ચાંદીપુરા : ગુજરાતમાં શંકાસ્પદ વાઇરસથી બાળકોનાં મોત, કેવી રીતે ફેલાય છે અને ઇલાજ શું છે?

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતમાં 2024માં અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા વાઇરસે હાહાકાર મચાવ્યા પછી આ વર્ષે પણ બાળકોમાં ચાંદીપુરા વાઇરસ અને મગજના તાવના કેસ આવ્યા છે જેમાં ખેડા, દાહોદ અને પંચમહાલમાં બાળકો મૃત્યુ પામ્યાં છે.

ખેડા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસથી એક બાળકનું મોત થયું છે. બીજા એક બાળકને ચાંદીપુરા જેવાં લક્ષણો દેખાતાં હતાં અને સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. પરંતુ તેનામાં આ વાઇરસ કન્ફર્મ થયો નથી.

આ ઉપરાંત પંચમહાલ જિલ્લામાં ત્રણ બાળકો મગજના તાવ અને સોજાથી મૃત્યુ પામ્યાં છે જેને ચાંદીપુરા હોવાનો સત્તાવાળાઓએ ઇનકાર કર્યો છે. દાહોદમાં પણ એક બાળકનું ગયા અઠવાડિયે મૃત્યુ થયું છે.

ચાંદીપુરા વાઇરસ અને મગજનો તાવ શું છે?

ચાંદીપુરા વાઇરસ અને વાઇરલ ઍન્સેફેલાઇટિસ (મગજનો તાવ)નાં લક્ષણો લગભગ એક સરખા છે અને ચોમાસાની ઋતુમાં ગુજરાતના ચોક્કસ ભાગોમાં જોવા મળે છે.

પંચમહાલના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (સીડીએચઓ) ડૉ. વિપુલ ગામીતે આ વિશે બીબીસીને જણાવ્યું કે, "ગોધરા, ખેડા, દાહોદ, મહીસાગર વગેરે જિલ્લા ચાંદીપુરા વાઇરસનું જોખમ ધરાવતા વિસ્તારો છે. અહીં આ સિઝનમાં બાળકોમાં ઍન્સેફેલાઇટિસ પણ જોવા મળે છે જે એક મગજનો તાવ છે જેમાં મગજમાં સોજો આવે છે."

તેમણે કહ્યું કે, "આ તાવ 15 વર્ષથી ઓછી વયનાં બાળકોને અસર કરે છે. સૅન્ડ ફ્લાય નામની એક માખીથી તે ફેલાય છે."

"આ વિસ્તારમાં ઘણાં ઘરોની દીવાલો પર પ્લાસ્ટર નથી હોતું. તેથી તેના છિદ્રોમાં સૅન્ડ ફ્લાય ઈંડાં મૂકે છે અને ચોમાસાની શરૂઆતની સિઝનમાં તેના માટે અનુકૂળ વાતાવરણ બને છે. નાનાં બાળકો તેનો શિકાર બનતાં હોય છે."

ખેડાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) ડૉ. વિધવાનસિંહ એચ ધ્રુવે બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે, "ત્રણ બાળકોમાં વાઇરલ ઍન્સેફેલાઇટિસ દેખાયો હતો જેનાં સૅમ્પલ કરાવવામાં આવ્યાં હતાં."

"તેમાંથી એક બાળકનું અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. બીજો કેસ માતરનો હતો જેની સારવાર નડિયાદની હૉસ્પિલમાં કરવામાં આવી હતી. તે બાળક સાજો થઈ ગયો છે અને રજા આપવામાં આવી છે. ત્રીજો બાળક ગળતેશ્વર તાલુકાના મેનપુરા ગામનો હતો જેનું ગોધરા જીએમઈઆરએસ મેડિકલ કૉલેજમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે."

તેમણે કહ્યું કે, "મેનપુરામાં મૃત્યુ પામેલા બાળકના સૅમ્પલનું રિઝલ્ટ હજુ આવ્યું નથી. ક્લિનિકલી જોવામાં આવે તો જે બાળકો મૃત્યુ પામ્યાં તેમને ચાંદીપુરા વાઇરસ હોવાની શંકા છે. એટલે કે એક કેસ ચાંદીપુર વાઇરસનો કન્ફર્મ છે, એક કેસ નૅગેટિવ આવ્યો છે અને એકના રિપોર્ટની રાહ જોવાય છે."

અમદાવાદ સ્થિત પીડિયાટ્રિશિયન ડૉ. મોના દેસાઈએ બીબીસીને કહ્યું કે, "મગજના તાવમાં 103થી 104 ડિગ્રી સુધી તાપમાન જતું હોય છે જે દવા આપવાથી પણ જલ્દી ઊતરતો નથી. આ ઉપરાંત બાળકને ખેંચ આવે છે."

તેઓ કહે છે, "સૌથી પહેલાં તો ટેમ્પરેચર કંટ્રોલમાં લાવવું પડે નહીંતર જ્ઞાનતંતુઓને અસર થઈ શકે. અત્યંત તીવ્ર વાઇરસનો ચેપ હોય તો સિરિયસ કિસ્સામાં, રોગપ્રતિકારક શક્તિ બહુ ઓછી હોય તો બાળક કોમામાં પણ જઈ શકે છે.

ચાંદીપુરામાં પણ આવાં જ લક્ષણો હોય છે જેની શરૂઆતમાં શ્વાસ ચઢે છે અને શરૂઆતમાં માઇલ્ડ સ્વરૂપમાં ફ્લુ જેવું લાગે છે."

પંચમહાલના સીડીએચઓ ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું કે આ રોગ અચાનક, ઝડપથી પ્રસરે છે અને આઠ-નવ કલાકમાં બાળકને હાઈ-ગ્રેડ તાવ આવવા લાગે, ખેંચ આવે તેનાથી બાળક બેહોશ થઈ શકે છે. તેમણે સ્પષ્ટતા કરી કે આ બધા કેસ ચાંદીપુરા વાઇરસના છે તે કન્ફર્મ નથી. પંચમહાલમાં જે ત્રણ બાળકોનાં મૃત્યુ થયાં તેની પાછળ ઍક્યુટ ઍન્સેફેલાઇટિસ જવાબદાર છે જેને મગજનો તાવ પણ કહેવાય છે.

તેમણે જણાવ્યું કે હાલમાં આઈસીએમઆરની રિસર્ચ ટીમ આવેલી છે જે સૅન્ડ ફ્લાય જંતુઓને પકડે છે, તેઓ અલગ-અલગ મચ્છર અને ટિક માખીને પકડીને રિસર્ચ કરશે.

જે ત્રણ બાળકોનાં મૃત્યુ થયાં તેમનાં સૅમ્પલ લીધાં હતાં અને અમદાવાદ બાયોટેકનૉલૉજી લૅબમાં સૅમ્પલ મોકલ્યાં હતાં. તેમાં ચાંદીપુરાના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે.

ડૉ. વિપુલ ગામીતે જણાવ્યું કે પંચમહાલમાં જે બાળકો મૃત્યુ પામ્યાં તેમના ચાંદીપુરાના રિપોર્ટ નૅગેટિવ આવ્યા છે. બાળકોમાં મગજનો સોજો અને બીજાં લક્ષણો સરખાં હોય છે તેથી હજુ રિસર્ચનો વિષય છે.

ત્રણેય કેસમાં બાળકોને સિવિલ હૉસ્પિટલમાં સારવાર અપાઈ હતી. ત્યાર પછી વેન્ટિલેટરની જરૂર પડી ત્યાર બાદ બાળકોને એસએસજી વડોદરા મોકલવામાં આવ્યાં હતાં જેમાં બાળકોનાં મોત થયાં છે. હજુ એક શંકાસ્પદ કેસ છે જે સારવાર હેઠળ છે.

ડૉ. વિપુલ ગામીતે બીબીસીને જણાવ્યું કે, "ગુજરાતમાં રાજપીપળાથી ઉપરના એરિયામાં છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, મહીસાગર વગેરેમાં આવા કેસ આવતા હોય છે. તાજેતરમાં આવો એક શંકાસ્પદ ભરુચમાં પણ આવ્યો છે."

તેમણે કહ્યું કે, "અમારા એક સ્ટડી પ્રમાણે એજન્ટ, હૉસ્ટ અને એન્વાયર્નમેન્ટ ભેગા થાય ત્યારે આ વાઇરસ ઍક્ટિવ થાય છે. લગભગ 15 દિવસની આસપાસ આ રોગચાળો રહે છે અને મેલિથિયોન પાઉડર છાંટવામાં આવે છે માખી છ ફૂટથી વધારે ઊડી શકતી નથી."

ડૉ વિપુલ ગામીતે જણાવ્યું કે એક બાળકને એસએસજી વડોદરામાં દાખલ કરવામાં આવેલું છે.

બીબીસી સાથે વાત કરતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ખેડા, ડૉ. વી. એચ. ધ્રુવેએ કહ્યું કે ચાંદીપુરા અને ઍન્સેફેલાઇટિસમાં લક્ષણો સરખાં જ છે. તેમાં રાતના સમયે તેજ તાવ આવે, ઝાડા ઊલ્ટી થાય, ખેંચ આવે અને પેશન્ટ ઘણી વાર બેહોશ થઈ જાય છે.

તેમણે કહ્યું કે "આનો કોઈ ઇલાજ નથી તેથી સપોર્ટિવ ટ્રીટમેન્ટની જરૂર પડે છે. બાળકને તાત્કાલિક જિલ્લાની મેડિકલ કૉલેજમાં ટર્શરી સારવાર મળે તો બચી જવાની શક્યતા રહે છે."

"કેટલાંક બાળકોને શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે વેન્ટિલેટરની પણ જરૂર પડતી હોય છે. તેમણે દાવો કર્યો કે ચાલુ સિઝનમાં આ ત્રણ જ શંકાસ્પદ મળ્યા છે. ચોમાસાની સિઝનમાં શરૂઆતના દિવસોમાં આવા કેસ જોવા મળતા હોય છે, ભારે વરસાદ પડે પછી આવા કેસ રહેતા નથી."

રાજ્ય સરકારે સર્વેની સૂચના આપી છે જેમાં કાચી ઈંટોના ઘર બનાવીને તેના પર પ્લાસ્ટર કર્યું ન હોય તો તેના પર મેલેથિયોન પાઉડરનું છંટકાવ કરવામાં આવ્યો છે. ત્યાર બાદ તેના પર સિમેન્ટ કે માટીનું લીપણ કરવું પડે.

તેમણે જણાવ્યું કે આવા કેસમાં બાળકને શક્ય એટલી ઝડપે પીડિયાટ્રિશિયન પાસે પહોંચાડવામાં આવે તે જરૂરી છે.

  • કાચા ઘરની ભેજવાળી દીવાલોમાં સેન્ડ ફ્લાય અને બીજા જંતુઓ પોષણ મેળવે છે તેથી તેના પર પ્લાસ્ટર કરાવવું જોઈએ
  • પ્લાસ્ટર કરાવવું ન હોય તો જંતુનાશક પાઉડરનું ડસ્ટિંગ કરીને તિરાડો પૂરવાની કામગીરી કરવામાં આવે છે
  • ઘરની આજુબાજુ ગંદકી ન થાય તેનો ખ્યાલ રાખો
  • ઘરના આંગણામાં કે નજીકમાં ઢોરઢાંખર રાખવામાં આવતા હોય તો સફાઈ રાખો
  • બાળકમાં વાઇરસનાં કોઈ લક્ષણ દેખાય તો તરત જિલ્લા આરોગ્ય કેન્દ્ર અથવા બાળરોગના નિષ્ણાત પાસે લઈ જાવ.

ચાંદીપુરા વાઇરસની ઓળખ ભારતમાં સૌપ્રથમ 1965ની સાલમાં થઈ હતી. મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં તાવ અને અન્ય શારીરિક તકલીફની ફરીયાદ કરતાં બે બાળકોની લોહીની તપાસ કરવામાં આવી હતી. રિપોર્ટમાં નવા વાઇરસના કારણે બીમારી થઈ હોવાનું બહાર આવ્યું હતું.

ચાંદીપુરા ગામમાં નવા વાઇરસની ઓળખ થઈ હોવાથી તેને ચાંદીપુરા વાઇરસ નામ આપવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ આ વાઇરસ એટલી દેખા દીધી નહોતી. મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને રાયપુરમાં એકલદોકલ કેસ સામે આવ્યા હતા.

સાલ 2003માં આંધ્ર પ્રદેશમાં ચાંદીપુરમ વાઇરસ કેર વર્તાવ્યો હતો. જૂનથી સપ્ટેમ્બરની વચ્ચે રાજ્યમાં 329 બાળકોને વાઇરસનો ચેપ લાગ્યો હતો જેમાંથી 183 બાળકો મૃત્યુ પામ્યાં હતા. વાઇરસના કારણે મૃત્યુ પામનાર બાળકોની અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા છે. સાલ 2005, 2007 અને 2008માં પણ આંધ્ર પ્રદેશમાં ચાંદીપુરાના કેસ સામે આવ્યા હતા પરંતુ સંખ્યા નાની હતી.

સાલ 2007, 2009 અને 2019માં મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં આ વાઇરસના કેસ મળી આવ્યા હતા. મહારાષ્ટ્રમાં આ વાઇરસના કારણે અત્યાર સુધી 115 બાળકોનાં મૃત્યુ થયું હોવાના અહેવાલ છે.

ગુજરાતમાં પણ સાલ 2005, 2009 અને 2019માં ચાંદીપુરા વાઇરસના કેસ નોંધાયા છે. રાજ્યમાં મોટાભાગે મધ્ય ગુજરાતમાં જ ચાંદીપુરાના કેસ સામે આવ્યા હતા. વાઇરસના કારણે 24 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. પાંચ વર્ષ બાદ ફરીથી ચાંદીપુરાના કેસ ગુજરાતમાં સામે આવ્યા છે. 2024માં પણ ચાંદીપુરા વાઇરસને કારણે ગુજરાતમાં બાળકો મૃત્યુ પામ્યાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન