અરુણાચલ પ્રદેશમાં ફરીથી ભાજપની સરકાર, સિક્કિમમાં એસકેએમની જીત

ઇમેજ સ્રોત, ani
પૂર્વોત્તર ભારતનાં બે રાજ્યો અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે.
ભારતીય જનતા પાર્ટીને (ભાજપ) અરુણાચલ પ્રદેશમાં બહુમતી મળી હતી. સિક્કિમમાં સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાએ (એસકેએમ) બાજી મારી છે.
એસકેએમને સિક્કિમની કુલ 32 બેઠકોમાંથી 31 બેઠકો પર જીત મળી હતી.
ચૂંટણીપંચે આપેલી જાણકારી પ્રમાણે, અરુણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કુલ 60 બેઠકોમાંથી ભાજપને 46, નેશનલ પીપલ્સ પાર્ટીને (એનપીઈ) પાંચ, નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટીને (એનસીપી) ત્રણ, પીપલ્સ પાર્ટી ઑફ અરુણાચલને (પીપીએ) બે અને કૉંગ્રેસને એક બેઠક મળી હતી. ત્રણ બેઠકો પર સ્વતંત્ર ઉમેદવારને જીત મળી હતી.
કૉંગ્રેસને જે એક બેઠક પર જીત મળી છે તે બામેંગ વિસ્તાર છે. કૉંગ્રેસના ઉમેદવાર કુમાર વાઈએ અહીંથી ભાજપના દોબા લામ્નિયોને પરાજય આપ્યો છે.
ભાજપે અરુણાચલ પ્રદેશમાં માત્ર પોતાની સત્તા જ નથી જાળવી પરંતુ બેઠકોની સંખ્યામાં વધારો પણ કર્યો છે. અરુણાચલ પ્રદેશની 10 બેઠકો પર ભાજપના ઉમેદવાર નિર્વિરોધ ચૂંટાયા હતા.

2019ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો ભાજપે 41 બેઠકો પર જીત મેળવી હતી, જ્યારે એનપીપીને પાંચ, એનસીપીને ચાર, અને જનતા દળ યુનાઇટેડને સાત બેઠકો મળી હતી.
મતોની ટકાવારીની વાત કરીએ તો ભાજપને 54.57 ટકા મતો મળ્યા છે, જ્યારે એનપીપીને 16.11 ટકા અને એનસીપીને 10.43 ટકા મતો મળ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ અરુણાચલ પ્રદેશના ગર્વનર કેટી પરનાયક અને સિક્કિમના ગર્વનર લક્ષ્મણપ્રસાદ આચાર્યે રવિવારે પોતપોતાનાં રાજ્યોની વિધાનસભા ભંગ કરી દીધી છે.
અરુણાચલ પ્રદેશના ગર્વનરે સાતમી વિધાનસભા ભંગ કરીને નવી અને આઠમી વિધાનસભાની રચના માટે રસ્તો કરી દીધો છે.
સિક્કિમનું શું પરિણામ આવ્યું?

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ચૂંટણીપંચે રવિવારે સિક્કિમ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર કર્યાં હતાં.
સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાએ (એસકેએમ) રાજ્યની 32 બેઠકોમાંથી 31 બેઠકો પર જીત મેળવી હતી. જ્યારે સિક્કિમ ડેમૉક્રેટિક ફ્રન્ટને (એસડીએફ) માત્ર એક જ બેઠક પર જીત મળી હતી.
સિક્કિમ ડેમૉક્રેટિક ફ્રન્ટને માત્ર શ્યારી બેઠક પર જીત મળી હતી. તેમના ઉમેદવાર નોર્બુ લામ્ટાએ 6 હજાર 633 મતોથી જીત મેળવી હતી. આ બેઠક પર બીજા સ્થાને રહેલા ક્રાંતિકારી મોર્ચાના ઉમેદવાર કુંગા નિમા લેપ્ચાને 5 હજાર 319 મતો મળ્યા હતા.
સિક્કિમની છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં એસકેએમને 17 બેઠકો મળી હતી અને સિક્કિમ ડેમૉક્રેટિક પાર્ટી 15 બેઠકો જીતી હતી.
સિક્કિમમાં 19 એપ્રિલ લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણી માટે પણ મતદાન યોજાયું હતું.
સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાના પ્રમુખ પ્રેમસિંહ તમાંગે રેનૉક બેઠક પર એસડીએફના સોમનાથ પોડયાલને હરાવ્યા હતા.
એસડીએફના પ્રમુખ અને સિક્કિમના પૂર્વ મુખ્ય મંત્રી પવન ચામલિંગ નામચેબુંગ અને પોકલોક કામરાંગ પરથી ચૂંટણી હાર્યા હતા.
ચામલિંગ 1994થી 2019 સુધી સિક્કિમના મુખ્ય મંત્રી રહ્યા હતા.
એસડીએફની ટિકિટ પર ચૂંટણી લડનાર જાણીતા ફૂટબૉલર બાઇચુંગ ભૂટિયા એસકેએમના ઉમેદવાર રિક્સાલ દોર્જી ભુટિયા સામે બારફુંગમાં ચૂંટણી હારી ગયા હતા.
વડા પ્રધાન મોદીએ આ વિજય વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ જીત માટે અરુણાચલ પ્રદેશના લોકોનો આભાર માન્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “આભાર અરુણાચલ પ્રદેશ. સુંદર રાજ્યના લોકોએ વિકાસ માટે બહુમત આપ્યો છે.”
“અમારી પાર્ટી રાજ્ય માટે સતત કામ કરતી રહેશે.”
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “ભાજપ પર ભરોસો રાખવા માટે અરુણાચલ પ્રદેશના લોકોનો આભારી છું.”
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સિક્કિમમાં મેળવેલી જીત માટે પ્રેમસિંહ તમાંગ અને સિક્કિમ ક્રાંતિકારી મોર્ચાને અભિનંદન પાઠવ્યાં હતાં.
મોદીએ સોશિયલ મીડિયા પર લખ્યું, “2024ની વિધાનસભાની ચૂંટણીમાં વિજય માટે અભિનંદન. મને આશા છે કે આવનારા સમયમાં અમે સિક્કિમ સરકારની સાથે મળીને સિક્કિમના વિકાસ માટે કામ કરીશું.”
પેમા ખાંડુ કોણ છે?

ઇમેજ સ્રોત, ANI
અરુણાચલમાં ભાજપે મુખ્ય મંત્રી પેમા ખાંડુના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી. પેમા ખાંડુ પોતાની સીટ પર પહેલેથી નિર્વિરોધ જીતી ચૂક્યા હતા.
રાજ્યમાં ભાજપની જીત પર પેમા ખાંડુએ કહ્યું, "આજ અરુણાચલ પ્રદેશ માટે એક ઐતિહાસિક દિવસ છે અને ખાસ કરીને ભાજપ માટે. 2024 વિધાનસભા ચૂંટણીમાં ભાજપે એક નવો રેકૉર્ડ બનાવ્યો છે."
"રાજકારણમાં એન્ટી ઇન્કમબન્સી હોય છે, પણ ભાજપમાં પ્રો ઇન્કમબન્સી છે. 2019માં 41 સીટ જીતી હતી અને 2024માં 46 સીટ જીતી છે. આ પ્રો ઇન્કમબન્સીનો સંકેત છે. અરુણાચલ પ્રદેશનો લોકોનો હું આભાર માનું છું. પીએમ નરેન્દ્ર મોદીના આર્શીવાદથી જે કામ અરુણાચલ પ્રદેશમાં થયું છે, તેને જોઈને લોકોએ ફરી ભાજપની સરકાર બનાવી છે."
મુખ્ય મંત્રી પેમા ખાંડુના પિતા દોરજી ખાંડુ પણ મુખ્ય મંત્રી રહી ચૂક્યા છે. પેમા પહેલી વાર 2016માં પ્રદેશના મુખ્ય મંત્રી બન્યા હતા, પણ ત્યારે તેઓ કૉંગ્રેસમાં હતા.
મુખ્ય મંત્રી બન્યા બાદ તેમણે કૉંગ્રેસ છોડી દીધી હતી હતી. તે જ વર્ષે તેઓ પીપુલ્સ પાર્ટી ઑફ અરુણાચલ પ્રદેશમાં ગયા, પણ બે મહિના બાદ તેઓ ભાજપમાં જોડાઈ ગયા.
પેમા ખાંડુ મુખ્ય મંત્રી બન્યા પહેલાં પ્રદેશના પર્યટન, શહેરી વિકાસમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.
એસકેએમના પ્રમુખ પ્રેમસિંહ તમાંગ કોણ છે?

ઇમેજ સ્રોત, ANI
પ્રેમસિંહ ગોલે નામથી જાણીતા પ્રેમસિંહ તમાંગે 1990ના દશકમાં જ્યારે રાજકારણમાં પગ મૂક્યો ત્યારે તેઓ સિક્કિમ ડેમોક્રૅટિક ફ્રન્ટના સભ્ય હતા.
તેમણે 1994માં ચાકુંગ વિસ્તારથી વિધાનસભા ચૂંટણી જીતી અને ચામલિંગ સરકારમાં મંત્રી રહ્યા હતા.
બાદમાં તેઓ ચામલિંગના ટીકાકાર બની ગયા અને 2013માં તેમણે સિક્કિમ ડેમૉક્રેટિક ફ્રન્ટથી અલગ થઈને સિક્કિમ ક્રાંતિકારી મોરચો (એસકેએમ) બનાવ્યો.
2019માં ચૂંટણીમાં તેમની પાર્ટી 17 સીટ મેળવવામાં સફળ રહી હતી.












