હિમંત બિસ્વા: એક સમયના કૉંગ્રેસી અને મોદીવિરોધી નેતા ભાજપના 'પોસ્ટર બૉય' કેવી રીતે બની ગયા

    • લેેખક, અભિનવ ગોયલ
    • પદ, બીબીસી સંવાદદાતા

આસામમાં એક પહાડીની તળેટીના અંતરિયાળ વિસ્તારમાં માણિક જાન પોતાનાં ત્રણ નાનાં બાળકો, વૃદ્ધ માતા અને ભાઈ સાથે રસ્તાના કિનારે તંબુ બાંધીને રહે છે.

તેમની પાસે અગાઉ રેલવેની જમીન પર બનેલું ઘર હતું, જેને જૂન મહિનામાં તોડી પાડવામાં આવ્યું હતું. મોરીગાંવ જિલ્લામાં સિલભંગા પહાડીઓની તળેટીમાં આવેલા આ વિસ્તારમાં મોટાભાગના મુસ્લિમ પરિવારોનાં મકાનો તોડી પાડવામાં આવ્યાં છે.

આ પરિવારોના કહેવા મુજબ વહીવટીતંત્રે તેમને જણાવ્યું કે આ જમીન રેલવેની છે અને તેના પર દબાણ કરીને મકાનો બનાવવામાં આવ્યા હતા. આ જમીન પર બનેલી મસ્જિદ અને મદરેસાને પણ તોડી પાડવામાં આવ્યાં છે.

મુસ્લિમ પરિવારોનો આરોપ છે કે સરકારી જમીન ખાલી કરાવવાના અભિયાનમાં ભેદભાવ રાખવામાં આવ્યો હતો.

તે દિવસને યાદ કરતાં માણિક જાન કહે છે, "મેં ખાવા માટે ભાત રાંધ્યા હતા. તે ખાવાનો સમય પણ ન મળ્યો. જેસીબી વડે મારું ઘર તોડી પાડવામાં આવ્યું. આ દેશમાં મુસ્લિમ હોવું એ બહુ મુશ્કેલ બાબત છે. અમે જો હિંદુ હોત તો અમારું ઘર બચી ગયું હોત."

અહીં દરેક જગ્યાએ પથરાયેલા કાટમાળની વચ્ચે એક કાળી મંદિર પણ છે. મંદિર તરફ ઈશારો કરતા માણિક જાન કહે છે, "મસ્જિદ અને મદરેસાને પણ તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ અહીં રહેતા હિંદુઓના મંદિર અને ઘરોને કોઈ આંચ ન આવી. માત્ર અમારા મુસ્લિમોનાં ઘરો તોડી પાડવામાં આવ્યાં હતાં."

માણિક જાનના આરોપોને ત્યાં હાજર અન્ય લોકો પણ ટેકો આપે છે, જેમનાં ઘર તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યાં હતાં.

નજીકમાં રેલવેની જમીન પર બનેલું હિંદુ પરિવાર રૂંઝુન દાસનું ઘર હજુ પણ ઊભું છે. દબાણ હટાવવાની કાર્યવાહીમાં તેમના ઘરને કોઈ નુકસાન થયું નથી.

રૂંઝુન દાસ કહે છે, "અમે છેલ્લાં ચાલીસ વર્ષથી સરકારી જમીન પર ઘર બનાવીને રહીએ છીએ. લોકોનાં મકાનો તોડવામાં આવતાં હતાં ત્યારે હું ઘરે હતો. તે દિવસે મોટી સંખ્યામાં પોલીસ આવી હતી. અમારા જેવા લગભગ 200 હિંદુ પરિવારોનાં ઘરોને તંત્રે હાથ ન લગાડ્યો, પરંતુ મુસ્લિમોનાં ઘરો તોડી પાડવામાં આવ્યાં."

તેઓ કહે છે, "અમને ખબર નથી કે અમારાં ઘરોને કેમ છોડી દેવામાં આવ્યાં. સરકારે અમને આ વિશે કંઈ કહ્યું નથી."

આ લોકોના આરોપો વિશે અમે મોરીગાંવના જિલ્લાધિકારી દેવાશિષ શર્માની પ્રતિક્રિયા જાણવા પ્રયાસ કર્યો, પરંતુ ઘણા પ્રયત્ન પછી પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો.

તેમણે અમારા ઈમેલ અને ફોન કૉલનો પણ જવાબ આપ્યો ન હતો.

હિંદુવાદી અજેન્ડા પર ભાર

આસામમાં જે બધું થઈ રહ્યું છે તેનો વહીવટ અત્યારે હિમંત બિસ્વા સરમાના હાથમાં છે.

કૉંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા હિમંત બિસ્વા જ્યારથી મુખ્ય મંત્રી બન્યા છે, ત્યારથી તેમણે ઘણા વિવાદાસ્પદ નિર્ણયો લીધા છે.

  • આસામ વિધાનસભામાં શુક્રવારની નમાજ માટે દર શુક્રવારે ત્રણ કલાકનો વિરામ આપવામાં આવતો હતો, પરંતુ હવે તેને બંધ કરવામાં આવ્યો છે.
  • 'સ્વદેશી મુસ્લિમો'ના સામાજિક-આર્થિક સર્વેક્ષણ માટે મંજૂરી. હિમંત બિસ્વા સરકારે ગોરિયા, મોરિયા, જોલા, દેશી અને સૈયદ સમુદાયોને 'સ્વદેશી મુસ્લિમ' જાહેર કર્યા છે.
  • 'આસામ મુસ્લિમ મૅરેજ બિલ' પસાર કર્યો. મુસ્લિમો માટે તેમના લગ્ન મૌલવી સાથે રજિસ્ટર કરાવવા જરૂરી નહીં રહે. લગ્ન અને છૂટાછેડાની સરકારી નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.
  • આ ઉપરાંત સરકારી ગ્રાન્ટ મેળવતી લગભગ 1200 મદરેસાઓને સરકારી શાળાઓમાં ફેરવવામાં આવી છે.

હિમંત બિસ્વા સરમા પોતાના આ નિર્ણયોને પ્રગતિશીલ ગણાવે છે. તેઓ કહે છે કે તેઓ મુસ્લિમ સમુદાયમાં બાળ લગ્ન, બહુપત્નીત્વ પ્રથા અને ગેરકાયદે બાંગ્લાદેશીઓને આસામમાં ઘૂસતા અટકાવવા માંગે છે.

આસામ ભાજપના મુખ્ય પ્રવક્તા મનોજ બરુઆ કહે છે, "તમે આ નિર્ણયોને ધાર્મિક દૃષ્ટિએ જોશો તો તમને મુસ્લિમ વિરોધી લાગશે. પરંતુ સામાજિક રીતે તે સુધારાવાદી છે અને તેનો સૌથી વધુ ફાયદો મુસ્લિમ સમુદાયને થશે."

તેમનું કહેવું છે કે આસામમાં હિમંત બિસ્વા સરમા રાજધર્મનું પાલન કરી રહ્યા છે.

મદરેસાઓ પર પ્રતિબંધ?

આસામ સરકારે ડિસેમ્બર 2023માં રાજ્યમાં સરકારી સહાયથી ચાલતા લગભગ 1200 મદરેસાઓને સરકારી શાળાઓમાં પરિવર્તિત કરી નાખ્યા હતા.

તેવી જ રીતે કામરૂપ જિલ્લાની રંગિયા કૉલેજને પણ સામાન્ય સરકારી શાળામાં પરિવર્તિત કરવામાં આવી.

એક સમય હતો જ્યારે 1955માં બનેલી આ કૉલેજમાં ઇસ્લામિક શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવતા હતા.

શાળાના પ્રિન્સિપાલ શમસુલ હક સૈકિયા બીબીસીને કહે છે, "આસામની આ પ્રથમ કૉલેજ હતી જ્યાં ધોરણ 10 સુધી સામાન્ય અને ધાર્મિક શિક્ષણ આપવામાં આવતું હતું. ધોરણ 10 પછી એમએમ (એમએની સમકક્ષ) સુધી ઇસ્લામિક શિક્ષણ આપવામાં આવતું હતું."

શમશુલ હક કહે છે, "રંગિયા અરેબિક કૉલેજમાંથી હાયર સેકન્ડરી સ્કૂલ બન્યા પછી ઘણા લોકો પોતાના બાળકોને અહીંથી લઈ ગયા છે, કારણ કે હવે અહીં ધાર્મિક શિક્ષણ અપાતું નથી."

આવાં બાળકો સાથે વાત કરવા અમે કામરૂપ જિલ્લામાં હરિયાળી અને તળાવોથી ઘેરાયેલી એક વસાહતમાં પહોંચ્યા. અહીં એક કાચા ઘરમાં હિજાબ પહેરેલી છોકરી નાના બાળકોને કુરાન શીખવી રહી છે.

અગાઉ આ બાળકો મદરેસામાં ધાર્મિક શિક્ષણ મેળવતાં હતાં.

યુવતી ખચકાઈને કહે છે, "હવે અમારે ઘરે રહીને કુરાન અને ધાર્મિક શિક્ષણ મેળવવું પડે છે, કારણ કે સરકારે મદરેસા બંધ કરી દીધા છે."

સરકારના આ નિર્ણયથી યુવતીના પિતા નાખુશ છે. તેઓ કહે છે, "અમે અમારાં બાળકોને વ્યવહારુ શિક્ષણની સાથે સાથે ધાર્મિક શિક્ષણ પણ આપવા માંગતા હતા, જે હવે બંધ થઈ ગયું છે. અમે આનાથી દુઃખી છીએ."

આસામ સરકારે મદરેસાઓની સાથે સાથે રાજ્ય સંચાલિત 'સંસ્કૃત ટોલ' એટલે કે સંસ્કૃત કેન્દ્રોને પણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

રંગિયા અરેબિક કૉલેજમાં 35 વર્ષથી શિક્ષક તરીકે ભણાવતા અફઝલ હુસૈન કહે છે, "રાજ્ય સરકારે તમામ સંસ્કૃત કેન્દ્રોને કુમાર ભાસ્કર વર્મા સંસ્કૃત અને પ્રાચીન અધ્યયન યુનિવર્સિટીમાં ભેળવી દીધા છે, પરંતુ સંસ્કૃત શાળાઓના અભ્યાસક્રમમાં બહુ ફેરફાર કરવામાં આવ્યો નથી."

સંસ્કૃત શાળાઓના અભ્યાસક્રમમાં મોટા ફેરફાર ન કરવા વિશે આસામના શિક્ષણ મંત્રી રનોજ પેગુએ બીબીસીને જણાવ્યું કે, "મદરેસાઓને સરકારી શાળાઓમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યા છે. આવતા વર્ષ સુધીમાં સંસ્કૃત શાળાઓ પણ સરકારી શાળાઓમાં પરિવર્તિત થઈ જશે. ત્યાં પણ સંસ્કૃતને વૈકલ્પિક વિષય તરીકે ભણાવવામાં આવશે."

બીજી તરફ સરકારના આ નિર્ણયને ટેકો આપતા ભારતીય જનતા પાર્ટીના નેતા વિજય ગુપ્તા કહે છે, "ધર્મના આધારે શિક્ષણનું વર્ગીકરણ કરવામાં આવે તો તે નિઃશંકપણે નુકસાનકારક સાબિત થાય છે."

'બંગાળી મૂળ'ના મુસ્લિમોનો મુદ્દો

2011ની વસતી ગણતરી પ્રમાણે આસામમાં મુસ્લિમોની વસતી લગભગ 35 ટકા છે. ભારતમાં જમ્મુ અને કાશ્મીર પછી આસામમાં મુસ્લિમોની વસ્તી સૌથી ગીચ છે.

હિમંત બિસ્વા સરમાનો આરોપ છે કે બાંગ્લાદેશના મુસ્લિમો આસામમાં મોટા પાયે ગેરકાયદેસર વસવાટ કરી રહ્યા છે.

તેઓ કહે છે, "મારા આસામમાં મુસ્લિમોની વસતી 40 ટકા પર પહોંચી ગઈ છે. 1951માં તે 12 ટકા હતી, આજે તે 40 ટકા છે. અમે એક પછી એક જિલ્લા ગુમાવ્યા છે."

રાજકીય વિશ્લેષક અને ગુવાહાટી યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર વિભાગના નિવૃત્ત પ્રોફેસર અબ્દુલ મન્નાન કહે છે કે મુખ્યમંત્રી હિમંત બિસ્વા આસામમાં મુસ્લિમોની વસતીને લઈને ભ્રામક નિવેદનો કરી રહ્યા છે.

તેઓ કહે છે, "1951ની વસતી ગણતરી હાથ ધરવામાં આવી ત્યારે આસામમાં લગભગ 25 ટકા મુસ્લિમો હતા, જે 2011માં વધીને લગભગ 34 ટકા થઈ ગયા છે. આસામમાં મુસ્લિમોની વસતી વધી છે એ વાતમાં કોઈ શંકા નથી, પરંતુ તેનું કારણ ઘૂસણખોરી નથી."

હિમંત બિસ્વા કહે છે કે તેમને બંગાળી મૂળના મુસ્લિમોના મતોની જરૂર નથી, કારણ કે તેઓ સાંપ્રદાયિક અને રૂઢિચુસ્ત છે, તથા આસામની સંસ્કૃતિ અને ભાષાને વિકૃત કરવા માંગે છે.

કેટલાય દાયકાથી આસામમાં કથિત ગેરકાયદે બાંગ્લાદેશીઓનો મુદ્દો રાજકારણના કેન્દ્રમાં રહે છે.

આસામની રાજધાની ગુવાહાટીથી લગભગ 120 કિલોમીટરના અંતરે આવેલા નૌગાંવમાં બંગાળી મૂળના નૌશાદ અલી દાયકાઓથી સરકારી જમીન પર ઘર બનાવીને રહેતા હતા, પરંતુ જાન્યુઆરી 2023માં અતિક્રમણ હટાવવાની કાર્યવાહીમાં વહીવટીતંત્રે અહીં લગભગ 30 મકાનો તોડી પાડ્યાં હતાં.

નૌશાદ કહે છે, "હિમંત બિસ્વા સરમા માત્ર મુસ્લિમો ક્યાં રહે છે તે જ જુએ છે. પછી તેમનાં ઘરો તોડી પાડવામાં આવે છે. અમે મોબાઇલમાં જોઈએ છીએ કે તેઓ આખો દિવસ મુસ્લિમો વિરુદ્ધ બોલે છે. અમને બહુ બીક લાગે છે."

નૌશાદ અલીના આખા પરિવારનું નામ એનઆરસીમાં સામેલ છે. તેમની પાસે આધાર કાર્ડ પણ છે.

નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ બિલ એ એક રજિસ્ટર છે, જેમાં ભારતમાં વસતા તમામ કાયદેસરના નાગરિકોનો રેકૉર્ડ રાખવામાં આવશે. એનઆરસી હેઠળ કોઈ પણ વ્યક્તિએ પોતે ભારતનો નાગરિક છે તે સાબિત કરવા માટે તેના પૂર્વજો 24 માર્ચ, 1971 પહેલાં ભારત આવ્યા હતા એવું પુરવાર કરવું પડશે.

નૌગાંવના જિલ્લાધિકારી નરેન્દ્ર શાહે આ પરિવારોના પુનર્વસનના પ્રશ્ન પર કોઈ જવાબ આપ્યો ન હતો.

મન્નાન કહે છે, "મુસ્લિમ સમાજમાં નિરક્ષરતા અને ગરીબીને કારણે સામાન્ય રીતે છોકરીનાં વહેલાં લગ્ન થઈ જાય છે. કોઈ છોકરીના 14 વર્ષની ઉંમરે લગ્ન થઈ જાય અને તે પછીના વર્ષમાં તેને ત્યાં દીકરી આવે, તો ત્યાર પછી 14 વર્ષે તે છોકરી પણ લગ્ન કરશે. આમ એક મુસ્લિમ છોકરી 30 વર્ષની ઉંમરે દાદી બની જાય છે, જ્યારે હિંદુ છોકરીઓ સામાન્ય રીતે તે ઉંમરે લગ્ન કરે છે."

તેઓ કહે છે, "છેલ્લા સાત દાયકામાં હિંદુ સમાજમાં ત્રણ પેઢી આવી છે, પરંતુ મુસ્લિમ સમુદાયમાં ચારથી વધુ પેઢીઓ આવી ગઈ છે."

ગુવાહાટીમાં દૈનિક પૂર્વોદયના તંત્રી રવિશંકર રવિ કહે છે, "બે વર્ષ પહેલાં આસામમાં પાંચ સમુદાયોને સ્વદેશી આસામી મુસ્લિમ તરીકે માન્યતા આપવામાં આવી હતી, જેમાં ગોરિયા, મોરિયા, જોલાહ, દેશી અને સૈયદનો સમાવેશ થાય છે. આમ કરીને તેઓ મુસ્લિમોમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરે છે."

હવે રાજ્ય સરકાર આસામમાં સ્વદેશી મુસ્લિમોનો સામાજિક-આર્થિક સર્વે કરી રહી છે, જેના દ્વારા રાજ્યમાં બાંગ્લાદેશ મૂળના મુસ્લિમો ક્યાં રહે છે તે જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવી રહ્યો છે.

આસામમાં બાંગ્લાદેશીઓની કથિત ઘૂસણખોરીના વિરોધમાં સામેલ કામરૂપ જિલ્લાના મૌલાના બહરુલ રાજ્યના સ્થાનિક મુસ્લિમોના આર્થિક-સામાજિક સર્વેને ટેકો આપે છે.

મૌલાના બહારુલ કહે છે, "બાંગ્લાદેશથી ઘૂસણખોરી કરીને આવનારા મુસ્લિમો આસામની સંસ્કૃતિમાં માનતા નથી. અમે તે લોકોને અહીં રહેવા નહીં દઈએ. આ સર્વેની મદદથી અમે જાણી શકીશું કે આસામના અસલી મુસ્લિમો કોણ છે અને સરકાર અમારા માટે વધુ સારી નીતિઓ ઘડી શકશે."

બહારુલ કહે છે, "મુખ્ય મંત્રી આસામના સ્વદેશી મુસ્લિમોનો વિરોધ નથી કરતા. તેઓ બાંગ્લાદેશથી આવેલા લોકોનો વિરોધ કરી રહ્યા છે. આ સરકારમાં અમને ક્યારેય કોઈ ભેદભાવનો સામનો કરવો પડ્યો નથી."

પત્રકાર રવિશંકર રવિ કહે છે, "આસામમાં પ્રદેશવાદ ખૂબ જ ઉગ્ર છે. ઉત્તર ભારતની જેમ અહીંનો સમાજ જાતિના આધારે વિભાજિત નથી."

"ભાજપે જે રીતે મંડલને કાપવા માટે કમંડલનો ઉપયોગ કર્યો હતો, તે રીતે અહીં લોકોને બાંગ્લાદેશી મુસ્લિમોનો ડર બતાવવામાં આવી રહ્યો છે જેથી કરીને તેઓ પ્રદેશવાદ છોડીને હિંદુત્વની છત્રછાયામાં સંગઠિત થઈ શકે."

ધાર્મિક ઓળખના આધારે નિશાન બનાવવાનો આરોપ

હિમંતા બિસ્વા સરમાએ તાજેતરમાં આસામના પૂર માટે મેઘાલયની યુએસટીએમ યુનિવર્સિટીને જવાબદાર ગણાવી હતી અને 'ફ્લડ જેહાદ' શબ્દનો ઉપયોગ કર્યો હતો.

આ ખાનગી યુનિવર્સિટીના માલિકનું નામ મહબૂબ હક છે.

ત્યાર પછી 21 ઑગસ્ટે જ્યારે શાહઆલમ નામના પત્રકારે વિધાનસભાની બહાર મુખ્ય મંત્રીને તેમના વિસ્તારમાં પહાડોમાં ખોદકામ અંગે પ્રશ્ન પૂછ્યો ત્યારે હિમંત ખૂબ ગુસ્સે થઈ ગયા.

તેમણે પત્રકારને તેનું નામ પૂછ્યું અને પછી તેની ધાર્મિક ઓળખને નિશાન બનાવી.

મુખ્ય મંત્રી સરમાએ પત્રકાર શાહઆલમને યુનિવર્સિટીના માલિક મહેબૂબ હક સાથે સાંકળીને કહ્યું, "તમે અમને રહેવા દેશો કે નહીં? આવામાં આસામમાં આપણો સમાજ કેવી રીતે ટકી શકશે?"

પત્રકાર શાહ આલમ કહે છે, "તેમણે મારી ધાર્મિક ઓળખને કારણે મને નિશાન બનાવી ત્યારે મને થોડું અપમાન લાગ્યું. હું એક સ્વદેશી ગૌરિયા મુસ્લિમ છું અને મને હિમંત બિસ્વા સરમાની સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી હતી. હવે તેઓ જ કહી રહ્યા છે કે અમને તમારાથી ખતરો છે."

હિંદુઓ પર પણ આ નિર્ણયોની અસર થાય છે?

ગુવાહાટીથી જોરહાટ તરફ આગળ વધતાં રસ્તા પર સેંકડો પ્રદર્શનકારીઓની ભીડ જોવા મળે છે.

હાથમાં પોસ્ટર અને બેનરો લઈને લોકો 'સાવધાન... સાવધાન...બાંગ્લાદેશી સાવધાન'ના નારા લગાવી રહ્યા છે.

કામરૂપ જિલ્લાના ડિમોરિયા વિસ્તારના સ્થાનિક લોકો કથિત રીતે બાંગ્લાદેશથી આવેલા લોકોનો વિરોધ કરી રહ્યા છે.

આ લોકો માટે હિમંત બિસ્વા સરમા એક એવા નેતા છે જેઓ આસામમાં હિંદુઓ માટે જોરદાર કામ કરી રહ્યા છે.

સ્થાનિક રહેવાસી સિરોમણી કહે છે, "બાંગ્લાદેશી મુસ્લિમો રાત્રે જહાજો અને હોડીઓમાં આવે છે અને અમારી જમીનો પર કબજો કરી લે છે. અમે કાર્બી સમુદાયના લોકો છીએ. આ લોકોથી અમારી જમીનો જોખમમાં છે. હિમંત સરકારે આવા લોકો સામે કાર્યવાહી કરી રહી છે. પરંતુ અમે ઇચ્છીએ છીએ કે તેમાં ઝડપી કામ થાય."

અહોમ સમુદાયના બોનાલી બરુઆ કહે છે, "અગાઉ બાંગ્લાદેશથી આવેલા લોકોને ઘરથી લઈને રાશન કાર્ડ મળી જતું હતું. પરંતુ હિમંત સરકારમાં આવું થઈ રહ્યું નથી. તેઓ દેશમાં હિંદુત્વને આગળ વધારવા કામ કરી રહ્યા છે."

પ્રદર્શનના સ્થળથી થોડા કલાકો દૂર નૌગાંવમાં પાનની દુકાન ચલાવતા રાનો મંડલ કહે છે, "હિમંત દરેક બાબતમાં હિંદુ-મુસ્લિમ શોધે છે, જે જરૂરી નથી. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો પાસે રોજગાર નથી. તેઓ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી."

ગુવાહાટીના વરિષ્ઠ પત્રકાર બૈકુંઠ ગોસ્વામી તેમની હિંદુત્વની ઓળખ વિશે વાત કરતા કહે છે, "તેઓ મુસ્લિમો વિરુદ્ધ માત્ર એટલા માટે નિવેદનો આપી રહ્યા છે જેથી કરીને પાર્ટીમાં તેમનું સ્થાન મજબૂત બને. આ સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી."

તેઓ કહે છે, "હિમંત બિસ્વા સરમા આટલા લાંબા સમયથી ખાલી હિંદુ-મુસ્લિમની વાતો કરી રહ્યા છે, છતાં હિંદુ બહુમતી ધરાવતી જોરહાટની લોકસભા સીટ પર ભાજપ હારી ગયો. આ બતાવે છે કે માત્ર મુસ્લિમોનો વિરોધ કરવાથી હિંદુ લોકો ટેકો નહીં આપે.""

હિમંતાના અનેક ચર્ચાસ્પદ નિવેદનો

હિમંત બિસ્વા સરમા પોતાનાં નિવેદનોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. આવાં કેટલાંક નિવેદનો પર એક નજર કરીએ.

રાહુલ ગાંધીની અમેરિકા મુલાકાત:

"રાહુલ ગાંધીનો અમેરિકા જવાનો હેતુ ભારતને બદનામ કરવાનો છે. જે વ્યક્તિ વિદેશમાં જઈને ભારત વિરુદ્ધ બોલે છે તેના વિશે બોલવાનો કોઈ અર્થ નથી."

ભારત જોડો યાત્રા વિશે:

"તમારો ચહેરો થોડો બદલાઈ ગયો છે. તમારે ચહેરો બનાવવો જ હોય ​​તો જવાહરલાલ નહેરુ જેવો બનાવો, જે તમારા નાના હતા. તમારે કમસે કમ ગાંધીજી જેવો ચહેરો બનાવવો જોઈએ, સદ્દામ હુસૈન જેવો ચહેરો લઈને ક્યાં ફરો છો."

રાજસ્થાનમાં કનૈયાલાલ હત્યા કેસ વિશે:

"એક બાજુ કનૈયાલાલની ઘટના બની અને પાંચ મિનિટમાં બીજી ઘટનાના સમાચાર પણ ટીવી પર આવવા જોઈએ. હિસાબ બરાબર. હિસાબમાં કોઈ ખામી ન હોવી જોઈએ. આ બહાદુરોની ભૂમિ છે અને અમે બહાદુરોની જેમ જવાબ આપીશું. "

આસામમાં કથિત ઘૂસણખોરી વિશે:

"મારા આસામમાં મુસ્લિમોની વસતી 40 ટકા પર પહોંચી ગઈ છે. 1951માં તે 12 ટકા હતી, આજે તે 40 ટકા છે. અમે એક પછી એક જિલ્લા ગુમાવ્યા છે. મારા માટે આ કોઈ રાજકીય મુદ્દો નથી. મારા માટે તે જીવન અને મૃત્યુનો મુદ્દો છે."

ધર્મનિરપેક્ષતા વિશે:

"આ દેશ હિંદુઓનો દેશ છે અને હંમેશા હિંદુઓનો જ રહેશે. અમને ધર્મનિરપેક્ષતાની ભાષા ન શીખવો. તમારે મારી પાસેથી સેક્યુલરિઝમની ભાષા શીખવાની જરૂર નથી... બિનસાંપ્રદાયિકતાનો અર્થ એ નથી કે તમે રામમંદિરને તોડીને બાબરના નામે મસ્જિદ બનાવો."

છેલ્લાં કેટલાંક વર્ષોમાં હિમંત બિસ્વા સરમાએ આવાં ડઝનબંધ નિવેદનો આપ્યાં છે, જેના કારણે વિપક્ષ તેમના પર સમાજમાં ભાગલા પાડવાનો આરોપ લગાવે છે.

હિમંત બિસ્વા સરમા આવું કેમ કરી રહ્યા છે?

મુખ્ય મંત્રી હિમંતના આ વલણનું કારણ શું છે? શું તેઓ પોતાની આ છબિ દ્વારા આસામમાં પોતાના રાજકીય પાયા મજબૂત કરવા માંગે છે? કે પછી તે દેશમાં 'હિંદુત્વના નવા પોસ્ટર બૉય' તરીકે ઊભરવા માંગે છે?

શું તેઓ આ ઈમેજના આધારે જ ભારતીય જનતા પાર્ટીમાં ઝડપથી સફળતાની સીડી ચઢી ગયા છે?

નિષ્ણાતોના મતે હિમંતે મુખ્યમંત્રી તરીકે લીધેલા નિર્ણયોને કારણે રાજ્યમાં મુસ્લિમો અલગાવ અનુભવવા લાગ્યા છે.

ગુવાહાટીના વરિષ્ઠ પત્રકાર બૈકુંઠ ગોસ્વામી કહે છે, "હિમંત બિસ્વા સરમાનો મુસ્લિમ વિરોધી હોવાનો હેતુ હિંદુઓને સંગઠિત કરવાનો છે, જેથી હિંદુ મતોનું ધ્રુવીકરણ થઈ શકે."

તેઓ કહે છે, "મુખ્ય મંત્રી મુસ્લિમોની ધાર્મિક પરંપરાઓને સુધારવાની વાત કરે છે પરંતુ આ કામ ધાર્મિક નેતાઓનું છે. તેઓ માને છે કે આમ કરવાથી મુસ્લિમો ગુસ્સે થશે, જેનાથી તેમને રાજકીય ફાયદો મળશે."

વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા કહે છે, "ભાજપમાં શરૂઆતથી જ બે પ્રવાહો ચાલી રહ્યા છે, એક ઉદારવાદી અને બીજો કટ્ટરવાદી. વાજપેયીને ઉદારવાદી અને અડવાણીને કટ્ટરવાદી માનવામાં આવતા હતા, પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા છે ત્યારથી દેશમાં કટ્ટરવાદીઓનું પ્રભુત્વ છે."

તેઓ કહે છે, "હિમંત આ વાત સારી રીતે સમજી ગયા છે. તેમનું માનવું છે કે તેઓ પોતાને કટ્ટરવાદી દેખાડશે તો પક્ષમાં તેમનો સારો વિકાસ થશે."

ગુપ્તા કહે છે, "આસામમાં લગભગ 35 ટકા મુસ્લિમો છે. આવી સ્થિતિમાં હિમંતને લાગે છે કે જો તેઓ ધ્રુવીકરણની રાજનીતિ કરશે તો તેને રાજકારણમાં ફાયદો થશે."

વિપક્ષ શું કહે છે?

કૉંગ્રેસના ધારાસભ્ય અને આસામ વિધાનસભામાં વિપક્ષના નેતા દેવબ્રત સૈકિયા કહે છે કે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા રાજ્યમાં વિકાસને બદલે કોમવાદી એજન્ડા ચલાવવા માંગે છે.

તેઓ કહે છે, “એક ચિત્ર ઉભું કરવામાં આવી રહ્યું છે જેથી રાજ્યના મુસ્લિમોમાં ભય ફેલાય. મુખ્યમંત્રીના મુખેથી નીકળતા શબ્દોનું ઘણું મૂલ્ય હોય છે. જો તેઓ કોમવાદી ભાષણો આપે તો કેટલાક લોકો ચોક્કસપણે તેના પ્રભાવમાં આવશે. રાજ્યમાં કોઈ હુલ્લડ થશે તો તેના માટે હિમંત બિસ્વા સરમા જવાબદાર રહેશે."

સૈકિયાનું કહેવું છે કે હિમંત માત્ર રાજકીય મંચ પર જ નહીં, પરંતુ વિધાનસભાની અંદર પણ આવી વિભાજનકારી ભાષાનો ઉપયોગ કરે છે, જેની સામે કોંગ્રેસ પાર્ટીએ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને ફરિયાદ કરી છે."

રાજ્યમાં મદરેસાઓને સરકારી શાળાઓમાં રૂપાંતરિત કરવાના મામલે સૈકિયા કહે છે, "હિંદુ-મુસ્લિમ નેરેટિવને મજબૂત કરવા માટે મદરેસાઓ બંધ કરવામાં આવ્યા. અગાઉ પણ ઘણી મદરેસાઓમાં સામાન્ય વિષયો ભણાવવામાં આવતા હતા, પરંતુ જાણી જોઈને એવું બતાવવામાં આવ્યું હતું કે અહીં માત્ર ધાર્મિક શિક્ષણ જ આપવામાં આવે છે. આરએસએસ અને ભાજપના દરબારમાં પોતાને મજબૂત કરવા માટે મુખ્યમંત્રી આવું કરી રહ્યા છે."

જોકે, કૉંગ્રેસે આસામમાં મુસ્લિમ મેરેજ બિલનો વિરોધ કર્યો નથી. આ કાયદા મુજબ હવે મુસ્લિમ સમુદાયના લોકોએ તેમના લગ્ન કાઝીના બદલે સરકારી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

દેવવ્રત સૈકિયા કહે છે, "આ કાયદો માત્ર લગ્નની નોંધણી અંગેનો હતો, શરિયા કાયદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. કાઝીની જગ્યાએ સ્પેશિયલ મેરેજ ઑફિસર મૂકવાની વાત ચાલી રહી છે, જેનાથી મુસ્લિમ સમુદાયને ફાયદો થશે, તેથી જ અમે તેનો વિરોધ કર્યો નથી."

ત્રણ દાયકા સુધી ભાજપમાં રહેલા અશોક શર્મા હાલમાં કૉંગ્રેસમાં છે.

તેઓ કહે છે, "હિમંત બિસ્વા સરમા આસામમાં હિંદુઓના મત મેળવવા માટે મુસ્લિમોને નિશાન બનાવી રહ્યા છે. તેઓ સમાજમાં ભાગલા પાડીને પોતાનું રાજ ચલાવવા માંગે છે."

શું કેન્દ્રીય નેતૃત્વ હિમંતને 'પોસ્ટર બૉય' બનાવી રહ્યું છે?

વરિષ્ઠ પત્રકાર વિજય ત્રિવેદી માને છે કે ભાજપને ઈશાન ભારતના રાજ્યમાં પોતાનું સ્થાન બનાવવું હતું અને હિમંત બિસ્વા સરમાએ તેને પૂર્ણ કરવાનું કામ કર્યું છે.

તેઓ કહે છે, "ઉત્તર-પૂર્વ ભારતમાં સંઘ છેલ્લાં 30 વર્ષથી કામ કરી રહ્યું છે, પરંતુ ભાજપ માટે મેદાન તૈયાર શક્યું નહીં. 2016માં સર્બાનંદ સોનોવાલ મુખ્ય મંત્રી બન્યા પછી પણ ભાજપ પોતાનો આધાર શોધતો હતો. હિમંતે તેમાં મજબૂત કામ કર્યું છે."

વિજય ત્રિવેદી કહે છે,"ભાજપ જે વાત ખુલ્લેઆમ નથી કહી શકતો, તે હિમંત દ્વારા બોલાવે છે. હિમંત અને ભાજપ બંનેને એકબીજાની જરૂર છે."

કેટલાક રાજકીય વિશ્લેષકો હિમંત બિસ્વા સરમાની સરખામણી યોગી આદિત્યનાથ સાથે પણ કરે છે.

ત્રિવેદી કહે છે,"બે પોસ્ટર બૉય વચ્ચે ફરક છે. યોગી આદિત્યનાથ કેન્દ્રીય નેતૃત્વની આંખમાં કણાની જેમ ખટકે છે, ત્યારે હિમંત બિસ્વા સરમા તેમની આંખોના તારા છે. મુશ્કેલ પરિસ્થિતિમાં તેઓ સૌથી આગળ દેખાય છે."

જૂન 2022 માં એકનાથ શિંદેએ જ્યારે શિવસેના સામે બળવો કર્યો, ત્યારે તેઓ લગભગ 40 ધારાસભ્યો સાથે ભાજપનાં અન્ય રાજ્યો છોડીને આસામની રાજધાની ગુવાહાટી પહોંચ્યા હતા.

એવું માનવામાં આવે છે કે તે સમયે હિમંત બિસ્વા સરમાએ જ બધું સંભાળ્યું હતું. બાદમાં મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં ભાજપના સમર્થનથી સરકાર પણ બની હતી.

વિજય ત્રિવેદી કહે છે, “હિમંત બિસ્વા સરકારો બનાવવામાં અને તોડવામાં નિષ્ણાત છે. આ પણ એક કારણ છે જેથી આટલા ઓછા સમયમાં તેઓ ભાજપના પોસ્ટર બૉય બની ગયા છે."

રાજ્યની બહાર હિમંતને જવાબદારી

આસામના રાજકારણમાં હિમંત બિસ્વા સરમાની સફળતાને નજીકથી જોનારા લોકો માને છે કે હાલમાં ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં હિમંતથી મોટા બીજા કોઈ નેતા નથી.

એટલું જ નહીં, ભાજપે તેમને ઉત્તર-પૂર્વની બહાર ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા અને કેરળમાં પણ સ્ટાર પ્રચારક તરીકે મોકલ્યા હતા.

આસામમાં ભાજપના વરિષ્ઠ નેતા વિજય ગુપ્તા કહે છે, "તેઓ હિંદુત્વના રક્ષણ માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તેઓ એવા નેતા છે જે હિંદુત્વને આગળ લઈ જઈ રહ્યા છે. જ્યાં પણ ચૂંટણી હોય ત્યાં પાર્ટી તેમને મોકલે છે. તેઓ મુદ્દાઓને બહુ સારી રીતે ઉઠાવે છે અને જનતા તેમની સાથે જોડાણ અનુભવે છે. તેઓ સારું કામ કરે છે જેનો પક્ષને ફાયદો થાય છે."

લગભગ 10 વર્ષમાં જ તેઓ ભાજપના ટોચના નેતાઓના પ્રિય બની ગયા છે.

તાજેતરમાં જ ઝારખંડના પૂર્વ મુખ્ય મંત્રી અને ઝારખંડ મુક્તિ મોરચાના વરિષ્ઠ નેતા ચંપાઈ સોરેન ભાજપમાં જોડાયા છે.

હિમંત બિસ્વા સરમાએ તેમને પાર્ટીમાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. હાલમાં તેઓ ઝારખંડના સહ-પ્રભારી પણ છે.

પત્રકાર રવિશંકર રવિ કહે છે, "તેઓ મુદ્દાઓને ઓળખે છે. બહુમતી વર્ગ શેનાથી ખુશ થશે તે તેઓ જાણે છે. તેઓ આકરી ભાષાનો ઉપયોગ કરે છે. ઝારખંડમાં ચૂંટણી પ્રચાર વખતે તેમણે મુસ્લિમોને ઝાટક્યા હતા. તેમણે કહ્યું હતું કે અનામત બેઠક પરથી જે આદિવાસી મહિલા ચૂંટણી લડી રહી છે તેના પતિ મુસ્લિમ છે."

તેઓ કહે છે, "કોઈને કોઈ રીતે તેમનાં નિવેદનો ભાજપના ટોચના નેતાઓને પસંદ છે અને આમ કરીને તેઓ સંઘની પણ નિકટ પહોંચી ગયા છે."

હિમંત અને કૉંગ્રેસ વચ્ચેનો સંબંધ

હિમંતનું રાજકારણ હંમેશાં આવું નહોતું. તેમણે તેમની રાજકીય કારકિર્દી કૉંગ્રેસમાંથી શરૂ કરી હતી. એક સમયે હિમંત આસામની તરુણ ગોગોઈ સરકારમાં નંબર ટુનું પદ સંભાળતા હતા.

તે વખતે તેઓ ઘણીવાર ભાજપ અને નરેન્દ્ર મોદી પર 'મુસ્લિમ વિરોધી' હોવાનો આરોપ લગાવીને નિશાન તાકતા હતા.

2014ની લોકસભા ચૂંટણી સમયે એક સભાને સંબોધતા હિમંત બિસ્વાએ નરેન્દ્ર મોદીનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, "તમે કહો છો કે ગુજરાતમાં પાણીની પાઇપની અંદર મારુતિ કાર ચાલી શકે છે. તમે આસામના લોકોને સત્ય જણાવો કે આસામમાં પાણીની પાઇપલાઇનમાંથી પાણી જ વહે છે જ્યારે ગુજરાતમાં પાણીની પાઇપમાંથી મુસ્લિમોનું લોહી વહે છે."

આ ભાષણને લગભગ એક દાયકાનો સમય વીતી ગયો છે. આ ભાષણમાં તેમણે જેમના પર રાજકીય પ્રહારો કર્યા હતા તે નરેન્દ્ર મોદીની પાર્ટીમાં જ તેઓ હવે સભ્ય છે.

તેમનાં તાજેતરનાં ભાષણોમાં લૅન્ડ જેહાદ, લવ જેહાદ, ફ્લડ જેહાદ, મદરેસા જેહાદ જેવા શબ્દો સંભળાય છે અને તેઓ રાહુલ ગાંધીને નિશાન બનાવે છે.

2017માં રાહુલ ગાંધીએ પોતાના કૂતરાને બિસ્કિટ ખવડાવતો વીડિયો ટ્વીટ કર્યો હતો.

તેના જવાબમાં હિમંતે લખ્યું હતું કે, "રાહુલ ગાંધી સર, આ વાત મારાથી વધુ સારી રીતે કોણ જાણી શકે. મને હજુ પણ યાદ છે કે જ્યારે અમે તમારી સાથે આસામના ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગતા હતા ત્યારે તમે તેને (કૂતરાને) બિસ્કિટ ખવડાવવામાં વ્યસ્ત હતા."

વરિષ્ઠ પત્રકાર શરદ ગુપ્તા કહે છે, "હિમંતને રાહુલ ગાંધી પ્રત્યે અંગત નારાજગી પણ છે. બીજું, તેમને નિશાન બનાવીને તેઓ ભાજપ હાઈકમાન્ડની નજરમાં રહેવા માંગે છે, કારણ કે ભાજપને પણ આ પસંદ છે."

હિમંત બિસ્વાની રાજકીય સફર

55 વર્ષના હિમંતા બિસ્વા સરમાનો જન્મ ગુવાહાટીની ગાંધી બસ્તીમાં થયો હતો. તેમના પરિવારમાંથી કોઈ પણ રાજકારણમાં ન હતું.

શાળામાં જ હિમંતે એક સારા વક્તા તરીકે પોતાની છબિ બનાવી હતી.

તેઓ શાળામાં ભણતા હતા ત્યારે આસામમાં ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન (એએએસયુ)ના નેતૃત્વમાં ગેરકાયદે બાંગ્લાદેશીઓ વિરુદ્ધ એક રાજ્યવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.

રાજકીય વિશ્લેષક અબ્દુલ મન્નાન કહે છે કે, "આ આંદોલનથી પ્રભાવિત થઈને હિમંતા બિસ્વા ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયનમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેઓ તત્કાલિન મુખ્યમંત્રી હિતેશ્વર સૈકિયાના સંપર્કમાં આવ્યા અને તેમણે હિમંતને પોતાની ટીમમાં સમાવ્યા."

"અહીંથી તેમનું વિદ્યાર્થી રાજકારણ શરૂ થયું અને તેઓ ત્રણ વખત ગુવાહાટી કોટન કોલેજના જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા."

મન્નાનનું માનવું છે કે હિતેશ્વર સૈકિયા એ હિમંતના પ્રથમ રાજકીય ગુરુ હતા અને તેમણે જ હિમંતને પહેલીવાર ટિકિટ આપી હતી.

1996માં હિમંત આસામ ચળવળના બીજા અગ્રણી નેતા ભૃગુ ફુકન સામે જાલુકબારી વિધાનસભા મતક્ષેત્રમાં ચૂંટણી લડ્યા, ત્યારે તેમને પરાજયનો સામનો કરવો પડ્યો.

ત્યાર પછીની વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભૃગુ ફુકનને લગભગ 10 હજાર મતોના માર્જિનથી હરાવ્યા હતા.

મન્નાન કહે છે કે 2001માં તરુણ ગોગોઈ આસામના મુખ્ય મંત્રી બન્યા ત્યારથી હિમંતનો સુવર્ણ યુગ શરૂ થયો હતો.

તેઓ કહે છે, "તરુણ ગોગોઈએ હિમંતને ખૂબ નાની ઉંમરમાં મંત્રી બનાવી દીધા હતા. હિમંત અને રકીબુલ હુસૈન જેવા યુવા ધારાસભ્યો ઘણીવાર તેમની નજીક જોવા મળતા હતા."

શરૂઆતમાં હિમંતને કૃષિ જેવા મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ થોડા જ વર્ષોમાં તેઓ નાણાં, શિક્ષણ અને આરોગ્ય જેવાં મોટાં મંત્રાલયો સંભાળીને રાજ્યમાં નંબર ટુના દરજ્જા સુધી પહોંચી ગયા."

પરંતુ વર્ષ 2011માં તરુણ ગોગોઈએ જ્યારે ત્રીજી વખત મુખ્ય મંત્રી તરીકે પદભાર સંભાળ્યો, ત્યારે તેમણે પોતાના પુત્ર ગૌરવ ગોગોઈને રાજકારણમાં આગળ લાવવાનું શરૂ કર્યું અને અહીંથી તેમના સંબંધોમાં તિરાડની શરૂઆત થઈ.

હિમંતને આશા હતી કે કૉંગ્રેસ હાઈકમાન્ડ તેમની વાત સાંભળશે, પરંતુ એવું ન થયું ત્યારે તેઓ કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા.

વર્ષ 2016માં પહેલી વખત આસામમાં ભાજપની સરકાર બની હતી, પરંતુ પાર્ટીએ સર્બાનંદ સોનોવાલને મુખ્ય મંત્રી તરીકે પસંદ કર્યા હતા.

અંતે વર્ષ 2021માં હિમંત બિસ્વાનું મુખ્ય મંત્રી બનવાનું સપનું પૂરું થયું.

(સહયોગ - દિલીપ શર્મા, બીબીસી હિન્દી માટે ગુવાહાટીથી)

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.