You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નાકમાં રહેલું લીંટ ફેફસાંની બીમારી, કૅન્સર જેવા ગંભીર રોગોના નિદાનમાં કેવી રીતે મદદ કરી શકે?
- લેેખક, સોફિયા ક્વાગ્લિયા
નાકમાંથી નીકળતો પ્રવાહી પદાર્થ જેને આપણે લીંટ તરીકે પણ ઓળખીએ છીએ તે આપણને અનેક રોગથી બચાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ પ્રવાહીનો રંગ આપણા શરીરમાં શું ચાલી રહ્યું છે તેની સમજ પણ પુરી પાડે છે.
પ્રાચીન ગ્રીસમાં લીંટને માનવ સ્વાસ્થ્ય અને વ્યક્તિત્વને સંતુલિત રાખતા ચાર શારીરિક પ્રવાહીમાંથી એક ગણવામાં આવતું હતું. ચિકિત્સક હિપ્પોક્રેટ્સે એક સિદ્ધાંત વિકસાવ્યો હતો જેમાં જણાવાયું હતું કે શરીરમાં કફ, લોહી, પીળો પિત્ત અને કાળો પિત્ત એ ચાર "દ્રવ્ય" અથવા તો તરલ પદાર્થ રહેલા છે . વ્યક્તિમાં રહેલા આ ચાર તરલ દ્રવ્યનું સંતુલન વ્યક્તિના સ્વાસ્થ્ય નિર્ધારિત કરે છે. આમાંથી કોઈ પણ એકમાં થતો વધારે બીમારીનું કારણ બની શકે છે . ઉદાહરણ તરીકે એવું માનવામાં આવતું હતું કે કફ મગજ અને ફેફસામાં બને છે. અને ઠંડી અને ભેજવાળી ઋતુ દરમિયાન તેમાં ખૂબ વધારે થાય છે અને વાઈનું કારણ પણ બની શકે છે. કફ ધરાવતી વ્યક્તિ ઠંડી પ્રકૃત્તિની અને બધાથી અલગ રહેવાનો સ્વભાવ ધરાવતી હશે .
અલબત્ત હવે આપણે જાણીએ છીએ કે લીંટ લોકોના વ્યક્તિત્વને અસર નથી કરતું અને રોગોનું કારણ પણ નથી બનતું. ઉપરથી તે આપણને રોગોથી બચાવવામાં મદદ કરે છે.
જો કે વહેતું નાક અને છીંક સાથે નીકળતું લીંટ કોઈને ગમતું નથી પરંતુ આપણા નાકમાં રહેલું આ લીંટ માનવ શરીરની એક અજાયબી છે . તે આપણને ઘૂસણખોરોથી બચાવેલ છે અને તેની અનોખી રચના આપણી અંદર શું ચાલી રહ્યું છે તેની ઊંડાણપૂર્વકની સમજ પણ પુરી પાડે છે. હવે વૈજ્ઞાનિકો કોવિડ-19 થી લઈને ફેફસાના ગંભીર રોગોનું વધુ સારી રીતે નિદાન અને સારવાર કરવા માટે લીંટ પર આધાર રાખી રહ્યા છે.
આ ચીકણો પદાર્થ આપણા નાકના અંદરના ભાગને રક્ષણ આપે છે. તે નાકના માર્ગોને ભેજયુક્ત બનાવે છે, અને કોઈ પણ બૅક્ટેરિયા, વાયરસ, પરાગ, ગંદકી, ધૂળ અને પ્રદૂષણને કે જે આપણા વાયુમાર્ગે આપણા શરીરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે છે તેને અટકાવે છે. સેંકડો નાના વાળની મદદથી આ લીંટ બહારની દુનિયા અને આપણી અંદરની દુનિયા વચ્ચે એક અવરોધનું કામ કરે છે.
યુકેમાં ઑક્સફોર્ડ યુનિવર્સિટીના શ્વસનને લગતા ચેપ અને રસીકરણના પ્રોફેસર ડેનિએલા ફેરેરા કહે છે કે,"પુખ્ત વયના લોકોનું શરીર દિવસમાં 100 મિલીલીટરથી વધુ લીંટ ઉત્પન્ન કરે છે. જો કે બાળકો પુખ્ત વયના લોકો કરતાં બાળકો વધુ લીંટ ઉત્પન્ન કરતાં હોય છે કારણ કે તેમનું શરીર પહેલી વાર વિશ્વના તમામ અણુઓના સંપર્કમાં આવવાનો અને તેનો સામનો કરવાનું શીખી રહ્યું હોય છે."
સરળ રીતો જોઈએ તો આપણા લીંટનો રંગ અને તેનું પ્રમાણ આપણને શું થઈ રહ્યું છે તે સમજવામાં મદદ કરે છે. એક રીતે આ લીંટ એ જોઈ શકાય તેવું થર્મોમીટર છે. સ્પષ્ટ લીંટ સાથે વહેતું નાક સૂચવે છે કે શરીર કદાચ કંઈક એવું બહાર કાઢી રહ્યું છે જે સાઇનસને પરેશાન કરી રહ્યું છે. જે બળતરા ઊભી કરે છે. આ પદાર્થો પરાગ અથવા ધૂળ હોઈ શકે. સફેદ લીંટનો અર્થ એ છે કે વાયરસ અંદર પ્રવેશી ગયા છે. કારણ કે સફેદ લીંટ આ ઘૂસણખોરો સામે લડવા માટે બોલાવવામાં આવેલા શ્વેત રક્તકણોને ઉત્પન્ન થાય છે. જ્યારે લીંટ વધુ ગાઢ અને પીળા અને લીલા રંગનું થઈ જાય છે તે ફક્ત મૃત શ્વેત રક્તકણોનો સમૂહ હોય છે. જે મોટી સંખ્યામાં એકઠા થયા પછી અને બહાર નીકળી જાય છે. જો તમારું લીંટ લાલ કે ગુલાબી હોય તો તેમાં લોહી શામેલ હોય શકે છે : કદાચ તમે તમારા નાકને ખૂબ ખંખેર્યું હોય અને તેના લીધે અંદરના ભાગમાં બળતરા થઈ હોય.
પણ લીંટને જોવું એ તો ફક્ત પ્રથમ પગલું જ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંતરડાના માઇક્રોબાયોમ જેવા કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ અને અન્ય સુક્ષ્મસજીવોની ઇકોસિસ્ટમ જે આપણા શરીરમાં રહેલી છે તે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ આપણાં વૈજ્ઞાનિકો માને છે કે આપણા નાકમાં રહેલું લીંટનું માઇક્રોબાયોમ પણ એટલું જ મહત્ત્વપૂર્ણ છે. હકીકતમાં વૈજ્ઞાનિકો હવે માને છે કે તે માનવ સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક તંત્રની કામગીરી સાથે જોડાયેલું છે.
દરેક વ્યક્તિમાં એક અનોખું લીંટનું માઇક્રોબાયોમ હોય છે. તે લિંગ, ઉંમર, સ્થળ, આહાર અને તમે વેપ કરો છો કે નહીં તેનાથી પણ પ્રભાવિત હોય છે. માઇક્રોબાયોમની બનાવટ ઘૂસણખોરોને રોકવામાં મદદ કરે છે અને આમાંની કેટલીક ક્રિયાપ્રતિક્રિયાઓ સૂક્ષ્મ હોય છે. ઉદાહરણ તરીકે, 2024 ના સંશોધનમાં જાણવા મળ્યું છે કે સંભવિત હાનિકારક સ્ટેફાયલોકોકસ બેક્ટેરિયા નાકમાં ટકી રહે છે અને વ્યક્તિને રોગનો ચેપ લગાવે છે, જેના કારણે તાવ અને પરુથી ભરેલા ફોલ્લા થાય છે, તે લીંટનું માઇક્રોબાયોમના બેક્ટેરિયાના આયર્નને કેવી રીતે પકડી રાખે છે તેના પર આધાર રાખે છે.
તંદુરસ્ત લીંટનું માઇક્રોબાયોમ કેવું દેખાય તેના પર ફેરેરા સંશોધન કરી રહ્યા છે. જેનાથી તેને રોજિંદા નાકના સ્પ્રેમાં નાખીને લીંટનાં સ્વાસ્થ્યને સુધારી શકાય, જેમ કે આંતરડાના સ્વાસ્થ્ય સુધારવા આપણે પ્રોબાયોટિક્સ લઈએ છીએ.
ફેરેરા કહે છે કે, "કલ્પના કરો કે તમે આપણા નાકમાં રહેલી ઘણી બધી પ્રજાતિઓને બદલી નાંખી શકો અને નવી વસાહત બનાવો. જે ખરાબ લોકોને અંદર ઘૂસવા દેતી નથી અને આપણને બીમાર પણ થવા દેતી નથી."
ફેરેરાના સાથીદારોએ એવા બૅક્ટેરિયા પસંદ કર્યા છે જે તેમના મતે સંપૂર્ણ સ્ક્નોઝલ માઇક્રોબાયોમ બનાવે છે, અને તેઓ તેનું પરીક્ષણ કરી રહ્યા છે કે શું આ બૅક્ટેરિયા લોકોના વાયુમાર્ગ પર કબજો કરી શકે છે અને તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે લાંબા સમય સુધી ટકી શકે છે.
ફેરેરા કહે છે કે લીંટનું માઇક્રોબાયોમ રોગપ્રતિકારક શક્તિ સાથે ખૂબ જ ગાઢ રીતે જોડાયેલું હોવાથી તેઓ રોગપ્રતિકારક શક્તિને કેવી રીતે વધારવી અને તેને રસીઓ પ્રત્યે વધુ ગ્રહણશીલ બનાવવી તેને સુધારવા માટે પણ તેનો અભ્યાસ કરી રહ્યા છે.
સંશોધન સૂચવે છે કે રસી પ્રત્યે શરીરની પ્રતિક્રિયા વ્યક્તિના માઇક્રોબાયોમ દ્વારા બદલાય છે.
ઉદાહરણ તરીકે, કોવિડ-19 રસી પરના અભ્યાસો સૂચવે છે કે તેણે લીંટના માઇક્રોબાયોમને અસર કરી, અને બદલામાં માઇક્રોબાયોમે રસી કેટલી કાર્યક્ષમતા અસર કરી.
ફેરેરા કહે છે કે, "કોવિડ-19 રસીએ આપણને બીમાર થવાથી સફળતાથી રોક્યા પરંતુ તે આપણને વાયરસનો ચેપ ફેલાવતા ના રોકી શકી."
"આપણે ખરેખર ઘણી સારી રસીઓ વિકસાવી શકીએ છીએ જેથી આવનારી પેઢીના લોકો બીમાર પણ ન પડે, પછી ભલે તે કોવિડ-19 હોય કે ફ્લૂ હોય કે અન્ય કોઈ શ્વસનતંત્રને લગતો વાયરસ હોય અને આ બધું જ નાકમાં રહેલી લીંટની રોગપ્રતિકારક શક્તિમાં રહેલું છે."
જ્યારે ફેરેરાને સંપૂર્ણ લીંટ માઇક્રોબાયોમ માટેની ચોક્કસ ફોર્મ્યુલા નક્કી કરવાના કાર્યમાં બે વર્ષ લાગી શકે તેમ છે, ત્યારે સ્વીડનમાં વૈજ્ઞાનિકોએ સ્વસ્થ લોકોના લીંટને એવા લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવાની શરૂઆત કરી છે જેઓ લાંબા સમયથી બંધ નાક અને પરાગરજથી આવતા તાવથી બીમાર પડતા હોય છે.
સંશોધકોએ 22 પુખ્ત વયના લોકોને પાંચ દિવસ સુધી દરરોજ તેમનાં સ્વસ્થ મિત્રો અને સાથીઓનાં નાકમાંથી લીધેલું લીંટ તેમનાં પોતાનાં નાકમાં લેવાનું કહેવામાં આવ્યું. તેમણે શોધ્યું કે, ઉદાહરણ તરીકે ઓછામાં ઓછા 16 દર્દીઓમાં ઉધરસ અને ચહેરાના દુખાવા જેવાં લક્ષણોમાં ત્રણ મહિનામાં લગભગ 40 ટકાનો ઘટાડો થયો હતો.
"આ અમારા માટે સારા સમાચાર હતા અને કોઈએ પણ કોઈ નકારાત્મક આડઅસરની જાણ કરી નથી," સ્વીડનની હેલ્સિંગબોર્ગ હોસ્પિટલના ઑટોરહિનોલેરિંગોલૉજી અને હૅડ ઍન્ડ નેક સર્જરીના સિનિયર કન્સલ્ટન્ટ ઍન્ડર્સ માર્ટેન્સને કહ્યું જેમણે આ અભ્યાસનું નેતૃત્વ કર્યું હતું.
તેમણે ઉમેર્યું કે, આ ટ્રાયલ આંતરડાના માઇક્રોબાયોમ્સ વિશે અન્ય પ્રયોગશાળાઓમાં કરવામાં આવેલા કાર્યથી પ્રેરિત હતા.
જોકે, તે પ્રથમ પાઇલટ પ્રોગ્રામમાં આ લોકોના લીંટના માઇક્રોબાયોમ્સ કેવી રીતે બદલાયા અને તેમના નાકમાં રહેલા ચોક્કસ બૅક્ટેરિયાનું શું થયું, તેઓ વધ્યા કે ઘટ્યા, વગેરે વિશે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી ન હતી. તેથી હવે બીજી મોટી અને વધુ ચોક્કસ અજમાયશ ચાલી રહી છે.
હકીકતમાં નાક અને ફેફસાના ક્રૉનિક રોગોમાં લીંટ એક મોટો અવરોધ બની શકે તેમ છે.
ફ્લોરિડા યુનિવર્સિટીના ઑટોલેરિંગોલૉજિસ્ટ જેનિફર મુલિગન ક્રૉનિક રાયનોસિનસાઇટિસ અને નાકના પૉલિપ્સ જેવી સમસ્યા ધરાવતા લોકોનો અભ્યાસ કરવા માટે લીંટનો ઉપયોગ કરે છે. આ પ્રકારની સમસ્યાથી વિશ્વની વસ્તીના લગભગ 5 થી 12 ટકા લોકો ધરાવે છે.
તેમની કારકિર્દીના શરૂઆતનાં વર્ષોમાં તેમને રાયનોસિનસાઇટિસના દર્દીઓમાંથી શસ્ત્રક્રિયા દ્વારા નાકના પેશીઓ કાઢવાની જરૂર પડી હતી.
હવે, તેમના સંશોધન દર્શાવે છે કે જ્યારે કોઈને રાયનોસિનસાઇટિસ થાય છે ત્યારે શરીરની અંદર શું થઈ રહ્યું છે તેની વધુ નજીકથી તપાસ કરવા માટે લીંટ એક સચોટ અવેજી હોઈ શકે છે.
તેઓ કહે છે કે,"અમે તેનો ઉપયોગ અહીં ખરેખર દોષિત ગુનેગારો કોણ છે, અને આ સ્થિતિ ખરેખર કોણ ફેલાવી હ્યું છે? તે શોધવા માટે કરી રહ્યા છીએ."
મુલિગન કહે છે કે, દરેક દર્દીની રાયનોસિનસાઇટિસનું કારણ માટે થોડી અલગ પ્રોફાઇલ હોય છે
તેવી જ રીતે પહેલાં સારવાર મોટે ભાગે અજમાયશ અને ભૂલો બાદ થતી હતી. જે દર્દીએ દર્દીએ બદલાતી હતી. કેટલીકવાર મહિનાઓ સુધી ચાલતી સારવાર માટે હજારો ડૉલરનો ખર્ચ થતો હતો.
મુલિગન સૂચવે છે કે લીંટનું વિશ્લેષણ ઝડપથી યોગ્ય સારવાર અથવા શસ્ત્રક્રિયા કરવી કે નહીં તેના નિદાનમાં મદદ કરી શકે છે.
મુલિગનની ટેકનિક માટે વિશ્વભરમાં અનેક ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યાં છે. સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીના એન્જિનિયરો દ્વારા શરૂ કરાયેલ ડાયગ-નોઝ જેવી ઊભરતી કંપનીઓ નાકના માઇક્રોસૅમ્પલિંગ માટે લીંટનું વિશ્લેષણ કરતી AI સિસ્ટમ્સ અને ઉપકરણો વિકસાવી રહી છે: 2025 માં તેમણે પ્રથમ FDAની મંજૂરી સાથે નાકના માઇક્રોસૅમ્પલિંગ કરતું ઉપકરણ લૉન્ચ કર્યું હતું. આ એક સૅમ્પલ ઉપકરણ હતું જે નાકમાંથી નીકળતા પ્રવાહીના ચોક્કસ જથ્થાને એકત્રિત કરે છે.
મુલિગન કહે છે કે, "આણે રોગ વિશે આપણે જે જાણીએ છીએ તેને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે, અને તે ભવિષ્યમાં દર્દીઓનું નિદાન કરવાની રીત અને સારવારને પણ બદલી નાંખશે"
મુલિગન પણ એ જ સ્નૉટ ટૂલ્સનો (લીંટનું વિશ્લેષણ કહતું ઉપકરણ) ઉપયોગ કરીને લોકો ગંધનો અનુભવ કેમ ગુમાવે છે તેનો પણ અભ્યાસ કરે છે. તેમની ટીમે પહેલાંથી જ શોધી કાઢ્યું છે કે વિટામિન-ડી નેઝલ સ્પ્રે એવા લોકોમાં ગંધની ભાવના પુનઃસ્થાપિત કરવામાં મદદ કરી શકે છે જેમણે ધૂમ્રપાનના લીધે ગંધ ગુમાવી દીધી છે.
મુલિગન કહે છે કે, "ફેફસામાં જે થાય છે તે નાકમાં થાય છે અને તેનાથી ઊલટું પણ થાય છે. તેથી આ નિદાન સાધનો અને ઉપચારનો ઉપયોગ ફેફસાના રોગો માટે પણ થઈ શકે છે. નવા સંશોધન સૂચવે છે કે દર્દીના નાકનાં લીંટમાં IL-26 પ્રોટીન કેટલું છે તેનું વિશ્લેષણ કરીને ડૉકટરો કહી શકે છે કે કોઈ વ્યક્તિને ફેફસાને લગતા ક્રૉનિક રોગ થવાની કેટલી સંભાવના છે. આ રોગ ધૂમ્રપાન કરનાર અને વિશ્વમાં મૃત્યુનું ચોથું સૌથી મોટું કારણ છે. લીંટના વિશ્લેષણ દ્વારા દર્દીઓનું વહેલું નિદાન કરી શકાય છે અને તેની સારવાર પણ ઝડપથી થઈ શકે છે.
તેવી જ રીતે વિશ્વભરની સંશોધન ટીમો અસ્થમા, ફેફસાંના કૅન્સર, અલ્ઝાઇમર અને પાર્કિન્સનને શોધવા માટે લીંટનો ઉપયોગ કરવાનાં સાધનો અને પદ્ધતિઓ વિકસાવી રહી છે. સ્નૉટનો ઉપયોગ રેડિએશન માપવા પણ થઈ શકે છે. તાજેતરના કેટલાકઅભ્યાસો સૂચવે છે કે નાકમાં રહેલું આ ચીકણું પ્રવાહી એ કોઈ વ્યક્તિ હવામાં રહેલી ભારે ધાતુઓ અને સૂક્ષ્મ કણો જેવા પ્રદૂષણના કેટલા સંપર્કમાં છે તે નિર્ધારિત રીતે કહી શકે છે.
મુલિગન કહે છે કે, "લીંટ એ વ્યક્તિગત દવાઓનું ભવિષ્ય છે. આમ હું દિલથી માનું છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન