જસપ્રીત બુમરાહ: બૉલિંગ ઍક્શનની ટીકા છતાં ઑસ્ટ્રેલિયામાં અનેક મહાન બૉલરોને પાછળ મૂકનાર ખેલાડી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ સૌથી ઓછી ટેસ્ટમૅચ રમીને 200 વિકેટ લેનારા ભારતના પ્રથમ બૉલર બની ગયા છે.
બુમરાહે આ રેકૉર્ડ ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચોથી મૅચ દરમિયાન બનાવ્યો હતો.
એક સમયે બુમરાહની બૉલિંગ ઍક્શન ઉપર સવાલ ઉઠ્યા હતા, પરંતુ તેની અવગણના કરીને બુમરાહે આ સિદ્ધિ મેળવી છે.
અમદાવાદના તત્કાલીન મોટેરા સ્ટેડિયમ ઉપર મૅચ રમતી વખતે અચાનક જ બુમરાહની કિસ્મત ચમકી હતી અને તે કિસ્સો પણ ક્રિકેટજગતમાં રસપૂર્વક સંભળાવવામાં આવે છે.
આજે તેમણે ક્રિકેટના ડ્રેસિંગરૂમમાં 'જસ્સીભાઈ' તરીકે સ્થાન મેળવી લીધું છે. અત્યારસુધી અલગ-અલગ ફૉર્મેટમાં 'વાઇસ-કૅપ્ટન' બુમરાહની ટીમમાં આગામી ભૂમિકા મોટી હશે એમ માનવામાં આવે છે.

'બુમ...બુમ...બુમરાહ'

ઇમેજ સ્રોત, Stu Forster
બુમરાહે મૅલબર્ન ખાતે મેળવેલી સિદ્ધિની ઉપર બીસીસીઆઈએ પણ અભિનંદન પાઠવ્યા છે.
બીબીસીઆઈએ તેના ઍક્સ હેન્ડલ ઉપર લખ્યું, "અમે માત્ર જસ્સીભાઈ ઉપર ભરોસો કરીએ છીએ. બુમરાહની 200 ટેસ્ટ વિકેટ. બુમ બુમ બુમરાહ. તેમણે ટ્રેવિસ હેડની મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને આ સિદ્ધિ હાંસલ કરી."
બુમરાહે 44મી મૅચમાં 200 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જસપ્રીત બુમરાહ આ કિર્તીમાનના કારણે ક્રિકેટના ઇતિહાસના અજોડ બૉલરોની હરોળમાં સામેલ થઈ ગયા છે. જેમણે ખૂબ જ સારી સરેરાશ સાથે ટેસ્ટ મૅચોમાં 200 વિકેટ લીધી.
વિશેષ વાત એ રહી છે કે જસપ્રીત બુમરાહની સરેરાશ સૌથી શ્રેષ્ઠ રહી છે. તેમણે વેસ્ટ ઇન્ડીઝના માલ્કમ માર્શલ, જોએલ ગાર્નર, કર્ટલી ઍમ્બ્રોસ તથા ઇંગ્લૅન્ડના ફ્રેડ ટ્રુડમૅનને પાછળ રાખી દીધા છે.
જસપ્રીત બુમરાહે ન કેવળ સૌથી ઓછા રન આપીને 200 વિકેટ લીધી, પરંતુ તેમનો સ્ટ્રાઇકરેટ પણ આ બૉલરો કરતાં ખૂબ જ સારો છે.
બુમરાહે માત્ર 42.1ની સ્ટ્રાઇક રેટ સાથે 200 વિકેટ લીધી. આ પરિમાણથી માત્ર દક્ષિણ આફ્રિકાના બૉલર કગીસો રબાડા તેમનાથી આગળ છે.
દુનિયાભરના બૉલરોથી આગળ

ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં સૌથી ઓછી ટેસ્ટમૅચમાં 200 વિકેટ લેવાની સિદ્ધિની વાત કરીએ તો માત્ર રવિચંદ્રન અશ્વિન ટોચ ઉપર છે. તેમણે 37 મૅચમાં આ માઇલસ્ટોન હાંસલ કર્યો હતો.
ગુજરાતી બૉલર રવિન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહે 44મી ટેસ્ટ મૅચમાં આ રૅકૉર્ડ બનાવ્યો હતો.
બુમરાહના રૅકૉર્ડ વિશે ટીમ ઇન્ડિયાના પૂર્વ ઑલરાઉન્ડર રવિ શાસ્ત્રીએ લખ્યું, "ગજબના બૉલર. માઇન્ડ બ્લૉઇંગ. ખૂબ સરસ."
ગુજરાતી મૂળના ભારતના પૂર્વ ફાસ્ટ બૉલર ઇરફાન પઠાણે સોશિયલ મીડિયા ઍક્સ ઉપર લખ્યું. "આપણા અત્યારસુધીના શ્રેષ્ઠ બૉલર – બુમરાહ. 20 કરતાં ઓછી સરેરાશ સાથે 200 વિકેટ. ગજબ."
વિશ્વના અન્ય બૉલરોની વાત કરીએ તો વેસ્ટ ઇન્ડીઝના માલ્કમ માર્શલ (81 મૅચ), જોએલ ગાર્નરે (58 મૅચ), કર્ટલી ઍમ્બ્રોસે 98 ટેસ્ટ મૅચમાં આ ઉપલબ્ધિ મેળવી હતી.
ફ્રેડ ટ્રુડમૅને (67 મૅચ, ઇંગ્લૅન્ડ) અને યાસીર શાહે (33 મૅચ, પાકિસ્તાન) 200 વિકેટ લીધી હતી.
બુમરાહની કૅરિયર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જસપ્રીત બુમરાહે તા. 5 જાન્યુઆરી 2018ના રોજ દક્ષિણ આફ્રિકા સામે પોતાની પહેલી ટેસ્ટમૅચ રમી હતી. બુમરાહ અત્યારસુધીની 43 ટેસ્ટમૅચમાં 12 વખત એક ઇનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લઈ ચૂક્યા છે.
બુમરાહે હાલની 44મી ટેસ્ટ મૅચમાં પહેલી ઇનિંગમાં ઑસ્ટ્રેલિયાના ચાર બૅટ્સમૅનને પેવોલિયન ભેગા કર્યા હતા અને બીજી ઇનિંગમાં પણ પાંચ વિકેટ લઈ ચૂક્યા છે.
બુમરાહે જાન્યુઆરી-2016માં સિડની ખાતે ઑસ્ટ્રેલિયા સામે તેમની વન-ડે કૅરિયરની શરૂઆત કરી હતી. તેમણે અત્યરસુધીમાં 89 મૅચમાં 149 વિકેટ લીધી છે.
બુમરાહે ટી-20માં 233 મૅચમાં 295 વિકેટ લીધી છે. બુમરાહે વર્ષ 2022માં ઓવલ ખાતે ઇંગ્લૅન્ડ સામેની વન-ડે મૅચમાં જે બૉલિંગ કરી હતી, તેની આજે પણ ચર્ચા થાય છે.
બુમરાહે મૅચની પહેલી 10 ઓવરમાં જ માત્ર નવ રન આપીને ચાર વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડના ટોચના ચાર બૅટ્સમૅનમાંથી ત્રણ તો ખાતું પણ નહોતા ખોલાવી શક્યા. જે વન-ડે ઇતિહાસની અજોડ ઘટના હતી.
બુમરાહે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 71 મૅચમાં 286 વિકેટ લીધી છે અને તેમની સરેરાશ 21.5ની રહેવા પામી છે.
વર્ષ 2024ની ટી-20 વર્લ્ડની એક મૅચમાં ભારતે માત્ર 119 રન બનાવ્યા હતા. છતાં પાકિસ્તાનને પરાજય આપ્યો હતો. તેનો શ્રેય જસપ્રીત બુમરાહની બૉલિંગને આપવામાં આવે છે. બુમરાહ એ મૅચના 'પ્લેયર ઑફ ધ મૅચ' પસંદ થયા હતા.
બુમરાહે ચાર ઓવરમાં 14 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. વિશેષ વાત એ હતી કે બુમરાહે 15 ડૉટ બૉલ પણ કરી હતી. જેને ટી-20 ફૉર્મેટના હિસાબે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
કોની નજર પડી, ક્યારે?

ઇમેજ સ્રોત, Getty Images
31 વર્ષીય બુમરાહનો જન્મ તા. છઠ્ઠી ડિસેમ્બર 1993ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમના વર્તમાન ફૉર્મને જોતા તેઓ બૉલિંગક્ષેત્રે હજુ કેટલાક રૅકૉર્ડ બનાવશે એમ માનવામાં આવે છે.
2013ના જાન્યુઆરીની આસપાસના ગાળાની વાત છે. અમદાવાદમાં જૂના મોટેરા સ્ટેડિયમના બી ગ્રાઉન્ડ પર ગુજરાત અને મુંબઈ વચ્ચે બીસીસીઆઈની સૈયદ મુશ્તાક અલી ટી-20 ક્રિકેટ મૅચ રમાતી હતી.
ત્યારે અચાનક જ આ મૅચ નિહાળવા ભારતીય ક્રિકેટ ટીમના એક સમયના કોચ અને ન્યૂઝીલૅન્ડના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર જ્હોન રાઇટ આવી પહોંચ્યા.
ગુજરાતની ટીમ મુંબઈ સામે રમતી હોય ત્યારે જ્હોન રાઇટની હાજરી આશ્ચર્ય પમાડે તેવી હતી અને તેમાંય તેમની આમ અચાનક ઍન્ટ્રીથી સૌને નવાઈ લાગી.
થોડી વાર બાદ ખુદ જ્હોન રાઇટ મૅચના સ્કોરર પાસે ગયા અને કેટલાક બૉલર અંગે માહિતી માગી. તેમને બૉલરના નામ ખબર ન હતી પરંતુ તેમના સવાલ કંઈક આવા હતા.
"પેલો વિચિત્ર ઍક્શનથી ફાસ્ટ બૉલિંગ કરે છે તેની ઍવરેજ કેટલી છે? પેલો ડાબા હાથનો બૉલર છે તેણે કેટલી મેડન ઓવર ફેંકી?"
થોડા જ દિવસ બાદ જ્હોન રાઇટની આ મુલાકાતનું રહસ્ય સામે આવી ગયું જ્યારે મુંબઈ ઇન્ડિયન્સે તેની આઈપીએલ માટેની ટીમમાં ગુજરાતના બૉલર જસપ્રીત બુમરાહની પસંદગી કરી હતી.
અને, આમ જસપ્રીત બુમરાહ આઈપીએલ થકી સમગ્ર દેશને નજરે પડ્યા.
બુમરાહ પીઠની ઈજાને કારણે એકાદ વર્ષ માટે મેદાનથી દૂર રહ્યા હતા, પરંતુ શાનદાર પુનરાગમન કર્યું હતું.
વચ્ચે એક સમયગાળો એવો આવી ગયો હતો જ્યારે ગુજરાતમાંથી સમ ખાવા પૂરતા પણ એકેય ક્રિકેટર ભારતીય ટીમમાં સ્થાન હાંસલ કરી શકતા ન હતા. બુમરાહે આ દુકાળ દૂર કર્યો.
ટીકાથી ટોચ સુધી

ઇમેજ સ્રોત, Getty Images
બુમરાહ પર્થ ખાતેની ટેસ્ટ મૅચના કૅપ્ટન હતા. એ મૅચમાં એમણે આઠ વિકેટ લીધી હતી.
એ પછી ઑસ્ટ્રેલિયાના મીડિયા અને કાઉન્ટી ક્રિકેટરોએ ભારતીય ખેલાડીઓની ટીકા કરી હતી, વિશેષ કરીને જસપ્રીત બુમરાહની.
ઑસ્ટ્રેલિયાના મીડિયામાં વિદેશી ક્રિકેટરોની ટીકા થવી એ કોઈ નવી વાત નથી. સ્લૅજિંગ માટે ઑસ્ટ્રેલિયન મીડિયામાં અનેક વખત વિદેશી ક્રિકેટરોને નિશાન બનાવવામાં આવ્યા છે.
જેમાં શ્રીલંકાના સ્પિનર મુથૈયા મુરલીથરન, ભારતના હરભજનસિંઘ, પાકિસ્તાનના શાહિદ આફ્રિદી, શોએબ અખતર પણ સામેલ છે.
ઑસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથે સિડની મૉર્નિંગ હેરાલ્ડ અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, "બુમરાહની બૉલિંગ રમવા લાયક નથી."
"બુમરાહની રનિંગ સ્ટાઇલ અને બૉલિંગ સ્ટાઇલ અલગ છે, અન્ય ખેલાડીઓ કરતાં જુદી છે. બુમરાહની બૉલિંગ તફાવતનું પ્રતીક છે."
ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનો માટે બુમરાહની ડિલિવરીમાં સમસ્યા એ રહી છે કે "બુમરાહ કયા બિંદુ પર પોતાના હાથમાંથી બૉલ છોડે છે".
ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ સામાન્ય રીતે એ વાતનો તાગ નથી મેળવી શકતા કે "બુમરાહ ક્યારે અને કેવી રીતે બૉલ છોડે છે",એટલે ઑસ્ટ્રેલિયન બૅટ્સમૅનોએ બુમરાહના તમામ બૉલ રમવા પડે છે.
બુમરાહ દ્વારા ફેંકવામાં આવેલી ઓવરમાં કયો બૉલ આઉટસ્વિંગ, ઇનસ્વિંગ અને સ્ટમ્પ ટુ સ્ટમ્પ છે તે જાણવું મુશ્કેલ હોય છે. એજ કારણસર ઑસ્ટ્રેલિયામાં તેમની ટીકા થઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













