અમદાવાદ રથયાત્રાઃ ભીડને જોઈને હાથી અચાનક બેકાબૂ કેમ બની જતા હોય છે?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા દરમિયાન એક હાથી અચાનક બેકાબૂ બની જતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.

ડીજેના ઘોંઘાટ અને સિસોટીના અવાજ વચ્ચે એક હાથીએ અચાનક દિશા બદલતા તેની પાછળ બીજી બે માદા હાથણીઓ પણ દોડવા લાગી હતી.

અમુક મિનિટોની અંદર સ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી અને સદનસીબે કોઈને ગંભીર ઈજા થઈ નથી.

દરમિયાન એવો સવાલ થાય છે કે હજારો લોકોની ભીડમાં જગન્નાથ મંદિરના હાથીએ કેમ આવું વર્તન કર્યું અને હાથી કયાં કારણોસર તોફાની બની શકે છે.

હાથી બે કારણોથી ગુસ્સે ભરાઈ શકે

કાંકરિયા પ્રાણી સંગ્રહાલયના સુપરિન્ટેન્ડન્ટ આર. કે. સાહુએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, "નર હાથી બે પરિસ્થિતિમાં ગુસ્સે ભરાતા હોય છે. એક, જ્યારે તે સંપૂર્ણ પુખ્તવયના થાય અને તેમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પ્રમાણ વધી જવાથી આવેગ આવે ત્યારે."

"બીજું, જ્યારે વધારે પડતો ઘોંઘાટ હોય, ધમાલ થતી હોય ત્યારે હાથી ગભરાઈ જાય છે. રથયાત્રા વખતે હાથી ગભરાયો તે ઘટનામાં ઘોંઘાટનું કારણ હતું."

આર કે સાહૂએ કહ્યું કે, "હાથીની બ્રિડિંગ (સંવનન)ની સિઝન આવે ત્યારે તેમની આંખ અને કાનની વચ્ચે આવેલી એક ટેમ્પોરલ ગ્લેન્ડ (ગ્રંથિ) હોય છે, તેમાંથી પ્રવાહી ઝરે (સિક્રેશન) છે. તે સમયે તે બેકાબૂ થઈ શકે છે."

વીડિયો જુઓ

"અમદાવાદમાં રથયાત્રા વખતે ડીજેના ઘોંઘાટ અને સતત વ્હિસલના અવાજના કારણે હાથી ગભરાઈ ગયો અને પાછો ભાગ્યો હતો. આ હાથી 13થી 14 વર્ષનો છે અને હજુ પુખ્ત નથી થયો."

સાહુએ જણાવ્યું કે, "અમે તાજેતરમાં જ મીડિયા મારફત લોકોને સલાહ આપી હતી કે હાથીથી દૂર રહેવું, તેમને સૂંઢમાં ખાવાની કોઈ ચીજ ન આપવી, પૈસા ન આપવા. કોઈ ચીજ આપવી હોય તો હાથી સાથેના મહાવતને આપવા."

તેમણે કહ્યું કે, "રથયાત્રા વખતે બેકાબૂ બનેલા હાથીઓને મંદિરે પરત લઈ જવાયા છે. તે હવે આદેશને અનુસરે છે અને કન્ટ્રોલમાં છે. તેથી આગળ કંઈ કરવાની જરૂર નથી."

બંધનમાં રહેતા હાથીની વર્તણૂક પર અસર

નિષ્ણાતોના મતે હાથીને મંદિરમાં રાખવામાં આવે તો પણ અસલમાં તે એક જંગલી પ્રાણી છે તે વાતને ધ્યાનમાં રાખવી જોઈએ.

તમિલનાડુના પર્યાવરણવાદી અને હાથીઓ પર સંશોધન કરનાર ઓસાઈ કાલીદાસે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું કે, "હાથીને પાલતુ બનાવવામાં આવ્યા હોવા છતાં તે જંગલી પ્રાણી છે તે આપણે સમજવું જોઈએ."

તેમણે કહ્યું કે, "હાથીની કેટલીક વિશેષતા હોય છે. જેમ કે, જંગલમાં તેઓ દિવસ દરમિયાન ઝાડના છાંયામાં રહે છે. માત્ર સવારે અને રાતના સમયે ઘાસ ખાવા નીકળે છે. પરંતુ આપણે જ્યારે તેને બંધનમાં રાખીએ ત્યારે તેની વર્તણૂકની આ વાત ધ્યાનમાં રાખતા નથી તેથી તેઓ ગુસ્સે ભરાય છે."

તેમણે કહ્યું કે, "હાથીઓને મંદિરમાં રાખવામાં આવે ત્યારે પણ તેમને સિમેન્ટના ભોંયતળિયા પર રાખવા ન જોઈએ, જંગલમાં તેઓ ઘણું ચાલવા માટે ટેવાયેલા હોય છે, પરંતુ માનવીના બંધનમાં તેઓ ચાલી શકતા નથી. આ ઉપરાંત તેમને એવું ભોજન આપીએ છીએ જે હાથી માટે યોગ્ય નથી."

ઓસાઈ કાલીદાસે કહ્યું કે, "મંદિરના હાથીઓને કેવી રીતે રાખવા તેના વિશે પણ પ્રોટોકોલ નક્કી થયેલા છે, પણ ઘણી જગ્યાએ તેનું પાલન થતું નથી. તેના કારણે હાથી ક્યારેક ગુસ્સે થઈને હુમલો કરી બેસે છે. હાથીને અંકુશમાં રાખનાર મહાવતનું વર્તન પણ બહુ મહત્ત્વનું હોય છે. મહાવતને તે મુજબની તાલીમ મળવી જોઈએ. આ ઉપરાંત હાથી મેટિંગ પિરિડયમાં હોય ત્યારે ઉગ્ર બની શકે છે."

હાથીઓની ગજબની યાદદાશ્ત

ભારે અવાજે ડીજે વગાડવામાં આવે કે પછી વાહનોના હોર્નના અવાજ હાથીને ગભરાવી નાખે છે. એટલું જ નહીં, હાથીઓ મધમાખીથી પણ ગભરાય છે.

હાથીઓની યાદદાશ્ત બહુ ગજબની હોય છે. 1990ના દાયકામાં કેન્યાના એમ્બોસેલી નૅશનલ પાર્કમાં હાથીઓના અંતરિક કૉમ્યુનિકેશન વિશે એક સંશોધન કરવામાં આવ્યું હતું.

તેમાં હાથીઓને એક હાથીનું પ્લૅબૅક રેકૉર્ડિંગ સંભળાવવામાં આવ્યું. બે વર્ષ પછી હાથીઓને તે અવાજ ફરી સંભળાવાયો ત્યારે હાથીઓ સ્પીકર પાસે એકત્ર થઈ ગયા હતા અને અવાજ કાઢવા લાગ્યા હતા.

એક કિસ્સામાં એક હાથણી પોતાના સમૂહને છોડીને બીજા ઝૂંડમાં જતી રહી હતી. 12 વર્ષ પછી પણ તેનો પરિવાર તેને ભૂલી શક્યો ન હતો. હાથણીના અવાજનું રેકૉર્ડિંગ સંભળાવાયું ત્યારે અન્ય હાથીઓ તેના અવાજને ઓળખી ગયા હતા.

બીબીસીના એક અહેવાલ પ્રમાણે આફ્રિકાના હાથી સૌથી ઓછી ઊંઘ લેતું સ્તનધારી પ્રાણી હોય છે. પ્રાણી સંગ્રહાલયના હાથીઓ રોજના માત્ર ચારથી છ કલાક ઊંઘે છે. મોટા ભાગે તેઓ રાતે જ સૂવે છે.

માનવીની જેમ હાથી પણ ઝોકું ખાઈ લે છે તેવું સંશોધનમાં જાણવા મળ્યું છે.

ભારતમાં હાથી અને માનવી વચ્ચે સંઘર્ષ

વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં લગભગ 30 હજાર જંગલી હાથીઓ છે.

આ આંકડો 2017માં પ્રોજેક્ટ ઍલિફન્ટ હેઠળ કરવામાં આવેલી વસ્તી ગણતરી પર આધારિત છે. સમગ્ર એશિયામાં જે જંગલી હાથીઓ છે તેમાંથી એકલા ભારતમાં 60 ટકા હાથી વસે છે.

જંગલોમાં હાથીઓની મોટી વસ્તીના કારણે ભારતમાં ઘણી વખત હાથી અને માનવી વચ્ચે સંઘર્ષ પણ થાય છે.

ઇન્ટરનૅશનલ ફંડ ફૉર એનિમલ વેલફેર મુજબ ભારતમાં દર વર્ષે લગભગ 400 લોકો હાથીના હુમલાથી માર્યા જાય છે.

2020માં એક વર્ષમાં 500 લોકો હાથીના કારણે માર્યા ગયા હતા. હાથી ઘણી વખત ખેતરોના પાકને નુકસાન પહોંચાડે છે જેના કારણે માનવી સાથે સંઘર્ષ થાય છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે ભારતમાં સૌથી વધારે હાથી કર્ણાટકનાં જંગલોમાં છે.

ત્યાર પછી આસામ, કેરળ, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને તેલંગણા પણ હાથીઓની સારી વસ્તી ધરાવતાં રાજ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન