ઍર ઇન્ડિયાના પ્લેન ક્રૅશ પહેલાં બંને પાઇલટ વચ્ચે કૉકપિટમાં શું વાતચીત થઈ હતી, રિપોર્ટમાં કયો ચોંકાવનારો ખુલાસો થયો?

12મી જૂને અમદાવાદમાં થયેલા પ્લેન ક્રૅશના એક મહિના બાદ પ્રારંભિક તપાસનો રિપોર્ટ જાહેર થયો છે.

આ રિપોર્ટને ભારતના વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો એટલે કે એએઆઈબીએ જાહેર કર્યો છે.

શનિવારે મોડી રાત્રે જાહેર થયેલા આ રિપોર્ટમાં વિમાનના બંને પાઇલટો વચ્ચે થયેલી વાતચીત પણ સામે આવી છે. આ વાતચીત કૉકપિટ વૉઇસ રેકૉર્ડર મારફતે હાંસલ કરવામાં આવી છે.

આ વાતચીત દરમિયાન બંને પાઇલટો શું વાતચીત કરી રહ્યા હતા તે રિપોર્ટમાં વિગતવાર બતાવવામાં આવ્યું છે.

'તમે કટ ઑફ કેમ કર્યું?'

વિમાનએ અમદાવાદના બ્રિટનના ગૅટવિક ઍરપૉર્ટ માટે ઉડાન ભરી હતી.

આ ઉડાનમાં એક એટીપીએલ લાઇસન્સધારી કૅપ્ટન (પીઆઈસી), એક સીપીએલ લાઇસન્સધારી કૉ-પાઇલટ અને દસ કૅબિન ક્રૂ સામેલ હતા.

આ ઍરક્રાફ્ટના મુખ્ય પાઇલટ કૅપ્ટન સુમિત સભરવાલ હતા અને તેમની સાથે ફર્સ્ટ ઑફિસર તરીકે ક્લાઇવ કુંદર હતા.

બંને પાઇલટ મુંબઈના હતા. એક દિવસ પહેલાં તેઓ અમદાવાદ પહોંચ્યા હતા અને ઉડાન પહેલાં તેમને યોગ્ય આરામ મળ્યો હતો.

આ ઉડાન દરમિયાન કૉ-પાઇલટ વિમાન ઉડાવતા હતા અને કૅપ્ટન દેખરેખ રાખતા હતા.

ટેક ઑફ કર્યા બાદ વિમાને ભારતીય સમયાનુસાર 13 કલાકને 38 મિનિટ તથા 42 સેકન્ડે મહત્તમ ઍરસ્પીડ 180 નૉટ્સ હાંસલ કરી.

પછી તરત જ ઍન્જિન-1 અને ઍન્જિન-2ની ફ્યૂઅલ સ્વિચ કટ ઑફ પોઝિશનમાં જતી રહી હતી. બંને સ્વિચ કટ ઑફ પોઝિશનમાં ગઈ તેમના વચ્ચે માત્ર એક જ સૅકન્ડનો ફરક હતો.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે "કૉકપિટ વૉઇસ રોકૉર્ડિંગમાં એક પાઇલટ બીજા પાઇલટને પૂછે છે કે તેમણે કટ ઑફ કેમ કર્યું? બીજા પાઇલટ જવાબ આપે છે કે તેમણે આમ નથી કર્યું."

લગભગ દસ સૅકન્ડ બાદ 1 વાગીને 38 મિનિટ અને 56 સૅકન્ડે ઍન્જિન-1ની ફ્યૂઅલ સ્વિચ કટ ઑફથી રન પોઝિશનમાં આવી જાય છે. પછી ચાર સૅકન્ડમાં ઍન્જિન-2ની ફ્યૂઅલ સ્વિચ કટ ઑફથી રન પોઝિશનમાં જતી હતી."

એનો અર્થ એ છે કે પાઇલટે બીજી વખત વિમાનને નિયંત્રિત કરવાની કોશિશ કરી.

લગભગ 9 સૅકન્ડ બાદ એટલે કે 1 વાગીને 39 મિનિટ અને 5 સૅકન્ડે એક પાઇલટે જમીન પર ઍર ટ્રાફિક કંટ્રોલ અધિકારીને મે ડે કૉલ આપ્યો. તેમને કોઈ જવાબ નહોતો મળ્યો અને થોડી જ વારમાં વિમાન ક્રૅશ થતું જોવા મળ્યું.

જ્યારે ઍન્જિનોએ કામ કરવાનું બંધ કર્યું ત્યારે રૅમ ઍર ટર્બાઇન નામની એક નાની પ્રોપેલર જેવું એક ડિવાઇસ આપોઆપ ઍક્ટિવ થઈ ગયું જેથી વિમાનને તેના થકી ઇમર્જન્સી હાઇડ્રૉલિક પાવર મળી શકે.

રિપોર્ટમાં કહેવાયું છે કે "ઍરપૉર્ટથી મળેલાં સીસીટીવી ફૂટેજમા જોવામાં આવ્યું છે કે લિફ્ટ – ઑફના તરત જ વિમાને ઉપર ઊઠવાનું શરૂ કર્યું હતું. ત્યારે રૅમ ઍર ટર્બાઇન (રૅટ) ઍક્ટિવ થઈ ગઈ હતી. ઉડાનના રસ્તાની આસપાસ કોઈ મોટી બર્ડ ઍક્ટિવિટીની કોઈ જાણકારી નથી. ઍરપૉર્ટના રન-વેની બાઉન્ડ્રી પાર કરવા પહેલાં જ વિમાને ઊંચાઈ ખોવાની શરૂઆત કરી દીધી હતી."

રિપોર્ટ પ્રમાણે ફ્યૂઅલના સૅમ્પલનો રિપોર્ટ પણ 'સંતોષજનક' મળ્યો છે.

વિમાન ક્રૅશ થવાનું કારણ સ્પષ્ટ નથી

તપાસકર્તાઓએ ઍર ઇન્ડિયા ફ્લાઇટની શરૂઆતી રિપોર્ટમાં બે મહત્ત્વની વાતો કહી છે.

પહેલી વાત એ કે ટેક ઑફના કેટલીક સેકન્ડોમાં જ વિમાનનાં બંને ઍન્જિનોની ફ્યૂઅલ કટ ઑફ સ્વિચ રનથી કટ ઑફ પોઝિશનમાં આવી ગઈ. જેને કારણે વિમાન અચાનક 180 નૉટ્સની સ્પીડ પર હતું ત્યારે બંધ થઈ ગયું.

કૉકપીટ વૉઇસ રેકૉર્ડિંગમાં એક પાઇલટ બીજા પાઇલટને પૂછે છે કે તેમણે ઍન્જિન કેમ બંધ કર્યું? પરંતુ બીજા પાઇલટ તેનાથી ઇન્કાર કરે છે.

બીબીસી સંવાદદાતા સૌતિક વિશ્વાસે આ રિપોર્ટ બાદ ઉઠેલા સવાલો પર પ્રકાશ પાડ્યો છે.

તેઓ કહે છે, "સવાલ ઉઠે છે કે આ ન તો સામાન્ય ઍક્શન હતી ન તો ભૂલથી થયું છે. એન્જિનિયરોના પ્રમાણે આ સ્વિચ સુરક્ષા કવચની અંદર હોય છે અને તેને ચાલુ કરવા માટે જાણીજોઈને પ્રક્રિયા કરવી પડે છે. આવું સામાન્ય પ્રકારે ઍન્જિનમાં આગ લાગવા જેવી ઇમર્જન્સી જેવી હાલતમાં કરવામાં આવે છે. ન કે ઉડાન દરમિયાન."

"બીજી મહત્ત્વની બાબત એ હતી કે શરુઆતી રિપોર્ટમાં 2018માં ફેડરલ ઍવિયેશન ઑથોરિટીની એક ચેતવણીનો ઉલ્લેખ કરે છે. જેમાં ઑપરેટરોને ફ્યૂઅલ સ્વિચ લૉકિંગ મિકેનિઝમ સંભવિતપણે ફેઇલ જાય તેના માટે આગાહ કરવામાં આવ્યા હતા. જોકે, એ સ્પષ્ટ નથી કે જો કોઈ ટૅક્નિકલ ખામી હતી, તો કેવી રીતે એ બંને સ્વિચોને બંધ કરી શકતી હતી."

"આ ચેતવણી ફક્ત સલાહ તરીકે જાહેર કરવામાં આવી હતી અને ઍર ઇન્ડિયાએ આ સંદર્ભમાં કોઈ તપાસ હાથ ધરી ન હતી. કંપનીએ 2019 અને 2023 માં થ્રોટલ મૉડ્યુલો બદલ્યાં હતાં, પરંતુ તેનો ફ્યૂઅલ કંટ્રોલ સ્વિચ સાથે કોઈ સંબંધ ન હોવાનું જાણવા મળ્યું."

હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ ઘટના માનવ ભૂલનું પરિણામ હતી કે કોઈ દુર્લભ ટૅક્નિકલ ખામીનું. જ્યાં સુધી તપાસ ચાલુ ન થાય ત્યાં સુધી તેનું વાસ્તવિક કારણ નક્કી કરી શકાશે નહીં.

ઍર ઇન્ડિયાના પ્લેન ક્રૅશ પર ભારતના વિમાન દુર્ઘટના તપાસ બ્યૂરો (એએઆઈબી)નો પ્રારંભિક અહેવાલ આપવા મામલે અમેરિકાની નૅશનલ ટ્રાંસપોર્ટેશન સેફ્ટી બોર્ડના પૂર્વ મૅનેજિંગ ડાયરેક્ટર પીટર ગોએલ્ઝે એએઆઈબીના વખાણ કર્યા છે.

તેમણે કહ્યું, "ભારતની વિમાન દુર્ઘટનાની તપાસ એજન્સીના વખાણ થવા જોઈએ કારણ કે, તેમણે પ્રારંભિત રિપોર્ટ વિસ્તૃત રીતે તૈયાર કર્યો છે."

પીટર ગોએલ્ઝ ઘણી વિમાન દુર્ઘટનાની તપાસમાં નૈતૃત્વ કરી ચૂક્યા છે.

તેમણે કહ્યું કે જ્યારે કોઈ દેશની પૂર્વ રાષ્ટ્રીય ઍરલાઇન જેવી હાઈ પ્રોફાઇલ કંપનીની વાત થાય છે તો રિપોર્ટ વિસ્તૃત નથી હોતી.

પીટર ગોએલ્ઝે કહ્યું, "આ વિસ્તૃત રિપોર્ટ છે, તેના માટે એએઆઈબીના વખાણ કરવા જોઈએ."

રિપોર્ટ વિશે ઍર ઇન્ડિયાએ શું કહ્યું?

જાહેર થયેલા રિપોર્ટ અંગે ઍર ઇન્ડિયાએ પણ પોતાનું નિવેદન જાહેર કર્યું છે. જોકે, તેમણે રિપોર્ટનાં તારણો વિશે કંઈ કહ્યું નથી.

ઍર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે, "જે પરિવારો AI 171 ફ્લાઇટના અકસ્માતથી પ્રભાવિત થયા છે તેમની સાથે ઍર ઇન્ડિયા મજબૂતીથી છે. તેમને પડેલી ખોટ માટે અમે શોકગ્રસ્ત છીએ અને આ કઠણ સમયમાં તેમને સંપૂર્ણપણે ટેકો આપી રહ્યા છીએ."

"ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ 12મી જુલાઈના રોજ જાહેર કરેલા રિપોર્ટને અમે સ્વીકારીએ છીએ. ઍર ઇન્ડિયા આ સાથે સંબંધિત તમામ એકમો સાથે મળીને કામ કરી રહ્યું છે. અમે તપાસ જેમ આગળ વધે તેમ તેમને સંપૂર્ણ સહકાર આપવાનું ચાલુ રાખીશું. હજુ તપાસ ચાલી રહી છે એટલે અમે ચોક્કસ માહિતી વિશે કોઈ નિવેદન આપી રહ્યા નથી."

સમગ્ર ઘટના શું હતી?

ઍર ઈન્ડિયા ફ્લાઇટ 171 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી હતી અને ઉડાણ ભર્યા પછી થોડા સમયમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ, જેમાં વિમાને સવાર 242માંથી 241 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

બૉઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનના પાઇલટે દુર્ઘટના પહેલાં ઍર ટ્રાફિક કંટ્રોલને 'મે ડે' સંકેત આપ્યો હતો, ત્યારબાદ તે મેડિકલ કૉલેજ અને સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોના નિવાસ તરીકે ઉપયોગમાં લેવાતા બિલ્ડિંગ સાથે અથડાયું હતું.

વિમાનમાં સવાર એકમાત્ર જીવિત બચેલી વ્યક્તિ, બ્રિટિશ નાગરિક વિશ્વેશકુમાર રમેશે કહ્યું: "હું હજુ પણ વિશ્વાસ કરી શકતો નથી કે હું જીવતો કેવી રીતે બચી ગયો."

વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 7 પોર્ટુગીઝ નાગરિકો, 1 કેનેડિયન અને 12 ક્રૂ સભ્યો સવાર હતા.

વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે ભારતની ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન