અમદાવાદમાં બનેલી વિમાન દુર્ઘટનામાંથી કયો બોધપાઠ લેવો જોઈએ, શું કહે છે નિષ્ણાતો?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

ગત મહિને અમદાવાદમાં ક્રૅશ થયેલી ઍર ઇન્ડિયા ફ્લાઇટ AI 171ની દુર્ઘટનાને કારણે 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 70થી વધુ લોકોને ઇજા થઈ હતી.

હવે આ દુર્ઘટના કેવી રીતે થઈ તેના અંગેનો પ્રાથમિક રિપોર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં તેનાં વિવિધ કારણોની ચર્ચા કરવામાં આવી છે.

જોકે, આ દુર્ઘટનાએ ઘણા પ્રશ્નો ઊભા કર્યાં છે. દુર્ઘટના કેવી રીતે બની ત્યાંથી શરૂ કરીને એ પછી સરકારની કામગીરી કેવી રહી ત્યાં સુધીના અનેક સવાલો છે.

આ ઘટનાએ ભારતની હવાઈ સુરક્ષાનાં માળખાની અનેક ત્રુટિઓ સામે લાવી હોવાનો આરોપ નિષ્ણાતો કરે છે અને સાથે સાથે એક મહત્ત્વની ચર્ચા પણ છેડી છે કે આ ઘટના બાદ કેવાં પ્રકારનાં પરિવર્તનો પણ જરૂરી છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે આ ઘટના ભારતના ઉડ્ડયનક્ષેત્રે એક વળાંક બની શકે છે. આ દુર્ઘટના પછી સૌથી પહેલા તો હવાઈ સુરક્ષા અને જમીન પરના લોકોની સુરક્ષા વિશે પણ વિચારવું પડશે.

'દુર્ઘટનામાંથી બોધપાઠ લેવા જેવું ઘણું છે'

ઑલ ઇન્ડિયા ડિઝાસ્ટર મિટિગેશન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર મિહિર ભટ્ટનું કહેવું છે કે, "આ દુર્ઘટના ભૂલાઈ જાય તેવી નથી."

તેમણે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે આ દુર્ઘટનાની તપાસ માત્ર ટૅક્નિકલ મુદ્દાઓ સુધી મર્યાદિત ન રહી શકે.

"ઍરપૉર્ટ્સની સલામતીનાં ઑડિટથી લઈને રન-વે આસપાસ રહેતા લોકોની સુરક્ષા સુધી, બધી બાબતોમાં ફરીથી વિચારવાની જરૂર છે. જો એવું નહીં કરીએ તો આવી ઘટના ફરી થઈ શકે છે."

ભટ્ટે ત્રણ બાબતો પર તાત્કાલિક ધ્યાન આપવાની વાત કરી — એ છે દુર્ઘટનાનું ટૅક્નિકલ કારણ, ઉડાણ પહેલાંની જરૂરી કામગીરીમાં શક્ય ત્રુટિઓ અને ઍરપૉર્ટ આસપાસના વિસ્તારો.

તેમણે ભારતના હવાઈ ક્ષેત્રમાં સુરક્ષા અંગે એક સુદ્ઢ માળખું વિકસાવવાની પણ અપીલ કરી હતી જ્યાં કર્મચારીઓ ડર વગર સલામતી અંગેની શંકાઓ રિપોર્ટ કરી શકે.

ભારતીય હવાઇયાત્રા કેટલી સલામત?

ડિરક્ટૉરેટ જનરલ ઑફ સિવિલ ઍવિએશનના વડા ફૈઝ અહમદ કિદવઈએ બીબીસી સાથેના ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "ભારતીય આકાશ (હવાઈયાત્રા) ગઈકાલે પણ સલામત હતી અને આજે પણ સલામત છે."

કિદવઈએ કહ્યું, "જો તમે ઇન્ટરનૅશનલ સિવિલ ઍવિએશન ઑર્ગેનાઇઝેશન (આઈસીએસઓ) દ્વારા પ્રકાશિત આંકડાના આધારે વૈશ્વિક સલામતીના આંકડા જોશો તો ભારતની સરેરાશ હંમેશાં વિશ્વ કરતાં સારી રહી છે."

આઈસીએસઓના આંકડામાં પ્રતિ 10 લાખ ઉડાણે અકસ્માતના આંકડાની સમીક્ષા કરવામાં આવે છે.

કિદવઈએ કહ્યું હતું, "વર્ષ 2010 થી 2024ના ગાળામાં ભારતનું સરેરાશ પ્રદર્શન વૈશ્વિક સરેરાશ કરતાં વધુ હતું. એ વર્ષો દરમિયાન ભારતમાં મોટી વિમાન દુર્ઘટનાઓ થઈ હતી."

તેમણે સ્વીકાર્યું હતું કે અમદાવાદની વિમાન દુર્ઘટના બાદ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય મુસાફરોની સંખ્યામાં થોડા સમય માટે સામાન્ય ઘટાડો આવ્યો હતો, પરંતુ પછી બધું રાબેતા મુજબ થઈ ગયું હતું.

કિદવઈએ કહ્યું હતું કે, "ફ્લાઇટોની સંખ્યા વધી રહી છે, ત્યારે વિમાનોની જાળવણી માટે પૂરતો સમય મળી રહે છે કે નહીં તે પણ જોવું મહત્ત્વપૂર્ણ બની રહે છે."

ક્યાં ચૂક થઈ?

ઍવિએશન વિશેષજ્ઞ કૅપ્ટન મોહન રંગનાથને બીબીસી ગુજરાતીને કહ્યું હતુ કે, "દુર્ઘટનાસ્થળ પરનાં દૃશ્યો અસ્વીકાર્ય હતાં. લોકોને સૅલ્ફી લેતાં જોઈ શકાતા હતા. તેનાથી પુરાવા વધુ ખરાબ થયા હોય તેવી શક્યતા છે."

તેમના જણાવ્યા અનુસાર, "કૉકપિટ વૉઇસ રેકૉર્ડર — કે જે એક સામાન્ય ટેપ રેકૉર્ડર જેવું હોય છે — તેની માહિતી તરત જ જાહેર કરી દેવાની જરૂર હતી.

(જોકે, આજે 12મી જુલાઈના રોજ જાહેર થયેલા પ્રાથમિક રિપોર્ટમાં પાઇલટની વાતચીત અને કૉકપિટ વોઇસ રેકૉર્ડરની માહિતી આપવામાં આવી છે.)

આ વિમાન અકસ્માત થયો તેના એક મહિના બાદ આ રિપોર્ટ જાહેર થયો છે.

તેમણે રન-વે આસપાસ ઊંચા ઘાસની સમસ્યા અંગે પણ ધ્યાન દોરતા જણાવ્યું હતું કે, "જ્યાં સુધી ઘાસ 3 ઇંચ કરતા વધારે ઊંચું હોય છે, ત્યાં પક્ષીઓ આવવાની શક્યતા વધી જાય છે. અને તે હકીકતમાં વિમાનની સલામતી માટે ખતરનાક છે."

કૅપ્ટન મોહન રંગનાથનનું કહેવું છે કે, "અમદાવાદ રન-વેની ઘાસની ઊંચાઈ વધુ હતી."

તેમણે વિમાનનાં વજન અને બૅગેજ ડિસ્ટ્રીબ્યુશન અંગે પણ ગંભીર શંકા વ્યક્ત કરી હતી.

તેઓ કહે છે, "જો પાઇલટને સાચા વજન અંગેની ખોટી માહિતી આપવામાં આવે છે તો વિમાનને જરૂરી લિફ્ટ મળી શકતી નથી. એ દુર્ઘટના માટે જવાબદાર બની શકે છે."

તૈયારીની કેટલી જરૂર?

વિમાન દુર્ઘટના પહેલાં જ ગુજરાતની વિવિધ એજન્સીઓએ સાથે મળીને, ભારત-પાકિસ્તાન સંઘર્ષની પૂર્વતૈયારી રૂપે એક મૉકડ્રિલ યોજી હતી. જેમાં જો અમદાવાદમાં કોઈ મિસાઇલ વડે હુમલો થાય તો કઈ એજન્સી શું કામ કરશે, તેની ચોખવટ કરવામાં આવી હતી.

અમદાવાદના 108 એમ્બ્યુલન્સ સર્વિસના જિલ્લા મેનેજર જીતેન્દ્ર શાહીએ બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "પાકિસ્તાન સાથે તણાવના પગલે ફૂલ સ્કેલ મિસાઇલ હુમલાની ડ્રિલ અમારો તાજેતરનો અનુભવ હતો. આ ટ્રેઇનિંગ અમારી પાસે તાજી હતી, અને તેનો તરત જ અમલ થયો."

શાહીએ કહ્યું હતું કે, "દુર્ઘટના પછી 12 મિનિટમાં પ્રથમ ઍમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કુલ 80 જેટલી ઍમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ અને મૃતદેહોને સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા."

જોકે, તેઓ માને છે કે, "જો વિમાન મેઘાણીનગરમાં પડ્યું હોત, તો આ દુર્ઘટનાએ ઘણું મોટું સ્વરૂપ લઈ લીધું હોત. મને લાગે છે કે, રન-વે નજીકના લોકો માટે કોઈ સુરક્ષા અથવા તે પ્રમાણેની તૈયારીની જરૂર છે."

વિમાન સુરક્ષા પર ધ્યાન આપવાની જરૂર

જ્યારે તપાસ ચાલુ છે ત્યારે વિશેષજ્ઞો અને પરિવારજનો એકસ્વરે કહે છે, "આ ઘટનાથી આપણે ઘણું શીખવું જોઈએ."

2023–24માં ભારતમાં 153.7 મિલિયન ડૉમેસ્ટિક અને 66.5 મિલિયન ઇન્ટરનૅશનલ મુસાફરોએ હવાઈ મુસાફરી કરી હતી.

નિષ્ણાતો માને છે કે, "જ્યારે મુસાફરોની સંખ્યામાં આ રીતે વધારો થઈ રહ્યો હોય ત્યારે સુરક્ષા પર ખાસ ધ્યાન આપવું એ સૌથી મહત્ત્વનો મુદ્દો છે."

વિશેષજ્ઞો જણાવે છે કે, "ભારતે સિંગાપોર, દુબઈ અને દક્ષિણ કોરિયા જેવી દેશોની જેમ પારદર્શી અને જવાબદાર ઍવિએશન વ્યવસ્થા વિકસાવવી જોઈએ."

મિહિર ભટ્ટ કહે છે, "આ માત્ર ભારતીય વિમાની વ્યવસ્થા માટે નહીં, પરંતુ તમામ લોકો માટે ચેતવણીરૂપ દુર્ઘટના હતી. આપણે હવે નહીં બદલાઈએ તો પછી ક્યારે?"

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન