દક્ષિણ કોરિયામાં વિમાન દુર્ઘટનામાં 179નાં મૃત્યુ: છેક લૅન્ડિંગ સમયે પ્લેન કેમ ક્રૅશ થયું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, દક્ષિણ કોરિયામાં થયેલા આ અકસ્માતનું કારણ શોધવા તપાસ હાથ ધરાઈ છે

દક્ષિણ કોરિયાના મુઆન આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર રવિવારે લૅન્ડિંગ સમયે એક વિમાન દુર્ઘટનાનો શિકાર બની ગયો.

આ વિમાનમાં 181 લોકો સવાર હતા, જે પૈકી 175 મુસાફરો અને છ ચાલકદળના સબ્યો હતા.

દક્ષિણ કોરિયાના અગ્નિશમન વિભાગ પ્રમાણે આ દુર્ઘટનામાં અત્યાર સુધી ઓછામાં ઓછા 177 લોકોનાં મૃત્યુ થયાં છે. બે લોકોને કાટમાળમાંથી જીવિત બહાર કાઢીને હૉસ્પિટલ મોકલી અપાયા હતા.

જેજુ ઍરનું આ વિમાન કથિતપણે બૅંગ્કોકથી દક્ષિણ કોરિયા પરત આવી રહ્યું હતું. એવું કહેવાઈ રહ્યું છે કે વિમાનને લૅન્ડ કરતી વખતે આ દુર્ઘટના થઈ હતી.

ન્યૂઝ એજન્સી યોનહેપ અનુસાર, દુર્ઘટનાનું કારણ વિમાનની પક્ષીઓ સાથે અથડામણ હોવાનું જણાય છે.

યોનહેપે ફાયર વિભાગને ટાંકીને લખ્યું છે કે બચાવ એજન્સીઓએ વિમાનના પાછળના ભાગમાંથી મુસાફરોને બહાર કાઢ્યા છે.

કેવી રીતે બની દુર્ઘટના?

દક્ષિણ કોરિયા, વિમાન ક્રેશ, દુર્ધટના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

આ ઘટના દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર બની છે છે દેેશના દક્ષિણ ભાગમાં આવેલું છે.

દક્ષિણ કોરિયાના સ્થાનિક સમય અનુસાર, નવ વાગ્યે આ ફ્લાઇટે લૅન્ડ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને આ ઘટના બની હતી.

વિમાનમાં સવાર લોકોમાંથી 173 લોકો દક્ષિણ કોરિયાના હતા જ્યારે બે લોકો થાઇલૅન્ડના હતા.

અકસ્માતનાં કારણો અંગે હજુ સુધી કોઈ પાકી જાણકારી મળી શકી નથી. જોકે, અગ્નિશમન વિભાગે કહ્યું છે કે એવું મનાઈ રહ્યું છે કે વિમાન સાથે પક્ષી અથડાવા અને ખરાબ મોસમને કારણે આ અકસ્માત થયું.

દક્ષિણ કોરિયાના એક ટ્રાન્સપૉર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે જ્યારે વિમાન રનવ પર લૅન્ડ કરવાની કોશિશ કરી રહ્યું હતું, ત્યારે ઍર ટ્રાફિક કંટ્રોલે ઍરપૉર્ટની આસપાસ પક્ષી હોવાને કારણે થોડી વાર હવામાં જ રહેવાની ચેતવણી આપી હતી.

તેની બે મિનિટ બાદ જ પાઇલટે 'મે ડે' ઇમર્જન્સીની ચેતવણી આપી, જે બાદ ઍર ટ્રાફિક કંટ્રોલે ઊલટી તરફથી લૅન્ડ થવાની પરવાનગી આપી હતી.

દક્ષિણ કોરિયા, વિમાન ક્રેશ, દુર્ધટના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters/Yonhap

ઇમેજ કૅપ્શન, દક્ષિણ કોરિયાના મુઆન ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર પ્લેન ક્રૅશ થયાના સમાચાર છે

વિમાન દુર્ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેની પુષ્ટિ નથી કરી શકાઈ.

આ વીડિયોમાં વિમાન પૈડાં વગર કે લૅન્ડિંગ ગિયર વગર જ લૅન્ડ કરવાની કોશિશ કરી રહ્યું હતું અને લૅન્ડિંગ વખતે લપસીને દીવાલ સાથે અથડાઈ ગયું.

જે બાદ તેના એક ભાગમાં આગ લાગી ગઈ હતી. તેમજ અન્ય એક વીડિયોમાં કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઊઠતા દેખાઈ રહ્યા હતા.

ટ્રાન્સપૉર્ટ વિભાગ અનુસાર વિમાનના મુખ્ય પાઇલટ વર્ષ 2019થી આ ભૂમિકામાં કામ કરી રહ્યા હતા અને તેમની પાસે વિમાન ઉડાડવાનો 9,800 કલાકનો અનુભવ હતો.

મધ્યમ કક્ષાનું આ ઍરપૉર્ટ 2007થી સંચાલનમાં હતું અને એશિયાના ઘણા દેશોમાં ત્યાંથી ઉડાણ નિયમિતપણે થતી હતી.

ઍરલાઇને શું કહ્યું?

દક્ષિણ કોરિયા, પ્લેન ક્રૅશ, દુર્ધટના, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, REUTERS/YONHAP

ઍરલાઇન જેજુ ઍરે માફી માગતું નિવેદન જાહેર કર્યું છે.

તેમણે લખ્યું છે કે, "જેજુ ઍર મુઆન ઍરપૉર્ટ પરની આ ઘટનામાં જેમને નુકસાન પહોંચ્યું છે તે દરેક લોકોની માફી માગવા માટે માથું નમાવે છે."

"અમે આ ઘટના બાદ અમારાથી બનતું તમામ કરવાનો પ્રયાસ કરીશું. તકલીફ બદલ અમે દિલગીર છીએ."

કંપનીના સીઇઓ અને અન્ય અધિકારીઓએ જાહેરમાં માથું નમાવીને સૌની માફી પણ માગી હતી.

દક્ષિણ કોરિયાની સૌથી મોટી ઍરલાઇન્સમાંની એક જેજુ ઍરના ઇતિહાસમાં આ પ્રથમ જીવલેણ અકસ્માત છે. આ ઍરલાઇન્સની સ્થાપના 2005માં કરવામાં આવી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.