You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આસામમાં 'સ્વદેશી મુસલમાનો'ના સર્વેથી કેમ ભયભીત છે 'મિયાં મુસલમાન'?
- લેેખક, દિલીપકુમાર શર્મા
- પદ, આસામના ઘેપારગામથી બીબીસી માટે
“હું બંગાળી મૂળનો મુસલમાન છું. કેટલાક લોકો અમને મિયાં મુસલમાન પણ કહે છે. મને ખબર નથી કે સરકાર કોને સ્વદેશી મુસલમાન માને છે. ગામના કેટલાક લોકો ગોરિયા-મોરિયા મુસલમાનોના સર્વેની વાત કરી રહ્યા છે. આ બધી વાતો મુસલમાનોની અશાંતિ માટે થઈ રહી છે.”
60 વર્ષના મોહમ્મદ અલીએ આ વાત બહુ નારાજગી સાથે કહી છે.
આસામના બોડોલૅન્ડ પ્રાદેશિક પ્રદેશના તામુલપુર જિલ્લાના એક અંતરિયાળ ગામ ધેપારગામના રહેવાસી મોહમ્મદ ઉમર અલી કડિયાકામ કરીને આઠ લોકોના પરિવારનું ગુજરાન ચલાવે છે, પરંતુ તેમના ગામમાં આજકાલ ‘ઇન્ડિજિનસ’ એટલે કે સ્વદેશી મુસલમાનોના સામાજિક-આર્થિક સર્વેક્ષણ બાબતે થઈ રહેલી ચર્ચાથી તેઓ ચિંતિત છે.
તેઓ કહે છે, “વાસ્તવમાં સરકાર અમારી સાથે શું કરવા ઇચ્છે છે તે સમજાતું નથી. પહેલાં એનઆરસીમાં નામ સામેલ કરવા માટે બહુ દોડાદોડી કરવી પડી હતી. હવે, ખબર નહીં સ્વદેશીના નામે મુસલમાનો પાસેથી કયા દસ્તાવેજો માગી રહ્યા છે.”
તેઓ ઉમેરે છે, “કાગળિયાની તપાસ થશે તેનો ડર નથી, પરંતુ દરેક વખતે જે હેરાનગતિ થાય છે તેનો ડર લાગે છે. એનઆરસી વખતે કામધંધો છોડી, ગામથી 80 કિલોમીટર દૂર જઈને કાગળિયાની તપાસ કરાવવી પડી હતી.”
“અમારું જીવન હવે આ કાગળિયા પર જ ટકેલું છે. અહીંના લોકો પૂર વખતે પોતાનો જીવ બચાવવાથી વધુ પ્રયાસ આ કાગળિયા બચાવી રાખવા માટે કરતા હોય છે.”
કોણ છે ‘સ્વદેશી મુસલમાન’
વાસ્તવમાં આસામના મંત્રીમંડળે રાજ્યના સ્વદેશી મુસ્લિમોની વસ્તીના સામાજિક-આર્થિક સર્વેક્ષણને તાજેતરમાં મંજૂરી આપી છે. રાજ્યની સત્તારૂઢ ભાજપ સરકારે દોઢ વર્ષ પહેલાં પાંચ સમુદાયોને ‘સ્વદેશી આસામી મુસલમાન’ તરીકે સ્વીકૃતિ આપી હતી.
આસામ સરકારે જે પાંચ મુસ્લિમ સમુદાયને સ્વદેશી મુસલમાન ગણ્યા છે તેઓ રાજ્યમાં ગોરિયા, મોરિયા, જોલાહ, દેસી અને સૈયદ સમુદાય તરીકે ઓળખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ પૈકીના ગોરિયા, મોરિયા, જોલાહ ચાના બગીચાઓની આસપાસ વસવાટ કરે છે, જ્યારે દેસી મુસલમાન નીચલા આસામમાં રહે છે અને સૈયદને આસામી મુસલમાન માનવામાં આવે છે.
આ પાંચ સમુદાયનો તત્કાલીન પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ) સાથે પ્રવાસનો કોઈ ઇતિહાસ ન હોવાનો દાવો કરવામાં આવે છે, પરંતુ સરકારના આ સર્વેની વાત બહાર આવ્યા પછી ખાસ કરીને બંગાળી મૂળના મુસલમાનોમાં ફરીથી ભય અને ચિંતાનો માહોલ છે.
ગુવાહાટીથી લગભગ 62 કિલોમીટર દૂર ધેપારગામમાં મુસલમાનોના લગભગ 500 પરિવારો વસવાટ કરે છે. એ પૈકીના મોટા ભાગના બંગાળી મૂળના મુસલમાન છે.
પુથીમારી નદીમાં આવતા પૂરે અહીંના લોકોનાં ઘર અનેક વખત તબાહ કરી નાખ્યાં છે. આ ગામ સુધી પહોંચવા માટે લગભગ બે કિલોમીટરના કાચા, ધુળિયા રસ્તા પરથી પસાર થવું પડે છે. તે એમના રોજિંદા સંઘર્ષનો સાક્ષી છે.
આસામમાં બંગાળી મૂળના મુસલમાનોને બોલચાલની ભાષામાં મિયાં મુસલમાન કહીને સંબોધવામાં આવે છે. આસામમાં મિયાં મુસલમાનનો અર્થ પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)થી આવેલા મુસલમાનો થાય છે.
પહેલાં કેટલાક લોકો તેમને ચરુવા કહીને બોલાવતા હતા તો કેટલાક લોકો તેમને પોગપોમવા કહેતા હતા. પછી તેમના માટે મિયાં શબ્દનો ઉપયોગ થવા લાગ્યો હતો. રાજકીય આક્ષેપોમાં તેમને આજે પણ ‘બાંગ્લાદેશી’ કહેવામાં આવે છે. આ એ જ મિયાં મુસલમાનો છે, જેમના વિશે મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમા કહે છે કે તેમને મિયાં લોકોના મતની જરૂર નથી.
ધેપારગામમાં રહેતા 65 વર્ષના આવેદ અલી પણ આ સર્વેથી થોડા ચિંતિત છે. તેઓ કહે છે, “મુસલમાનોના સર્વેનો હેતુ તો ખબર નથી, પરંતુ આ બધું અમને મુશ્કેલીમાં મૂકવા માટે કરવામાં આવી રહ્યું છે.”
“અમારો અલ્લાહ એક છે તો પછી અમારામાં ભાગલા પાડવાનો શું અર્થ? સરકારનો હેતુ શું છે તે ખબર ન હોય તો ચિંતા થવી વાજબી છે.”
મિયાં સમુદાય સાથે સંકળાયેલા મુજીબુર રહમાન ખુદને સ્વદેશી મુસલમાન નહીં ગણતાં બહુ નારાજ છે.
બાવન વર્ષના મુજીબુર કહે છે, “અમે આસામના મુસલમાન છીએ અને અમારી માતૃભાષા આસામી છે. તેમ છતાં અમને સ્વદેશી મુસલમાન ગણવામાં આવતા નથી. મિયાં મુસલમાનોને હેરાન કરવા માટે રાજકારણ રમાઈ રહ્યું છે. સરકારે એનઆરસી બનાવ્યું, પરંતુ તેનો અમલ કર્યો નથી. હવે સર્વેના નામે અમને હેરાન કરવાની તૈયારી ચાલી રહી છે.”
51 વર્ષનાં ઇલસિની બેગમ ગૌરિયા સમુદાયનાં છે, પરંતુ તેમનાં લગ્ન મિયાં મુસલમાન સાથે થયાં છે.
પોતાનાં સાત સંતાનો સાથે ધેપારગામમાં રહેતાં ઇલસિની કહે છે, “સરકારને જે સર્વે કરવો હોય તે કરે. મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે જે હાલતમાં છીએ તેમાં ઠીક છીએ. મારા પતિ ડાયાબિટીસથી પીડાય છે. અમે હવે કોઈ સરકારી મુશ્કેલીમાં પડવા ઇચ્છતા નથી.”
આસામમાં કેવી રીતે સર્વે કરશે સરકાર?
આસામ સરકારે આ પાંચ પેટા-સમૂહોને સ્વદેશી તરીકે ઓળખ આપવા માટે પહેલાં છ પેટા-સમિતિની રચના કરી હતી. આ સમિતિઓની ભલામણના આધારે સમુદાયને વર્ગીકૃત કરવામાં આવ્યો છે.
‘સ્વદેશી’ મુસલમાનોના સામાજિક-આર્થિક મૂલ્યાંકનની જવાબદારી સરકારે લઘુમતી મામલાઓ અને ચર ક્ષેત્ર ડિરેક્ટોરેટને સોંપી છે.
આ સર્વે સંબંધી એક સવાલનો જવાબ આપતાં ડિરેક્ટોરેટના નિદેશક તાહિદુર રહમાને બીબીસીને કહ્યું હતું, “અમે સર્વે માટે સરકારને એક સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર બનાવીને મોકલી છે. સરકાર તેને મંજૂરી આપશે પછી અમારી સર્વે ટીમ વસ્તીગણતરીનું કામ શરૂ કરશે. તેની શરૂઆત કોઈ એક કે બે જિલ્લામાં થશે.”
રહમાને કહ્યું હતું, “સર્વેમાં બંગાળી મૂળના મુસલમાનો સાથે વાત કરવાની છે કે નહીં તે સરકાર નક્કી કરશે. અત્યારે માત્ર સ્વદેશી મુસલમાનોને ઓળખી કાઢવા માટે ઘરેઘરે જઈને સર્વેની પદ્ધતિ તૈયાર કરવામાં આવી છે.”
વાસ્તવમાં મિયાં મુસલમાનોના સર્વેનો ઉલ્લેખ થવાનું કારણ એ છે કે ગોરિયા, દેસી સમુદાય જેવા સ્વદેશી મુસલમાનોની મહિલાઓનાં લગ્ન મિયાં મુસલમાનો સાથે થયાં છે. આ લોકોની ઓળખ કરવા માટે મિયાં મુસલમાનોનું સર્વેક્ષણ પણ કરવું પડશે.
આસામમાં 40 લાખથી વધુ સ્વદેશી મુસલમાન
2011ની વસ્તીગણતરી મુજબ, આસામની 1.7 કરોડની વસ્તીમાં 40 લાખથી વધુ મુસલમાનો હોવાનું જણાવવામાં આવે છે.
જોકે, સ્વદેશી મુસલમાનોની આ સંખ્યા બાબતે કોઈની પાસે નક્કર પુરાવા નથી. રાજ્યમાં સ્વદેશી મુસલમાનોની જીવનશૈલી, પહેરવેશ અને ઓળખ બંગાળી મૂળના મુસલમાનોથી ઘણી અલગ છે.
જોરહાટ જિલ્લાના મરિયાની શહેરમાં રહેતા ઝાકિર હુસૈન (નામ બદલ્યું છે) બેચલર ઑફ આર્ટ્સના વિદ્યાર્થી છે, તેઓ ખુદને બંગાળી મૂળના મુસલમાનોથી અલગ માને છે.
આ સર્વે બાબતે ઝાકિર કહે છે, “અમે લોકો પહેલાંથી જ આસામી છીએ અને અમને કોઈ બાંગ્લાદેશી કહેતું નથી. આ સર્વે અમારી પેઢી માટે જરૂરી છે, કારણ કે સર્વે પછી સ્વદેશી મુસલમાનોની ઓળખ આસાન થઈ જશે. તેથી તેમને દરેક ક્ષેત્રમાં પ્રગતિની તક મળશે.”
સદો અસોમ ગોરિયા-મોરિયા-દેસી જાતીય પરિષદના અધ્યક્ષ નૂરુલ હકની વાત માનીએ તો આસામના સ્વદેશી મુસલમાનો સાથે પાછલા ઘણા દાયકાઓથી અન્યાય થતો રહ્યો છે.
તેઓ કહે છે, “મિયાં મુસલમાનો અમને મુસલમાન જ માનતા નથી. અમારો સમુદાય અસલામત છે. અમે એવી સ્થિતિમાં છીએ, જ્યાં અમે મુસલમાન પણ નથી અને આસામી પણ નથી. સરકારે લઘુમતીના નામે અત્યાર સુધી જે વિકાસ કર્યો છે તેનો સૌથી વધારે લાભ મિયાં મુસલમાનોને મળ્યો છે. બંગાળી મૂળના 70 લાખ મુસલમાનો હોવાથી રાજકીય તાકાત તેમની પાસે જ રહી છે.”
નૂરુલ હક કહે છે, “આ સર્વે માત્ર સ્વદેશી મુસલમાનો માટે છે. તેમાં બંગાળી મૂળના મુસલમાનોને સામેલ કરવામાં નહીં આવે. મિયાં મુસલમાનોનો એક વર્ગ ખુદને જોલાહ સમુદાયના ગણાવીને સ્વદેશી સાબિત કરવાના પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ સરકારે આ બધું ધ્યાનમાં લેવાનું છે.”
નદીના તટ વિસ્તારમાંના બંગાળી મુસલમાનોમાં આસામી સંસ્કૃતિના પ્રસારનું કામ કરી રહેલી ચર ચાપોરી પરિષદના અધ્યક્ષ ડૉ. હાફિઝ અહમદની વાત સાચી માનીએ તો આ સર્વે મુસલમાનોમાં ભાગલા પાડવાની રાજનીતિનો હિસ્સો છે.
તેઓ કહે છે, “સરકાર સ્વદેશી મુસલમાનોની વ્યાખ્યા કર્યા વિના સર્વે કરાવવા ઇચ્છે છે. આ રીતે કરવામાં આવેલો સર્વે અદાલતમાં માન્ય ગણાશે કે કેમ, તે કહેવું મુશ્કેલ છે.”
સર્વેમાં કેવા પ્રકારની મુશ્કેલી છે?
લાંબા સમયથી સ્વદેશી મુસલમાનોની હિમાયત કરતા રહેલા ગુવાહાટી હાઈકોર્ટના વરિષ્ઠ વકીલ નેકિબુર ઝમાન કહે છે, “ભાજપની પહેલી સરકારે સ્વદેશી મુસલમાનો માટે રૂ. 100 કરોડનું બજેટ નક્કી કર્યું હતું, પરંતુ સર્વેની પ્રક્રિયા શરૂ ન થવાને લીધે એ પૈસા સ્વદેશી લોકોને કામ આવ્યા નહીં.”
આ સર્વેની જટિલતાની વાત કરતાં નેકિબુર ઝમાન કહે છે, “આ સામાજિક-આર્થિક સર્વેક્ષણ છે. તેથી તમામ મુસલમાનોને તેમાં આવરી લેવામાં આવશે. સ્વદેશી મુસલમાનોની વાત આવશે ત્યારે તેમની પાસેથી તેમના પૂર્વજો સંબંધી કાગળિયા માગવામાં આવશે. તેમના વંશવેલાની તપાસ થશે. ગોરિયા-મોરિયા સમુદાયની ઓળખ આસાન હશે, પરંતુ દેસી સમુદાય તો મિયાં મુસલમાનો સાથે મિશ્રિત છે. તેથી બંગાળી મુસલમાનોમાંથી દેસી મુસલમાનોને તારવવાનું કામ બહુ મોટો પડકાર હશે. દેશી લોકોની મોટી વસ્તી ગ્વાલપાડાથી માંડીને ધુબડી સુધી વસવાટ કરે છે.”
દેસી મુસલમાનો વિશે એવો દાવો કરવામાં આવે છે કે આ સમુદાય કોચ રાજવંશી આદિવાસી સમૂહ હતો અને તેઓ વર્ષો પહેલાં ધર્મ પરિવર્તન કરીને મુસલમાન બન્યા હતા.
એ સિવાય દેસી મુસલમાનોના સંબંધ, લગ્ન મિયાં મુસલમાનો સાથે થયાં છે. તેથી સરકાર માટે એમને અલગ તારવવાનું કામ મોટો પડકાર હશે.
મિયાં મુસલમાનોને ડર વિશે ભાજપે શું કહ્યું?
ભાજપનું કહેવું છે કે આ સર્વે સ્વદેશી મુસલમાનોની ઓળખ માટે કરાઈ રહ્યો છે. તેમાં બંગાળી મૂળના મુસલમાનોએ ડરવાનું કોઈ કારણ નથી.
આસામ પ્રદેશ ભાજપના નેતા પ્રમોદ સ્વામી કહે છે, “ઇન્ડિજિનસ મુસલમાનોને કેટલીક સુવિધા આપવા માટે સરકાર આ પગલું લઈ રહી છે. તેથી તેમની ઓળખ કરવા સામાજિક-આર્થિક સર્વેક્ષણ કરવું જરૂરી છે.”
“તેમાં કોઈએ ડરવાની જરૂર શું છે. ભાજપ સરકાર મિયાં મુસલમાનો સાથે ઓરમાયું વર્તન કરતી હોવાનો દુષ્પ્રચાર કેટલાક લોકો કરી રહ્યા છે, પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની જેટલી યોજનાઓ છે તેમાં સૌથી વધુ લાભ મુસ્લિમ સમુદાયની મહિલાઓને જ મળ્યો છે.”
બરાક વેલીમાં વસતા મુસલમાનોનાં કેટલાંક સમૂહે આસામ સરકારના આ નિર્ણયને ગુવાહાટી હાઈકોર્ટમાં પડકાર્યો છે.
આસામના કછાર જિલ્લામાં રહેતા મણિપુરી મુસ્લિમ પંગાલ અને અનુસૂચિત જનજાતિમાં આવતા મુસલમાનોને આ પાંચ સ્વદેશી મુસલમાનોના સમૂહમાં સામેલ કરવામાં આવ્યા નથી. તેથી સરકાર સામે હવે કાયદાકીય મુશ્કેલી પણ સર્જાઈ છે.