You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ પ્લેન ક્રૅશ: કુલ 35 મૃતદેહોની સોંપણી કરવામાં આવી, મૃતકોના વારસદારોને વીમા કે દાવાની સહાય માટે 'હેલ્પ ડેસ્ક' શરૂ
ગુજરાત સરકારના માહિતી વિભાગે જાહેર કરેલી એક પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે હાલમાં ડીએનએ સૅમ્પલ માટે કુલ 12 ટીમ શિફ્ટ મુજબ કાર્યરત છે. તેમના દ્વારા મુસાફરો અને સ્થાનિક રહેવાસીઓના સગાસંબંધીઓનાં કુલ 250 જેટલાં બ્લડ-સૅમ્પલો લેવામાં આવ્યાં છે. તે પૈકી 62 જેટલાં સૅમ્પલોનાં ડિએનએ મૅચ થયાં છે.
આ મૅચ થયેલા પૈકી 27 જેટલા મૃતદેહોને સોંપવામાં આવ્યા છે. આ ઉપરાંત ડીએનએ મૅચ કર્યા વગર જ ઓળખાયેલા 8 મૃતદેહોને પણ પરિવારજનોને સોંપવામાં આવ્યા છે.
આ પ્રેસનોટમાં જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં કુલ 35 મૃતદેહો સોંપવામાં આવ્યા છે. હવે ફક્ત 3 મુસાફરોના સગાસંબંધીઓનાં સૅમ્પલો લેવાના બાકી છે. આ સગાંસંબંધીઓ હાલ યુકેમાં રહે છે. તેઓ આગામી દિવસોમાં સૅમ્પલ આપવા માટે ભારત આવશે.
પ્રેસનોટમાં એમ પણ જણાવ્યું છે કે વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના કાયદેસરના વારસદારોને વીમા કે દાવાની સહાય ચૂકવવા અંગેની હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવી છે. જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા વીમા ચુકવણીમાં સહાય થવા માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
સોમવારે વિજય રૂપાણીના રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર
તો અમદાવાદ સિવિલ હૉસ્પિટલ પહોંચેલા ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનો ડીએનએ ટેસ્ટ મૅચ થઈ ગયો છે."
અમદાવાદમાં 12મી જૂને ઍર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું AI171 વિમાન મેઘાણીનગરમાં ક્રૅશ થયું હતું. આ દુર્ઘટનામાં 241 મુસાફરનાં મોત થયાં છે. તેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા.
બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયાએ આપેલી જાણકારી પ્રમાણે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર સોમવારે રાજકોટ ખાતે સાંજે છ વાગ્યે થશે.
સોમવારે સવારે 11-30 કલાકે તેમના મૃતદેહનો અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ખાતેથી સ્વીકાર કરવામાં આવશે. ત્યાર પછી વિજય રૂપાણીના મૃતદેહને અમદાવાદના ઍરપૉર્ટ ખાતે લઈ જવાશે અને ત્યાંથી હવાઈ માર્ગે રાજકોટ લઈ જવાશે. રાજકોટમાં તેમના નિવાસસ્થાને તેમના મૃતદેહને અંતિમદર્શન માટે મૂકવામાં આવશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાંજે પાંચ કલાકે તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળીને રામનાથપરા સ્મશાન ખાતે જશે.
તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મંગળવારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં પ્રાર્થના સભા યોજવામાં આવી છે. ગાંધીનગરમાં ગુરુવારે પ્રાર્થનાસભા આયોજીત કરવામાં આવી છે. જ્યારે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે શુક્રવારના રોજ પ્રાર્થનાસભા આયોજીત કરવામાં આવી છે.
ઍડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રજનીશ પટેલે જણાવ્યું કે ડીએનએ સેમ્પલ મૅચ થયા છે તે પાર્થિવદેહ પરિવારજનોને સન્માનપૂર્વક સોંપાઈ રહ્યા છે.
ડૉ. રજનીશ પટેલ કહ્યું કે "તેમની પાસે અત્યાર સુધીમાં 100 સૅમ્પલ અને 100 મૃતદેહ આવ્યા છે. આ બધાની તપાસ માટે અંદાજે 10,000 ટેસ્ટ કરાવવા પડશે.
ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવાઈ છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.
ડીએનએ પરીક્ષણમાં થઈ રહેલા વિલંબ પર FSLના ડિરેક્ટરે શું કહ્યું?
અમદાવાદ વિમાન દુર્ઘટનાના લગભગ 48 કલાક બાદ ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા નવી દિલ્હી ખાતે પત્રકારપરિષદ યોજવામાં આવી હતી.
આ પ્રેસ કૉન્ફરન્સમાં કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા દુર્ઘટનાનો ઘટનાક્રમ તથા તે મામલે જે પગલાં ભરવામાં આવ્યાં તે વિશે અને મૃતદેહોને સોંપવામાં થઈ રહેલી ઢીલ વિશેના આરોપોના જવાબો આપ્યા હતા.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુ કિંજરાપુના કહેવા પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા મૃતકોની ઓળખવિધિ માટે ડીએનએ પરીક્ષણો કરવામાં આવી રહ્યાં છે.
તેમના મત પ્રમાણે કોઈ ચૂક ન થાય તે માટે રાજ્ય સરકાર પ્રોટોકૉલને અનુસરી રહી છે અને તેને કારણે મૃતદેહોને સોંપવામાં વિલંબ થઈ રહ્યો છે.
આ અંગે એફએસએલ એટલે કે ફૉરેન્સિક સાયન્સ લૅબોરેટરી, ગાંધીનગરના ડિરેક્ટર એચપી સંઘવીએ પણ પ્રતિક્રિયા આપી હતી.
FSL ગાંધીનગરના ડિરેક્ટર એચપી સંઘવીએ DNA પરીક્ષણની વિગતો આપતા જણાવ્યું હતું કે "અમદાવાદ ખાતે થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરોની ઓળખ વૈજ્ઞાનિક પદ્ધતિથી DNA સૅમ્પલને મૅચ કરાવીને કરવામાં આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદ અને ગાંધીનગર ખાતેની FSL તેમજ NFSU એટલે કે નૅશનલ ફૉરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની પ્રયોગશાળામાં આ મુસાફરોના વારસદારો કે નજીકના પરિવારજનોનાં DNA સૅમ્પલ લઈને મૅચિંગની પ્રક્રિયા ખૂબ ઝડપથી થઈ રહી છે."
તેમણે જણાવ્યું, "હાલમાં રાજ્યમાં DNA પરીક્ષણની ખૂબ સારી વ્યવસ્થા છે. DNA મૅચિંગ પરીક્ષણ માટેની કિટ્સ સાથેની તમામ સાધન સુવિધાઓ પણ પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. જેના પરિણામે લગભગ 36 DNAના નિષ્ણાતો દ્વારા સતત 24 કલાક મૅચિંગ માટેનાં પરીક્ષણો ચાલુ છે."
'ડીએનએ પરીક્ષણની પ્રક્રિયા વિવિધ તબક્કાઓમાં થાય છે'
સંઘવીએ ઉમેર્યું કે, "પ્લેન જ્યારે ક્રૅશ થાય છે, ત્યારે તેની અંદર ખૂબ મોટી જ્વાળાઓ ઉત્પન્ન થાય છે. જેના કારણે તાપમાન ખૂબ જ વધી જતું હોય છે. આવા સંજોગોમાં અકસ્માતનો ભોગ બનેલા મુસાફરોના શરીરમાં રહેલા DNA કે જેના થકી ઓળખ કરવાની હોય છે, તે ખૂબ ઓછી માત્રામાં મળતાં હોય છે. આ ઉપરાંત DNA સેમ્પલનાં પરીક્ષણોની પ્રક્રિયા વિવિધ તબક્કાઓમાં થતી ખૂબ જટિલ પ્રકારની હોય છે. જેના કારણે મૃતકની ઓળખ કરવામાં સમય લાગતો હોય છે."
વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું કે, ઇન્ટરનૅશનલ કંપનીઓ પણ આ દુઃખદ ઘટનામાં DNA પરીક્ષણ માટે મદદ કરવા તૈયાર છે.
તેમના જણાવ્યા પ્રમાણે આ પરીક્ષણો માટે સિવિલ હૉસ્પિટલ ખાતે મૃતકોનાં સૅમ્પલ કલેક્ટ કરીને તેમના વાલી-વારસદારો દ્વારા ફૉર્મ ભરાવવામાં આવે છે, જેમાં મૃતકનાં માતા, પિતા, દીકરા, દીકરીનાં નામ સહિતની વિગતો નોંધવામાં આવે છે.
તેમણે વધુમાં કહ્યું "DNA મૅચિંગ માટે એક પાર્થિવ દેહમાંથી એકથી વધુ સૅમ્પલ લેવામાં આવે છે. ઘણીવાર પૂરતી માત્રામાં DNA ન મળતાં વારંવાર રીપીટ કરીને પણ ઍનાલિસિસ કરવામાં આવે છે. આમ આ જટિલ પ્રક્રિયામાં 36થી 48 કલાક સુધી બૅચવાઇઝ પરીક્ષણો કરવામાં આવે છે. જેમ જેમ DNA મૅચિંગનાં પરિણામો આવતા જાય તેમ-તેમ તંત્રને તુરંત જાણ કરવામાં આવી રહી છે."
250 ડૉક્ટર, નર્સ, પૅરામેડિકલ સ્ટાફ કામે લાગ્યા
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ એક પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું કે "પ્લેન દુર્ઘટનાની જાણ થતાં જ સિવિલ હૉસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે 250 જેટલાં તબીબો, નર્સ, પેરામેડિકલ સ્ટાફ અને સેવાભાવી સંસ્થાના કાર્યકરોની ટીમે તાત્કાલિક ધોરણે ઈજાગ્રસ્તોને શ્રેષ્ઠ સારવાર પૂરી પાડી હતી."
તેમના દાવા પ્રમાણે આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ તેમજ રાજ્ય સરકારના સતત માર્ગદર્શન અને સંકલનને પરિણામે, તમામ ઇજાગ્રસ્તોને ઝડપથી સારવાર આપી શકાઈ છે. આ ઉપરાંત, DNA સૅમ્પલ મૅચિંગ જેવી સંવેદનશીલ કાર્યવાહી પણ ખૂબ જ સારી રીતે પાર પાડવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે ફોરેન્સિક સાયન્સ લૅબોરેટરી (FSL) અને નૅશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)ના સહયોગ અને સંકલનને કારણે DNA સેમ્પલ મેચિંગની કાર્યવાહી અત્યંત ઝડપથી આગળ વધી રહી છે.
ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું, "9 DNA સૅમ્પલ સફળતાપૂર્વક મૅચ કરવામાં આવ્યાં છે, અને તેમાંથી એક મૃતદેહની ઓળખ કરીને તેમના પરિજનોને પાર્થિવ દેહ સોંપવામાં આવ્યો છે."
મૃતદેહ સોંપવાની પ્રક્રિયા
ડૉ. રાકેશ જોષીએ કહ્યું કે DNA મૅચિંગની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, મૃતકોના પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું, "સિવિલ હૉસ્પિટલને મૃતકના જે સગાએ DNA સૅમ્પલ આપ્યા છે, તેમને તેમના દ્વારા નોંધાવવામાં આવેલા મોબાઇલ નંબર પર ફોન કરીને તેમના વિશેની જાણકારી આપવામાં આવશે."
તેમણે એમ પણ કહ્યું કે મુસાફરોના પરિજનોને અમદાવાદ સિવિલ હૉસ્પિટલના અધિકૃત ફોન નંબરો અને અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા કૉલને ધ્યાને લેવા. આ કૉલમાં જ ડીએનએ મૅચ થયાની આને મૃતદેહ લેવા આવવાની જાણકારી આપવામાં આવશે."
તેમણે અમદાવાદ સિવિલિ હૉસ્પિટલના અધિકૃત ફોન-નંબરો પણ શૅર કર્યા છે. તે આ મુજબ છે.
9429915911, 9429916096, 9429916118, 9429916378, 9429916608, 9429916622, 9429916682, 9429916758, 9429916771, 9429916875.
પાર્થિવ દેહ સ્વીકારવા કોણે આવવું?
ડૉ. રાકેશે એમ પણ જણાવ્યું કે "શક્ય હોય ત્યાં સુધી, જે નજીકના સગાએ DNA સૅમ્પલ આપ્યા છે, તેમણે પોતે આવવું તે અત્યંત ઇચ્છનીય છે. જો તેઓ આવી શકે તેમ ન હોય, તો મૃતકના અન્ય કોઈ નજીકના કુટુંબીજન આવી શકે છે."
તેમના જણાવ્યા પ્રમાણે પાર્થિવ દેહ સ્વીકારવા આવનાર સગાએ પોતાની અને મૃતકની ઓળખ સ્થાપિત કરવા માટે દસ્તાવેજો સાથે લાવવાના રહેશે.
તેમણે કહ્યું કે આ દસ્તાવેજોમાં સગાએ પોતાનું આધાર કાર્ડ અથવા સરકાર માન્ય કોઈ ફોટો ઓળખપત્ર લાવવાનું રહેશે. સાથે મૃતકનું આધાર કાર્ડ અથવા વોટર આઈડી કે પાસપૉર્ટ કે અન્ય ઓળખપત્ર સામેલ કરવાનું રહેશે.
ડીએનએ સૅમ્પલ આપતી વખતે જે મોબાઇલ નંબર આપ્યો હશે તે નંબર પણ સાથે રાખવાનો રહેશે. જો મૃતકનો પાર્થિવ દેહ લેવા નજીકના સગા ન આવી શકે અને તેઓ અન્ય કોઈને મોકલે તો તેમણે ઑથોરિટી લેટર સાથે આવવાનું રહેશે.
હૉસ્પિટલ દ્વારા અપાનારા દસ્તાવેજો
મૃતદેહોની સાથે જ, મૃતકના સ્વજનને પોસ્ટમૉર્ટમ (PM) રિપોર્ટ, ડેથ સર્ટિફિકેટ તેમજ અન્ય લીગલ કાર્યવાહી માટેના જરૂરી તમામ દસ્તાવેજો એક ફાઇલમાં તૈયાર કરીને હૉસ્પિટલ તંત્ર દ્વારા સુપરત કરવામાં આવશે.
જો મૃતકની ઓળખ કે સગપણનો કોઈ પુરાવો ઉપલબ્ધ ન હોય, તો સિવિલ હૉસ્પિટલમાંથી ફોન આવ્યા બાદ પરિજનોના વિસ્તારની મામલતદાર, કલેક્ટર કે પ્રાંત અધિકારીની કચેરીનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવવું.
ઉપરોક્ત દસ્તાવેજો સાથે મૃતકના સગાઓએ સિવિલ હૉસ્પિટલના D2 બ્લૉકની ઑફિસ સામે બનાવેલ કંટ્રોલ રૂમ ખાતે રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. જો હૉસ્પિટલ પહોંચવામાં કોઈ મુશ્કેલી જણાય, તો જે નંબર પરથી મૃતકોના પરિજનોને ફોન આવ્યો હોય, તે જ નંબર પર સંપર્ક કરવાથી સંપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવશે.
મૃતદેહના પરિવહન માટેની વ્યવસ્થા
જે પરિજનો પાર્થિવ દેહને બાય રોડ પોતાના નિવાસસ્થાને લઈ જવા ઇચ્છે છે, તેમના માટે સરકારી તંત્ર દ્વારા ઘર સુધી મૃતદેહ પહોંચાડવા માટે નિઃશુલ્ક ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે.
જે પરિજનો પાર્થિવ દેહને અન્ય રાજ્ય કે દેશમાં હવાઈ માર્ગે લઈ જવા માંગતા હોય, તેમણે ફ્લાઇટના સમય અંગે અગાઉથી સંકલન કરવાનું રહેશે. આ પ્રક્રિયામાં ઍર ઇન્ડિયા દ્વારા સંપૂર્ણ મદદ કરવામાં આવશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન