You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ ગામમાં મસ્જિદમાં ગણેશની સ્થાપના કેમ કરવામાં આવે છે?
- લેેખક, સંપત મોરે
- પદ, બીબીસી માટે
ગણેશોત્સવ દરમિયાન મહારાષ્ટ્રના કોલ્હાપુર અને સાંગલીનાં કેટલાંક ગામોમાં હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની અનોખી પરંપરા અસ્તિત્વમાં છે.
ચાળીસથી વધુ વર્ષોથી, કેટલીક મસ્જિદોમાં ભગવાન ગણેશની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવે છે.
ગોટખિંડી એ સાંગલીના વાલવા તાલુકાનું એક ગામ છે. અહીંના ઝૂઝર ચોક ખાતે આવેલી મસ્જિદમાં દર વર્ષે દસ દિવસ સુધી નવા ગણેશમંડળના ગણપતિનું સ્થાપન કરવામાં આવે છે. આ વર્ષે તેમની સ્થાપનાનું 44મું વર્ષ છે. આ ગણપતિના દર્શન માટે હિન્દુઓ ઉપરાંત મુસ્લિમો પણ મોટી સંખ્યામાં આવે છે.
આ મસ્જિદમાં ગણેશની સ્થાપનાની કથા વર્ષ 1961થી શરૂ થાય છે. આ ગામના કેટલાક યુવાનોએ તે સમયે ગણપતિની સ્થાપના કરી હતી.
કોઈ મંડપ નહોતો, સાદગીથી બપ્પાની સ્થાપના કરવામાં આવી હતી. આ ગણેશ ગામના મુખ્ય ચોકમાં હતા.
ગોટખિંડી ગામના અશોક પાટીલે આ કહાણી કહેવાનું શરૂ કર્યું.
‘ગણપતિની મૂર્તિ વરસાદમાં પલળી રહી હતી...’
અશોક પાટીલે જણાવ્યું, “ગણેશોત્સવ એટલે વરસાદની ઋતુ. આવી જ એક રાતે ભારે વરસાદ પડ્યો. મંડપ કે અન્ય કોઈ વ્યવસ્થા ન હોવાથી મૂર્તિ વરસાદમાં પલળી રહી હતી. ગામના મુસ્લિમ સમુદાયની એક વ્યક્તિએ આ જોયું. તેમણે આ વિચાર આપ્યો. પછી બધાએ ભેગા થઈને ચર્ચાઓ કરી.”
તે સમયે નિઝામ પઠાણ અને તેમના સંબંધીઓએ દરેકને વિનંતી કરી કે મૂર્તિને મસ્જિદમાં રાખે. હાજર સૌએ નક્કી કર્યું અને ગણપતિની મૂર્તિ મસ્જિદમાં રાખવામાં આવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તે વર્ષે વિસર્જન સુધી એ મૂર્તિ મસ્જિદમાં જ રહી. અશોક પાટીલે માહિતી આપતા કહ્યું કે પછીનાં કેટલાંક વર્ષોમાં ગણપતિની સ્થાપના નહોતી કરવામાં આવી.
મસ્જિદમાં ગણેશોત્સવનું આયોજન કરતી ત્રીજી પેઢી
ગોટખિંડી ગામ વિશે આ કહાણી કહેનારા અશોક પાટીલના પિતા પણ તે ગણેશોત્સવના આયોજનના સ્થાપકો પૈકીના એક હતા. તેથી તેમણે 1961 બાદની કહાણી વિગતવાર કહી.
તેમણે વધુમાં જણાવ્યું કે પાછળથી ગોટખિંડી ગામના કેટલાક યુવાનો બાજુના બાવચી ગામમાં ગણપતિ ઉત્સવ નિમિત્તે યોજાયેલ કાર્યક્રમને જોવા ગયા હતા. તે સમયે ગામના હિન્દુ-મુસ્લિમ લોકો સાથે હતા.
બાવચી ગામનો ગણેશોત્સવ જોઈને વરસાદને કારણે મસ્જિદમાં સ્થાપના કરવામાં આવેલી ગણેશની મૂર્તિની ઘટનાને ગામના લોકોએ યાદ કરી. જૂની ઘટનાને યાદ કરીને ગામના લોકોએ ફરીથી ગામની મસ્જિદમાં ગણપતિની સ્થાપના કરવાનું નક્કી કર્યું.
આ નવા ગણપતિ મંડળના પ્રમુખ ઇલાહી પઠાણ હતા.
1961માં ગણપતિની સ્થાપના કરનારાઓની બીજી પેઢીએ 1986માં ગણપતિની સ્થાપના કરી હતી. પાટીલ કહે છે કે આજના લોકોની ત્રીજી પેઢીએ આ પરંપરા જાળવી રાખી છે.
1961માં બાપુસાહેબ પાટીલ, શ્યામરાવ થોરાટ, વસંતરાવ થોરાટ, નિઝામ પઠાણ, ખુદબુદ્દીન જમાદાર, રમઝાન મુલાણીએ ગણપતિની સ્થાપના કરી હતી.
1986માં ઇલાહી પઠાણ, અશોક પાટીલ, સુભાષ થોરાટ, અશોક શેજાવલે, વિજય કાશીદ અને અર્જુન કોકાટેએ આ પ્રથાને આગળ ધપાવી.
આજે ત્રીજી પેઢીમાં ગણેશ થોરાટ, સાગર શેજાવલે, રાહુલ કોકાટે, લખન પઠાણ હવે આ વારસાને જાળવી રાખવાનું કામ કરી રહ્યા છે.
મહોરમ અને ગણપતિ સાથે
લખન પઠાણ આ વિશે વાત કરતા કહે છે, “અમારા ગામમાં તમામ જાતિ અને ધર્મના લોકો રહે છે. અમારા દાદા નિઝામ પઠાણે પણ ગણેશોત્સવમાં ભાગ લીધો હતો. હવે હું પોતે લઈ રહ્યો છું. અમે હિન્દુ-મુસ્લિમના તહેવારો સાથે ઉજવીએ છીએ. મોહરમ અને ગણપતિ બે વાર સાથે આવ્યા. તે સમયે પીર અને ગણપતિની સંયુક્ત શોભાયાત્રા કાઢવામાં આવી હતી.”
પઠાણ અને અશોક પાટીલ સારા મિત્રો છે.
પઠાણે કહ્યું, “ગણપતિ સ્થાપના સમયે એક વખત બકરી ઈદનો તહેવાર આવ્યો હતો. તે સમયે મસ્લિમભાઈઓએ કુરબાની કરી ન હતી. અમારા ગામમાં શંકરનું મંદિર છે. મુસ્લિમભાઈઓ તે દિવસે બકરાની કતલ કરતા નથી. એકાદશીના દિવસે ગામમાં માંસ પણ ખાવામાં આવતું નથી.”
“આ બધું ગામમાં લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ બધું જબરજસ્તી વગર દિલથી કરવામાં આવે છે. ગામમાં આટલો ભાઈચારો છે.”
‘ફૂટ ન પડાવો’
પાટીલ અને પઠાણે વધુ એક કિસ્સો સંભળાવ્યો.
એક વખત ગામમાં કેટલાક લોકો આવ્યા. તેમણે મુસ્લિમભાઈઓને ગણેશોત્સવમાં ભાગ ન લેવા કહ્યું. આ તહેવાર વિશે નકારાત્મક વાતો કહેવામાં આવી.
તેઓ કહે છે, “પરંતુ અમારા ગામના લોકોએ સ્પષ્ટ કહ્યું કે અમે હિન્દુ-મુસ્લિમ વર્ષોથી ભાઈઓ માફક રહીએ છીએ. અમને આ ઉત્સવમાંથી ઊર્જા મળે છે. તમે ફૂટ ન પડાવો. અમે તેમને આદરપૂર્વક ગામની બહારનો રસ્તો બતાવ્યો.”
લખન પઠાણ કહે છે, “પહેલાં બળદગાડાં પર શોભાયાત્રા કાઢવામાં આવતી, હવે તે ટ્રૅક્ટરમાં કાઢવામાં આવે છે.”
વિસર્જન પછી આખા ગામને ભોજન કરાવવામાં આવે છે. આ ઉત્સવમાં દરેક ભાગ લે છે. આરતી દરરોજ એક પરિવાર દ્વારા ઉતારવામાં આવે છે. બંને સમુદાયના યુગલો આરતી કરે છે.
ગામના એક રહેવાસી ગણેશ થોરાટે કહ્યું, “આપણી અગાઉની પેઢીએ શરૂ કરેલી આ પ્રથાને કારણે ગોટખિંડી ગામ એક આદર્શ ગામ તરીકે ઉભરી આવ્યું છે. ગામનું નામ લેવાની સાથે મને ગર્વ થાય છે. બંને સમાજના લોકોએ યુવા પેઢીને બહુ આપ્યું છે. તેને સાચવવાની જવાબદારી અમારી છે.”
કુરુન્દવાડની પાંચ મસ્જિદોમાં ગણપતિની સ્થાપના
કોલ્હાપુર જિલ્લાના કુરુન્દવાડમાં પાંચ મસ્જિદમાં ગણેશની સ્થાપના કરવામાં આવે છે. પટવર્ધનની કુરુન્દવાડ એ 18મી સદીમાં પેશ્વાના સમયથી જાણીતી સંસ્થાન હતી.
આ ગામમાં તમામ જાતિ અને ધર્મના લોકો સંપીને રહે છે. ગામની પાંચ મસ્જિદોમાં ગણપતિની સ્થાપના કરવામાં આવે છે. કુદેખાન બદેનાલ સાહેબ મસ્જિદ, ઢેપનપુર મસ્જિદ, બૈરાગદાર મસ્જિદ, શેલકે મસ્જિદ અને કારખાના એમ પાંચ મસ્જિદમાં ગણપતિની સ્થાપના થાય છે.
કુરન્દવાડની કહાણી પણ ગોટખિંડી ગામ જેવી જ છે.
1982 દરમિયાન ગણેશોત્સવ વખતે વરસાદ પડ્યો હતો તેથી વરસાદમાં પલળી ન જાય તે માટે ગણપતિની મૂર્તિને મસ્જિદમાં લઈ જવામાં આવી હતી. ત્યારબાદ અન્ય મસ્જિદોમાં પણ પછીના વર્ષોમાં ગણેશ બિરાજવા લાગ્યા.
સ્થાનિક પત્રકાર જમીર પઠાન આ વિશે કહે છે, “ગામના વૃદ્ધોએ આ પ્રથા શરૂ કરી હતી. સમાજમાં સૌહાર્દ જાળવવાનું કામ આના કારણે જ થાય છે.”
એકતાની પરંપરા
2009માં અઢાર કિલોમીટર દૂર મિરાજ ખાતે સાંપ્રદાયિક તોફાનો થયાં હતાં. તેની અસર સાંગલી અને કોલ્હાપુરમાં ઘણી જગ્યાએ થઈ. પરંતુ આ ગામમાં બંને સમુદાયના લોકોએ નક્કી કર્યું કે તેઓ તેમના ગામને બંધ નહીં રાખે અને ધંધા-રોજગાર ચાલુ રહેશે. તમામ સભ્યોએ શાંતિની અપીલ પણ કરી.
રફીક ડબાસે દર વર્ષે ગણેશોત્સવની રાહ જુએ છે.
તેઓ કહે છે, “મસ્જિદમાં ગણપતિની સ્થાપના થાય ત્યારે અમારા ઘરે કોઈ પ્રિય મહેમાન આવે તેવી લાગણી થાય છે.”
“કુરુન્દવાડમાં લોકોની મિત્રતા વધુ ગાઢ બની છે. આખો જિલ્લો આ ભાઈચારાને સમજે છે. અનંત ચતુર્દશી પર અમે જ્યારે ગણપતિને વિદાય આપીએ છીએ ત્યારે અમે હ્રદયના ઉંડાણમાં ઉતરીએ છીએ.”
કુરુન્દવાડની કેટલીક જૂની પરંપરાઓ પણ આ તહેવારમાં સમાયેલી છે. કરીમ પહેલવાન 1800ની આસપાસની કહાણી કહે છે.
તેઓ કહે છે, “પટવર્ધન રાજાઓ મોહરમ માટે મદદ કરતા હતા. અમારા રાજા બાળાસાહેબ પટવર્ધનને ત્યાં ભગવાન ગણેશ સ્થાપના થતી. તેઓ પીર સાથે વાજતે-ગાજતે ગણપતિનો ઉત્સવ ઉજવતા. તે દિવસે ગામમાં ગોળનો પ્રસાદ આપવામાં આવતો. રાજા પટવર્ધને ભાઈચારાના આ બીજ વાવ્યા છે. તેની પકડ ગામમાં મજબૂત છે. ગમે તે થાય અમે એક જ છીએ.”
કુરુન્દવાડને ત્રણ વર્ષ 2018, 2019 અને 2020માં એક સાથે ગણેશોત્સવ અને મોહરમ ઉજવવાની તક મળી હતી. જમીર પઠાનના જણાવ્યા પ્રમાણે તે સમયે ગણેશના મોદક અને પીરનો ચોંગ્યાનો પ્રસાદ સાથે વહેંચવામાં આવતો.
1982થી શરૂ થયેલી કુરુન્દવાડની પરંપરાને હવે નવી પેઢી આગળ ધપાવી રહી છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)