ઍર ઇન્ડિયાનું પ્લેન ક્રૅશ થયું એ પહેલાં 'ફ્યૂઅલ સ્વિચ બંધ થઈ' - રિપોર્ટમાં બીજા શું ખુલાસા થયા?

અમદાવાદથી લંડન જઈ રહેલી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ 171 એ ગત 12મી જૂનના રોજ ક્રૅશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 241 મુસાફરો સહિત કુલ 260 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

બૉઇંગ 787-8 ડ્રીમલાઇનર ઍરક્રાફ્ટ અમદાવાદથી ઉડાણ ભર્યાની ગણતરીની સૅકન્ડોમાં જ અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું.

ત્યારબાદ આટલી મોટી દુર્ઘટના કેવી રીતે થઈ તે અંગે સતત સવાલો ઊઠી રહ્યા હતા.

ઇન્ટરનૅશનલ સિવિલ ઍવિયેશન ઑર્ગેનાઇઝેશનના નિયમો પ્રમાણે આ અંગેનો પ્રાથમિક રિપોર્ટ દુર્ઘટનાના 30 દિવસની અંદર જાહેર કરવાનો હોય છે.

ભારતના ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ આ પ્રાથમિક રિપોર્ટ જાહેર કરી દીધો છે. આ રિપોર્ટમાં શું કારણો સામે આવ્યાં?

પાઇલટે બીજા પાઇલટને પૂછ્યું, 'તમે કટ ઑફ કેમ કર્યું?'

આ રિપોર્ટનું મહત્ત્વનું તારણ એ પાઇલટની વાતચીત પરથી મળે છે.

કૉકપિટના વૉઇસ રેકૉર્ડિંગમાં એક પાઇલટ બીજા પાઇલટને પૂછી રહ્યા છે કે, "વ્હાય ડિડ યુ કટ ઑફ?" એટલે કે તમે (ફ્યૂઅલ સ્વિચ) કેમ બંધ કરી દીધું?

રિપોર્ટમાં જણાવાયું છે કે બંને ઍન્જિનની ફ્યૂઅલ કટ ઑફ સ્વિચ વિલંબ પછી બંધ થઈ ગઈ હતી.

રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે, "ઍરક્રાફ્ટે મહત્તમ 180 નૉટ્સ આઇએએસની સ્પીડ હાંસલ કરી હતી અને એ પછી તરત જ બંને ઍન્જિનની ફ્યૂઅલ કટઑફ સ્વિચ એ RUN મોડમાંથી કટ ઑફ પોઝિશનમાં ચાલી ગઈ હતી. બંને ઍન્જિનની સ્વિચ કટ ઑફ થઈ એ વચ્ચેનો સમયગાળો એક સેકન્ડનો હતો."

"ઍન્જિન N1 અને N2 ધીમેધીમે તેમની ટેકઑફ વૅલ્યૂઝથી નીચે આવવા લાગ્યા હતા કારણ કે ઍન્જિન સુધી ઇંધણનો પુરવઠો બંધ થઈ ગયો હતો."

રિપોર્ટ પ્રમાણે, "કૉકપિટના વૉઇસ રેકૉર્ડિંગમાં એક પાઇલટ બીજા પાઇલટને પૂછે છે કે તમે કેમ કટ ઑફ કર્યું? બીજો પાઇલટ જવાબ આપે છે કે તેણે નથી કર્યું."

રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી કે તેમાં કયો અવાજ કયા પાઇલટનો છે.

ઉડાન સમયે વિમાનને કો-પાઇલટ ઉડાવી રહ્યા હતા જ્યારે કે કૅપ્ટન તેની દેખરેખ રાખી રહ્યા હતા.

15 પાનાના આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિમાન ટેક ઑફ થયા બાદ કેટલીક સૅકન્ડોમાં જ તેની સાથે શું થયું?

'વિમાન સાથે પક્ષીઓ નથી અથડાયાં'

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, "ઍરપૉર્ટથી મેળવવામાં આવેલાં તમામ સીસીટીવી ફૂટેજ પરથી એ સ્પષ્ટ થાય છે કે ફ્લાઇટે ઉડાણ ભરી એ રસ્તામાં કોઈ નોંધપાત્ર પક્ષીઓનું આવાગમન જોવા મળ્યું ન હતું."

ઘણા સંશોધકોએ પહેલાં દાવો કર્યો હતો કે બર્ડ સ્ટ્રાઇકને કારણે કદાચ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હોઈ શકે છે, પરંતુ પ્રાથમિક રિપોર્ટ કહે છે કે આ વખતે એવું કંઈ બન્યું નહોતું.

વિમાનનું એક ઍન્જિન ફરી શરૂ થયું હતું?

રિપોર્ટના એક ભાગમાં એ વિશે જણાવવામાં આવ્યું છે કે કઈ રીતે એક ઍન્જિન કટ ઑફ થયા પછી પણ ફરીથી શરૂ થવામાં સફળ રહ્યું હતું. પરંતુ તેના કારણે વિમાનને નીચે જતાં રોકી શકાયું નહોતું.

તેમાં લખવામાં આવ્યું છે તે પ્રમાણે, "ઍન્જિન 1 બંધ થયું તે પ્રક્રિયાને અટકાવવામાં આવી હતી, તેને રિવર્સ કરવામાં આવ્યું અને ફરીથી એ રિકવરી મૉડ પર આવી ગયું હતું."

"જ્યારે બીજું ઍન્જિન રિલાઇટ થયું હતું પરંતુ તે શરૂ થઈ શક્યું નહોતું."

વિમાનના ઇંધણમાં કોઈ ખરાબી હતી?

જે ટૅન્કમાંથી ઍરક્રાફ્ટમાં ઇંધણ ભરવામાં આવ્યું હતું તે ઇંધણના નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા.

રિપોર્ટ પ્રમાણે, આ ઇંધણના નમૂનાઓ 'સંતોષજનક' હતા.

ઍવિયેશન ઍક્સપર્ટ્સે ભૂતકાળમાં બીબીસીને જણાવ્યું હતું કે કદાચ ખરાબ ઇંધણને કારણે આ ઘટના બની હોઈ શકે. તેમાં ખરાબી હોય તોપણ બંને ઍન્જિન ફેઇલ થઈ શકે છે.

વિમાનનાં ઍન્જિન એ ખૂબ ચોક્કસ ફ્યૂઅલ મિટરિંગ સિસ્ટમ પર કામ કરે છે. જો આ સિસ્ટમ બ્લૉક થઈ જાય તો તેના કારણે જરૂરી ઇંધણની કમી થઈ જાય છે અને ઍન્જિન બંધ થઈ જાય છે.

રિપોર્ટમાં જોકે એવું પણ કહેવાયું છે કે, APU ફિલ્ટર, ડાબી પાંખના જેટિસન વાલ્વમાંથી "ખૂબ ઓછા પ્રમાણમાં બળતણના નમૂનાઓ" લેવામાં આવ્યા હતા.

"ઇંધણના આ નમૂનાઓનું ટેસ્ટિંગ એવી જગ્યાએ કરવામાં આવશે કે જ્યાં ઓછી માત્રામાં ઇંધણ હોય તો પણ તેની તપાસ થઈ શકે."

પાઇલટની તબિયત કેવી હતી?

ઍર ઇન્ડિયાની ફ્લાઇટમાં ઉડાણ ભરી એ પહેલાં વિમાનના ક્રૂ મૅમ્બર્સ અને પાઇલટનું જરૂરી ટેસ્ટિંગ થયું હતું. આ ટેસ્ટિંગ ઉપરથી એ ખ્યાલ આવે છે કે તેઓ આ ઍરક્રાફ્ટને ચલાવવા માટે સક્ષમ છે કે નહીં.

રિપોર્ટ કહે છે એ પ્રમાણે બંને પાઇલટ મુંબઈથી કામ કરતા હતા. તેઓ અમદાવાદ એક દિવસ પહેલાં જ આવી ગયા હતા અને બંનેને પૂરતો આરામનો સમય મળ્યો હતો.

ભારતીય સમય પ્રમાણે સવારે 6:25 કલાકે પાઇલટ અને ક્રૂ મૅમ્બર્સનો જરૂરી બ્રીધલાઇઝર ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેઓ તમામ ફ્લાઇટને ઑપરેટ કરવા માટે ફિટ જાહેર કરવામાં આવ્યા હતા.

જાણો દર સેકન્ડે શું બનતું ગયું અને પ્લેન ક્રૅશ થયું...

ભારતની ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ 15 પાનાંનો પ્રાથમિક અહેવાલ જાહેર કર્યો છે.

તેમાં એ અંગેની માહિતી પણ આપવામાં આવી છે કે વિમાન કેવી રીતે સેકન્ડ્સમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું.

રિપોર્ટ કહે છે, "ઍરક્રાફ્ટે ભારતીય સમય અનુસાર, બપોરે 1:38:42 સમયે 180 નૉટ્સ આઇએએસની ઝડપ હાંસલ કરી હતી અને એ પછી તરત જ ઍન્જિન 1 અને ઍન્જિન 2ની ફ્યૂઅલ કટઑફ સ્વિચ RUN મોડમાંથી CUTOFF મોડમાં ચાલી ગઈ હતી. બંને ઍન્જિનમાં આ પરિવર્તન થયું તેની વચ્ચેનો સમયગાળો એક સેકન્ડ હતો."

ત્યારપછી કોકપિટ વોઇસ રેકૉર્ડિંગમાં એક પાઇલટનો અવાજ સંભળાય છે કે આ કેમ બંધ કર્યું? પછી બીજો પાઇલટ જવાબ આપે છે કે તેણે બંધ નથી કર્યું.

10 સેકન્ડ પછી ઍન્જિન 1 ની ફ્યૂઅલ કટઑફ સ્વિચ CUTOFFમાંથી ફરી RUN ઉપર આવી જાય છે અને ત્યારપછીની ચાર સેકન્ડ પછી બીજા ઍન્જિનની સ્વિચ પણ ફરીથી RUN પર આવી જાય છે. ત્યારે સમય હતો 01:38:56.

એ પછી નવ સેકન્ડ વીતે છે, અને 01:39:05 સમયે બંનેમાંથી એક પાઇલટ ઍર ટ્રાફિક કન્ટ્રોલ ઑફિસર્સને મે-ડે કૉલ આપે છે. "મે-ડે, મે-ડે, મે-ડે" અવાજ સંભળાય છે.

ત્યારપછી અધિકારીઓને કોઈ રિસ્પોન્સ મળતો નથી અને પછી થોડી જ સેકન્ડ્સમાં પ્લેન ક્રૅશ થાય છે.

ઍર ઇન્ડિયાએ શું કહ્યું?

જાહેર થયેલા રિપોર્ટ અંગે ઍર ઇન્ડિયાએ પણ પોતાનું નિવેદન જાહેર કર્યું છે. જોકે, તેમણે રિપોર્ટનાં તારણો વિશે કંઈ કહ્યું નથી.

ઍર ઇન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે, "જે પરિવારો AI 171 ફ્લાઇટના અકસ્માતથી પ્રભાવિત થયા છે તેમની સાથે ઍર ઇન્ડિયા મજબૂતીથી છે. તેમને પડેલી ખોટ માટે અમે શોકગ્રસ્ત છીએ અને આ કઠણ સમયમાં તેમને સંપૂર્ણપણે ટેકો આપી રહ્યા છીએ."

"ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરોએ 12મી જુલાઈના રોજ જાહેર કરેલા રિપોર્ટને અમે સ્વીકારીએ છીએ. ઍર ઇન્ડિયા આ સાથે સંબંધિત તમામ એકમો સાથે મળીને કામ કરી રહ્યું છે. અમે તપાસ જેમ આગળ વધે તેમ તેમને સંપૂર્ણ સહકાર આપવાનું ચાલુ રાખીશું. હજુ તપાસ ચાલી રહી છે એટલે અમે ચોક્કસ માહિતી વિશે કોઈ નિવેદન આપી રહ્યા નથી."

બૉઇંગ વિમાનને લઈને કોઈ ઍડવાઇઝરી નહીં

આ રિપોર્ટમાં સૌથી વધુ ધ્યાન ખેંચનારી વાત એ છે કે અત્યાર સુધી બોઇંગ ડ્રીમલાઇનર 787 અથવા આ વિમાનમાં વપરાતા GE GEnx-1B ઍન્જિનના ઑપરેટર્સ માટે કોઈ સલાહકાર જાહેર કરવામાં આવ્યો નથી.

હાલમાં, ટૅક્નિકલ ખામી હોવાની શક્યતા નકારી કાઢવામાં આવી છે, પરંતુ વધુ માહિતી માટે આપણે રાહ જોવી પડશે કારણ કે આ ફક્ત પ્રારંભિક અહેવાલ છે.

જોકે, રિપોર્ટમાં કેટલીક બાબતો 'આશ્ચર્યજનક' છે. ખાસ કરીને એ હકીકત કે બંને ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ રન પોઝિશનથી કટ-ઓફ પોઝિશન પર ખસેડવામાં આવી હતી.

પરંતુ હજુ પણ ઘણા પ્રશ્નો છે જેના જવાબ બાકી છે.

શું તે કોઈ ટૅક્નિકલ ખામી હતી? શું તે કોઈ સૉફ્ટવેર આધારિત સમસ્યા હતી? શું તે કોઈ માનવીય ભૂલ હતી?

દુર્ઘટના વખતે શું બન્યું હતું?

  • ઍર ઈન્ડિયા ફ્લાઇટ 171 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી હતી અને ઉડાણ ભર્યા પછી થોડા સમયમાં જ દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ, જેમાં વિમાને સવાર 242માંથી 241 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
  • બૉઇંગ 787-8 ડ્રીમલાઇનર વિમાનના પાઇલટે દુર્ઘટના પહેલાં ઍર ટ્રાફિક કંટ્રોલને 'મે ડે' સંકેત આપ્યો હતો, ત્યારબાદ તે મેડિકલ કૉલેજ અને સિવિલ હૉસ્પિટલના ડૉક્ટરોના નિવાસ તરીકે ઉપયોગમાં લેવાતા બિલ્ડિંગ સાથે અથડાયું હતું.
  • વિમાનમાં સવાર એકમાત્ર જીવિત બચેલી વ્યક્તિ, બ્રિટિશ નાગરિક વિશ્વેશકુમાર રમેશે કહ્યું: "હું હજુ પણ વિશ્વાસ કરી શકતો નથી કે હું જીવતો કેવી રીતે બચી ગયો."
  • વિમાનમાં 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 7 પોર્ટુગીઝ નાગરિકો, 1 કેનેડિયન અને 12 ક્રૂ સભ્યો સવાર હતા.
  • વિમાન દુર્ઘટનાના કારણોની તપાસ માટે ભારતની ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યૂરો (AAIB) દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન