જવાહર ચાવડાએ પીએમ મોદીને પત્ર લખીને ભાજપ નેતા પર આરોપ લગાવ્યા, પક્ષમાં 'અસંતોષ'ના અણસાર?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાત સરકારના ભૂતપૂર્વ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડાએ તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધતો એક પત્ર લખી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મૂક્યો હતો. આ બાદ આ મામલો રાજકીય વર્તુળો અને સમાચારોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પત્રમાં રજૂ કરાયેલી વાતને તેમણે 'જૂનાગઢના લોકોની વ્યથા' ગણાવી હતી.

પત્રમાં તેમણે જૂનાગઢ ભાજપમાં કથિત જૂથબંધી, ભ્રષ્ટાચાર અને ગેરકાયદે બાંધકામને કારણે જિલ્લાને પૂર જેવી કુદરતી આપત્તિઓનો સામનો કરવો પડે એવી સ્થિતિ સર્જાવાની ભીતિ વ્યક્ત કરી હતી.

એક તરફ રાજકીય વિશ્લષકો આ વાત જવાહર ચાવડા માટે 'અસ્તિત્વની લડાઈ' ગણાવી રહ્યા છે. તો બીજી બાજુ કૉંગ્રેસ આને 'ભાજપમાં ભ્રષ્ટાચારનો પુરાવો' ગણાવી રહી છે.

જૂનાગઢ જિલ્લાના ભાજપના પ્રમુખ કિરીટ પટેલે જવાહર ચાવડાએ કરેલા આરોપોને 'પાયાવિહોણા' ગણાવ્યા છે.

કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ અને મંત્રી બનનાર જવાહર ચાવડાને ભાજપની ટિકિટ પર વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો હતો.

હવે એમણે વડા પ્રધાનને લખેલા પત્ર પછી એ સવાલો ઊઠવા લાગ્યા છે કે આ પત્ર શું ભાજપમાં આંતરિક 'અસંતોષ' તરફ ઇશારો કરે છે?

આ અંગે વધુ સ્પષ્ટતા મેળવવા માટે બીબીસી ગુજરાતીએ જવાહર ચાવડા, રાજકીય વિશ્લેષકો અને અન્ય પક્ષકારો સાથે વાત કરી.

એ પહેલાં જાણીએ કે આખરે જવાહર ચાવડાએ લખેલા પત્રમાં શું હતું?

જવાહર ચાવડાએ લખેલા પત્રમાં શું છે?

સોશિયલ મીડિયા પર મુકાયેલા પત્રમાં જવાહર ચાવડાએ જૂનાગઢ ભાજપના પ્રમુખ કિરીટ પટેલ સામે 'સત્તાનો દુરુપયોગ' અને 'ભ્રષ્ટાચાર' કરવાનો આરોપ કર્યો હતો.

આ સિવાય તેમણે જૂનાગઢ ભાજપમાં 'ભ્રષ્ટાચારે માઝા મૂકી' હોવાની વાત કરતાં લખ્યું હતું :

"આ ભ્રષ્ટાચારથી પ્રજામાં ભાજપની છાપ ખરાબ થાય છે."

જવાહર ચાવડાએ વડા પ્રધાનને લખેલા પત્રમાં આગળ 'જૂનાગઢ ભાજપના કાર્યાલયનું બાંધકામ નિયમોને નેવે મૂકીને કરાયું હોવાની' વાત કરી હતી.

તેમજ શહેરમાં વોકળાની જગ્યા પર 'ખોટી મંજૂરી મેળવી બાંધકામ થવાને કારણે પૂર જેવી કુદરતી આપત્તિનો ભય' સર્જાયાનો આરોપ કર્યો હતો.

આ સિવાય પત્રમાં 'ભાજપના જૂનાગઢ પ્રમુખના ભ્રષ્ટાચારને કારણે પક્ષને નીચાજોણું થયું હોવાની' વાત કરાઈ છે.

પત્રમાં તેમણે ભાજપના અન્ય આગેવાનોને પણ આ અંગે ફરિયાદ કરી હોવા છતાં આ વાત વડા પ્રધાન સુધી ન પહોંચી હોવાની વાત કરી છે.

શું આ સમગ્ર મામલો ભાજપમાં 'આંતરિક અસંતોષ'ની નિશાની છે?

જાણીતા રાજકીય વિશ્લેષક કૌશિક મહેતાએ બીબીસી સાથેની વાતચીતમાં સમગ્ર મામલા અંગે વાત કરતાં કહ્યું હતું કે, "જવાહર ચાવડા માટે હવે આ અસ્તિત્વની લડાઈ બની ગઈ છે, કારણ કે એક સમયમાં એમના અંગત મદદનીશ તરીકે કામ કરી ચૂકેલા અરવિંદ લાડાણીએ ગત ચૂંટણીમાં એમને હરાવ્યા હતા. બીજી તરફ લાડાણી ફરીથી પક્ષપલટો કરી ભાજપમાં આવ્યા બાદ પક્ષે જવાહર ચાવડાના સ્થાને લાડાણીને ટિકિટ આપી હતી."

"આવું થતાં જવાહર ચાવડાએ કિરીટ પટેલના ખાસ એવા આહીર નેતા દિનેશ ખટારિયા પર આરોપ કર્યા હતા. આમ, હવે જવાહર ચાવડાને એવું લાગી રહ્યું છે કે અન્ય કોઈ આહીર નેતા તેમની જગ્યા લઈ શકે છે. આ બધાં પરિબળોને ધ્યાને રાખીને ચાવડાએ પ્રતિદ્વંદ્વી પર નિશાન સાધવાનું શરૂ કર્યું છે."

જૂનાગઢના વરિષ્ઠ પત્રકાર વિજય વીપોતારે કહ્યું કે જવાહર ચાવડા કૉંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા એ વાતથી ઘણા ભાજપના નેતાઓ નારાજ હતા જ.

"પક્ષપલટા બાદ ભાજપે તેમને ફરીથી ટિકિટ આપી અને બાદમાં મંત્રીપદ પણ. સામેની બાજુએ વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની હાર માટે ભાજપના કેટલા અસંતુષ્ટ નેતા જવાબદાર હોવાનું ચાવડા માને છે. તેમને સતત એવું લાગી રહ્યું છે કે કિરીટ પટેલ અને દિનેશ ખટારિયા જૂથ રચીને તેમને નીચા દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે."

કૉંગ્રેસના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કાઠવાડિયાએ આ સમગ્ર પ્રકરણ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "ભાજપના શાસનમાં ભારે ભ્રષ્ટાચાર ચાલે છે. કૉંગ્રેસ એની સામે લડાઈ કરે છે, ત્યારે જવાહર ચાવડાએ વડા પ્રધાનને પત્ર લખી કૉંગ્રેસ જે ભ્રષ્ટાચારની વાત કરે છે, એના પર મહોર મારી છે."

તો સામેની બાજુએ જવાહર ચાવડાએ પોતાનો પક્ષ મૂકતાં બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "મેં વડા પ્રધાનને કાગળ લખીને જૂનાગઢમાં ચાલતા ભ્રષ્ટાચારની વાત કરી છે, કેટલાક લોકો જૂનાગઢમાં અલગ-અલગ મંડળીઓ બનાવી સતત સત્તા પર બેસી ભ્રષ્ટાચાર કરે છે. આ મારી નહીં, જૂનાગઢના લોકોની વ્યથા છે, મેં ભૂતકાળમાં કિરીટ પટેલના ભ્રષ્ટાચાર અંગેના પાંચ પત્રો સ્થાનિક નેતાઓને લખ્યા હતા, પણ કોઈ પગલાં ન લેવાતાં થાકીને મેં વડા પ્રધાનને પત્ર લખ્યો છે. મારા પત્રમાં મેં ભાજપના બે ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત ત્રણ નામ પણ એટલે લખ્યાં છે, કારણ કે એમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગત રીતે ઓળખે છે, જેથી મારા પત્રમાં કહેલી વાતની પુષ્ટિ સરળતાથી થઈ શકે."

જૂનાગઢ જિલ્લાના ભાજપના પ્રમુખ કિરીટ પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "ભાજપનું કાર્યાલય જવાહર ચાવડા કૉંગ્રેસમાંથી આવ્યા એ પહેલાંનું બનેલું છે. આ કાર્યાલયની મંજૂરી અને તમામ કાર્યવાહી 2017 જુલાઈમાં નિયમ મુજબ થઈ છે." "રહી વાત મારા બનાવેલા ક્રિષ્ના આર્કેડની તો એ નિયમ મુજબ મંજૂરી લઈને બનાવ્યું છે. જો કંઈ ખોટું થયું હોય તો હું ઇમ્પેકટ ફી ભરવા તૈયાર છું."

તેમણે વધુમાં કહ્યું કે "હું ભાજપનો શિસ્તબદ્ધ કાર્યકર છું, જવાહર ચાવડાએ કરેલા નિવેદન અંગે મારે કોઈ ટિપ્પણી કરવી નથી. એટલે હું મારા પર થયેલા અંગત આક્ષેપનો જ ખુલાસો કરું છું."

જવાહર ચાવડાએ વડા પ્રધાનને લખેલા પત્ર અંગે દિનેશ ખટારિયાએ કહ્યું હતું કે, "આ અંગે હું વધુ ટિપ્પણી નહીં કરું, પણ જવાહર ચાવડા કૉંગ્રેસમાં હતા ત્યારે પણ પક્ષવિરોધી પ્રવૃત્તિ કરતા હતા, હવે ભાજપમાં આવ્યા પછી પણ આ કામ કરી રહ્યા છે."

શું ભાજપમાં સબસલામત છે?

રાજકીય વિશ્લેષક કૌશિક મહેતા ભાજપમાં સબસલામત હોવાના સવાલ અંગે કહે છે કે, "ગુજરાત ભાજપમાં આંતરિક વિવાદ સાબરકાંઠા અને વડોદરાથી વકરીને જૂનાગઢ પહોંચ્યો છે, લોકસભાની ચૂંટણી સમયે ભાજપના આંતરિક વિવાદને કારણે ઉમેદવાર બદલવા પડ્યા હતા, ત્યાર બાદ હવે જૂનાગઢમાં લોકસભાની ચૂંટણી સમયે ભાજપના કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જવાહર ચાવડાનું નામ લીધા વગર 'રાજકીય અસ્તિત્વ ભાજપના ચિહ્ન પર આધારિત' હોવાનું નિવેદન કરતા જવાહર ચાવડાએ સોશિયલ મીડિયામાં ભાજપનું ચિહ્ન હઠાવી આ વાતનો જવાબ આપ્યો હતો ."

"આમ, ભાજપમાં બહારથી બધું સમુંસૂતરું દેખાતું હોય, પણ જૂના ભાજપના નેતાઓને સાઇડલાઇન કરાતાં પક્ષમાં આંતરિક વિવાદ સપાટી પર આવતો દેખાઈ રહ્યો છે."

ભાજપના પ્રવકતા ડૉ. યજ્ઞેશ દવેએ આ સમગ્ર પ્રકરણને દબાણ કરવા માટેની તકનિક ગણાવી હતી.

તેમણે પાર્ટીમાં આંતરિક વિખવાદ હોવાની વાતને નકારતાં કહ્યું હતું કે, "જવાહર ચાવડા કૉંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારથી એમને માન-સન્માન અપાયું છે, એમને વ્યક્તિગત કોઈની સાથે અણગમો હોઈ શકે, પણ એની યોગ્ય ફોરમમાં રજૂઆત કરવી જોઈએ. ભાજપ હવે મોટું કુટુંબ છે, ત્યારે કોઈના અંગત અણગમાને નેતાઓ સાથે બેસી ઉકેલે છે."

"આ પ્રકારે પત્ર લખીને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવો એ પ્રેશર ટેકનિક છે અને શિસ્તભંગ પણ છે. ભાજપમાં કોઈ અસંતોષ કે વિવાદો નથી. અમે નાની મોટી સમસ્યાનો ઘરમેળે ઉકેલ લાવી દઈએ છીએ. ભાજપ આ પ્રકારની પ્રેશર ટેકનિકને તાબે નથી થતો."

રાજકારણમાં જવાહર ચાવડાનો ઉદય

સૌરાષ્ટ્રના દિગ્ગ્જ આહીર નેતા પેથલજી ચાવડાના પુત્ર જવાહર ચાવડા નાનપણથી પિતાજીના પગલે રાજકારણમાં આવી ગયા હતા.

પેથલજી ચાવડા મૂળ કૉંગ્રેસી હતા, પણ શંકરસિંહ વાઘેલાની ઘણા નજીક હતા.

પિતા પેથલજી ચાવડાને કારણે 1990માં પહેલી વાર એ કૉંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને નાની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા.

ત્યારબાદ સતત 2007, 2012 અને 2017માં કૉંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા .

પરંતુ વર્ષ 2019માં તેઓ કૉંગ્રેસને તિલાંજલિ આપી ભાજપમાં જોડાયા અને તેઓ વિજય રૂપાણીની સરકારમાં પ્રવાસન અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રી બન્યા હતા.

જોકે, બાદમાં વિજય રૂપાણીની સરકાર જતા એમનું મંત્રપદ ગયું અને 2022માં એ વિધાનસભાની ચૂંટણી એમનાજ એક સમયના અંગત મદદનીશ અરવિંદ લાડાણી સામે હારી તેઓ ભાજપની ટિકિટ પરથી માણાવદર બેઠકની વિધાનસભા ચૂંટણી હારી ગયા હતા.

ત્યારબાદ અરવિંદ લાડાણી ભાજપમાં આવ્યા અને 2024ની પેટાચૂંટણીમાં તેમને ભાજપની ટિકિટ પરથી જીત મળી, એ સમયથી જવાહર ચાવડાની સામે પડકારો ઊભા થવાના શરૂ થયા હતા.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.