તરુણ ગોગોઈનું નિધન : આસામને શાંત કરનારા અને ત્રણ વાર મુખ્ય મંત્રી બનનારા નેતા

આસામના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી તરુણ ગોગોઈનું સોમવારે નિધન થયું છે.

આસામના ત્રણ વખત મુખ્ય મંત્રી રહી ચૂકેલા ગોગોઈ કોરોના બાદ સર્જાયેલી શારીરિક તકલીફોનો સામનો કરી રહ્યા હતા. ગૌહાટી મેડિકલ કૉલેજ ઍન્ડ હૉસ્પિટલમાં તેમની એક મહિનાથી સારવાર ચાલી રહી હતી. જ્યાં તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હોવાના સમાચાર મળ્યા છે.

નોંધનીય છે કે તેઓ 2001તી અસમની તિતાબોર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય હતા. તેમજ છ વખત સંસદસભ્ય પણ રહી ચૂક્યા હતા.

તરુણ ગોગોઈની ખરાબ તબિયતને કારણે આસામના મુખ્ય મંત્રી સર્બાનંદ સોનોવાલ પોતાના કાર્યક્રમો અધવચ્ચે ટુંકાવી ગૌહાટી પાછા ફર્યા હતા.

આ વાત પરથી આસામમાં ગોગોઈના રાજકીય કદનો અંદાજ આવી જાય છે.

નોંધનીય છે કે તેઓ કૉંગ્રેસના પીઢ નેતાઓમાં સામેલ હતા. જ્યારે હાલ અસમમાં સર્બાનંદ સોનોવાલની આગેવાનીમાં ભાજપની સરકાર છે.

છ દાયકા લાંબી રાજકીય કારકિર્દી

તરુણ ગોગોઈ ઊપરી આસામના આહોમ જનજાતિના હતા. તેમ છતાં તેમને કોઈ પણ એક વર્ગ, ધર્મ કે ક્ષેત્ર સાથે સંકળાયેલા નેતા તરીકે જોવામાં નહોતા આવતા.

ગોગોઈ લગભગ છ દાયકાથી રાજકારણમાં હતા. તેઓ વિદ્યાર્થીકાળમાં જ રાજકારણ અને સમાજસેવા સાથે સંકળાઈ ગયા હતા. તેમણે વર્ષ 1960ના ભાષાઆંદોલનમાં અગ્રેસર રહીને ભાગ ભજવ્યો અને ત્યાર બાદ તેઓ સક્રિય રાજકારણમાં આવી ગયા.

ગોગોઈએ દિલ્હી અને રાજ્ય બંને સ્તરે રાજકારણને ઘણી કુશળતાપૂર્વક સંભાળ્યું છે. તેઓ પંદર વરસ સુધી આસામના મુખ્ય મંત્રી રહ્યા હતા.

નરસિમ્હા રાવની સરકારમાં મંત્રી અને કૉંગ્રેસના રાષ્ટ્રીય સચિવ રહી ચૂકેલા ગોગોઈની છબિ હંમેશાં એક પરિપક્વ નેતા તરીકેની રહી.

જોકે, તેમની પર ઘણી વાર ભ્રષ્ટાચારના આરોપ લાગી ચૂક્યા છે પરંતુ કોઈ પણ આરોપ સાબિત થઈ શક્યો નથી.

તેથી મોટા ભાગે તેમને સ્વચ્છ છબિ ધરાવતા નેતા માનવામાં આવતા હતા.

જોકે, લાંબા સમય સુધી મુખ્ય મંત્રી રહેવાને કારણે તેમની લોકપ્રિયતામાં થોડો ઘટાડો જરૂર થયો હતો.

પોતાના પુત્ર આગળ લાવવાના પ્રયત્નોને કારણે તેમની અંગત છાપ અને કૉંગ્રેસ પક્ષ બંનેને આસામમાં ઘણું નુકસાન થયું હતું.

તેમના પુત્ર એ ગૌરવ ગોગોઈ આસામની કલિયાબોર બેઠક પરથી કૉંગ્રેસના સાંસદ છે.

જનજાતિના રાજકારણ પર પકડ

ગોગોઈની પોતાના વિસ્તાર એટલે કે ઊપરી આસામના રાજકારણમાં સારી એવી દખલ તો હતી જ સાથે જ જનજાતિઓના રાજકારણમાં પણ તેમની પકડ ઘણી સારી હતી.

તેમના કાર્યકાળમાં થયેલી હિંસાની કેટલીક ઘટનાઓ અને જનજાતિઓના અસંતોષે તેમની નેતૃત્વક્ષમતાને લઈને ઘણા પ્રશ્નો ખડા કર્યા હતા.

ખાસ કરીને બોડો વિસ્તારમાં થયેલા નરસંહાર તેમના નેતૃત્વ પર એક મોટા ડાઘ સમાન રહ્યો.

પરંતુ એ પણ એક હકીકત છે કે આસામ જેવા અશાંત અને જટિલ પરિસ્થિતિઓવાળા રાજ્યને તેમણે સાચવીને રાખ્યું હતું. તેમના શાસનકાળમાં ઉગ્રવાદી હિંસાના આંકડા ઘટ્યા હતા.

તેમના શાસનકાળમાં સતત કડક કાર્યવાહીને અલગતાવાદી સંગઠન ઉલ્ફાને સમર્પણ કરવું પડ્યું હતું.

સરકારી આંકડાઓ પ્રમાણે તેમના શાસનકાળમાં લગભગ દસ હજાર ઉગ્રવાદીઓએ સમર્પણ કર્યું હતું. અપહરણ, વસૂલી અને હત્યાઓનો સિલસિલો ઘણી હદે કાબૂમાં આવી ચૂક્યો હતો.

આ કારણે જ તેમના શાસનકાળ દરમિયાન શાંતિ કાયમ રાખવાના પોતાના પ્રયત્નોને કૉંગ્રેસ ક્ષેત્રમાં પોતાની મોટી ઉપલબ્ધિ ગણાવતી હતી.

એક ધર્મનિરપેક્ષ નેતા

એક ધર્મનિરપેક્ષ નેતા તરીકે ગોગોઈની છબિ સારી હતી. લઘુમતિ પણ તેમના પર ભરોસો કરતા હતા અને હિંદુઓ અને જનજાતિઓનો ઉદાર વર્ગ પણ તેઓ સાંપ્રદાયિક રાજકારણ નહોતા કરતા તેવી માન્યતા ધરાવતો હતો.

ગોગોઈ આસામનો વિકાસ કર્યાનો પણ દાવો કરતા હતા. પરંતુ નોંધનીય છે સામાન્ય લોકો આ મોરચે તેમનાથી નારાજ અને નિરાશ હતા.

જોકે, આમ છતાં પંદર વરસના લાંબા શાસનકાળમાં તેમની ઉપલબ્ધિઓ એવી નહોતી કે તેઓ ગર્વભેર તેને ચૂંટણીમાં રજૂ કરી શકે.

તેમના શાસનકાળ દરમિયાન ભ્રષ્ટાચારની ફરિયાદો પણ વ્યાપક પ્રમાણમાં થઈ હતી.

તેમને મોટા ભાગે એ વાતનો શ્રેય આપવામાં આવે છે કે તેમણે આસામની પરિસ્થિતિને વધુ ખરાબ નહોતી થવા દીધી અને પહેલાંની સરખામણીએ તેમણે શાંતિની સંભાવના વધુ મજબૂત કરી હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો