અમદાવાદ વિમાન દુર્ઘટનાએ દીવ અને પોર્ટુગલ વચ્ચેની કઈ જીવંત કડીને ઉજાગર કરી છે?

    • લેેખક, ગોપાલ કટેશિયા
    • પદ, બીબીસી સંવાદદાતા
    • દ્વારા રિપોર્ટિંગ, દીવથી

દીવ ટાપુ પરના ફુદામ ગામના ખડકાળ કિનારે 25 જૂનના રોજ દરિયાનાં મોજાં અથડાતાં પાણીના ફુવારા ઊડી રહ્યા હતા અને પરિણામે પહેલાંથી જ ભેજવાળું એવું ચોમાસાનું હવામાન વધુ ભેજવાળું બની રહ્યું હતું. દરિયાનો ઘુઘવાટ અને મોજાંના ફૂંફાડાનો અવાજ નાળિયેરીઓનાં વૃક્ષોને ચીરતો કાંઠે પર આવેલા મટ્ટુ પ્રેમજી નામનાં વૃદ્ધાના ઘર સુધી પહોંચતો હતો.

પરંતુ દરિયાના ઘુઘવાટ તરફ ધ્યાન ન દેતાં મટ્ટુ, જેમને પાડોશીઓએ અને પરિચિતો 'મટ્ટુમા' કહે છે, તેઓ તો તેમના ઘરની અંદર આવેલ બગીચામાં કામ કરતાં એક મહિલા મજૂરને સૂચના આપવામાં અને બગીચામાંનાં કેળ, નારિયેળનાં ઝાડ, પપૈયાના છોડ અને કેટલાક શાકભાજીના છોડની તાપસ કરવામાં વ્યસ્ત છે.

બગીચામાં ટહેલતાં મટ્ટુમા થોડાં ગમગીન જણાય છે. તેમનાં દીકરી રમીલા પ્રેમજીનું અમદાવાદમાં 12 જૂને થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું અને પોતાની પાંચ દીકરીઓમાંની સૌથી મોટાં દીકરીના આ રીતે અકાળે થયેલ અવસાનના આઘાતમાંથી મટ્ટુમા હજુ પણ બહાર આવી શક્યાં નથી.

રમીલા ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં લંડન જઈ રહ્યાં હતાં, પરંતુ વિમાન અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટથી ઊડ્યા બાદ ગણતરીની ઘડીઓમાં જ તૂટી પડ્યું અને અગનગોળો બની ગયું હતું.

આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 241 લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે વિશ્વાસકુમાર રમેશ ભાલીયા નામના એક મુસાફરનો આબાદ બચાવ થયો હતો. વિશ્વાસકુમાર બ્રિટનના નાગરિક છે, પણ રમીલાની જેમ તેમનું વતન પણ દીવ છે.

દુર્ઘટનામાં માર્યા ગયેલ રમીલા સહિતના આ સાત પોર્ટુગીઝ અને ત્રણ બ્રિટિશ નાગરિકોનું મૂળ વતન દીવ હતું.

વિમાનમાં સવાર 230 મુસાફરો પૈકી 15 લોકોનું વતન દીવ હતું.

તેમાંથી સાત પોર્ટુગલના, ચાર બ્રિટનના અને ચાર ભારતીય નાગરિક હતા.

દુર્ઘટનામાં મૃત્યુ પામેલા રમીલા સહિતના આ સાત પોર્ટુગીઝ અને ત્રણ બ્રિટિશ નાગરિકોનું મૂળ વતન દીવ જ હતું.

મટ્ટુમા બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહે છે કે, "વીસેક વર્ષ પહેલાં રમીલા તેના પરિવાર સાથે લંડન રહેવા જતી રહી હતી અને ત્યાં જ સ્થાયી થઈ ગઈ. પરંતુ તેને કેટલાક સમયથી કમરનો દુ:ખાવો થવા લાગ્યો હતો અને તેની સારવાર માટે લગભગ એક મહિના પહેલાં એ દીવ આવી હતી."

"એ આ ઘરમાં જ એક મહિના સુધી મારી સાથે રહી. તેણે 27 મેના રોજ મારો જન્મદિવસ ખૂબ ધામધૂમથી ઊજવ્યો. પછી તેણે લંડન પાછા ફરવાનું નક્કી કર્યું, પરંતુ પ્લેન ક્રૅશમાં તેનું મોત થયું. બીજા દિવસે રાત્રે બે વાગ્યે ડૉક્ટર જેવા લગતા કેટલાક લોકો મારા ઘરે પોલીસ સાથે આવ્યા અને મારા લોહીના નમૂના લીધા અને મને કહ્યું કે મારી પુત્રીના મૃતદેહની ઓળખ માટે તે જરૂરી છે."

ગરીબી અને તેનાથી બચવાના પ્રયાસો

મટ્ટુમાનાં ત્રણ પુત્રો અને પાંચ પુત્રીઓમાં રમીલા બીજા ક્રમે હતાં. તેમનાં આઠ સંતાનોમાં પુત્ર રમેશ સૌથી મોટા છે. મટ્ટુમાના પતિ પ્રેમજી બામણીયા કડિયાનું કામ કરતા હતા.

દીકરીની અણધારી વિદાયના દુઃખ સાથે ભૂતકાળ વાગોળતી વખતે મટ્ટુમાના કરચલીવાળા ચહેરા અને ઊંડી આંખોમાં ભાવપરિવર્તન નોંધવું મુશ્કેલ લાગતું હતું.

તેઓ કહે છે, "અમારો વખત દુબળો હતો. મેં અને રમીલાએ 20 વર્ષ સુધી દીવમાં માછલી વેચી છોકરાંને મોટાં કર્યાં છે. નસીબજોગે તેના પતિનો પરિવાર પણ ગરીબ હતો. હજુ તો તે માંડમાંડ ગરીબીમાંથી બહાર આવી હતી ત્યાં જ વિમાન દુર્ઘટનામાં તેનું મૃત્યુ થઈ ગયું."

રમીલાના ગરીબીમાં વીતેલા જીવન અને તેમના અકાળ અવસાન વિશે વાત કરતાં વૃદ્ધ મટ્ટુમા ઢીલાં પડવા લાગે છે એટલે રમેશનાં પત્ની વસંતરા તેમને સાંત્વના આપે છે.

રમેશ અને વસંતરા પોર્ટુગલના પાટનગર લિસ્બનમાં રહે છે, પરંતુ રમીલાનું મૃત્યુ થતાં તેઓ દીવ આવી ગયાં છે અને મટ્ટુમા સાથે મોટા ભાગનો સમય ગાળે છે.

વસંતરા કહે છે કે બ્રિટનના પાટનગર લંડનમાં રહેતાં રમીલાનાં ચારમાંથી ત્રણ બાળકો પણ રમીલાના મૃત્યુ બાદની ધાર્મિક-સામાજિક વિધિઓ કરવા માટે દીવના ફુદામમાં આવી ગયાં છે. પરંતુ તેમના પતિ હેમંત બીમાર છે અને દીવ આવી શક્યા નથી.

એક પરિવાર અને કેટલાય દેશોની યાત્રા

મટ્ટુમા કહે છે કે તેમના પતિ પ્રેમજીનો જન્મ દીવ પર જયારે ફિરંગીઓ(પોર્ટુગીઝ)ના શાસન વખતે થયો હતો.

દીવ ગુજરાતના ઊના નજીકના દરિયાકાંઠે આવેલો એક ટાપુ છે અને ફિરંગીઓએ આ ટાપુ પર 16મી સદીના મધ્ય ભાગમાં આધિપત્ય જમાવ્યું હતું.

એ જ રીતે આફ્રિકા ખંડના પૂર્વ કિનારે આવેલા મોઝામ્બિક દેશમાં પણ ફિરંગીઓએ તેમનું શાસન સ્થાપ્યું હતું.

80 વર્ષનું આયુષ્ય વટાવી ચૂકેલાં મટ્ટુમા કહે છે કે પ્રેમજી સાથે વિવાહ થયાના ટૂંક સમયમાં જ તેઓ અને તેમના પતિ કામની શોધમાં મોઝામ્બિક જતાં રહ્યાં હતાં.

હવે મોટા બગીચાવાળા બે માળના બંગલામાં રહેતાં મટ્ટુમા કહે છે, "મારાં આઠેય સંતાનોનો જન્મ મોઝામ્બિકમાં થયો હતો. પરંતુ ત્યાં પણ યુદ્ધ ફાટી નીકળતાં 1970ના દાયકાની શરૂઆતમાં અમારે બધાને દીવ પાછા ફરવાની ફરજ પડી. દીવમાં તો અમારી પાસે ગરીબી જ હતી."

"ગરીબીમાંથી બહાર નીકળવા મારા પતિ કામની શોધમાં પોર્ટુગલ ગયા. પછી રમેશ પણ પોર્ટુગલ ગયો. એ બાદ રમેશ તેનાથી નાનાં સાત ભાઈ-બહેનોને એક પછી એક કરીને લંડન લઈ ગયો."

નોંધનીય છે કે ભારતમાં દીવ ઉપરાંત, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ ગોવા પર પણ ફિરંગીઓનું રાજ હતું.

પરંતુ 19 ડિસેમ્બર 1961ના રોજ ભારત સરકારે લશ્કર મોકલી દીવ-દમણ અને ગોવાને ફિરંગીઓના શાસનમાંથી મુક્ત કર્યાં હતાં.

સ્થાનિક લોકોની આઝાદી માટેની ચળવળને કારણે દાદરા અને નગર હવેલી 1954માં જ ફિરંગીઓના શાસનમાંથી આઝાદ થઈ ગયું હતું.

એ જ રીતે, મોઝામ્બિક પણ 1975માં ફિરંગીઓના શાસનમાંથી મુક્ત થયું હતું.

દીવ, દમણ અને ગોવા તેમજ મોઝામ્બિક પરથી આધિપત્ય ગુમાવ્યા બાદ ફિરંગીઓએ આ પ્રદેશોના સ્થાનિક રહેવાસીઓ માટે કરેલ એક ખાસ વ્યવસ્થા થકી રમેશ અને તેમનાં સાત ભાઈબહેનોને પોર્ટુગલનું નાગરિકત્વ મળી ગયું છે.

વસંતરા જણાવે છે કે તેઓ પોતાના પતિ સાથે લિસ્બનમાં રહે છે, જયારે રમેશનાં બે ભાઈ અને પાંચ બહેનો પોર્ટુગલના પાસપૉર્ટના આધારે પોતપોતાના પરિવારો સાથે લંડનમાં રહે છે.

તેમણે ઉમેર્યું કે રમેશના ભાઈ હરીશનું ચારેક વર્ષ પહેલાં બીમારીના કારણે મૃત્યુ થયું હતું, પરંતુ તેમનો પરિવાર પણ લંડનમાં જ રહે છે.

પ્રેમજીનું 2009માં મૃત્યુ થયું હતું.

મટ્ટુમાનો પરિવાર યુરોપ ખંડના બે દેશમાં ફેલાયેલો છે, પરંતુ મટ્ટુમા પોતે દીવમાં જ રહેવાનું પસંદ કરે છે.

મટ્ટુમા કહે છે કે, "હું લંડન ગઈ હતી અને રમીલા અને મારાં બીજાં બાળકો સાથે થોડો સમય રહી હતી. પણ ત્યાં રમીલા સહિત બધા લોકોને કામે જવાનું થતું હતું. વહુ કામે જાય, દીકરો પણ કામે જાય એટલે હું રૂમમાં એકલી જ રહેતી અને તે રીતે એકલી પડી જતી હતી અને મને ગૂંગળામણ થતી. તેથી, હું અહીં રહેવાનું પસંદ કરું છું, કારણ કે અહીં મારા પડોશીઓ છે અને એક કામવાળી પણ આવે છે. તેમની બધાની સાથે સમય નીકળી જાય છે."

જયારે માછીમારે લેસ્ટરની ફૅકટરીમાં મજૂર બનવાનું પસંદ કર્યું

ફુદામથી લગભગ આઠ કિલોમીટર પશ્ચિમમાં, દીવના દગાચી ગામમાં હર્ષદ દેવજી (ઉ. 30) તેમના પિતા દેવજી લખમણ અને માતા વનિતા કાનાનાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં થયેલાં મૃત્યુ બાદ આઘાતમાં છે.

દેવજીના પિતા લખમણ ગુલા એક માછીમાર હતા અને પરિવારના કહેવા મુજબ લખમણનો જન્મ 1953માં દીવમાં થયો હતો.

પિતાને રસ્તે ચાલી દેવજી પણ એક માછીમાર બન્યા, પરંતુ બાર વર્ષ પહેલાં તેઓ માછીમારીનો વ્યવસાય છોડી યુરોપ જતા રહ્યા.

હર્ષદ કહે છે કે, "અમારા માટે સારા જીવન અને સારા શિક્ષણની શોધમાં મારા પિતાએ વિદેશમાં સ્થાયી થવાનું નક્કી કર્યું અને 2011માં પોર્ટુગીઝ પાસપૉર્ટ મેળવવાની પ્રક્રિયા શરૂ કરી. તેમને 2013માં પાસપૉર્ટ મળ્યો અને એ જ વર્ષે બ્રિટન સ્થળાંતરિત થયા. છ મહિના પછી અમે પરિવારના બાકીના સભ્યો પણ તેમની સાથે ત્યાં જતા રહ્યા, કારણ કે અહીં કંઈ વધારે તકો નથી. જ્યારે ત્યાં સારું શિક્ષણ અને સારા પગારવાળી નોકરીઓ મળે છે."

વનિતાના ભાઈ મહેશ કાના કહે છે કે દેવજીએ શરૂઆતમાં યુકેના લેસ્ટરમાં કાપડની એક ફૅકટરીમાં કામ કર્યું અને તેમનાં બાળકો—પુત્રી પ્રજ્ઞા(32) અને પુત્રો હર્ષદ, જયેશ (28) અને તૃપેશ (26)ના ઔપચારિક શિક્ષણની વ્યવસ્થા કરી.

હર્ષદ કહે છે કે તેમના પિતા દગાચીમાં 1981માં બંધાયેલા ચાર રૂમના ઘરમાં રહેતા હતા. પરંતુ પોર્ટુગીઝ નાગરિક બન્યા પછી પરિવાર યુકે ગયો. તેનાં પાંચ વર્ષ પછી પરિવારે 2019માં દગાચીમાં છ બેડરૂમનો એક આધુનિક બંગલો બનાવ્યો છે અને જયારે પણ તેઓ યુકેથી દીવ આવે ત્યારે તેમાં રહે છે.

હર્ષદ કહે છે કે દેવજી અને વનિતા ફેબ્રુઆરી, 2025માં કુંભમેળામાં હાજરી આપવા માટે ભારત આવ્યાં હતાં.

હર્ષદ કહે છે કે, "એ પછી, મારાં માતા બીમાર પડી ગયાં તેથી તેમણે તેમનું અહીંનું રોકાણ લંબાવ્યું. આખરે અમદાવાદથી 12 જૂને તેઓ વિમાનમાં બેઠાં (પરંતુ એ વિમાન તૂટી પડ્યું)."

હર્ષદ ઉમેરે છે કે તેઓ અને તેમનાં ભાઈબહેન હવે યુકેમાં કામ કરી રહ્યાં છે.

પોર્ટુગીઝ ગયા પણ દીવવાસીઓ માટે દરવાજા ખુલ્લા રાખ્યા

પોર્ટુગલે 1535માં દીવમાં પોતાની હાજરી સ્થાપિત કરી હતી.

તેમણે દીવમાં એક કિલ્લો બાંધ્યો અને એક કૉલોની સ્થાપી અને 400 વર્ષથી વધુ સમય સુધી આ પ્રદેશ પર શાસન કર્યું.

પોર્ટુગલે દમણ, દાદરા અને નગર હવેલી, મુંબઈ અને ગોવામાં પણ આવી જ વસાહતો સ્થાપી હતી.

દીવના વરિષ્ઠ વકીલ શશિકાંત મોડાસિયા કહે છે કે "જ્યારે ભારતે દીવ, દમણ અને ગોવા પર કબજો મેળવ્યો ત્યારે આ પ્રદેશોના રહેવાસીઓ ભારતના નાગરિક બન્યા. જોકે, દીવ, દમણ અને ગોવાના લોકોએ પોર્ટુગીઝ શાસન સામે બળવો કર્યો ન હતો કે તેમની મુક્તિની માંગણી કરી ન હતી."

"તેઓ સદીઓથી પોર્ટુગલ પ્રત્યે વફાદાર રહ્યા હતા. તેથી, જ્યારે ભારતે લશ્કરી કાર્યવાહી કરી દીવ, દમણ અને ગોવાને પોર્ટુગીઝ શાસનમાંથી મુક્ત કરાવ્યા ત્યારે પોર્ટુગીઝ સરકારે જાહેરાત કરી કે તે આ ત્રણેય વસાહતોમાં 1961 પહેલાં જન્મેલા તમામ લોકોને તેમજ જો તેઓ ઇચ્છે તો તેમના વંશજોને પોર્ટુગીઝ નાગરિકતા મળશે. આ દરવાજા હજુ પણ દીવ, દમણ અને ગોવાના લોકો માટે ખુલ્લા છે."

ભારતના લોકો પોર્ટુગલના નાગરિક કઈ રીતે બની શકે?

આજ દિન સુધી પોર્ટુગીઝ સરકાર દીવ, દમણ કે ગોવામાં 1961 પહેલા જન્મેલા લોકોના અથવા તેમના વંશજોના જન્મના રેકૉર્ડની નોંધ પોર્ટુગલના સિવિલ રજિસ્ટરમાં કરીને દીવ, દમણ કે ગોવાના લોકોને સીધી પોર્ટુગીઝ નાગરિકતા આપે છે.

વ્યક્તિએ ફક્ત એટલું જ સાબિત કરવું પડે છે કે તેના પિતા કે દાદાનો જન્મ આ ત્રણ પ્રદેશોમાંથી કોઈ એકમાં 1961 પહેલાં થયો હતો તેમજ તે આ સમયગાળા દરમિયાન જન્મેલી આવી વ્યક્તિનાં જ પુત્ર કે પૌત્ર અથવા પુત્રી કે પૌત્રી છે અને તે રીતે પિતા કે દાદા સાથે લોહીના સંબંધ ધરાવે છે.

એટલું જ નહીં, પોર્ટુગીઝ સરકાર 19 ડિસેમ્બર 1961પછી ભારત સરકાર દ્વારા અપાયેલાં જન્મ અને લગ્નનાં પ્રમાણપત્રોને પણ આ બાબતમાં માન્ય રાખે છે.

દીવ જિલ્લા કલેક્ટર કચેરીના એક વરિષ્ઠ અધિકારી કહે છે, "આજકાલ, મોટા ભાગે ભૂતપૂર્વ પોર્ટુગીઝ વસાહતોમાં જન્મેલા લોકોનાં પૌત્ર-પૌત્રીઓ જ પોર્ટુગીઝ નાગરિકતા માટે અરજી કરી રહ્યાં છે."

અધિકારી કહે છે કે ભારતીય નાગરિકતાનો ત્યાગ કરીને પોર્ટુગીઝ નાગરિકતા પ્રાપ્ત કરવા ઇચ્છુક વ્યક્તિ દીવમાં સિવિલ રજિસ્ટ્રાર-કમ-સબ-રજિસ્ટ્રારની કચેરીમાં અરજી કરે છે.

તે આવી અરજી સાથે પોતાનું આધાર કાર્ડ, મતદાર ઓળખ કાર્ડ, ભારતીય પાસપૉર્ટ, જન્મ પ્રમાણપત્ર અને દીવના નાગરિક રજિસ્ટરમાં નોંધાયેલ તેમના દાદા કે પિતાના જન્મની કે વિવાહની નોંધણીના પ્રમાણિત ઉતારાની નકલ જોડે છે અને આ દસ્તાવેજો અને ઓળખપત્રો ખરા છે તેવું એટેસ્ટ (પ્રમાણિત) કરવા અરજી કરે છે.

દીવ જિલ્લા કલેક્ટરની ઑફિસના એક અધિકારી કહે છે કે આવી અરજી નોટરાઇઝ્ડ સ્ટેટમેન્ટ એટલે કે એક સોગંદનામાના રૂપમાં કરવાની હોય છે.

યોગ્ય કિસ્સામાં રજિસ્ટ્રાર અરજી માટે સોગંદનામું કરી આપનાર નોટરીની સહીને પ્રમાણિત કરે છે અને પછી અરજીને દીવના ડેપ્યુટી કલેક્ટરને મોકલી આપે છે.

જો ડેપ્યુટી કલેક્ટર અરજી મંજૂર કરી નોટરીની સહીની ખરાઈ કરી આપે અને તે રીતે તેની સાથે બીડેલ દસ્તાવેજોને પણ એક રીતે એટેસ્ટ કરે તો અરજદારે અમદાવાદમાં આવેલ પ્રાદેશિક પાસપૉર્ટ ઑફિસમાં આ બધા ડોક્યુમેન્ટના પોસ્ટ્યુલેશન એટલે કે એક પ્રકારની ખરાઈ માટે અરજી કરવી પડે છે.

દીવ કલેક્ટર કચેરીના અધિકારી જણાવે છે કે જો પાસપૉર્ટ ઑફિસ એટલે કે ભારત સરકાર અરજી મંજૂર કરે તો અરજદાર ગોવામાં આવેલ પોર્ટુગીઝ કૉન્સ્યુલેટ જનરલને એ મતલબની અરજી સબમિટ કરી શકે છે કે અરજદાર દીવ, દમણ કે ગોવામાં 1961 પહેલાં જન્મેલા છે અથવા તો આ રીતે જન્મેલી વ્યકિતનાં પુત્ર કે પૌત્ર અથવા પુત્રી કે પૌત્રી છે અને વિનંતી કરે છે કે પોર્ટુગલની સરકાર પોર્ટુગલના સિવિલ રજિસ્ટરમાં તેમના જન્મની નોંધણી કરે.

અધિકારી કહે છે, "ત્યાર બાદ પોર્ટુગીઝ કૉન્સ્યુલેટ દસ્તાવેજોની સત્યતા ચકાસવા માટે દીવના અધિકારીઓને પત્ર લખે છે અને જો સ્થાનિક અધિકારીઓ આવા દસ્તાવેજોની ખરાઈ કરે તો તે મતલબનો જવાબ મળ્યા પછી અરજદારોના જન્મની નોંધણી પોર્ટુગલના સિવિલ રજિસ્ટરમાં કરવાની ભલામણ પોર્ટુગલની સરકારને કરે છે."

"પોર્ટુગલના સિવિલ રજિસ્ટરમાં જન્મની નોંધણી થઈ ગયા બાદ અરજદાર પોર્ટુગીઝ નાગરિકતા કાર્ડ માટે પોર્ટુગલ સરકારને અરજી કરવા માટે લાયક બને છે અને એવું કાર્ડ મળ્યા બાદ તેના આધારે વ્યક્તિ પોર્ટુગીઝ પાસપૉર્ટ મેળવી શકે છે. પોર્ટુગીઝ પાસપૉર્ટ મળતાં જ અરજદારે અમદાવાદની પાસપૉર્ટ ઑફિસમાં ભારતીય પાસપૉર્ટ જમા કરાવવો પડે છે."

દીવના કેટલા રહેવાસીઓ પોર્ટુગીઝ નાગરિક બન્યા છે?

દીવ ટાપુનો કુલ વિસ્તાર 40 ચોરસ કિલોમીટર છે અને 2011ની વસ્તીગણતરી મુજબ, દીવની વસ્તી 52,000 હતી.

દીવના માછીમારોના નેતા છગન બામણીયા કહે છે, "દીવમાં જમીન ખૂબ જ મર્યાદિત છે અને અહીં આજીવિકાનું એકમાત્ર સાધન માછીમારી અને પર્યટનથી થતી આવક છે. વાવાઝોડાં જેવી કુદરતી આફતોના ભયને કારણે જ નહીં, પરંતુ ગુજરાતના ઓખા અથવા જખૌ કિનારાની નજીકની ભારત-પાકિસ્તાન દરિયાઈ સીમા નજીક માછીમારી કરતી વખતે પાકિસ્તાન મરીન સિક્યૉરિટી એજન્સી દ્વારા પકડાઈ જવાના ભયને કારણે પણ માછીમારીનો વ્યવસાય એક જોખમી છે."

"ઉપરાંત, ફિશિંગ ટ્રોલરના ટંડેલને માસિક સરેરાશ રૂ. 30,000 પગાર મળે છે, જ્યારે આવી બોટ પરના ખલાસીનો પગાર રૂ. 10,000થી 20,000ની વચ્ચે હોય છે. તેથી, લોકો રોજગારીની વધુ સારી તકો હોય તેવા દેશોમાં હિજરત કરી રહ્યા છે."

દીવના કલેક્ટર રાહુલ દેવ બુરા બામણીયા સાથે સંમત થાય છે.

કલેક્ટર બીબીસી ગુજરાતીને કહે છે કે, "લોકો વધુ સારા જીવનની શોધમાં સ્થળાંતર કરી રહ્યા છે, કારણ કે યુકે જેવા દેશોમાં વેતન બ્રિટિશ પાઉન્ડમાં ચૂકવવામાં આવે છે, જેનું વિનિમય મૂલ્ય ભારતીય રૂપિયાની તુલનામાં ઊંચું છે અને તેથી તેઓ ત્યાં વધુ કમાણી કરે છે."

ઍડ્વોકેટ મોડાસિયા કહે છે કે 1990ના દાયકાની શરૂઆતમાં આ રીતે લોકોના હિજરતના પ્રવાહમાં વધારો જોવા મળ્યો હતો.

મોડાસિયા કહે છે કે, "1995માં કેટલાક યુરોપિયન યુનિયન દેશોએ તેમના નાગરિકોની એક-બીજાના દેશોની સરહદોની પાર વિઝા વગર મુસાફરી માટે સંમતિ આપી હતી. તેનાથી પોર્ટુગીઝ પાસપૉર્ટધારકોને વિઝા વિના યુકે જેવા દેશોમાં રહેવા, કામ કરવા અને મિલકત મેળવવાની મંજૂરી મળી."

"આ દેશો મફત શિક્ષણ અને આરોગ્યસંભાળ જેવા સામાજિક લાભો પણ પ્રદાન કરે છે. તેથી, દીવના વધુને વધુ લોકોએ પોર્ટુગીઝ નાગરિકતા મેળવવાનું પસંદ કરવાનું શરૂ કર્યું અને સીધા યુકેમાં સ્થાયી થવાનું શરૂ કર્યું . પાછળથી, તેમાંથી ઘણાએ તેમની પોર્ટુગીઝ રાષ્ટ્રીયતા છોડી દીધી અને નૅચરલાઇઝેશન દ્વારા બ્રિટિશ નાગરિકતા મેળવી લીધી."

દીવ કલેક્ટર ઑફિસના વરિષ્ઠ અધિકારી કહે છે કે બ્રેક્ઝિટ સુધી દીવમાંથી યુકે તરફનું ઇમિગ્રેશન (એક દેશમાંથી બીજા દેશમાં સ્થાયી થવાની પ્રક્રિયા) વધુ હતું, પરંતુ 2020માં બ્રેક્ઝિટ તરીકે ઓળખાયેલ પ્રક્રિયા દ્વારા બ્રિટન યુરોપિયન યુનિયન તરીકે ઓળખાતા યુરોપના 27 દેશોના સંઘમાંથી નીકળી ગયું.

અધિકારી કહે છે કે, "બ્રેક્ઝિટ પછી પોર્ટુગીઝ નાગરિકોને લંડનમાં સ્થાયી થવા માટે યુકે વિઝાની જરૂર પાડવા માંડી . તેથી, 2020માં બ્રેક્ઝિટ પછી દીવથી યુકે જતા લોકોનો પ્રવાહ થોડો ઓછો થયો છે. પરંતુ લોકો હજુ પણ પોર્ટુગીઝ સિવિલ રજિસ્ટરમાં તેમના જન્મની નોંધણી કરાવવાની પ્રક્રિયા માટે અરજી કરી રહ્યા છે. 2025માં અમને એપ્રિલ અને જૂન વચ્ચે આવી 76 અરજીઓ મળી છે."

અધિકારી ઉમેરે છે, "દીવમાં રહેતા આશરે 15,000 લોકો કાં તો પોર્ટુગીઝ નાગરિક છે કે પછી કોઈ બીજા દેશના નાગરિકો છે."

બીબીસી માટે કલેકટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન