સુરતમાં હવે કૂતરાં પાળવાના નિયમો બદલાયા, આ નિયમોથી કેમ થઈ રહ્યો છે વિવાદ?

    • લેેખક, રૂપેશ સોનવણે
    • પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી

સુરત મહાનગરપાલિકાએ તાજેતરમાં કૂતરું પાળવા અંગે એક નવું ફૉર્મ અને ઍડવાઇઝરી જાહેર કરી છે જેનાથી મોટો વિવાદ થઈ ગયો છે.

આ નિયમો ઘરમાં કૂતરું પાળવા અંગેના છે. આ નિયમો પ્રમાણે હવે રહેવાસીઓને તેમની સોસાયટીના પ્રમુખની લેટરપેડ પર સહી અથવા તો આજુબાજુના 10 લોકો પાસેથી નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવવું પડશે.

સુરતના કેટલાક નાગરિકો આ મુદ્દે વિરોધ કરી રહ્યા છે.

સુરત મહાનગરપાલિકાનું કહેવું છે કે આ નિયમો નવા નથી અને 2008માં બનેલા છે. તેઓ માત્ર તેનો કડકાઈથી અમલ કરાવી રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ અમદાવાદમાં એક ચાર મહિનાની બાળકીને રૉટવાઇલર કૂતરાએ ફાડી ખાધી હતી. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને કૂતરાંનાં રજિસ્ટ્રેશન અંગેના નવા નિયમો જાહેર કર્યા હતા. હવે સુરતમાં પણ આ પ્રકારના નિયમોની અમલવારી થઈ છે.

કૂતરું પાળવા અંગેના આ નિયમોમાં એવું શું છે કે જેનાથી વિવાદ થઈ રહ્યો છે? લોકો કેમ તેનો વિરોધ કરી રહ્યા છે?

સુરતમાં કૂતરું પાળવા અંગે કેવા નિયમો બહાર પાડ્યા છે?

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે આ અંગે એક ફૉર્મ બહાર પાડ્યું છે. કૂતરું પાળનાર વ્યક્તિએ આ ફૉર્મ થકી મંજૂરી લેવાની છે.

આ ફૉર્મમાં કૂતરાંની સંખ્યા, ઉંમર, કૂતરાંની પ્રજાતિ, જે જગ્યાએ કૂતરું રાખવામાં આવશે તેની પ્રાથમિક માહિતી તો માંગવામાં આવી જ છે. પરંતુ એ સિવાય પણ અમુક વિગતો માંગવામાં આવી છે. આ વિગતો નીચે મુજબ છે.

  • કૂતરાંનું રસીકરણ સર્ટિફિકેટ
  • કૂતરાંનો ફોટો
  • નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)

જો સોસાયટી કે ઍપાર્ટમેન્ટ્સમાં રહેતા હોવ, તો સોસાયટીના પ્રમુખનું સોસાયટીના લેટરપેડ પર NOC અને જો શેરી કે મહોલ્લો હોય તો આજુબાજુના 10 પાડોશીઓ તરફથી NOC માંગવામાં આવશે.

'આ સિવાય કૂતરું ક્યાંય જાહેર રસ્તાઓ પર શૌચ કરીને અથવા કોઈપણ રીતે ગંદકી ન ફેલાવે અથવા તો રાહદારીઓને પરેશાન નહીં કરે' – આ પ્રકારની બાંહેધરી 300 રૂપિયાના સ્ટૅમ્પ પેપર પર નૉટરી સાથે આપવાની રહેશે.

આ સિવાય એવો પણ નિયમ લખવામાં આવ્યો છે કે ઘરદીઠ એક જ કૂતરું રાખી શકાશે.

સુરતના શ્વાનપ્રેમીઓનો વિરોધ

સુરતમાં અનેક લોકો આ નિયમોને લઈને વિરોધ કરી રહ્યા છે.

3 જુલાઈના રોજ કેટલાક લોકોએ કલેક્ટર કચેરીએ જઈને પણ આ મુદ્દે આવેદનપત્ર આપ્યું હતું.

આ લોકો પૈકીના એક એવા ચિંતન ઠક્કરે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, " જે લોકો કૂતરાંનો વિરોધ કરી રહ્યા છે તેવા લોકો અથવા તો સુરત મહાનગરપાલિકાના લોકોને હું કહેવા માંગું છું કે અમે અમારાં કૂતરાંની સંભાળ જાતે જ લઈએ છીએ. એક કૂતરાને સાચવવા માટે 10 લોકોની જરૂર નથી."

તેમણે કહ્યું હતું કે, "અમારો વિરોધ નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટની સામે છે. મારા ઘરમાં કૂતરું રાખવા માટે કેમ મારે 10 લોકોને પૂછવાની જરૂર પડે? એ લોકો હવે એવું પણ કહી રહ્યા છે કે ઘર દીઠ એક જ કૂતરું રાખવાનું છે. તો જેમની પાસે એકથી વધારે કૂતરાં છે તો તેમને ક્યાં મોકલવામાં આવશે? અમે રજિસ્ટ્રેશન અને અન્ય માગણી પૂરી કરીશું પણ NOC અમને સ્વીકાર્ય નથી."

સુરતનાં અન્ય એક શ્વાનપ્રેમી અંગિમા પવારનું પણ કહેવું છે કે NOCનો નિર્ણય પાછો ખેંચાવો જોઈએ.

તેઓ કહે છે, "લોકો તો કૂતરાંને ખાવાનું પણ આપતા નથી, તેઓ અમને આવું સર્ટિફિકેટ કેવી રીતે આપશે. એમાં પણ 10 લોકોનું સર્ટિફિકેટ લેવા જવું એ વ્યવહારુ નથી. તેમણે ઘરદીઠ એક જ કૂતરું રાખવાનો પણ નિયમ રાખ્યો છે. સુરત મહાનગરપાલિકાના આ નિર્ણય પછી પાડોશીઓએ પણ અમને પરેશાન કરવાનું શરૂ કરી દીધું છે."

પરંતુ કેટલાક લોકો તંત્રના આ નિર્ણયને આવકારી પણ રહ્યા છે.

આકાશ મશરૂવાળાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "જો હું મારા પરિવાર વિશે વિચારું, તો મારે આ નિર્ણયનું સમર્થન કરવું જોઈએ."

તેઓ કહે છે, "સુરત જેવા શહેરમાં તો રસ્તા પર રખડુ કૂતરાં દિવસે ને દિવસે વધી રહ્યાં છે. તેના કારણે અમારે અમારાં બાળકોનું પણ ધ્યાન રાખવું પડે છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં લેતાં આ નિર્ણય બરાબર છે. પરંતુ હું એ પણ પૂછવા માંગું છું કે હવે કેમ? મોટી ઘટના બને એ પછી જ કેમ નિર્ણય લેવાય છે? તમારે સતત આ ધ્યાન રાખવાનું હોય છે. આ નિર્ણયથી કેટલાક કૂતરાંના માલિકોને મુશ્કેલી પડશે, પરંતુ કેટલાંક પગલાં જરૂરી હોય છે. "

સુરત મહાનગરપાલિકાનું શું કહેવું છે?

સુરત મહાનગરપાલિકાના માર્કેટ સુપ્રિટેન્ડેટ ડૉ. દિગ્વિજય રામે આ અંગે મીડિયા સાથે વાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, "અમે પાલતું કૂતરાંઓને લઈને લાયસન્સિંગ અને રજિસ્ટ્રેશન માટે 2008માં જ નિયમો બનાવેલા છે. અમે તેમાં કૂતરાંની સામાન્ય માહિતી અને NOC માંગીએ છીએ."

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેનું અમલીકરણ તાજેતરમાં કેમ કડકાઈથી કરવામાં આવી રહ્યું છે તો તેમણે જવાબ આપ્યો હતો કે, "તાજેતરમાં જ અમદાવાદમાં એક ભયાનક ઘટના બની હતી જેમાં રોટવિલર બ્રીડના કૂતરાને કારણે એક બાળકીનું મૃત્યુ થયું હતું. આ ગંભીર ઘટના હતી. આવું ફરીવાર ન બને તેના માટે તકેદારી રાખવા અમે આ ડ્રાઇવ શરૂ કરી છે. અમે 800થી વધુ માલિકોને નોટિસો આપી છે. અમે તાજેતરમાં 150થી વધુ અરજીઓ સ્વીકારી પણ છે."

અમદાવાદમાં તાજેતરમાં જ બન્યો હતો હતો બનાવ

આ વર્ષે જ મે મહિનામાં અમદાવાદના હાથીજણ વિસ્તારમાં પાળેલા કૂતરાએ હુમલો કરતા ચાર મહિનાની બાળકીનું મોત થયું હોવાની ઘટના સામે આવી હતી.

આ ઘટનામાં સોસાયટીમાં કૂતરો લઈને ફરવા નીકળેલાં મહિલાના હાથમાંથી છટકીને કૂતરાએ હુમલો કર્યો હતો.

કૂતરાએ અચાનક બાળકીનાં માસી પર પહેલાં હુમલો કર્યો બાદમાં બાળકી પર હુમલો કર્યા હતો. આ ઘટનામાં બાળકીનું મૃત્યુ થયું હતું.

કૂતરાના માલિકે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં કૂતરાનું રજિસ્ટ્રેશન કરાવ્યું ન હતું.

કૂતરાએ માનવમૃત્યુ નિપજાવ્યું હોવાથી એએમસીએ તેને જપ્ત કરીને વૅલનૅસ સેન્ટર પર રાખવામાં આવ્યું હતું.

આ કૂતરું રૉટવાઇલર બ્રીડનું હતું. આ ઘટના પછી બાળકીના પરિવારે ફરિયાદ નોંધાવી હતી અને આ ઘટના સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન