You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
માતાઓને પોતાના જ નવજાત શિશુને ઈજા પહોંચાડવાના ભયાનક વિચારો કેમ આવે છે?
- લેેખક, મેથ્યુ હિલ
- પદ, બીબીસી ન્યૂઝ, વેસ્ટ ઇંગ્લૅન્ડ
જ્યારે ઇંગ્લૅન્ડમાં માનસિક સ્વાસ્થ્ય માટે મદદ માગનારી નવી બનેલા માતાઓની સંખ્યામાં ઉત્તરોઉત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે એક માતા કે જે પોતાને અને તેના નવજાત શિશુને ઈજા પહોંચાડવાના વિચારોથી પીડાતી હતી, તેણે પોતાની વાત બધાની વચ્ચે મૂકી છે.
પશ્ચિમ ઇંગ્લૅન્ડમાં આ પ્રકારના કેસમાં માનસિક સ્વાસ્થ્ય સારવાર પૂરી પાડતી એક ખાસ સંસ્થામાં છેલ્લાં ત્રણ વર્ષમાં 80 ટકાનો વધારો જોવા મળ્યો છે.
બેકીએ જણાવ્યું હતું કે તેમના મનમાં પોતાના પુત્રને ઈજા પહોંચાડવાના "એકદમ ડરામણાં" વિચારો આવ્યા હતા. તેમણે આ મામલે મદદ માંગી તે પહેલાં પોતાનો જીવ લેવાનો અને પરિવારને છોડી દેવાનાં વિચારો આવ્યા હતા.
36 વર્ષીય બેકીએ તેમનો અનુભવ વર્ણવતા કહ્યું, "મને જજ કરવાને બદલે આ લોકોએ મારી સાથે ખૂબ જ સહાનુભૂતિ અને સમજણપૂર્વક વર્તન કર્યું."
"મને સમજાયું કે હું જે વિચારોનો સામનો કરી રહી હતી તે નવી બનેલી માતાઓમાં ખૂબ જ સામાન્ય રીતે પ્રવર્તમાન હતા."
માનસિક સમસ્યાઓમાં અસામાન્ય ઉછાળો
પશ્ચિમમાં કામ કરતી બે કૉમ્યુનિટી પેરીનેટલ મેન્ટલ હેલ્થ ટીમો બ્રિસ્ટોલ, બાથ, નૉર્થ ઇસ્ટ સમરસેટ, સાઉથ ગ્લોસ્ટરશાયર અને વિલ્ટશાયરમાં કાર્યરત છે. તેમણે 2024-25માં 4,816 મહિલાઓએ તેમની મદદ લીધી હતી, જેની સંખ્યા 2022-23માં 2,668 હતી.
આ સેવા એવોન ઍન્ડ વિલ્ટશાયર મેન્ટલ હેલ્થ પાર્ટનરશિપ (AWP) દ્વારા ચલાવવામાં આવે છે અને તેના ક્લિનિકલ ડેવલપમેન્ટનાં બેકી ઈવાએ જણાવ્યું કે આ સેવાઓ અંગેની જાગૃતિ અને પેરીનેટલ માનસિક સ્વાસ્થ્ય વિશેની સારી સમજણે આ વૃદ્ધિમાં "નોંધપાત્ર ભૂમિકા" ભજવી છે.
ઈવાએ સમજાવ્યું કે માતાઓ દ્વારા કરવામાં આવતી આત્મહત્યા એ તેમનાં બાળકનાં જીવનનાં પ્રથમ વર્ષમાં થતાં મહિલાઓનાં મૃત્યુનું મુખ્ય કારણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈવાએ કહ્યું, "સંસ્થાની આશા છે કે અમે એવી મહિલાઓ સુધી પહોંચીએ જેમને અમારી સેવાની જરૂર છે અને અમે તેમને મનોવૈજ્ઞાનિક ઉપચાર અને પુરાવા-આધારિત સારવારની સુવિધા આપી શકીએ."
બેકીને 2023 માં પ્રસૂતિ બાદનાં ડિપ્રેશનમાં આ સંસ્થાની મદદનો ટેકો મળ્યો હતો.
બેકીએ ઉમેર્યું કે, પ્રસૂતિની પીડામાંથી બહાર આવવાનાં સમય દરમિયાન તેમને સ્નાન, ખાવા અને ઊંઘ માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. સાથે-સાથે તેમને પોતાના બાળકને સ્તનપાન કરાવવામાં અને પુત્રની સંભાળ રાખવામાં પણ ઘણી મુશ્કેલીઓ પડી.
બેકીએ ઉમેર્યું, "આ ઉપરાંત મને મારા દીકરાને ઈજા પહોંચાડવા ભયાનક અને દર્દનાક વિચારો આવતા હતા."
"આ વિચારોએ મને એકદમ ભયભીત કરી દીધી."
લગભગ છ મહિના સુધી લક્ષણોનો અનુભવ કર્યા પછી બેકી એક દિવસ સાંજે જ્યારે તેમના પતિના ઘરે આવ્યાં, ત્યારે બેકી પોતાના ડ્રેસિંગ ગાઉનમાં ઘરેથી નાસી છૂટ્યાં હતાં.
બેકીએ કહ્યું: "હું અંધારામાં નજીકના પાર્કમાં ચાલી ગઈ અને 'હું મારા દીકરાની સંભાળ નહીં રાખી શકું' એમ વિચારતી-વિચારતી હું ફરતી રહી."
"બધા મને કહેતા કે મારે આ સમયનો આનંદ માણવો જોઈએ. આ સમય તો ખૂબ ઝડપથી પસાર થઈ જાય છે. શું હું નસીબદાર નથી? હું ખરેખર સંઘર્ષ કરી રહી છું."
બેકીએ કહ્યું કે તેઓ આ વિચારોમાં સપડાઈ ગયાં હતાં. તેઓ ઘરે પાછાં પહોંચી અને તેમના હૅલ્થ વિઝિટર પાસે મદદ માંગી.
બેકીને તાત્કાલિક મૂલ્યાંકન માટે મોકલવામાં આવ્યાં અને તેમનો પુત્ર એક વર્ષનો થયો ત્યાં સુધી તેમને ઘરે જ માનસિક સ્વાસ્થ્યની ટીમ તરફથી સહાય મળતી રહી.
બેકીએ કહ્યું કે તેઓ આવા વિચારોથી "ભયભીત" થઈ ગયાં હતાં, પરંતુ તેઓ તે વિચારોને અનુસરવાનાં નહોતાં. એટલે તેમને પોતાના અથવા તો તેમના બાળક માટે ખતરો માનવામાં આવ્યાં નહોતાં. આ કારણોથી તેમને ઘરે જ સારવાર આપવામાં આવતી હતી.
બેકીએ બીબીસીને જણાવ્યું કે આ સેવાનો ઉપયોગ કરતી મહિલાઓની સંખ્યા વધી રહી છે તેમાં "કોઈ આશ્ચર્ય નથી."
તેમણે કહ્યું, "મને લાગે છે કે આનું એક મુખ્ય કારણ આપણા સમુદાયના સમર્થનનો અભાવ છે."
"આપણે વધુને વધુ વિભક્ત થઈ રહ્યા છીએ. આપણે આપણાં બાળકોને એકલા જ ઉછેરવાની અપેક્ષા રાખીએ છીએ. જ્યારે પાછલી પેઢીઓએ બાળકોને પરિવાર અને સમુદાયમાં ઉછેર્યાં હતાં."
તેમણે ઉમેર્યું કે, "સાથીદારો અને માનસિક સ્વાસ્થ્ય ટીમના સમર્થન વિના, મને લાગે છે કે મારી ઉપર ખુદનો જીવ લેવાનું અથવા મારા પરિવારને છોડી જવાનું ગંભીર જોખમ હતું."
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર હેલ્થ ઍન્ડ કેર ઍક્સેલન્સે જણાવ્યું છે કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઘણીવાર ઓળખાતી જ નથી અને તેની સારવાર પણ થતી નથી. કેટલીક મહિલાઓ કલંકના ડરથી સામાજિક સેવાઓનાં હસ્તક્ષેપના ડરથી મદદ માંગતી નથી.
તેમાં ઉમેરવામાં આવ્યું છે કે પ્રસૂતિ સમયની માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓની મહિલા અને તેના પરિવાર પર તેમજ બાળકોના ભાવનાત્મક અને સામાજિક વિકાસ પર નોંધપાત્ર અને લાંબા ગાળાની અસરો કરી શકે છે.
ઈવાએ જણાવ્યું હતું કે AWP એ ચિકિત્સકો અને નવી માતાઓને ટેકો આપતા લોકોને માનસિક બીમારીના સંકેતો ઓળખવાની તાલીમ મળેલી છે.
ઈવાએ કહ્યું, "માનસિક સ્વાસ્થ્ય અનેક કારણોસર બગડી શકે છે, જેમાં નાણાકીય બાબતો તથા અન્ય લોકો સાથેના સંબંધોને લગતા તણાવનો સમાવેશ થાય છે."
"પ્રસૂતિ અને આરોગ્ય સેવાનાં અમારા સહકર્મીઓ નિયમિત રીતે તપાસ કરે છે. અમે આ સેવા એકજ બિંદુ દ્વારા મળી રહે તે માટે ઘણું કામ કર્યું છે. જેનો અર્થ એ થાય કે બધા રેફરલ્સ નિષ્ણાત ટીમ પાસેથી જ આવે છે."
"આ એક જ બિંદુથી મદદ મળતી હોવાથી, તે વધુ સલામતીની સારી એવી જાળનું સર્જન કરે છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન