અમદાવાદ પ્લેન ક્રૅશ : કપરી પરિસ્થિતિમાં અભ્યાસ કરીને ઍર હોસ્ટેસ બનનારાં મૈથિલી પાટીલની કહાણી

    • લેેખક, અલ્પેશ કરકરે
    • પદ, બીબીસી માટે

ગુરૂવારે ઍર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ 171 અમદાવાદથી ગૅટવિક જતી વખતે શહેરના મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ હતી.

વિમાનમાં 230 મુસાફર, બે પાઇલટ અને 10 ક્રૂ મેમ્બર સહિત 242 મુસાફર પ્રવાસ કરી રહ્યા હતા, જેમાંથી માત્ર એક મુસાફરનો આબાદ બચાવ થયો હતો.

ડીજીસીએના જણાવ્યા પ્રમાણે, કૅપ્ટન સુમિત સભરવાલ તથા ફર્સ્ટ ઑફિસર ક્લાઇવ કુંદર વિમાન ઉડાવી રહ્યા હતા.

મૃતક ક્રૂ મેમ્બરમાં મૈથિલી પાટીલ પણ સામેલ હતાં, જેઓ પરિવારનો આધારસ્તંભ હતાં.

મૈથિલી પાટીલના નજીકના પરિજને બીબીસી સાથે વાત કરી હતી.

નાનપણથી ઍર હોસ્ટેસ બનવાનું સપનું

મૈથિલી પાટીલ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાનાં પનવેલ તાલુકાના ન્હાવા ગામનાં રહીશ હતાં. ગુરૂવારે ફ્લાઇટ ક્રમાંક એઆઈ 171માં ડ્યૂટી હોવાથી તેઓ બુધવારે મુંબઈથી અમદાવાદ પહોંચ્યાં હતાં.

અમદાવાદથી ગૅટવિક જતી ફ્લાઇટને અકસ્માત નડ્યો છે એવી માહિતી મળતા મૈથિલીનો પરિવાર બેબાકળો થઈ ગયો હતો. ઘણીવાર સુધી કોઈ માહિતી ન મળી એટલે તેઓ અમદાવાદ જવાં રવાના થયાં હતાં.

મૈથિલીના પિતા મોરેશ્વર ઓએનજીસીમાં (ઑઈલ ઍન્ડ નેચરલ ગૅસ કૉર્પોરેશન) કરાર આધારિત શ્રમિક હતા, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે છેલ્લા કેટલાક સમયથી કામ કરી શકતા ન હતા. મૈથિલીનાં માતા ગૃહિણી છે.

મૈથિલીના પરિવારમાં માતા-પિતા, બે બહેનો અને એક ભાઈ છે. મૈથિલી સૌથી મોટાં દીકરી હતાં. મૈથિલીએ તેમનાં મૂળ ગામની ટી.એસ. રહમાન સ્કૂલમાંથી ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો હતો.

મૈથિલી નાનપણથી જ ઍર હોસ્ટેસ બનવાં માંગતાં હતાં, પરંતુ તેમના પરિવારની આર્થિકસ્થિતિ ખાસ સારી ન હતી. મૈથિલીએ સાધારણ પરિસ્થિતિની વચ્ચે અભ્યાસ પૂર્ણ કર્યો અને ઍર ઇન્ડિયામાં નોકરી શરૂ કરી.

પરિવારના કપરા સમયમાં મૈથિલીએ ઘરની આર્થિક જવાબદારી ઉપાડી લીધી હતી અને તેઓ પરિવારના એકમાત્ર કમાનારાં સભ્ય હતાં.

આર્થિક સંકડામણ અને સપનું

દુર્ઘટના બાદ મૈથિલીના સંબંધી તથા ન્હાવા ગામના પૂર્વ સરપંચ જીતેન્દ્ર મ્હાત્રેએ બીબીસીની સાથે વાત કરતાં કહ્યું, "મૈથિલીએ ખૂબ જ ટાંચાં સાધનો સાથે અભ્યાસ પૂર્ણ કર્યો અને ઍર હોસ્ટેસ બની. આ ઘટનાએ અમને હચમચાવી નાખ્યા છે. અમારા પરિવારના કેટલાક સભ્યો અમદાવાદ ગયા છે."

"અમારી સરકારને વિનંતી છે કે મૈથિલી તો પરત નહીં આવે, પરંતુ તેના પરિવારને આધાર મળવો જોઈએ."

મૈથિલીની શાળાનાં પ્રિન્સિપાલ ડેઝી પૉલે તેમનાં પૂર્વ વિદ્યાર્થિનીને યાદ કરતાં કહ્યું હતું કે તે (મૈથિલી) ખૂબ જ શાંત, શિસ્તબદ્ધ, બુદ્ધિશાળી અને ખુશમિજાજ વિદ્યાર્થિની હતાં.

પૉલનાં કહેવા પ્રમાણે, બે મહિના પહેલાં શાળાનાં પૂર્વ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં, ત્યારે મૈથિલી આવ્યાં હતાં.

મૈથિલીએ વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપ્યું હતું તથા તેમને આ ક્ષેત્રમાં રહેલી તકો વિશે માહિતી આપી હતી.

વિમાનની ઉડાન બાદ તરત જ અકસ્માત

મૈથિલીનાં મૃત્યુ બાદ પાટિલ પરિવાર ભાવનાત્મક તથા આર્થિક તણાવ અને દબાણ હેઠળ આવી ગયો છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચીવ સમીરકુમાર સિંહાએ કહ્યું હતું, "બપોરે એક વાગ્યા અને 39 મિનિટે વિમાને ઉડાન ભરી હતી અને લગભગ 650 ફૂટની ઊંચાઈ મેળવી હતી. લગભગ આ અરસામાં જ વિમાન તેની ઊંચાઈ ગુમાવવા લાગ્યું હતું."

"વિમાનના ચાલક સુમિત સભરવાલે ઍર ટ્રાફિક કંટ્રૉલરને મેડે કૉલ આપ્યો હતો, એટીસીએ વળતો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા સંપર્ક થઈ શક્યો ન હતો. એક મિનિટ પછી ઍરપૉર્ટથી બે કિલોમીટર દૂર મેઘાણીનગર વિસ્તારમાં વિમાન તૂટી પડ્યું હતું."

ઍર ઇન્ડિયાના માલિક ટાટા ગ્રૂપે આ દુર્ઘટના અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ટાટા સન્સના ચૅરમૅન એન. ચંદ્રશેખરને ઍક્સ પોસ્ટ દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ. એક-એક કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી.

આ સિવાય ઘાયલોની સારવારનો ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી હતી. ચંદ્રશેખરે બીજે મેડિકલ કૉલેજના છાત્રાવાસ ભવનના પુનઃનિર્માણમાં મદદ કરવાની પણ વાત કરી છે.

શુક્રવારે ઍર ઇન્ડિયાના સીઈઓ કૅમ્પબેલ વિલ્સને અમદાવાદમાં દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન