પાકિસ્તાન ચૂંટણીમાં સેના ઇમરાનની વિરુદ્ધ હોવા છતાં નવાઝની પાર્ટી કેમ ના જીતી શકી?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, શુમાઇલા જાફરી
- પદ, બીબીસી ન્યૂઝ, ઇસ્લામાબાદ
પાકિસ્તાનમાં નૅશનલ અને પ્રાંતિક ઍસેમ્બલીની ચૂંટણીનાં પરિણામો જાહેર કરી દેવાયાં છે.
હવે સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સત્તામાં ભાગીદારી અંગે પાકિસ્તાન મુસ્લિમ લીગ – નવાઝ (પીએમએલ-એન) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ છે.
ગઠબંધન બનાવવા માટે આ બંને પક્ષો નાની પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારોનો સંપર્ક સાધી રહ્યા છે.
કોઈ પણ પક્ષને બહુમતી ન મળતાં નવી સરકારના ગઠન અગાઉ ભારે સોદાબાજી થવાની શક્યતા છે.
વિટંબણા તો એ છે કે નૅશનલ ઍસેમ્બલીની સાથોસાથ ખૈબર પખ્તૂનખ્વા અને પંજાબ પ્રાંતમાં સૌથી વધુ બેઠકો જીત્યા બાદ પણ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઈ) સમર્થિત ઉમેદવારો સરકાર બનાવવાની દોડમાં સામેલ નથી.
ઇમરાન ખાનની પાર્ટી સામે શું છે પડકારો?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
પીટીઆઈ સામે ઘણા પડકાર છે. પ્રથમ અને સૌથી વધુ મહત્ત્વનો પડકાર જીતેલા ઉમેદવારોને પ્રમાણિક અને એકસંપ જાળવી રાખવાનો છે.
પીટીઆઈના જીતેલા ઉમેદવારો સામે કોઈ પણ જાતના કાયદાકીય અવરોધ વિના અન્ય રાજકીય પક્ષમાં સામેલ થવાનો વિકલ્પ ખુલ્લો છે.
પીટીઆઈ સમર્થિત ઉમેદવારોએ અપક્ષ તરીકે ચૂંટણી લડી છે, આવી સ્થિતમાં એક સાંસદ તરીકે માન્યતા મેળવીને અનામત બેઠકોમાં ભાગીદારી મેળવવા તેમણે એક પાર્ટીમાં સામેલ થવું પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અનામત બેઠકોનો ક્વૉટા સામાન્ય ચૂંટણીમાં રાજકીય દળો દ્વારા જીતાયેલી બેઠકોના પ્રમાણમાં હોય છે. આરક્ષિત બેઠકો ન મળવાની સ્થિતિમાં રાષ્ટ્રીય અને પ્રાંતિક ઍસેમ્બ્લીઓમાં તેમની તાકત ઘટી જશે.
પીએમએલ-એન અને પીપીપી ચૂંટણીપરિણામોમાં બીજા અને ત્રીજા ક્રમની પાર્ટી છે. બંનેએ ગઠબંધન કરીને પ્રાંતોની સાથોસાથ કેન્દ્રમાં પણ સરકાર રચવા માટે વાતચીત શરૂ કરી દીધી છે.
તેમજ ઇમરાન ખાનની પીટીઆઈ હજુ પણ પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરતી દેખાઈ રહી છે.
તેમને એક એવા પક્ષની તલાશ છે, જેમની સાથે તેઓ જ્યાં સુધી એક પાર્ટી સ્વરૂપે પીટીઆઈનો દરજ્જો કાયદાકીય રીતે બહાલ ન થાય ત્યાં સુધી વિલય કરી શકે.
છ અપક્ષ ઉમેદવારોએ તો પહેલાંથી જ પીએમએલ-એનને સાથ આપી દીધો છે. તેમાં લાહોરથી જીતેલા પીટીઆઈના સમર્થક ઉમેદવાર પણ સામેલ છે.
જોકે, પીટીઆઈ નેતા ગોહર ખાને પીએલએલ-એન અને પીપીપી સાથે કોઈ પણ જાતના ગઠબંધનની સંભાવનાનો ઇનકાર કર્યો છે. તેમણે વિપક્ષમાં બેસવાના સંકેત આપ્યા છે.
તેમણે કહ્યું, “તેમની સાથે સરકાર બનાવવા કરતાં સારું છે કે અમે વિપક્ષમાં બેસીએ, પરંતુ અમને લાગે છે કે અમારી પાસે બહુમતી છે.”
મતદારોને પીએમએલ-એન કે આકર્ષી ન શકી?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
બધા ઇમરાન ખાનની પાર્ટીને જે રીતે આ ચૂંટણીમાં પરેશાન કરાઈ એ વાત અંગે ખબર છે. તેની સામે પીએમએલ-એનને ચૂંટણીપ્રચારની ખુલ્લી છૂટ મળી હતી.
ચૂંટણી પહેલાં ઇમરાન ખાનને ત્રણ મામલામાં 31 વર્ષની જેલની સજા કરાઈ અ નવાઝ શરીફને પાકિસ્તાન પરત લવાય. પહેલાં જે મામલામાં તેમને દોષિત જાહેર કરાયા હતા, તેમાંથી તેમને છોડી મુકાયા.
તેમ છતાં ત્રણ વખત વડા પ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફ અને તેમની પાર્ટી મતદારોને આકર્ષીને બહુમતી હાંસલ કરવામાં નિષ્ફળ કેમ રહ્યા?
ગુજરાવાલાની એક બેઠકથી હારેલા પીએમએલ-એનના ઉમેદવાર ખુર્રમ દસ્તગીર પ્રમાણે પાર્ટી યુવાનોનાં દિલ જીતવામાં નિષ્ફળ રહી. આના કારણે તેને મધ્ય પંજાબના એ વિસ્તારોમાં પણ હારનો સામનો કરવો પડ્યો, જ્યાં અગાઉ તેની પાસે મજબૂત જનાધાર હતો.
તેઓ કહે છે કે, “આ સોશિયલ મીડિયા અને ટિક-ટૉકનો જમાનો છે. મારું માનવું છે કે અમે અમારો સંદેશ પહોંચાડવામાં અને પોતાના વિશે યુવાનોને જણાવવામાં અસફળ રહ્યા છીએ. પીએમએલ-એનનું રાજકારણ પાયાના સ્તરનું છે, તેમજ અમારા પ્રતિસ્પર્ધી ઇમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઇન્સાફ સોશિયલ મીડિયા પર સક્રિય છે. આ સૌથી મોટો ફરક છે. જેની સીધી અસર પરિણામો પર દેખાઈ.”
ખુર્રમ દસ્તગીરે કહ્યું કે પાર્ટીને આત્મવિશ્લેષણ કરવાની જરૂરિયાત છે અને આ પ્રક્રિયા શરૂ થઈ પણ ચૂકી છે.
પીએમએલ-એનના વધુ એક વરિષ્ઠ નેતા અને પીડીએમ સરકારમાં ગૃહમંત્રી રહેલા રાણા સનાઉલ્લાહને પણ ફૈસલાબાદમાં સામનો કરવો પડ્યો હતો.
તેમનું માનવું છે કે ભારે મોંઘવારી અને ઈંધણની કિંમતોમાં વધારાને કારણે મતદારો નારાજ થઈ ગયા. જોકે, પીડીએમ સરકારમાં નિર્ણય સર્વસંમતિથી લેવાયા, પરંતુ લોકોને જે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો તેની જવાબદારી પીએમએલ-એને જ લીધી.
તેમણે કહ્યું, “ફૈસલાબાદ મજૂરોનું શહેર છે. લોકો પરેશાન હતા. તેઓ પોતાની જરૂરિયાત પણ પૂરી નહોતા કરી શકતા. તેથી તેમણે મતદાન થકી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો. આ અમારી ભૂલ નહોતી. ઇમરાન ખાનનું કામ હતું. તેમણે અર્થતંત્રની કમર તોડી નાખી હતી.”
“અમારી પાસે માત્ર 18 મહિના હતા. આ દરમિયાન તેમણે પોતાના આંદોલનથી સરકારને પરેશાનીમાં રાખ્યા. પીડીએમ ગઠબંધનમાં તો અન્ય દસ પાર્ટીઓ પણ સામેલ હતી, પરંતુ જ્યારે તેમનાં કામની જવાબદારી લેવાની વાત આવી ત્યારે અમારી પાસે અન્ય કોઈ વિકલ્પ નહોતો. એ પીએમએલ-એનના દરવાજે છોડી દેવાઈ.”
મતદારોને રીઝવવામાં ઇમરાન કેવી રીતે સફળ રહ્યા?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સનાઉલ્લાહ ખાનનું પણ એવું માનવું હતું કે ઇમરાન ખાનને સહાનુભૂતિને કારણે મત મળ્યા.
તેઓ કહે છે કે, “જ્યારે તમે કોઈ વ્યક્તિને જેલમાં નાખો છો અને એક મામલામાં સજા થતાં એ જેલમાં જ રહેશે. આવી સ્થિતિમાં તેમને એક જ અઠવાડિયામાં ત્રણ મામલામાં સજા કેમ કરાઈ. ચૂંટણી પહેલાં તેમને ત્રણ મામલામાં સજા કરાઈ, જેના કારણે તેમના માટે સહાનુભૂતિનું મોજું જોવા મળ્યું. આઠ ફેબ્રુઆરીના રોજ આ લહર મતોમાં ફેરવાઈ ગઈ. પરંતુ આમાં અમે શું કરી શકીએ, આ અમારા હાથમાં નહોતું. આ તો કોર્ટ ઉપર હતું.”
રાજકીય વિશ્લેષક પ્રોફેસર (ડૉક્ટર) આદિલ નજમ પ્રમાણે પાકિસ્તાનનું રાજકીય ભવિષ્ય હવે 18થી 29 વ્રષના યુવાનોના હાથમાં હતું. વસતિમાં તેમનો ભાગ 60 ટકા કરતાં વધુ છે.
પ્રોફેસર નજમ દ્વારા અમુક વર્ષ પહેલાં કરાયેલા સંશોધન પ્રમાણે 2045 સુધી પાકિસ્તાનની ચૂંટણીમાં નવા મતદારો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ડૉક્ટર કહે છે કે સમગ્ર વિશ્વમાં યુવાનોમાં રાજકીય રુચિ પેદા કરવાનું અને તેમને મત આપવા મનાવવાનું કામ અત્યંત અઘરું મનાય છે. જોકે, આપણે પીટીઆઈને ધ્યાને લઈએ તો એ યુવાનોને અંકે કરવામાં સફળ રહી.
જોકે, પોતાના સાડા ત્રણ વર્ષના કાર્યકાળમાં ઇમરાન ખાન પોતાના વાયદા પ્રમાણે યુવાનો માટે ઘણી તકો ઊભી નહોતા કરી શક્યા. છતાં યુવાનો ક્રિકેટરમાંથી રાજકારણમાં આવેલા ઇમરાન ખાન તરફ આકર્ષિત હતા.
ડૉક્ટર નજમ કહે છે કે યુવાનો નિષ્પક્ષતાના તેમના વિચારોથી પ્રભાવિત છે. તેમનું કહેવું છે કે, “વિદ્રોહનું નૅરેટિવ યુવાનો માટે વધુ આકર્ષક છે. આના કારણે મતદારો પીટીઆઈ તરફ આકર્ષિત થયા.”
તેઓ કહે છે કે, “સોશિયલ મીડિયા અને યુવાન મતદારોએ સમગ્ર વિશ્વના રાજકારણને બદલી નાખ્યું છે. પાકિસ્તાનના દૃષ્ટિકોણથી પરિવારે હંમેશાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે – લોકો પોતાના પરિવારમાંથી જ કોઈ એકને મત આપે છે. હવે ટેકનૉલૉજીએ સોશિયલ મીડિયા પર એક નવો વર્ગ ઊભો કર્યો છે. હવે ફેસબુક, ટિકટૉક, ટ્વિટર અને વૉટ્સઍપ પર સમુદાય આ જ ભૂમિકા ભજવી રહ્યો છે. આમાં જ પીટીઆઈ પોતાના પ્રતિસ્પર્ધીઓ કરતાં ઘણી આગળ છે.”
પીએમએલ-એનના ટેકેદારો કઈ વાતે નિરાશ થયા

ઇમેજ સ્રોત, GETTY IMAGES
રાજકીય વિશ્લેષક નજમ સેઠી માને છે કે ઇમરાન ખાનને સત્તા પરથી હઠાવવામાં આવ્યા એ પછી પીએમએલ-એને પીડીએમ સરકારનું નેતૃત્વ કરવું જોઈતું નહોતું.
તેમણે કહ્યું હતું, “મને લાગે છે કે વિધાનસભાઓનો કાર્યકાળ પૂર્ણ થાય ત્યાં સુધી સત્તા પર રહેવાને બદલે તેમણે તત્કાળ ચૂંટણી યોજવી જોઈતી હતી. મેં ત્યારે તેમને આ જ સલાહ આપી હતી. મેં તેમને કહ્યું હતું કે આઈએમએફનો કાર્યક્રમ તેમની રાજનીતિ માટે ઘાતક સાબિત થશે અને મતદારો ઇમરાન સરકારની અક્ષમતાને ભૂલી જશે. તેઓ પીએમએલ-એનને માફ નહીં કરે, પરંતુ તેમણે આવું કર્યું નહીં.”
નજર સેઠીએ ઉમેર્યું હતું, “પીએમએલ-એનના ટેકેદારો નિરાશ હતા, જ્યારે પીટીઆઈ તેના મતદારોને ઉત્સાહિત રાખવામાં સક્ષમ હતી. તેનાથી પીએમએલ-એનના ટેકેદારો વધુ નિરાશ થયા અને પોતાના પક્ષ માટે મતદાન કરવા નીકળ્યા જ નહીં. તેને ઓછા ચુસ્ત ટેકેદારો ઇમરાન ખાનની સાથે ચાલ્યા ગયા.”
તેમને કહેવા મુજબ, નવાઝ શરીફના પાછા આવવાથી પીએમએલ-એનના ટેકેદારોમાં થોડી આશા બંધાઈ હતી. નવાઝ શરીફને સત્તા પ્રતિષ્ઠાનનું સમર્થન હોવાની ચર્ચા થતી હતી. સત્તા પ્રતિષ્ઠાને પોતાનું હોમવર્ક કર્યું હશે, એટલે તેઓ બેફિકર બની રહ્યા.
અલબત, હકીકત એ છે કે પીએમએલ-એન ઊગરી શકી નહીં અને મતદારોએ તેને માફ કરી નહીં. પીટીઆઈએ સૈન્યની નારાજગી અને સમાન તકો ન હોવા છતાં કોઈ પણ ગણતરી કરતાં વધારે બેઠકો જીતી લીધી છે.














