આ માણસે એક વરસમાં 366 મૅરેથૉન દોડ પૂર્ણ કરી, હૃદય પર શું અસર થઈ?

    • લેેખક, જુલિયા ગ્રાન્ઝી
    • પદ, બીબીસી ન્યૂઝ, બ્રાઝીલ

2023માં હ્યુગો ફૈરિયસે 366 મૅરેથૉન દોડ પૂર્ણ કરીને રેકૉર્ડ બનાવ્યો હતો. મતલબ કે એમણે એક વર્ષ કરતાં વધારે સમય સુધી દરરોજ 42 કિલોમીટરથી વધુ દોડ લગાવી હતી.

વરસાદ હોય કે પછી તડકો પડતો હોય. બીમાર પડ્યા હોય કે કોઈ ઈજા થઈ હોય... હ્યૂગો ફૈરિયસ દોડતા રહ્યા.

આવી અસાધારણ ઉપલબ્ધિ જેના નામે બોલે છે એવા 45 વર્ષીય બ્રાઝિલિયન વેપારી હ્યુગોએ એક મેડિકલ અભ્યાસમાં ભાગ લીધો હતો.

જેમાં એ તપાસ કરાઈ હતી કે 12 મહિનામાં 15,000 કિમી દોડવાને કારણે એમના હૃદય પર શું અસર થઈ છે.

એમણે કહ્યું, "હું કોઈ મોટો ઍથ્લીટ નથી. આ પહેલાં મેં મારા જીવનમાં માત્ર એક જ મૅરેથૉનમાં ભાગ લીધો છે."

રોજિંદા જીવનમાં વધતા જતાં અસંતોષના પરિણામે એમણે નોકરી છોડવાનો અને સ્પૉર્ટસ-સંબંધિત પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો હતો.

નવો પડકાર ઝીલવાનો નિર્ણય

હ્યુગોએ બીબીસી ન્યૂઝ બ્રાઝિલને જણાવ્યું કે, "મારા જીવનમાં એક ક્ષણ એવી આવી કે જ્યારે મેં બધું જ અટકાવી દીધું અને વિચાર્યુ કે શું મારો જન્મ માત્ર આ માટે થયો? શું હું 35-40 વર્ષ સુધી આ જ કરવા માટે જન્મ્યો છું?"

હ્યુગો કહે છે, "આપણને બહુ નાની ઉંમરે શીખવાડવામાં આવે છે કે આપણે કારકિર્દીની પસંદગી કરીએ, ઠરીઠામ થઈએ, પરિવાર શરૂ કરીએ."

"મેં વિચારવાનું શરૂ કર્યું કે મારે લોકોને કંઈક અલગ કરવા પ્રેરિત કરવા જોઈએ અને આ માટે હું કંઈ પણ કરી શકું છું."

હ્યુગોએ વૈજ્ઞાનિક યોગદાન શું આપ્યું?

એમને બ્રાઝિલના નાવિક એમિર ક્લિંક પાસેથી પ્રેરણા મળી હતી જેમણે 1984માં દક્ષિણ ઍટલાન્ટિકને પાર કર્યો હતો. પણ એમની જેમ નૌકા ચલાવવાને બદલે તેમણે દોડવાનું નક્કી કર્યું.

હ્યુગો આગવી ઓળખ બનાવવા માગતા હતા. એટલા માટે એમણે એક એવા પડકાર તરફ નજર દોડાવી કે જે અગાઉ ક્યારેય પણ કોઈએ હાથમાં નહોતો લીધો.

બેલ્જિયમના ઍથ્લીટ સ્ટીફન એંગેલ્સ એક વર્ષમાં 365 મૅરેથૉન દોડ લગાવી ચૂક્યા છે, એમણે આનાથી વધુ મૅરેથૉન દોડની યોજના બનાવી.

હ્યુગોએ આઠ મહિનાની અંદર એક વિસ્તૃત યોજના તૈયાર કરી જેમાં યાત્રા, પ્રશિક્ષણ અને ઘણા પ્રોફેશનલોની મદદ લેવાનો વિચાર કર્યો.

તેઓ કહે છે, "મને ખબર હતી કે આ કામને હું એકલો પાર નહીં પાડી શકું. મેં ડૉક્ટરો, પ્રશિક્ષકો, ફિઝિયોથૅરપિસ્ટો અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ્સની એક ટીમ બનાવી.''

"સારી રીતે સેટ થઈ ગયેલી કારકિર્દીમાંથી હું એક અનિશ્ચિત કરિયર તરફ વળ્યો હતો. આવા જોખમી નિર્ણયથી ચિંતા અને અસુરક્ષાની ભાવના જન્મે એ સ્વાભાવિક છે. આ માનસિક તાણ ઓછી કરવા અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે એક એવા પ્રોફેશનલની મારે જરૂરિયાત હતી કે જે મારા વિચારને બરાબર સમજી શકે.''

હ્યુગોએ પોતાની પહેલમાં સામેલ થવા માટે જે વ્યાવસાયિક સંગઠનોને આમંત્રિત કર્યાં એમાં એક સાઓ પાઉલો હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઇનકોર હતા.

હ્યુગો કહે છે, "મેં સંસ્થાના કાર્ડિયોલૉજિસ્ટને પૂછ્યું કે શું તેઓ મારી સાથે કામ કરી શકે છે જેથી આ પડકારનો સામનો કરવા માટે મારું હૃદય કેવી રીતે પ્રતિક્રિયા આપશે તેનો અભ્યાસ થશે.''

"કારણ કે, આમ કરીને હું વિજ્ઞાનમાં પણ યોગદાન આપવા માગતો હતો." હ્યુગો સ્પષ્ટતા કરે છે.

કાર્ડિયોલૉજિસ્ટ અને સંશોધક મારિયા જેનિયર આલ્વેસે આ અભ્યાસમાં ભાગ લીધો.

તેઓ સમજાવે છે, "આવું પહેલાં કોઈએ કર્યું નથી. આની હૃદય પર પણ અસર થઈ શકે છે."

હૃદયરોગના જોખમ વિના આ પડકાર પાર પડે તે માટે વૈજ્ઞાનિકોએ હ્યુગો માટે મર્યાદા નક્કી કરી.

હ્યુગોએ દર ત્રણ મહિને એર્ગોસ્પાયરોમેટ્રી (વ્યાયામ દરમિયાન વ્યક્તિના શ્વસન અને ચયાપચય કાર્યોનું મૂલ્યાંકન કરવાની એક પદ્ધતિ) અને ઈસીજી (ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ) પરીક્ષણો કરાવવાં પડતાં હતાં.

આની પાછળનો હેતુ હૃદયમાં થતા સ્થૂળ અને સૂક્ષ્મ ફેરફારોની નોંધ રાખવાનો હતો અને શારીરિક વ્યાયામને કારણે શરીરમાં આવતા ફેરફારની નોંધ રાખવાનો હતો.

એક વર્ષની મૅરેથૉન દોડથી શરીરમાં કેવું પરિવર્તન આવ્યું?

હ્યુગોએ 28 ઑગસ્ટ, 2023ના રોજ આ પડકાર પૂર્ણ કર્યો. કુલ 15,569 કિમી દોડ પૂર્ણ કરવામાં તેમને લગભગ 1,590 કલાક લાગ્યા. આ સિદ્ધિથી તેમને ગિનીસ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન મળ્યું.

બે બાળકોના પિતા હ્યુગો હંમેશાં સવારે દોડતા, જેથી બાકીનો દિવસ પરિવાર સાથે વિતાવી શકે, દોડવાના તણાવમાંથી બહાર આવી શકે અને તેમના સ્નાયુઓને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.

તેવી જ રીતે, તે સાઓ પાઉલો રાજ્યના અમેરિકાના શહેરમાં હંમેશાં એક જ રસ્તે દોડતા હતા.

વૈજ્ઞાનિક જર્નલ આર્ક્વિવોસ બ્રાઝિલેરોસ ડી કાર્ડિયોલૉજિયામાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં તારણ કાઢવામાં આવ્યું છે કે જ્યારે કસરતનો સમયગાળો અને તીવ્રતા વધુ હોય ત્યારે હૃદયના સ્નાયુઓને નુકસાન થવાના કોઈ પુરાવા મળતા નથી.

હૃદયના સ્નાયુઓમાં થતા કોઈ પણ ફેરફારો મોટા ભાગે કુદરતી અને કોઈ પણ રોગનું સૂચન કરતા ન હતા.

ડૉ. આલ્વેસ કહે છે, "સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ અભ્યાસ એમ સૂચવે છે કે હૃદય માટે ઉચ્ચ સ્તરના વ્યાયામને અનુકૂળ થવું શક્ય છે, શરત માત્ર એટલી કે વ્યાયામની તીવ્રતા મધ્યમ હોવી જોઈએ."

સ્પૉર્ટ્સ કાર્ડિયોલૉજિસ્ટ ફિલિપો સવિઓલી બીબીસીને જણાવે છે, "આનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, જો તાલીમ વચ્ચે પૂરતો આરામ મળે તો, ચોક્કસ મર્યાદાઓ વચ્ચે પણ તાલીમ પામેલા રમતવીરનું હૃદય ખૂબ જ તીવ્ર તણાવને જીરવી શકે છે."

ફિલિપ્પો સવિઓલીએ જણાવ્યું કે, "હ્યુગો મધ્યમ તીવ્રતાથી દોડતા હતા. એમના હૃદયની ગતિ સામાન્ય રીતે 140 બીપીએમ હતી જે એમની ઉંમર પ્રમાણે અપેક્ષિત હૃદયની ગતિથી લગભગ 70થી 80 ટકા હતી."

ડૉ. સેવિઓલીના મતે લાંબા સમય સુધી દૈનિક કસરત દરમિયાન પણ આ સીમામાં દોડવાથી, એરિથમિયા, ઇન્ફલેમેશનનું જોખમ ઓછું થાય છે."

તેમણે ધ્યાન દોર્યું કે જો હ્યુગોએ આ પડકારને વધુ પડતી તીવ્રતાથી સ્વીકાર્યો હોત, તો તેનાં પરિણામો હાનિકારક હોત અને ચેતવણી આપી હતી કે પૂરતી તાલીમ અથવા તબીબી દેખરેખ વિના આવા પડકારને સ્વીકારવો જોખમી છે.

તેમણે કહ્યું, "આની સાથે જોડાયેલું જોખમ વગર વિચાર્યે ખેડવા જેવું નથી, આ જોખમ બિલકુલ સલાહભર્યું નથી."

તેમણે ચેતવણી આપી કે "જો તમે યોગ્ય તૈયારી વિના આમ કરો છો, તો ગંભીર ઈજા, જેમ કે ધબકારામાં વધઘટ, સોજો અથવા તો અચાનક મૃત્યુનું જોખમ રહેલું છે."

હ્યુગો માટે અભ્યાસનાં પરિણામો આશ્ચર્યજનક હતાં.

હ્યુગો કહે છે, "મેં જે સ્તરે ફિટનેસ મેળવી એની ક્યારેય કલ્પના નહોતી કરી. વળી એ પણ કોઈ આડઅસર વગર. આ વાત મહત્ત્વની છે."

"જોકે આ પડકાર ઝીલવામાં કોઈ જોખમ પણ નથી. ઠંડી, તડકો, વરસાદ, ટ્રાફિક, ઈજા જેવા તમામ પડકારો મેં ઝીલ્યા છે."

મૅરેથૉન દોડમાં હ્યુગોને લૂઝ મોશન થયું. હ્યુગો કહે છે, "મેં ચાર કિલો વજન ઘટાડ્યું અને મારા ખોરાક અને પાણીની માત્રાને સંતુલિત કરી. પણ આમ છતાં હું આગળ વધતા રહ્યો."

તેમની 120મી મૅરેથૉન દોડતી વખતે, તેમને પ્લાન્ટર ફૈસિટીસ (પગના નીચેના ભાગમાં થતી પીડાદાયક બળતરા) થયો કે જે લાંબા અંતરના દોડવીરો માટે સામાન્ય છે.

આ પછી, 140મી મૅરેથૉન દરમિયાન તેમને કમરમાં ઈજા થઈ, જેને પ્યૂબાલ્જિયા અથવા સ્પૉર્ટસ હર્નિયા પણ કહેવામાં આવે છે. જે પેટના નીચેના ભાગમાં અને જાંઘની અંદરના ભાગમાં સ્નાયુઓને અસર કરે છે.

હ્યુગોએ આ અનુભવ અંગે એક પુસ્તક પણ લખ્યું છે અને દોડવાનું ચાલુ રાખ્યું છે.

તેઓ હવે અમેરિકન મહાદ્રીપ- અલાસ્કામાં પ્રુધો ખાડીથી લઈને આર્જેન્ટીનામાં ઉશુઆઈયા સુધી દોડવા માગે છે.

હ્યુગોએ કહ્યું એ પ્રમાણે એમનો હેતુ શારીરિક કસરતના લાભો અને મનુષ્યની અંદર પડેલી અદભુત ક્ષમતાઓ વિશે વૈશ્વિક જાગૃતિ કેળવવાનો છે.

હ્યુગો કહે છે, "કોઈને પણ રોજ મૅરેથૉન દોડવાની જરૂરિયાત નથી. પણ દરેકને પોતાની ક્ષમતાઓ પર ભરોસો હોવો જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન