You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પ્લેન ક્રૅશ : 'વિમાનમાં અમે બેઠા નહોતા, છતાં બે લોકોને ગુમાવી દીધા'
ઍર ઇન્ડિયા ફ્લાઇટ 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી હતી અને ઉડાણ ભર્યા પછી થોડા સમયમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ, જેમાં વિમાનમાં સવાર 242માંથી 241 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ વિમાન મેડિકલ કૉલેજ અને સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોના નિવાસ તરીકે ઉપયોગમાં લેવાતા બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આમ, જમીન પર રહેલા લોકો સહિત આ દુર્ઘટનામાં કુલ 260 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
વિમાનમાં સવાર એકમાત્ર જીવિત બચેલી વ્યક્તિ, બ્રિટિશ નાગરિક વિશ્વેશકુમાર રમેશે કહ્યું કે "હું હજુ પણ વિશ્વાસ કરી શકતો નથી કે હું જીવતો કેવી રીતે બચી ગયો."
હવે અમદાવાદ પ્લેન ક્રૅશ મામલામાં AAIBએ પ્રારંભિક રિપોર્ટ બહાર પાડ્યો છે.
રિપોર્ટ અનુસાર ટેક-ઑફના અમુક સેકન્ડ બાદ બંને એન્જિનો સુધી ઈંધણ પહોંચવાનું બંધ થઈ ગયું હતું. ફ્યુઅલ કટ-ઑફ સ્વિચ 'રન'થી 'કટ-ઑફ' પૉઝિશનમાં પહોંચી ગઈ હતી, જેના અમુક સેકન્ડ બાદ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.
જોકે, કેટલાક નિષ્ણાતોએ આ પ્રારંભિક રિપોર્ટને વધુ 'મૂંઝવણભર્યો' ગણાવ્યો છે, જ્યારે સામેની બાજુએ ઘટનાના મૃતકોના કેટલાક પરિવારજનોએ પણ 'કારણ જાણવાથી તેમના દુ:ખ' પર કેટલી અસર પડશે એવો સવાલ ઉઠાવ્યો હતો.
'પ્લેનમાં નહોતા, પણ પરિવાર ગુમાવ્યો'
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં માત્ર મુસાફરોનાં જ મૃત્યુ નથી થયાં, પરંતુ વિમાન જ્યાં પડ્યું ત્યાં જમીન પર હાજર રહેલી અન્ય 19 વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં.
નરેશસિંહ ઠાકોરે આ અકસ્માતમાં પોતાની બે વર્ષની દીકરી અને પોતાનાં સાસુ સરલાબહેન ઠાકોરને ગુમાવ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
12 જૂને દરરોજની માફક સરલાબહેન બીજે મેડિકલ કૉલેજની કૅન્ટિનમાં ભોજન રાંધવા પહોંચ્યાં હતાં, ત્યારે વિમાન હૉસ્ટેલ પરિસરમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. એ સમયે બાળકી પણ તેમની સાથે જ હતી.
નરેશસિંહ ઠાકોર બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યને જણાવે છે કે, "અમે વિમાનમાં સવાર નહોતા છતાં પરિવારના સભ્યોને ગુમાવ્યા."
વિમાન અકસ્માતના પ્રારંભિક રિપોર્ટ અંગે તેઓ કહે છે કે, "હું રિપોર્ટ પર કઈ રીતે કંઈ કહી શકું? અમને એ વિષયની કોઈ સમજણ નથી."
'વિમાનમાં ખામી ભલે જે પણ હોય, અમે તો દીકરો ગુમાવ્યો'
રફીક દાઉદે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પોતાનો પચ્ચીસ વર્ષનો પુત્ર ફૈઝાન ગુમાવ્યો છે.
રફીક દાઉદે બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્યને કહ્યું હતું કે "વિમાન જે કોઈ ટેકનિકલ ખામીથી તૂટી પડ્યું એ તો દુઃખદ જ છે. અમને એની ફ્યુઅલ સ્વિચ કે અન્ય કોઈ ટેકનિકલ કારણો વિશે તો શું ખબર પડે? પરંતુ અમે અમારો દીકરો ગુમાવ્યો છે તે હકીકત છે અને તેનું ખૂબ દુઃખ છે."
"મારો દીકરો છેલ્લાં પાંચ વર્ષથી લંડન હતો. ફૈઝાન ત્યાં ઈલ્મી તાલીમ લેતો હતો. તેને દાંતની તકલીફ હતી અને ઈદનો તહેવાર પણ આવી રહ્યો હતો. તેથી ઈદ મનાવવા અને દાંતની સારવાર માટે તે અમદાવાદ આવ્યો હતો. તે ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં લંડન જઈ રહ્યો હતો અને અવસાન પામ્યો હતો. આ એક મહિનો અમારા માટે કેમ વીત્યો છે તે અમારું મન જાણે છે."
રફીકભાઈ દીવના વતની છે. તેમણે ફૈઝાન માટે અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ડીએનએ સૅમ્પલ માટે લોહીનો નમૂનો આપ્યો હતો. દુર્ઘટનાના છ દિવસ પછી તેમને દીકરાનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.
મૃતકના પરિવારજનોને જે વળતર આપવામાં આવે છે તેની પ્રક્રિયા તમે કરી છે? રફીકભાઈ જણાવે છે કે હા તેનું જે ફૉર્મ વગેરે ભરવાનું હતું તે ભરી દીધું છે અને ઇમેઇલ દ્વારા સંપર્ક કરશે એવું કહેવામાં આવ્યું છે.
'પ્લેન ક્રૅશનું કારણ જાણવાથી શું ફેર પડશે?'
અમદાવાદમાં થયેલા ઍર ઇન્ડિયા પ્લેન અકસ્માતમાં કૅબિન ક્રૂ સભ્ય લેમનુનથેમ સિંગસનનું મૃત્યુ થયું હતું.
વિમાન અકસ્માતના ભારતીય વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો (એએઆઇબી)ની પ્રાથમિક તપાસ રિપોર્ટ પર લેમનુનથેમ સિંગસનનાં સંબંધી નગમલિયનલાલ કિપજેને પ્રતિક્રિયા આપી છે.
બીબીસી સંવાદદાતા ઇશાદ્રિતા લાહિરીને તેમણે કહ્યું છે કે, "મને નથી ખબર કે કારણ જાણવાથી અમારી શોક મનાવવાની રીતમાં કોઈ ફેરફાર થશે કે નહીં. હાલ અમે ભાવનાના વંટોળમાંથી પસાર થઈ રહ્યા છીએ."
કિપનજેને કહ્યું, "મારું માનવું છે કે આપણને રાહત ત્યારે મળે છે જ્યારે આપણે આપણી રીતે અલવિદા કહીએ છીએ અને જ્યારે એવું જીવન જીવી બતાવીએ જે તેમની યાદોનું સન્માન કરે."
તેમણે કહ્યું છે કે સિંગસનની કહાણી અમારા થકી અને એ તમામ પ્રિયજનો થકી જીવિત રહેશે, જેમને તેઓ પાછળ મૂકીને ગયાં.
ઈંધણ એન્જિન સુધી ન પહોંચ્યું તો શું ખામી હતી?
મુંબઈના સૈયદ જાવેદઅલી 11 વર્ષથી લંડનમાં રહેતા હતા. તેઓ તેમનાં પત્ની તેમજ ચાર વર્ષના દીકરા અને બે વર્ષની દીકરી સાથે 6 જૂનના રોજ મુંબઈથી આવ્યાં હતાં. તેમનાં માતાની તબિયત ખરાબ હતી. તેમનાં બાળકો દાદીને ક્યારેય મળ્યાં ન હતાં. આથી તેમનાં બાળકોને દાદીને મળવા માટે મુંબઈ લઈને આવ્યાં હતાં.
છ દિવસ મુંબઈ રોકાઈને તેઓ પરત લંડન જઈ રહ્યાં હતાં. તેમને મુંબઈથી કનેક્ટિંગ ફ્લાઇટ લીધી હતી. પ્લેન ક્રૅશમાં જાવેદઅલી અને તેમનાં પત્ની અને બે બાળકોનાં મોત થયાં હતાં.
સૈયદ જાવેદઅલીના મામા રફીક મેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે "ઈંધણ એન્જિન સુધી કેમ ન પહોંચ્યું? વિમાન ઉપાડતાં પહેલાં તેનું ચેકિંગ કરવામાં આવે છે તેની બાદ જ વિમાન ઉડાન ભરે છે. ઈંધણ એન્જિન સુધી ન પહોંચ્યું તો શું ખામી હતી? કોની ભૂલ હતી? આ અંગે સચોટ તપાસ થવી જોઈએ."
"જાવેદ અમારા ઘરનો પિલ્લર હતો. ઍર ઇન્ડિયાએ અમારા ઘરની ઉમ્મીદો સળગાવી દીધી છે."
રફીક મેમણ જણાવે છે કે "વિમાન લૅન્ડ થવાના સમયે કોઈ દુર્ઘટના થાય તો સમજમાં આવે છે, પરંતુ ટેક-ઑફ થવાના સમયે વિમાનમાં દુર્ઘટના થવી ખૂબ જ રેર ગણાય."
રફીક મેમણ જણાવે છે કે "સરકાર આ મામલે સચોટ તપાસ કરીને જવાબદારો સામે પગલાં લે તો મૃતકોની આત્માને શાંતિ મળશે. આ ઘટનામાં કેટલાય લોકોનાં ઘર બરબાદ થઈ ગયાં છે, કોઈકનાં માતા, કોઈકનાં બાળકો, તો કોઈકનાં ભાઈબહેન આ ઘટનામાં મરી ગયાં છે."
"અમારાં બાળકોના મૃતદેહ માટે પણ અમારે છ દિવસ ધક્કા ખાવા પડ્યા હતા."
રફીક મેમણ જણાવે છે કે "ઍર ઇન્ડિયા દ્વારા સહાય જાહેર કરી અમારાં બાળકોની કિંમત લગાવી હોય તેવું છે, અમને દરેક બીજો માણસ એવું પૂછે છે કે તમને પૈસા મળ્યા કે નહીં? અમારાં બાળકોના જવાનું દુઃખ તો છે જ, પરંતુ લોકો આવી વાતો પૂછીને અમને વધારે દુઃખ પહોંચાડે છે."
પિતાની અંતિમવિધિ માટે આવ્યા હતા અને...
અમદાવાદના લૉરેન્સ અને આયુષી બે મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં. દોઢ વર્ષથી બંને લંડનમાં રહેતાં હતાં. લૉરેન્સના પિતાનું મૃત્ય થયું હોવાથી તેઓ અંતિમવિધિ માટે અમદાવાદ આવ્યા હતા.
લૉરેન્સ ક્રિશ્ચનનાં પત્ની આયુષીએ બીબીસી સંવાદદાતા લક્ષ્મી પટેલ સાથે વાત કરતાં જણાવ્યું કે "પ્લેન ક્રૅશની ઘટનાને આજે એક મહિનો થઈ ગયો તેમ છતાં સરકાર દ્વારા જવાબદાર સામે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. આજે પ્રાથમિક રિપોર્ટ આવી ગયો. જેની પણ ભૂલના કારણે નિર્દોષ લોકો મરી ગયા છે તે લોકો સામે પગલાં ભરવાં જોઈએ. મૃતકોને ન્યાય મળવો જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન