સિડની ટેસ્ટ : રોહિત શર્મા જાતે હટ્યા કે પડતા મૂક્યા, રોહિતે નિવૃત્તિની અટકળો ફગાવી

રોહિત શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રોહિત શર્માએ કહ્યું કે મેં નિવૃત્તિ લીધી નથી. પરંતુ મેં આ ટેસ્ટ મૅચમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ સિડનીમાં રમાવા જઈ રહી છે પરંતુ કૅપ્ટન રોહિત શર્મા આ મૅચમાં નથી રમવાના.

મૅચ શરૂ થતા પહેલાં જસપ્રીત બુમરાહે કહ્યું કે અમારા કૅપ્ટન (રોહિત શર્મા)એ ટીમનું જબરદસ્ત નેતૃત્વ કર્યું છે અને તેમણે આ મૅચ માટે આમ કરવાનો નિર્ણય કર્યો છે.

જોકે, ગુરુવારના ટીમ ઇન્ડિયાના હૅડ કોચ ગૌતમ ગંભીરે પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન રોહિત શર્મા માટે જે કહ્યું, ત્યાર બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે કૅપ્ટનને પાંચમી મૅચમાંથી ડ્રૉપ કરવામાં આવશે.

હવે ચર્ચા એ વાતની થઈ રહી છે કે રોહિત શર્માએ પોતે જ આ મૅચમાંથી બહાર રહેવાનો નિર્ણય કર્યો કે પછી આ સીરિઝમાં સારું પ્રદર્શન ન કરવાના કારણે તેમને બહાર બેસાડવામાં આવ્યા છે.

વાતો તો એવી પણ થઈ રહી છે કે રોહિત શર્મા ટેસ્ટ મૅચોમાંથી રિટાયરમેન્ટ લઈ લે. ક્યાંક મેલબૉર્નની મૅચ તેમની છેલ્લી ટેસ્ટ મૅચ ન બની રહે.

આમ તો બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પાંચમી ટેસ્ટ મૅચોની સિરીઝમાં ભારતીય ક્રિકેટ ટીમ 1-2થી પાછળ છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

રોહિત શર્માએ નિવૃત્તિ અંગે શું કહ્યું?

રોહિત શર્મા, ઇન્ડિયન ક્રિકેટ ટીમ, ઑસ્ટ્રેલિયન ટીમ, ભારત, બીબીસી ગુજરાતી, ટેસ્ટ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

રોહિત શર્માએ પાંચમી ટેસ્ટ મૅચના લંચ દરમિયાન બ્રૉડકાસ્ટર ચેનલ સાથેની વાતચીતમાં પોતાની નિવૃત્તિની અટકળોને ફગાવી દીધી હતી.

રોહિત શર્માએ કહ્યું કે મેં નિવૃત્તિ લીધી નથી. પરંતુ મેં આ ટેસ્ટ મૅચમાંથી બહાર રહેવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મુશ્કેલ હતો, પરંતુ સમજદારીભર્યો હતો.

રોહિત શર્માએ કહ્યું કે "હું રન નહોતો બનાવી શકતો, પણ એવું પણ નથી કે ભવિષ્યમાં તમે રન નહીં બનાવી શકો. હું જસપ્રીત બુમરાહની કૅપ્ટનશિપથી ઘણો પ્રભાવિત છું. હું ક્યાંય જવાનો નથી. હું ફૉર્મમાં નથી એટલે રમવાનો નથી. અમે ક્રિકેટમાં ઘણું જોયું છે, હવે અહીં હરેક મિનિટે જિંદગી બદલાય છે. બધું બદલાતું રહેશે, પણ આપણે રિયલિસ્ટિક હોવું જોઈએ."

રોહિત શર્માએ કહ્યું કે હું આટલે દૂર બહાર બેસવા નથી આવ્યો, મૅચ જીતાડવા આવ્યો છું. મૅચ જીતવાની છે, ટીમને જીતાડવાની છે. આ મકસદ છે.

ભારત અને ઑસ્ટ્રલિયા વચ્ચેની પાંચમી ટેસ્ટમાં ફાસ્ટ બૉલર અને કૅપ્ટન જસપ્રીત બુમરાહને સ્કૅન માટે સ્ટેડિયમની બહાર લઈ જવામાં આવ્યા છે.

તેમણે લંચ પછીના સેશનમાં માત્ર એક ઑવર જ ફેંકી હતી. તેઓ ઇજાગ્રસ્ત હોવાની આશંકા છે અને તેમની બૉલિંગ સ્પીડ પણ ધીમી રહી હતી.

તેમની ગેરહાજરીમાં કોહલી ટીમનું નેતૃત્વ કરશે.

રોહિત શર્મા, ઇન્ડિયન ક્રિકેટ ટીમ, ઑસ્ટ્રેલિયન ટીમ, ભારત, બીબીસી ગુજરાતી, ટેસ્ટ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચોથી ટેસ્ટમાં હાર બાદ મીડિયામાં ભારતીય ટીમના ડ્રેસિંગરૂમના વિવાદોના અહેવાલો આવવા લાગ્યા છે. આમાં કહેવાઈ રહ્યું હતુ કે ચોથી મૅચમાં હાર બાદ રોહિત શર્માને જવાબદાર ગણાવીને 'સજા' અપાઈ શકે છે.

આ અહેવાલોને ત્યારે પ્રબલન મળ્યું જ્યારે મૅચ પહેલાં ગુરુવારે કપ્તાન રોહિત શર્માની જગ્યાએ હેડ કોચ ગૌતમ ગંભીર પત્રકારપરિષદમાં આવ્યા.

ગંભીરે ગંભીરે કહ્યું કે "રોહિત શર્મા સાથે બધું બરાબર છે. હેડ કોચ અહીં છે અને એ પૂરતું નથી. ટૉસ અગાઉ પીચ જોયા પછી એનો નિર્ણય કરાશે કે કપ્તાન પ્લેઇંગ ઇલેવનમાં હશે કે નહીં."

જ્યારે ધ ટાઇમ્સે એ અહેવાલ છાપ્યો ત્યારે જ રોહિત શર્મા સિડની ટેસ્ટમાં નહીં રમે તેનો સંકેત મળવા લાગ્યો હતો.

અખબારે લખ્યું કે ભારતીય ક્રિકેટરોને ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન ઍન્થની અલ્બનીઝે નવા વર્ષે આમંત્રિત કર્યા હતા. રોહિત શર્માને ત્યાં બોલવાનું હતું, પણ છેલ્લી ઘડીએ તેઓ પાછળ હટી ગયા હતા.

તેમના બદલે ટીમના હેડ કોચે સંબોધન કર્યું હતું, રોહિત શર્મા ત્યાં હાજર હતા.

અખબાર અનુસાર, બાદમાં સંકેત મળવા લાગ્યા હતા કે ભારતીય ટીમના ડ્રેસિંગરૂમમાં બધું બરાબર નથી. ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનને જોતા હેડ કોચ અને કપ્તાન વચ્ચે અણબનાવ છે.

રોહિત શર્માના ન રમવા પર પૂર્વ ક્રિકેટરો શું કહી રહ્યા છે?

રોહિત શર્મા, ઇન્ડિયન ક્રિકેટ ટીમ, ઑસ્ટ્રેલિયન ટીમ, ભારત, બીબીસી ગુજરાતી, ટેસ્ટ મૅચ

ઇમેજ સ્રોત, Getty Images

રોહિત શર્માને હટાવાયા કે તેમણે ખુદ મૅચમાં ન રમવાનો નિર્ણય લીધો, તેના પર અલગ-અલગ મત જોવા મળે છે.

ઑસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન માર્ક ટેલરે કહ્યું, "અસલી વાત તો એ છે કે કોઈ દેશના કપ્તાન સિરીઝની અંતિમ નિર્ણાયક મૅચમાં બહાર રહેવાનો નિર્ણય ન કરે. ચોક્કસ તેમને હટાવાયા છે. મને સમજાતું નથી કે તેઓ સીધી રીતે કેમ નથી કહેતા કે તેમને હટાવાયા છે."

તેમણે કહ્યું, "તેનો અર્થ એ નથી કે તેમને કાયમ માટે હટાવી દેવાયા છે. તેનો અર્થ એ છે કે તેઓ ખરાબ ફૉર્મને કારણે ટેસ્ટ મૅચ રમી નથી રહ્યા."

"ખરાબ ફૉર્મ ગુનો નથી. દુર્ભાગ્યવશ આ વ્યાવસાયિક રમત છે અને એ જ થયું છે."

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રોહિત શર્માના મૅચમાંથી બહાર થવા પર સુનીલ ગાવસ્કરે ટિપ્પણી કરતા કહ્યું, "મારા મતે જો ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ માટે ફાઇનલ માટે ક્વૉલિફાય નહીં કરે તો મેલબર્ન ટેસ્ટ રોહિત શર્માની અંતિમ મૅચ હશે."

તેમણે કહ્યું, "વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ સાઇકલ ઇંગ્લૅન્ડ સિરીઝની સાથે શરૂ થશે અને સેલેક્ટર ઇચ્છશે કે કોઈ 2027ની ફાઇનલ માટે હાજર હોય. ભારત ફાઇનલમાં પહોંચશે કે નહીં એ અલગ વાત છે, પણ ચયનસમિતિ આવું કરી શકે છે. કદાચ આપણે ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માને છેલ્લી વાર રમતા જોઈ લીધા છે."

પીટીઆઈ અનુસાર, આ મૅચની કૉમેન્ટરી દરમિયાન ભારતીય ટીમના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે તેઓ પણ આ વાતથી સહમત છે.

તેમનું કહેવું હતું કે આ સિરીઝ બાદ રોહિત શર્મા ટેસ્ટ કારકિર્દીને અલવિદા કહી શકે છે.

શાસ્ત્રીએ કહ્યું, "આવું થવાની ત્યારે શંકા રહે જ્યારે તમે લયમાં ન હો. તમે માનસિક રીતે પરેશાન હો. તમે રન ન કરી શકતા હો. હું તો સમજું છું કે એક કપ્તાને જવાબદારી લઈને બેન્ચ પર બેસવાનો નિર્ણય લઈને સાહસ ખેડ્યું છે."

તો પૂર્વ ક્રિકેટર અને ફાસ્ટ બૉલર ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "મારો અંગત મત છે કે રોહિત શર્માએ પોતાની જિંદગીના આ સમય સાથે બાથ ભીડવી જોઈએ. હું નથી ઇચ્છતો કે રોહિત તેને આમ છોડી દે. તેમણે ભારતીય ક્રિકેટ માટે ઘણું કર્યું છે અને મને વિશ્વાસ છે કે તેમનામાં બાજી પલટવાની ક્ષમતા છે."

તો રોહિત શર્મા અંગે ક્રિકેટચાહકો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક યૂઝરે લખ્યું, "રોહિત શર્મા માટે ખરાબ લાગી રહ્યું છે. તેમને આ રીતે ખતમ થવા જોવા દુખદ છે. પણ તેમણે ગિલને હટાવી દીધા, કેએલ રાહુલને ત્યાંથી હટાવ્યા, જ્યાં તેઓ સારું કરી રહ્યા હતા. તેમણે જાતે આ જગ્યા લઈ લીધી. એટલે સુધી કે રોહિતના પાક્કા સમર્થકો પણ એ ન કહી શકે કે આ ટીમ માટે સારું હતું. આ સ્વાર્થી નિર્ણય હતો."

અન્ય એક યૂઝરે લખ્યું, "ટી-20 વર્લ્ડકપમાં ભારતને વિશ્વવિજેતા બનાવનાર કપ્તાન રોહિત શર્માને સિરીઝની વચ્ચે આ રીતે અપમાનિત કરાયા અને ટીમમાંથી બહાર ફેંકી દીધા. શું રોહિત શર્માને ફેરવેલ મૅચ મળવી જોઈતી હતી."

રોહિત શર્માનું ખરાબ ફૉર્મ

રોહિત શર્મા, ઇન્ડિયન ક્રિકેટ ટીમ, ઑસ્ટ્રેલિયન ટીમ, ભારત, બીબીસી ગુજરાતી, ટેસ્ટ મૅચ

ઇમેજ સ્રોત, CA/Cricket Australia via Getty Images

રોહિત પોતાના ફૉર્મમાં પાછા આવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

છેલ્લી નવ ટેસ્ટ મૅચોમાં રોહિતે 10.93ની સરેરાશથી રન બનાવ્યા છે. આ સિરીઝમાં પાંચ ઇનિંગ્સમાં તેમની સરેરાશ માત્ર 6.2 છે.

રોહિત શર્માના કોચ દિનેશ લાડે કહ્યું કે રોહિત હજુ વધુ રમવા માગે છે અને તેમનામાં હજુ ક્રિકેટ બાકી છે. તેઓ એક એવા બૅટ્સમૅન છે, જે ક્યારેય પણ ફૉર્મમાં પાછા આવી શકે છે.

તેમનું માનવું છે કે રોહિતના ફૂટવર્કમાં થોડી મુશ્કેલીઓ છે. જોકે આ કાયમી મુશ્કેલી નથી. પરંતુ ગંભીરના નિવેદનને ધ્યાને લઈએ તો રોહિત માટે પરિસ્થિતિ બહુ સારી નથી લાગી રહી.

છેલ્લાં બે વર્ષમાં એવું જોવા મળ્યું છે કે તેઓ આવતાની સાથે બૉલરો પર હાવી થવાનો પ્રયત્ન કરે છે અને તેમાં જ તેઓ પોતાની વિકેટ ગુમાવી દે છે. તેમાં તેઓ સ્લીપમાં કૅચ આપવા સિવાય કેટલીક વખત બૉલ્ડ થઈ રહ્યા છે.

માનવામાં આવે છે કે ભારતીય ક્રિકેટમાં જ્યારે પણ કોઈ બદલાવ આવે છે તો પૂર્વ ક્રિકેટ સુનીલ ગાવસ્કર હંમેશાં સૌથી પહેલાં સંકેત આપે છે.

મેલબર્ન ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાના સૌથી મોટા પરાજય બાદ ગાવસ્કરે કૉમેન્ટરી કરતાં કહ્યું કે રોહિત એક સમજદાર ક્રિકેટર છે, તેઓ ટીમ માટે ક્યારેય પણ ભાર નહીં બનવા માગે અને તેઓ ભારતીય ક્રિકેટ માટે સમર્પિત અને તેનું સન્માન કરનાર ખેલાડી છે.

ગાવસ્કરે કહ્યું કે, "એવામાં જો તેઓ આવનારી કેટલીક મૅચમાં રન નથી બનાવી શકતા તો મને લાગે છે કે રોહિત પોતે જ નિવૃત્તિ લેવાના છે."

મેલબર્નમાં પરાજય બાદ રોહિતે સ્વીકાર્યું હતું કે બૅટ્સમૅન તરીકે તેઓ ટીમ માટે જેવું યોગદાન આપવામાં ઇચ્છે છે તેવું નથી આપી રહ્યા.

તેમણે કહ્યું હતું કે, "આમાં કોઈ બે મત નથી કે આ અંદરથી પરેશાન કરનારી બાબત છે."

આ સિરીઝમાં તેઓ એક વાર કહી ચૂક્યા છે, "કેટલીક વખત પોતાનો સ્કોર જોઈને લાગે છે કે આ બહુ વધારે નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.