન થવો જોઈએ. તેમની વ્યૂહરચના અને નિર્ણય લેવામાં સંપૂર્ણ સ્પષ્ટતા હતી.
હિમાચલ પ્રદેશના નવા મુખ્ય મંત્રીનો શપથગ્રહણ સમારોહ 11 ડિસેમ્બરે શિમલાના ઐતિહાસિક રિજ ગ્રાઉન્ડમાં યોજાયો, જેમાં કૉંગ્રેસના અનેક રાષ્ટ્રીય નેતાઓ હજાર રહ્યા હતા.
હિમાચલના મુખ્ય મંત્રી તરીકે સુખવિંદરસિંહ સુક્ખૂ પર કૉંગ્રેસનાં ચૂંટણી વચનો પૂરાં કરવા અને હિમાચલને દેવામાંથી બહાર કાઢવા જેવી મોટી જવાબદારીઓ હશે.