તાલિબાને મહિલાઓને જાહેરમાં બોલવા પર મનાઈ ફરમાવી, બીજા કયાં નિયંત્રણો મૂક્યાં

    • લેેખક, અલી હુસૈની
    • પદ, બીબીસી ન્યૂઝ ફારસી

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે મહિલાઓ પર અનેક પ્રકારનાં નિયંત્રણો મૂક્યા છે. આ નિયંત્રણો માટે તેણે ગયા સપ્તાહે ખાસ કાયદો પસાર કર્યો છે.

આ નવા કાયદા હેઠળ મહિલાઓને ઘરની બહાર જોરથી બોલવા પર અને જાહેર સ્થળોએ ચહેરો દેખાડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.

તાલિબાને જાહેર સ્થળોએ ચહેરો ઢાંકી રાખવાનો આદેશ મહિલાઓને આપ્યો છે.

મૉરાલિટી મંત્રાલયે જણાવ્યુ હતું કે આ કાયદામાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં.

આ કાયદા હેઠળ તાલિબાનની મૉરાલિટી પોલીસ એ વાતનું ધ્યાન રાખશે કે જાહેર સ્થળોએ મહિલાઓએ શું પહેર્યું છે.

મૉરાલિટી મંત્રાલય પહેલેથી શરિયત કાયદા પર આધારિત આ જોગવાઈઓનો અમલ કરાવી રહ્યું છે. તેનું પાલન નહીં કરનારા હજારો લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે.

તાલિબાનના કહેવા મુજબ, આ નિયમો ઇસ્લામની શરિયત પ્રણાલીને આધારે બનાવવામાં આવ્યા છે. મૉરાલિટી પોલીસ તેનો અમલ કરાવશે.

તાલિબાનના સર્વોચ્ચ નેતા હિબતુલ્લાહ અખુંદઝાદાએ આ સંદર્ભે 2022માં જ આદેશ આપ્યો હતો, પરંતુ હવે આ આદેશને ઔપચારિક રીતે કાયદા તરીકે અપનાવવામાં આવી રહ્યો છે.

કાયદામાં મહિલાઓ પર ક્યા પ્રતિબંધ?

  • મહિલાઓએ તેમનું આખું શરીર ઢાંકવું પડશે.
  • જાહેર સ્થળોએ મહિલાઓએ ચૂપ રહેવું પડશે.
  • જાહેર સ્થળો ઉપરાંત ઘરમાં પણ ગીત ગાવાની અને જોરથી વાંચવાની મનાઈ છે.
  • કપડાં તંગ ન હોવાં જોઈએ.
  • પરાયા પુરુષથી શરીર અને ચહેરો છૂપાવવાં પડશે.

નવા કાયદામાં મહિલાઓ ઉપરાંત પુરુષો પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યા છે. પુરુષોને કોઈ મહિલાનું શરીર અને ચહેરો જોવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સ્ત્રીઓને પણ આવું જ કરવાનું જણાવવામાં આવ્યું છે.

પુરુષોએ શું કરવું પડશે?

  • પુરુષોએ શરિયત મુજબની હૅર-સ્ટાઈલ રાખવી પડશે.
  • પુરુષોને ટાઈ પહેરવાં પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ બાબતને ધ્યાનમાં રાખીને તાલિબાને અનેક ઠેકાણે પુરુષો દ્વારા દાઢી ટ્રિમ કરાવવા અને શૅવિંગ કરાવવાથી માંડીને વાળ કપાવવા સુધીની મનાઈ ફરમાવી છે. તાલિબાનનો દાવો છે કે તે શરિયતનો અમલ કરે છે.

મૉરાલિટી પોલીસ શું કામ કરશે?

અફઘાનિસ્તાનની મૉરાલિટી પોલીસ, તમામ સ્થળોએ કાયદાનું પાલન થઈ રહ્યું છે કે નહીં તે જોવાનું કામ કરશે. પોલીસનું કામ કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને કોર્ટમાં લઈ જવાનું પણ છે.

મૉરાલિટી પોલીસની સત્તામાં અગાઉ કરતાં ઘણો વધારો થયો છે, કારણ કે તેમને હિબતુલ્લાહ અખુંદઝાદાનો ટેકો છે.

તેથી મૉરાલિટી પોલીસની જવાબદારી હશે કે મહિલાઓ અને પુરુષો નવા કાયદાનું પાલન કરે. એ ઉપરાંત પોતાના પિતા કે ભાઈ જેવા કોઈ પુરુષની સાથે ન હોય તેવી મહિલાને ટૅક્સીમાં ક્યાંય લઈ જતા ટૅક્સી ડ્રાઈવરોને પણ મૉરાલિટી પોલીસ અટકાવી શકશે.

આ દરમિયાન સ્ત્રીઓએ હિજાબ પહેરવાનો રહેશે. એ સિવાય કારમાં સ્ત્રી અને પુરુષને બાજુબાજુમાં બેસવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

નવા કાયદાની જોગવાઈ

નવા કાયદા હેઠળ જીવંત પ્રાણીઓની તસવીરો બનાવવાં કે પ્રકાશિત કરવાં પર પણ પ્રતિબંધ છે. તેથી કોઈ પક્ષી, પ્રાણી કે પરિવારના સભ્યની તસવીર બનાવી શકાશે નહીં.

નવા નિયમ હેઠળ જીવંત પ્રાણીઓની પ્રતિમા ખરીદવા કે વેચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

નવા કાયદા હેઠળ મૉરાલિટી પોલીસ રેડિયો તથા ટેપ રેકૉર્ડરનો ખોટો ઉપયોગ પણ અટકાવી શકશે.

તેનું કારણ એ છે કે શરિયત કાયદામાં ગીત વગાડવું હરામ છે. એ સિવાય કોઈ જીવંત પ્રાણીને લઈને બનાવવામાં આવેલી ફિલ્મો જોવાં પર પણ પ્રતિબંધ છે.

નવા કાયદાની જોગવાઈઓથી વિપરીત, પ્રધાન મોહમ્મદ ખાલિદ હનફી સહિતના તાલિબાન સરકારના અનેક અધિકારીઓ કૅમેરાની સામે જોવા મળ્યા છે.

શું સજા થશે?

કોઈ વ્યક્તિ કાયદાના ઉલ્લંઘન વડે (તાલિબાનના મંતવ્ય અનુસાર) નિંદનીય કૃત્ય કરશે તો તેને દંડ અને ત્રણ દિવસ સુધીની જેલ સજા થઈ શકે છે.

અનેક લોકો નવા કાયદાની ટીકા કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશનનાં પ્રમુખ રોઝા ઓટુનબાયેવાએ જણાવ્યું હતું કે અનેક દાયકાઓ સુધી ચાલેલાં યુદ્ધ અને સંકટનો સામનો કર્યા પછી અફઘાનિસ્તાનના લોકો બહેતર જીવનના અધિકારી છે.

નવા કાયદાનો અમલ શરૂ થઈ ગયો છે?

તાલિબાન આ કાયદો કોઈ પણ ભોગે અમલી બનાવશે, પરંતુ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સહિત દેશના કેટલાક હિસ્સામાં કાયદો વ્યવસ્થિત રીતે અમલી બનાવવામાં આવ્યો નથી.

મૉરાલિટી મંત્રાલય સાથે સંકળાયેલા સુત્રોએ બીબીસી ફારસીને જણાવ્યુ હતું કે તેઓ કાયદાની જોગવાઈઓના અમલ સંબંધે એક રૂપરેખા બનાવવાનું કામ કરી રહ્યા છે.

તાલિબાન સરકારે જણાવ્યું હતું કે ગયા વર્ષે શરિયત કાયદાનું પાલન નહીં કરવા બદલ 13,000થી વધારે લોકોને મૉરાલિટી પોલીસે અટકાયતમાં લીધા હતા.

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.