You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પ્લેન ક્રૅશ : ભારતમાં વિમાનપ્રવાસ કરવો કેટલો સુરક્ષિત છે?
- લેેખક, સૌતિક બિશ્વાસ
- પદ, બીબીસી સંવાદદાતા
ભારતનું આકાશ કેટલું સલામત છે?
જૂનમાં ઍર ઇન્ડિયાના પ્લેનની વિનાશક દૂર્ઘટના પછી ઘણા લોકો આ સવાલ પૂછી રહ્યા છે. તે દૂર્ઘટનામાં ઓછામાં ઓછા 260 લોકો માર્યા ગયા હતા. 12 જૂને લંડન જઈ રહેલું બૉઇંગ 787-બી ડ્રીમલાઇનર અમદાવાદ ઍરપૉર્ટ પરથી ઉડાન ભર્યાની એક મિનિટથી પણ ઓછા સમયમાં તૂટી પડ્યું હતું.
ભારતના ઉડ્ડયન સલામતી નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ ઍવિએશન(ડીજીસીએ)ના વડા ફૈઝ અહેમદ કિદવાઈએ બીબીસી સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું, "ભારતનું આકાશ હંમેશા સલામત રહ્યું છે. ભૂતકાળમાં પણ અને આજે પણ."
તેમણે કહ્યું હતું, "પ્રતિ દસ લાખ ફ્લાઇટ્સ અકસ્માતોની સંખ્યા પર નજર રાખતા ઇન્ટરનૅશનલ સિવિલ ઍવિએશન ઑર્ગેનાઇઝેશન (આઈસીએઓ) જેવાં સંગઠનો દ્વારા પ્રકાશિત વૈશ્વિક સલામતી માપદંડોના સંદર્ભમાં ભારતની કામગીરી વૈશ્વિક સરેરાશ કરતાં ઘણી સારી રહી છે."
"2010થી 2024ના સમયગાળામાં ફક્ત બે વર્ષ એવાં હતાં, જ્યારે આપણે વૈશ્વિક સરેરાશથી આગળ નીકળી ગયા હતાં. એ બે વર્ષોમાં મોટા અકસ્માતો થયા હતા."
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ સામે આવી નવી ચિંતા
ઑગસ્ટ 2020માં ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસની ફ્લાઇટ 1344 કોઝીકોડમાં વરસાદથી ભીંજાયેલા રન-વે પર લપસીને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી. તેમાં 21 લોકો માર્યા ગયા હતા.
એક દાયકા પહેલાં મે 2010માં દુબઈથી આવી રહેલી ફ્લાઇટ 812 મેંગલોર રન-વે પરથી લપસીને ખાઈમાં પટકાઈ હતી. તેમાં 158 લોકો માર્યા ગયા હતા. જૂનમાં ઍર ઇન્ડિયાની દૂર્ઘટના છેલ્લાં 15 વર્ષમાં આ પ્રકારની ત્રીજી દુર્ઘટના હતી.
જોકે, આવી દુર્ઘટનાઓ દુર્લભ હોય છે, પરંતુ તાજેતરની ઘટનાઓએ નવી ચિંતા પેદા કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગંભીર ટર્બ્યુલન્સમાં ફસાયેલી દિલ્હી-શ્રીનગરની એક ફ્લાઇટથી માંડીને મેન્ટેનન્સમાં બેદરકારી અને પ્રશિક્ષણમાં ખામી સુધીના વધતા અહેવાલો વચ્ચે ઉડ્ડયન સલામતી સંબંધી સવાલો પર ફરીથી ધ્યાન કેન્દ્રીત થયું છે.
આ શ્રેણીમાં હવે ભારતની ચોથી સૌથી મોટી અને લાંબા સમયથી કાર્યરત લો-કૉસ્ટ ઍરલાઇન સ્પાઇસજેટ પણ જોડાઈ છે.
ધ ઇકૉનૉમિક ટાઇમ્સ અખબારના એક અહેવાલમાં જાણવા મળ્યું છે કે ઉડ્ડયન નિયમનકારે અનેક ચોંકાવનારા નિષ્કર્ષો પછી ઍરલાઇનના વડાઓ પાસેથી જવાબ માંગ્યો હતો. એ તારણો નિયમિત ઑડિટમાંથી નહીં, પરંતુ એક બ્રિટિશ ઍરલાઇન દ્વારા કાઢવામાં આવ્યાં હતાં.
અખબારનો અહેવાલ જણાવે છે કે સ્પાઇસજેટના બે ડી હેવિલૅન્ડ ક્યુ400 ટર્બોપ્રોપ પ્લેનમાં પહેલાંથી પ્રોપલર ખરાબ હોવાની વાત બહાર આવી ત્યારે આ વર્ષની શરૂઆતમાં તેની શરૂઆત થઈ હતી. ઍરલાઇને જીઈ ઍરોસ્પેસના નેતૃત્વ હેઠળની બ્રિટિશ ઉત્પાદક કંપની ડોર્ટી પ્રોપેલર્સને જાણ કરી હતી અને પ્રોપેલર્સના આંતરિક બેરિંગ્સ ક્ષતિગ્રસ્ત હોવાનું તેને જાણવા મળ્યું હતું.
પ્રત્યેક પ્રોપેલરમાં બે રેસ અથવા રિંગ કે ટ્રૅકવાળા બેરિંગ હોય છે. પ્રસ્તુત કિસ્સામાં આંતરિક રેસ ક્ષતિગ્રસ્ત હતી. મૂળ કારણ શોધવાને બદલે સ્પાઇસજેટ "કથિત રીતે સમગ્ર યુનિટ પર વધુને વધુ ગ્રીસ લગાવતી રહી હતી."
અખબારના જણાવ્યા મુજબ, સુધારાત્મક કાર્યવાહી ન થવાને લીધે નિરાશ ડોર્ટીએ આ મુદ્દો સીધો ભારતના ઉડ્ડયન નિયમનકાર સમક્ષ ઉઠાવ્યો હતો.
અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે એપ્રિલમાં ડીજીસીએના પોતાના ઑડિટમાં "વધુ ખામીઓ બહાર આવી હતી, જેમાં ખરાબીની ઘટના પણ સમાવિષ્ટ હતી."
ફૈઝ અહેમદ કિદવાઈએ બીબીસીને કહ્યું હતું, "ટર્બોપ્રોપ પ્રોપેલરનો મામલો સ્પાઇસજેટના એક મેન્ટેનન્સ સંગઠન મારફત અમારા ધ્યાનમાં આવ્યો હતો."
તેમણે ઉમેર્યું હતું, "અમે સ્પાઇસજેટ સાથે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને તે સુધારાત્મક કામગીરી કરે તે સુનિશ્ચિત કર્યું હતું. સિનિયર મૅનેજમેન્ટને પરિસ્થિતિની સંપૂર્ણ જાણકારી ન હોવાનું પણ અમને જાણવા મળ્યું હતું. અમે વિવિધ પદાધિકારીઓ સામે કાર્યવાહી કરી હતી. એ પદાધિકારીઓની જવાબદારી મૂળ ઉપકરણ ઉત્પાદક અને અન્ય નિયમોનું પાલન સુનિશ્ચિત કરવાની હતી. કેટલાક પદાધિકારીઓને હઠાવવાનો અને કેટલાકને સસ્પેન્ડ કરવાનો આદેશ અમે સ્પાઇસજેટને આપ્યો હતો, જેનું પાલન તેમણે કર્યું હતું."
'હું માફ નહીં કરું'
રૉયટર્સ સમાચાર સંસ્થાએ તાજેતરમાં જ અહેવાલ આપ્યો હતો કે ઍરબસ એ320માં ફરજિયાત ઍન્જિન પાર્ટ રિપ્લેસમેન્ટમાં વિલંબ બદલ અને નિયમનું પાલન કરાયાનો ખોટો રેકૉર્ડ દર્શાવવા બદલ ઉડ્ડયન નિરીક્ષકે ઍર ઇન્ડિયાની બજેટ કૅરિયરને માર્ચમાં જ ઠપકો આપ્યો હતો.
ઍર ઇન્ડિયા ઍક્સપ્રેસે સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે તેણે ડીજીસીએ સમક્ષ ભૂલ સ્વીકારી છે અને "ઉપચારાત્મક કાર્યવાહી કરી છે અને નિવારક પગલાં લીધાં છે."
ફૈઝ અહેમદ કિદવાઈએ બીબીસીને જણાવ્યું હતું કે આ કિસ્સામાં માહિતી ઍરલાઇન દ્વારા "જાતે આપવામાં આવી છે."
"હું (તેમની ભૂલને) માફ નહીં કરું, પરંતુ અમને (કમસે કમ) અહેવાલો મળવાનું શરૂ થઈ ગયું છે. આ ઍરલાઇન દ્વારા કરવામાં આવ્યું છે. આ કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવી છે. ઑડિટમાં વધારે સતર્ક રહેવા અને કોઈ ભૂલ છે કે કેમ તે ચકાસવા તેમજ એ અમારા ધ્યાન પર લાવવાનો આદેશ અમે અમારા અધિકારીઓને આપ્યો છે."
મે મહિનામાં દિલ્હીથી શ્રીનગર જતી ઇન્ડિગોની એક ફ્લાઇટે ટેક ઑફ કર્યાની લગભગ 45 મિનિટ પછી ભારે તોફાન અને કરાનો સામનો કરવો પડ્યો હતો.
222 પ્રવાસીઓ સાથેના ઍરબસ એ-321 વિમાને એક્સ્ટ્રીમ વર્ટિક્યુલર ઍર કરન્ટ્સનો સામનો કરવો પડ્યો હતો. તેને કારણે ઓવરહેડ બિન્સ ખસી ગયાં હતાં અને વિમાનના આગળના ભાગને નુકસાન થયું હતું. વિમાનની ચાલક ટુકડીએ ઇમર્જન્સી જાહેર કરી હતી અને શ્રીનગર ખાતે કોઈ ઈજા વિના પ્લેનનું સુરક્ષિત ઉતરાણ કરવામાં આવ્યું હતું. નિયમનકારે તપાસ શરૂ કરી હતી અને બે પાઇલોટોને ફરજ પરથી ઉતારી મૂકવામાં આવ્યા હતા.
ગાઇડલાઇન્સમાં કરાયો સુધારો
ફૈઝ અહેમદ કિદવાઈએ બીબીસીને જણાવ્યું હતું કે તોફાની પરિસ્થિતિમાં ઉડાન ભરતા પાઇલોટો માટેની ગાઇડલાઇન્સમાં નિયમનકારે હવે "સુધારા" કર્યા છે.
દાખલા તરીકે, હવામાન વાદળછાયું હોય અથવા જોખમી લાગતી હવામાન પૅટર્ન હોય તો પાઇલટ્સે ત્યાં સુધીમાં ચોક્કસ નોટિકલ માઇલ્સમાં ચોક્કસ પગલાં લેવાં જરૂરી બનશે.
તેમણે કહ્યું, "આવું જોખમ કોને કહેવાય તે અમે સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કર્યું છે."
"તેમાં પ્લેનને ડાયવર્ટ કરવાનો, પાછું લાવવાનો અને અન્ય યોગ્ય પગલાં લેવાનો સમાવેશ થાય છે."
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના ડેટા અનુસાર, ભારતીય વિમાન કંપનીઓએ 2020થી 2,461 ટૅકનિકલ ખામીઓ રિપોર્ટ કરી છે. તેમાં જાન્યુઆરી 2025 સુધીમાં અડધાથી વધુ (1,288) ટૅકનિકલ ખામીઓ સાથે ઇન્ડિગો પહેલા ક્રમે છે. એ પછી 633 ખામીઓ સાથે સ્પાઇસજેટ બીજા ક્રમે છે, જ્યારે ઍર ઇન્ડિયા અને તેની પેટા કંપની ઇન્ડિયા ઍક્સપ્રેસમાં 389 ખામીઓ નોંધાઈ છે.
ફૈઝ અહેમદ કિદવાઈએ કહ્યું હતું, "ઍરલાઇન્સ દ્વારા ખામીઓના રિપોર્ટિંગમાં વધારો થયો છે. તે સારી વાત છે."
"હું એમ નહીં કહું કે હું તેનાથી ખુશ છું, પરંતુ રિપોર્ટિંગના વધતા જતા પ્રમાણમાં મને મૂલ્ય જણાય છે. ચૂપ રહીને વિમાન ચલાવ્યા કરતાં દરેક ખામી અધિકારીઓના ધ્યાન પર લાવવામાં આવે તે વધુ સારી વાત છે."
તેમણે એમ પણ કહ્યું હતું કે ફ્લાઇટ્સની સંખ્યા વધવાની સાથે "ફ્લાઇટ્સ માટેના ટર્નઅરાઉન્ડ સમયની સાથે મેન્ટેનન્સ તપાસ માટે પૂરતો સમય છે કે નહીં તેનું ધ્યાન રાખવું મહત્ત્વપૂર્ણ છે."
ઉડ્ડયન નિયમનકાર પરની જવાબદારી વધી છે. ભારત વિશ્વના ત્રીજા ક્રમના સૌથી મોટા ઍવિએશન માર્કેટ તરીકે ઉભર્યું છે. તેમ છતાં છેલ્લાં બે વર્ષમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બજેટ કટ્સનો સામનો કરવો પડ્યો છે, જે આ ક્ષેત્ર માટેની નાણાકીય અગ્રતામાં ઘટાડો દર્શાવે છે.
આજે દેશનાં શિડ્યુલ્ડ કૅરિયર્સ લગભગ 850 વિમાનોનું સંચાલન કરે છે, જે એક દાયકા પહેલાંની લગભગ 400 વિમાનોની સંખ્યા કરતાં નોંધપાત્ર રીતે વધારે છે.
2014-15 પછી વિમાન પ્રવાસીઓની સંખ્યા 116 મિલિયનથી વધીને 239 મિલિયન થઈ ગઈ છે, એટલે કે બમણી થઈ છે.
કૉમર્શિયલ ઍરોડ્રામ્સની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. એક દાયકા પહેલાં આવાં લગભગ 60-70 ઍરોડ્રોમ્સ હતાં. આજે લગભગ 130-140 છે.
ફૈઝ અહેમદ કિદવાઈએ કહ્યું હતું, "શિડ્યુલ્ડ અને નોન-શિડ્યુલ્ડ ઑપરેટર્સ બંને સહિત કુલ હવે 1,288 વિમાનો કાર્યરત છે.
દાયકાના અંત સુધીમાં આપણે 2,000થી વધુ વિમાનોનું સંચાલન કરતા હોવાનો અંદાજ છે." (નોન-શિડ્યુલ્ડ ઑપરેટર્સમાં ચાર્ટર ઍરલાઇન્સ, ખાનગી જેટ ઑપરેટર્સ, ઍર ટૅક્સી અને હેલિકૉપ્ટર સેવાઓનો સમાવેશ થાય છે)
ઍર ઇન્ડિયાનું વિમાન તાજેતરમાં તૂટી પડ્યું તેનાથી ભારતમાં ઍર ટ્રાવેલની પ્રતિષ્ઠાને નુકસાન નથી થયું? આ સવાલના જવાબમાં ફૈઝ અહેમદ કિદવાઈએ જણાવ્યું હતું કે ડેટા એવો કોઈ સંકેત આપતા નથી.
તેમણે બીબીસીને કહ્યું હતું, "સ્થાનિક કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ પર કોઈ અસર થઈ છે કે કેમ તે તપાસવા અમે ડેટા ચકાસ્યો હતો. ટ્રાફિકમાં કોઈ નોંધપાત્ર ઘટાડો થયો નથી. ટૂંકા ગાળા માટે ખૂબ જ નજીવો ઘટાડો જોવા મળ્યો હતો. તેનાથી ડૉમેસ્ટિક અને ઇન્ટરનૅશનલ ફ્લાઈટ્સ બંનેને અસર થઈ હતી તથા કેટલીક ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી હતી."
તેમના કહેવા મુજબ, "આવી ઘટનાઓ પછી લોકો ચિંતા અનુભવે તે સ્વાભાવિક છે, પરંતુ સમય જતાં જેમ વધુ સ્પષ્ટતા આવે છે અને પરિસ્થિતિ વધુ સારી રીતે સમજાય છે તેમ ચિંતા ઓછી થતી જાય છે. સમય સૌથી મોટો ઉપચારક હોય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન