વીસાવદર પેટાચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ ભાજપના જયેશ રાદડિયા અને જવાહર ચાવડા કેમ ચર્ચામાં છે?

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતના રાજકારણમાં તાજેતરની પેટાચૂંટણી બાદ રાજકારણમાં ગરમાયું છે. વીસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના વિજયના માત્ર ત્રણ દિવસ બાદ બોટાદમાં આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાની નારાજગી દર્શાવી છે.

ઉમેશ મકવાણાએ પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે અને પાર્ટીએ તેમને સસ્પેન્ડ પણ કરી દીધા છે.

વીસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ચૂંટાયા છે. ભાજપના ઉમદવાર કિરીટ પટેલને ગોપાલ ઇટાલિયાએ 17 હજાર કરતાં વધુ મતે હરાવ્યા હતા.

જોકે ચૂંટણીના પરિણામ પછી હારેલા ઉમેદવાર કિરીટ પટેલ કરતાં ભાજપના અન્ય બે નેતા "જવાહર ચાવડા અને જયેશ રાદડિયાની ચર્ચા" વધારે છે.

ગોપાલ ઇટાલિયા ચૂંટાયા તે પછી જે વિજય સરઘસ નીકળ્યું હતું તેમાં "જવાહર ચાવડાના નારા" ગૂંજતા જોવા મળ્યા હતા, જેનો વીડિયો પણ વાઇરલ થયો છે. તો ગોપાલ ઇટાલિયાના વિજયમાં "જવાહર ચાવડાની પડદા પાછળની ભૂમિકા"ની પણ ચર્ચા થઈ રહી છે.

બીબીસી ગુજરાતીએ આ અંગે રાજકીય વિશ્લેષકો સાથે વાત કરીને સમગ્ર સ્થિતિને જાણવાનો પ્રયાસ કર્યો હતો.

વીસાવદર ચૂંટણી બાદ જવાહર ચાવડા અને જયેશ રાદડિયાની ચર્ચા કેમ?

આમ આદમી પાર્ટીના પ્રવક્તા કરણ બારોટે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "અમારી પાર્ટીના ઉમેદવારના જશ્નથી વીસાવદરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. તેમાં જવાહર ચાવડાના નામના નારા લાગ્યા પણ હોઈ શકે છે. હું તો એમ પણ કહીશ કે ભાજપના કેટલાક લોકો પણ આપની જીતથી ખુશ છે અને તેઓ પણ જશ્નમાં સામેલ હોઈ શકે છે."

જૂનાગઢના વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિતે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "જવાહરભાઈ મોટું પરિબળ નથી. જવાહરભાઈ કોઈને જીતાવી શકે એના કરતાં એ કોઈને હરાવી શકે એ પરિબળ કાર્યરત્ થયું હતું, જેનો ફાયદો ગોપાલ ઇટાલિયાને મળ્યો છે."

"વીસાવદર અને ભેસાણ પંથકમાં આહીર સમાજમાં એવો અન્ડરકરન્ટ હતો કે જવાહરભાઈ ભાજપથી નારાજ છે. હવે તેમના માટે પાર્ટી કામની રહી નથી. જવાહરભાઈ આપણા સમાજના છે તેથી ભાજપને હવે મત ન દેવાય. એને લીધે ભાજપે આહીર સમાજના ઘણા મત ગુમાવ્યા છે."

નોંધનીય છે કે 2022માં વીસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભૂપત ભાયાણી ચૂંટાયા હતા. તેઓ પક્ષાંતર કરીને ભાજપમાં જોડાતા ત્યાં પેટાચૂંટણી યોજાઈ હતી.

ગોપાલ ઇટાલિયાની જીતમાં કોની 'ભૂમિકા' મહત્ત્વની?

કિરીટ પટેલ અને પાર્ટી સામેના તેમના અસંતોષનો ફાયદો આમ આદમી પાર્ટીને થયો છે એવું વિશ્લેષકો માને છે.

સૌરાષ્ટ્રના જાણીતા અખબાર ફૂલછાબના પૂર્વ તંત્રી અને વરિષ્ઠ પત્રકાર કૌશિક મહેતાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "ગોપાલ ઇટાલિયાનો વિજય થયો તેનું મુખ્ય નહીં, પરંતુ એક મહત્ત્વપૂર્ણ પરિબળ જવાહર ચાવડા ખરા. કિરીટ પટેલ સામે તેમનો વાંધો બહુ જૂનો છે. તેમની સિફતપૂર્વકની મદદ ગોપાલ ઇટાલિયાને ફાયદો કરાવી ગઈ છે."

ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે. આટલા વિવાદ પછી પાર્ટી જવાહર ચાવડા સામે કોઈ પગલાં લેશે કે કેમ?

કૌશિક મહેતા કહે છે કે, "જવાહર ચાવડા આહીર સમાજમાંથી આવે છે. મતદારોની દૃષ્ટિએ આહીર સમુદાયની નોંધપાત્ર સંખ્યા જૂનાગઢ – માણાવદર પંથકમાં છે. તેથી તેમની સામે પાર્ટીએ પગલાં લેવા હોય તો વિચારવું પડે. જોકે, વીસાવદરના તાજા પરિણામ પછી પાર્ટી હવે પગલાં લે તો નવાઈ નહીં."

કરણ બારોટે કહ્યું હતું કે, "જવાહર ચાવડાએ નિડર માણસ તરીકે ભ્રષ્ટાચાર સામે જનતાનો અવાજ ઉપાડ્યો હતો. ભાજપે તેમની સામે કોઈ પગલાં લેવાં જોઈતાં હતાં તેને બદલે ઉમેદવાર ઘોષિત કર્યા હતા. વીસાવદર, જૂનાગઢ અને ભેસાણની જનતા એટલી નાસમજ નથી. તેમણે જોયું તેમના વિસ્તારના પ્રશ્નોને વાચા ગોપાલ ઇટાલિયા આપી શકે છે. તેથી તેઓ ચૂંટાયા છે."

બીબીસી ગુજરાતીએ જવાહર ચાવડા સાથે વાત કરવા માટે તેમનો ફોન તથા મૅસેજ દ્વાર સંપર્ક કર્યો હતો પરંતુ તેમના તરફથી કોઈ જવાબ મળ્યો નથી.

વીસાવદરમાં ભાજપના નેતા જવાહર ચાવડાની નારાજગી નડી હોય હોય તેવી વાતનો ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે ઈનકાર કર્યો હતો.

યજ્ઞેશ દવેએ બીબીસી સંવાદદાતા અજિત ગઢવી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આપવાળાઓની એવી સ્ટાઈલ છે કે તેઓ અંદરોઅંદર ફાટફૂટ પડાવવા પ્રયાસ કરે છે. ભાજપના તમામ કાર્યકરો એક છે. કોઈને અસંતોષ નથી."

"વીસાવદરમાં અમે કદાચ અમારી વાત સમજાવવામાં ઊણા ઊતર્યા હોઈશું, તેથી આ પરિણામોની સમીક્ષા કરવામાં આવશે."

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે, "પેટાચૂંટણીઓ હંમેશાં સ્થાનિક મુદ્દા પર લડાતી હોય છે. ભાજપ સામે મતદારોમાં રોષ હોત તો અમે કડીમાં પણ હારી ગયા હોત. પેટાચૂંટણીથી મુખ્ય મંત્રી બદલાતા નથી કે સરકાર પણ બદલાતી નથી.

કૉંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં આવેલા અને પૂર્વ કૅબિનેટ મંત્રી જવાહર ચાવડા અને ભાજપના પેટાચૂંટણીના ઉમેદવાર કિરીટ પટેલનો વિવાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સામે આવ્યો હતો.

જવાહર ચાવડાએ કિરીટ પટેલ પર "ભ્રષ્ટાચાર અને ગુનાહિત બેદરકારી"નો આક્ષેપ લગાવતો પત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો હતો.

તેવો આરોપ ચાવડાએ લગાવ્યો હતો, "કિરીટ પટેલ નવ વર્ષથી એક હોદ્દા પર છે અને એનો દુરુપયોગ કરીને બીજાં સ્થાનો પણ પ્રાપ્ત કરી રહ્યા છે."

આ ઉપરાંત, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને જવાહર ચાવડાનો વિવાદ પણ લોકસભા 2024ની ચૂંટણી વખતે ચર્ચામાં હતો.

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ચૂંટણી જીત્યા બાદ મતદાતાનો આભાર માનતા જાહેરમંચ પરથી જવાહર ચાવડાનું નામ લીધા વગર કહ્યું હતું કે 'ભાજપ વિરુદ્ધ કામ કરનારાએ સમજવું જોઈએ કે એમનું અસ્તિત્વ ભાજપથી છે.'

તો જવાહર ચાવડાએ મનસુખ માંડવિયાનું નામ લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયોના માધ્યમથી તેમને જવાબ આપ્યો હતો.

તેમણે વીડિયોમાં દાવો કર્યો હતો કે 'ભાજપ સિવાયની મારી એક ચોક્કસ ઓળખ હતી અને મારી ઓળખ પર ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઓળખ ચીપકાવી દીધી છે.'

તો, વીસાવદરમાં જીત બાદ બીબીસી સંવાદદાતા શ્યામ બક્ષીએ ગોપાલ ઇટાલિયાનો ખાસ ઇન્ટરવ્યૂ કર્યો હતો.

આ ઇન્ટરવ્યૂમાં તેમાં પણ તમને આ અંગે પ્રશ્ન પુછ્યો હતો. તેમણે જણાવ્યું "મારા વિજય સરઘસમાં જવાહરભાઈના નારા કોણે લગાવ્યા તેમને હું ઓળખતો નથી. પણ તેઓ (જવાહર ચાવડા) એ પંથકની સન્માનનીય વ્યક્તિ છે. આ પંથકમાં કંઈ પણ સારી ઘટના બને તો લોકો એની શુભેચ્છા જવાહરભાઈને આપે, કંઈ ખરાબ થયું હોય તો લોકો તેની આશા પણ જવાહરભાઈ પાસે લઈને જાય તો સ્વાભાવિક બાબત છે કે જવાહરભાઈ જેવા દાતા વ્યક્તિને લોકો યાદ કરે. અમે તો કેશુબાપાના પણ સૂત્રોચ્ચાર કર્યા હતા તે પણ ભાજપના જ નેતા હતા ને. સારા માણસનો જયજયકાર હંમેશાં થતો હોય એમાં વાદ વિવાદ જેવું કંઈ છે નહીં."

જયેશ રાદડિયાના રાજકીય છબિને કોઈ નુકસાન થશે?

પૂર્વ મંત્રી તેમજ જેતપુરના ધારાસભ્ય તેમજ શ્રી રાજકોટ જિલ્લા સહકારી બૅન્કના પ્રમુખ જયેશ રાદડિયાને વીસાવદર પેટાચૂંટણીમાં ભાજપે પ્રભારી બનાવ્યા હતા. તેમણે કિરીટ પટેલ માટે ભરપૂર પ્રચાર અને સભાઓ કરી હતી.

સહકારી ક્ષેત્રમાં કિરીટભાઈ અને જયેશભાઈ બંને અગ્રસર નામ છે. જયેશ રાદડિયાએ કિરીટ પટેલ સામે થયેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને ફગાવ્યા હતા.

તેમણે સભામાં કહ્યું હતું કે, "એક એવી તક આવી છે કે આપણે ભાજપના ધારાસભ્ય તરીકે કિરીટભાઈ પટેલને આપણે અહીંથી કમળના રૂપમાં ગાંધીનગર મોકલવાના છે." પરંતુ એવું ન થયું.

કિરીટ પટેલની હારને લીધે પાર્ટીમાં જયેશ રાદડિયાની શાખ નબળી પડશે?

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, "હું તો રાજકારણમાં મજબૂત જ છું. ચૂંટણીમાં હારજીત તો થતી રહે છે. લોકોનો ચુકાદો શિરોમાન્ય છે. મને પાર્ટીએ જે જવાબદારી સોંપી હતી તે મેં પૂર્ણપણે સો ટકા નિભાવી છે. મારી મહેનતમાં કોઈ કચાશ નહોતી, લોકોનો ચુકાદો માન્ય રાખવો પડે."

જયેશ રાદડિયા જેતપુરથી ચૂંટણી લડ્યા હતા. તેમની જે વોટબૅન્ક છે તેને કોઈ અસર નહીં થાય પણ વીસાવદરમાં ભાજપની હારથી તેમની રાજકીય છબીને નુકસાન થશે એવું રાજકીય સમીક્ષકો માને છે.

કૌશિક મહેતાએ કહ્યું હતું કે, "કિરીટ પટેલ હાર્યા એમાં જયેશ રાદડિયાની રાજકીય ઇમેજને નુકસાન થયું છે એ સ્પષ્ટ છે. તેમને પ્રભારી બનાવ્યા એટલે તેમની મોટી જવાબદારી બની જાય છે."

આ વાતમાં એક તર્ક ઉમેરતાં જૂનાગઢના વરિષ્ઠ પત્રકાર ધીરુભાઈ પુરોહિતે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "જયેશભાઈ મજબૂત નેતા છે. કિરીટ પટેલને જે મત મળ્યા છે તેમાં જયેશ રાદડિયાનો રોલ મોટો છે. જો તેમણે પ્રચાર ન કર્યો હોત તો કિરીટભાઈને આટલા સન્માનજનક મત ન મળત."

વીસાવદરમાં ભાજપ લાંબા સમયથી રાજકીય વનવાસ ભોગવી રહ્યો છે. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે "વીસાવદરમાં લાંબા સમયથી ભાજપ જીત્યો નથી, અમે મહેનત કરી પણ પરિણામ ન મળ્યું. 2027માં વિધાનસભા ચૂંટણી આવશે ત્યારે ફરી મહેનત કરશું. એવું તો નહોતું કે ભાજપની બેઠક હતી અને અમે ગુમાવી. અમારી સીટ હોય અને જતી રહે તો ગુમાવ્યું કહેવાય."

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જયેશ રાદડિયાના ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર્સ કૉ-ઑપરેટિવ લિમિટેડ એટલે કે ઇફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાવાને મામલે ભાજપનું રાજકારણ ગરમાયું હતું.

ભાજપનાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મૅન્ડેટ બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતાને આપ્યું હતું અને છતાં મૅન્ડેટના વિરુદ્ધ જઈને જયેશ રાદડિયાએ ફૉર્મ ભર્યું અને તેઓ ચૂંટણી લડીને જીત્યા હતા. એ વખતે જયેશ રાદડિયા ચર્ચાનો વિષય બન્યા હતા.

કૌશિક મહેતાએ કહ્યું હતું કે "ઇફકોવાળા પ્રકરણ પછી પાર્ટી એ તેમને વીસાવદર પેટાચૂંટણીની પ્રભારી તરીકેની જવાબદારી સોંપી હતી. જે તેમણે પુરવાર કરવાની હતી. તે ન થયું."

"જયેશભાઈની જેતપુરની તેમની વિધાનસભાની વોટબૅન્ક પર કોઈ અસર ભલે ન થાય પણ પાર્ટીના સંગઠનમાં જે જગ્યા બનાવીને મંત્રીપદ કે બીજા કોઈ પદ મેળવવા હોય તેમાં પ્રભારી તરીકેની વીસાવદરમાં મળેલી નિષ્ફળતાને લીધે બ્રેક લાગી શકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન