You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ : પ્લેન ક્રૅશનો વીડિયો બનાવનાર છોકરો કોણ છે અને પરિવાર શું કરે છે?
ગુરુવારે અમદાવાદ ખાતે ઍર ઇન્ડિયાનું વિમાન ક્રૅશ થતાં વિમાનમાં સવાર 242 લોકો પૈકી 241 લોકોનાં મૃત્યુ થયાં હતાં.
સાથે જ વિમાન બીજે મેડિકલ કૉલેજની કૅન્ટીન અને હૉસ્ટેલ પર પડતાં મૃતાંક હજુ પણ વધ્યો હતો.
હજુ સુધી આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 270 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે.
બપોરે પ્લેન ક્રૅશ થયાની આ ઘટનાની ક્લિપ તરત જ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી. આ નાનકડી વીડિયો ક્લિપમાં ઊંચાઈ હાંસલ કરવા મથતું ઍર ઇન્ડિયાનું વિમાન અંતે જમીન પર પટકાઈને ક્રૅશ થયું હોવાની ઘટના જોઈ શકાતી હતી.
આ ઘટનાએ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાનોને અમદાવાદની ક્રૅશ સાઇટ અને પીડિતોની વ્યથા-કથા તરફ આકર્ષિત કર્યાં.
સાથે જ શોધ શરૂ થઈ આ વીડિયો ફિલ્માવનારની. જે ખરા અર્થમાં કદાચ આ ઘટનાના પ્રથમ કેટલાક સાક્ષીઓમાં સામેલ હતો.
બીબીસી ગુજરાતીની ટીમે પણ આ વીડિયો ફિલ્માવનાર વ્યક્તિની શોધ આદરી હતી, જેમનો વીડિયો આખા દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ વાઇરલ થયો હતો અને કરોડો લોકો સુધી પહોંચ્યો હતો.
જાણીએ બીબીસી ગુજરાતી આ વીડિયો બનાવનાર સુધી કેવી રીતે પહોંચી? અને આખરે એ વ્યક્તિ કોણ છે જેમણે આ વીડિયો બનાવ્યો અને આ વીડિયો બનાવવાનું કારણ શું હતું?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીડિયો બનાવનારની શોધ માટે ગૂગલ અર્થની મદદ લીધી
વીડિયો જોતાં એ ખ્યાલ આવે છે કે વીડિયો બનાવનાર વ્યક્તિની ડાબી બાજુથી વિમાન નીકળ્યું અને જમણી બાજુ તરફ ગયું.
આ માહિતીની મદદથી અમે અમદાવાદના મેઘાણીનગરના એક ચોક્કસ વિસ્તારમાં બીબીસી ગુજરાતીની ટીમે તપાસ કરી. અંતે અમને જાણવા મળ્યું કે એ વિસ્તારમાં આર્યન નામની એક વ્યક્તિએ આ વીડિયો બનાવ્યો હતો.
બીબીસી ગુજરાતીની ટીમ આ માહિતીને આધારે 17 વર્ષીય કિશોર આર્યનને શોધવામાં અને તેમની સાથે વાત કરવામાં સફળ રહી.
બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આર્યન અસારી નામના આ કિશોરને પૂછ્યું કે તેઓ ઘટનાસ્થળે શું કરી રહ્યા હતા અને કેવી રીતે આ વીડિયો બનાવવાનો તેમણે પ્લાન કર્યો?
તેના જવાબમાં આર્યને કહ્યું કે, "મેં મારા ગામલોકોને બતાવવા માટે વીડિયો રેકૉર્ડ કર્યો હતો."
તેમણે પોતાની અગાશી પર બીબીસી ગુજરાતીના સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે ઘટનાસ્થળે વિમાન જોયું હતું.
નોંધનીય છે કે આર્યન અસારીનું ઘર મેઘાણીનગરમાં એવી જગ્યાએ સ્થિત છે, જેની અગાશી પરથી નજીક રહેલા ઍરપૉર્ટમાંથી ઊડીને આવતાં વિમાનો રોજ નીકળે છે અને એના અવાજની ત્યાંના સ્થાનિકોને જાણે ટેવ પડી ગઈ છે.
આર્યન વાતચીત દરમિયાન ત્યાંથી નીકળતાં પ્લેનને બતાવતાં કહે છે કે, "ઘટનાના દિવસે પ્લેન એટલું ઉપર નહોતું, એ નીચું ઊડી રહ્યું હતું. એ પ્લેન નીચે જઈ રહ્યું હતું. અને બાદમાં આખું પ્લેન જાણે હલવા લાગ્યું."
આર્યનને જ્યારે આ વીડિયો બનાવવાના કારણ અંગે વિગતવાર જણાવવા કહેવાયું તો તેમણે કહ્યું કે, "મને લાગ્યું કે આ પ્લેન પડવાનું છે, તેથી મેં તેનો વીડિયો બનાવ્યો."
આર્યનનાં બહેન નીલમ અસારીએ પણ આર્યને પ્લેન ક્રૅશ થતાં જોયું હોવાનું જણાવી કહ્યું કે, "ઘટના સમયે હું અંદર હતી. પણ જ્યારે પ્લેન ક્રૅશ થયું અને એ બધું આર્યને જોયું તો એ મને બોલાવી લાવ્યો."
આર્યનના એક પાડોશી અરુણકુમારે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ વીડિયો આર્યને જ લીધો હોવાની વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, "જ્યારે મેં પહેલી વાર મોબાઇલ અને ટીવી પર આ ઘટનાનો વીડિયો જોયો ત્યારે મને લાગ્યું કે જરૂર અમારા અહીંથી જ કોઈ છત પરથી વીડિયો લીધો હશે. પછી મને ખબર પડી કે આર્યન પોતાના પિતા પાસે અહીં આવ્યો છે, તેમણે આ વીડિયો લીધો છે."
પાડોશીએ વીડિયો બનાવવા બદલ આર્યનને કહ્યું કે આ તેમણે ખૂબ બહાદૂરીનું કામ કર્યું, કારણ કે આ વીડિયોના કારણે અન્યોને ખબર પડી કે આખરે આ દુર્ઘટના કેવી રીતે બની હતી.
આર્યનના વધુ એક પાડોશીએ પણ કહ્યું કે તેમણે પહેલાં ઘટનાનો વીડિયો નહોતો જોયો, પરંતુ બાદમાં જ્યારે વીડિયો જોયો ત્યારે ખબર પડી કે આ વીડિયો અહીં ઘરની છત પરથી જ બન્યો છે.
તેમણે કહ્યું, "પહેલાં મારા મનમાં સવાલ ઊઠ્યો કે આખરે આ વીડિયો કોણે લીધો હશે. મને બાદમાં ખબર પડી કે અહીં સામે આ છોકરા આવેલા છે, તેણે આ વીડિયો છત પરથી લીધો છે."
નોંધનીય છે કે સૌપ્રથમ આ વીડિયો બનાવનાર આર્યનની બાદમાં અમદાવાદ પોલીસે પૂછપરછ કરી હતી. પોલીસે ઘટનાના સાક્ષી તરીકે તેમનું નિવેદન લીધું હતું.
(આર્યન કાયદાકીય દૃષ્ટિએ સગીર હોઈ બીબીસી ગુજરાતીએ તેમના પિતા મગનભાઈ પાસેથી આર્યનની તેના વીડિયો વિશેની જાણકારી મેળવવા અંગેની તથા મુલાકાત પ્રકાશિત કરવા વિશેની જરૂરી પરવાનગી મેળવી હતી.)
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન