You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઝેલેન્સ્કીનો દાવો: 'ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનતાં જ યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ખતમ થઈ જશે' – ન્યૂઝ અપડેટ
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીનું કહેવું છે કે તેમને આશા છે કે રશિયા સાથેનું યુદ્ધ જલદી ખતમ થઈ થવું જોઈએ જોઈતું હતું, તેનાથી પણ વધુ જલદી ખતમ થઈ જશે, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે.
ઝેલેન્સ્કીએ એ પણ કહ્યું કે અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ તેમની અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ. આ વાતચીત સકારાત્મક રહી છે.
ઝેલેન્સ્કીએ એ નથી જણાવ્યું કે શું ટ્રમ્પે રશિયા સાથે સંભવિત વાતચીતની કોઈ માગ કરી છે કે નહીં.
પણ ઝેલેન્સ્કીનું કહેવું છે કે તેમણે ટ્રમ્પ પાસેથી એવું કંઈ પણ સાંભળ્યું નથી, જે યુક્રેનની સ્થિતિથી વિપરીત હોય.
ટ્રમ્પ સતત કહેતા આવ્યા છે કે તેમની પ્રાથમિકતા યુદ્ધ સમાપ્ત કરવી અને તેને રોકવું છે.
ટ્રમ્પનું કહેવું છે કે યુક્રેનને સૈન્ય સહાયના રૂપે મળતી અમેરિકાની મદદથી અમેરિકાનાં સંસાધનો શોષાઈ રહ્યાં છે.
જૅક પૉલના પંચથી ચીત થયા ‘બૉક્સિંગ કિંગ’ માઇક ટાયસન, કેવી રહી ફાઇટ
યુટ્યૂબરમાંથી બૉક્સર બનેલા જૅક પૉલે બે વખત હૅવીવેઇટ ચૅમ્પિયન બનેલા માઇક ટાયસનને ટેક્સાસમાં યોજાયેલી બૉક્સિંગ સ્પર્ધામાં 70 હજાર દર્શકોની હાજરીમાં હરાવી દીધા હતા. લાખો લોકો આ સ્પર્ધાને નેટફ્લિક્સ પર જોઈ રહ્યા હતા. માઇક ટાયસનના સમર્થકો નિરાશ થયા હતા.
58 વર્ષીય માઇક ટાયસન 19 વર્ષ બાદ વ્યવસાયિક બૉક્સિંગ સ્પર્ધા રમ્યા હતા. તેમની સામે ઉતરેલા 27 વર્ષીય જૅક પૉલ ખૂબ નાના ઍથ્લીટ હતા. આઠ રાઉન્ડની સ્પર્ધામાં જૅકે ટાયસનને સચોટ પંચ ફટકાર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ટાયસન સ્પર્ધામાં ધીમા અને સુસ્ત જોવા મળ્યા હતા. લડાઈ પહેલાં તેમને હીરોનું સ્થાન મળ્યું હતું જોકે સ્પર્ધા બાદ વિવાદ સર્જાયો હતો. જજના નિર્ણયની પણ મેદાન પર હાજર દર્શકોએ ટીકા કરી હતી. ટાયસને સમગ્ર સ્પર્ધામાં માત્ર 18 પંચ જ માર્યા હતા, જ્યારે પૉલે 78 પંચ માર્યા હતા.
માઇક ટાયસન અને જૅક પૉલ વચ્ચે 16 નવેમ્બરના રોજ મહામુકાબલો હતો. ટાયસને લગભગ 20 વર્ષ બાદ બૉક્સિંગ રિંગમાં વાપસી કરી હતી. 58 વર્ષના ટાયસનને આ મુકાબલા પહેલાં એક પ્રોફેશનલ બૉક્સર તરીકે 50થી વધુ મુકાબલામાં જીત હાંસલ કરી હતી પરંતુ આ મુકાબલામાં ટાયસને તેમની કૅરિયરની સાતમી હાર ખમવી પડી.
ટાયસને તેની છેલ્લી ફાઇટ વર્ષ 2005માં કેવિન મૅકબ્રાઇડ સામે રમી હતી જેમાં પણ તેઓ હારી ગયા હતા.
માઇક ટાયસન અને જૅક પૉલ વચ્ચેનો આ હેવીવેઇટ મુકાબલો આઠ રાઉન્ડનો હતો.
ટાયસન 58 વર્ષના છે જ્યારે પૉલ 27 વર્ષના છે. બે મિનિટના આઠ રાઉન્ડમાં પૉલે ટાયસનને ઘણા હંફાવ્યા અને પંચ માર્યા. ટાયસન થાકેલા દેખાયા અને તેને કારણે મૅચ જોવા આવેલા 70 હજાર પ્રેક્ષકોને નિરાશા હાથ લાગી.
કથિત રીતે આ મૅચ માટે પૉલને ત્રણ કરોડ પાઉન્ડ એટલે કે 320 કરોડ રૂપિયા જ્યારે કે ટાયસનને તેનાથી અડધા મળશે.
ટાયસનની કૅરિયર ઉતારચઢાવ વાળી રહી છે. 20 વર્ષની ઉંમરે તેમણે વર્લ્ડ હેવીવેઇટ સ્પર્ધા જીતી હતી. 1992માં બળાત્કારના આરોપમાં તેમને છ વર્ષની સજા મળી હતી પરંતુ ત્રણ વર્ષ બાદ તેમને જામીન મળી ગયા.
શ્રીલંકામાં રાષ્ટ્રપતિ અનુરા કુમારા દિસાનાયકેના ગઠબંધને 159 બેઠક જીતી
શ્રીલંકામાં 10મી સંસદીય ચૂંટણીનાં પરિણામો આવી ગયાં છે, જેમાં રાષ્ટ્રપતિ અને ડાબેરી નેતા અનુરા કુમારા દિસાનાયકેના નેતૃત્વવાળા ગઠબંધનનો ભવ્ય વિજય થયો છે. પાર્ટીને 159 બેઠક ઉપર વિજય મળ્યો છે.
દિસાનાયકેની પાર્ટીએ 141 બેઠક સીધી ચૂંટણીમાં જીતી હતી. પાર્ટીને મળેલા મતોની ટકાવારીના આધારે તે 18 સંસદસભ્યોની નિમણૂક કરી શકશે. આ જનાદેશ દિસાનાયકે સ્થિરતા તેમને મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે મદદરૂપ થશે, છતાં તેમને સંસદમાં બે તૃતીયાંશ બહુમતીની જરૂર રહેશે.
એસજેબીને 40, એનડીએફને પાંચ તથા અન્યોને 18 બેઠક ઉપર વિજય મળ્યો છે.
આ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં ડાબેરી પક્ષના દિસાનાયકે રાષ્ટ્રપતિપદે ચૂંટાઈ આવ્યા હતા. તેમણે ભ્રષ્ટાચારમુકત અને સ્થિર શાસન આપવાનો વાયદો કર્યો હતો. આ સાથે જ તેમણે મધ્યવર્તી ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.
આઈપીએલની ઑક્શન લિસ્ટમાં 13 વર્ષનો ખેલાડી
ઇન્ડિયન પ્રિમિયર લીગની હરાજી (ઑક્શન) માટે 574 ખેલાડીઓના નામ શૉર્ટ લિસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં બિહારના વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે. વૈભવ માત્ર 13 વર્ષના છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, આ યાદીમાં વૈભવ સૌથી યુવા છે. જ્યારે 42 વર્ષીય જેમ્સ ઍન્ડરસન સૌથી મોટી ઉંમરના ખેલાડી છે.
574 ખેલાડીઓમાંથી આઈપીએલ 2025 ટુર્નામેન્ટ માટે ટીમોનું ગઠન થશે. આ મૅગા ઑક્શન તા. 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાશે. જે તા. 24 નવેમ્બર, રવિવારના રોજ સ્થાનિક સમય મુજબ બપોરે સાડા બાર વાગ્યાથી શરૂ થશે.
574માં 366 ભારતીય અને 208 વિદેશી ખેલાડીઓનો સમાવેશ થાય છે. હરાજીમાં ભારતના 318 તથા વિદેશના 12 અનકૅપ્ડ ખેલાડી સામેલ હશે.
લૅટિન અમેરિકામાં ચીનનો પગપેસારો
અમેરિકાના પદનામિત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મંત્રીમંડળમાં કોને સામેલ કરશે તથા ચીન પ્રત્યેનું તેમનું વલણ કેવું રહેશે, તેના વિશે ચર્ચા થઈ રહી છે ત્યારે ચીને લેટિન અમેરિકામાં પગપેસારો કરી દીધો છે.
ચીને પેરુમાં ચાનકે મૅગાપૉર્ટ ખુલ્લું મૂક્યું છે, જેના પગલે નવો ટ્રૅડરૂટ શરૂ થશે અને મોટા જહાજો ઉત્તર અમેરિકાનો પ્રવાસ ખેડ્યા વગર જ આગળ વધી શકશે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ એશિયા પૅસિફિક ઇકૉનૉમિક કૉર્પોરેશનમાં ભાગ લેવા માટે ગત સપ્તાહે પેરુ પહોંચ્યા હતા, ત્યારે તેમણે આ પૉર્ટના ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપી હતી. આ તકે પેરુનાં રાષ્ટ્રપતિ દોના બોલુઆર્તે પણ હાજર હતાં.
પેરુ અને ચીન વચ્ચેના સીધા સંબંધને કેટલાક નિષ્ણાતો યુએસ માટે જોખમરૂપ માને છે. એક વખત આ પૉર્ટ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે એટલે બ્રાઝીલનું સોયાબીન અને ચીલીનું કૉપર ચીનના શાંઘાઈ સહિત એશિયાનાં મોટાભાગનાં બંદરો સુધી પહોંચી જશે. આ સિવાય જહાજનો પ્રવાસસમય 35 દિવસથી ઘટીને 23 દિવસ જેટલો થઈ જશે.
એશિયન દેશો માટે પણ લૅટિન અમેરિકાનું બજાર સુલભ બનશે. ચીને આ પૉર્ટને વિકસાવવા માટે સાડા ત્રણ અબજ ડૉલરનું (રૂ. 300 અબજ અંદાજિત) રોકાણ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન ટ્રમ્પ ચીન ઉપર આકરા પ્રતિબંધો અને કરભારણ લાદવાની વાત કરતા હતા, જોકે સત્તા ઉપર આવ્યા પછી તેના ઉપર કેટલો અમલ કરી શકે છે, તે નિર્ણાયક બની રહેશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન