ભારતનો એ વિસ્તાર, જ્યાં લોકો સોના માટે વાવાઝોડું આવવાની રાહ જુએ છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લાક્કોજુ શ્રીનિવાસ
- પદ, બીબીસી માટે
આંધ્ર પ્રદેશના કાકીનાડા જિલ્લાના ઉપ્પડા બીચ પર બીજી ડિસેમ્બરે ગયેલી બીબીસીની ટીમના સભ્યોએ ઘણા લોકો સમુદ્રતટ પરની રેતીને ઝીણવટથી તપાસ કરતા જોયા હતા.
"મને સોનું મળ્યું છે," એવું એ લોકો પૈકીના એક અપ્પલરાજે કહ્યું પછી બધા વધુ ખંતથી રેતી ફંફોસવા લાગ્યા હતા.
જોકે, આ સમગ્ર દરિયાકાંઠે ભારે વિનાશ વેરાયો હતો અને ડઝનેક ધરાશાયી ઘર પણ જોવાં મળ્યાં હતાં.
કિનારાથી 10-15 મીટર દૂર આવેલાં કેટલાંક મકાનો પડું-પડું થઈ રહ્યાં હતાં.
માછીમારો દરિયાની રેતીમાં સોનું શોધતા હતા.
અહીં વાવાઝોડું આવવાના સંકેતો મળે તો સ્થાનિક લોકો દરિયાકિનારે સોનાની શોધ શરૂ કરી દે છે.
ફેંગલ વાવાઝોડાએ 30 નવેમ્બરે પુડુચેરી નજીક લૅન્ડફૉલ કર્યું હતું. વાવાઝોડા પહેલાં અને પછી થોડા દિવસ સુધી અહીંના લોકો રેતીમાં ખાંખાંખોળા કરે છે.
આ બધું કાકીનાડા જિલ્લાના ઉપ્પડાના કિનારે બે કિલોમીટરની ત્રિજ્યામાં જોઈ શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જાળ સાથે માછીમારી કરવા જતા માછીમારો દરિયાકિનારા પરની રેતીમાં ખાંખાંખોળા કરીને સોનું શા માટે શોધે છે?
બીચ પર સોનું શોધવાનો શું અર્થ છે? આ રેતીમાં સોનું ક્યાંથી આવે છે? શું અહીં સોનાનો ભંડાર કે ખાણ છે? માછીમારો શું કહે છે? નિષ્ણાતો શું કહે છે?
ઉપ્પડામાં સોનાની શોધ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વાવાઝોડા દરમિયાન ઘણા સ્થાનિક માછીમારો અને ગ્રામવાસીઓ કાકીનાડા જિલ્લાના યુ. કોથાપલ્લી મંડળમાંના ઉપ્પડા બીચ પર ખંતપૂર્વક રેતી ફંફોસતા જોવા મળે છે.
તેઓ દિવસો સુધી બીચ પર જૂથો બનાવીને રેતીમાંથી સોનું શોધતા રહે છે.
રેતીના ઝીણા કાંકરાની વચ્ચે કંઈક ચમકતું દેખાય તો તેઓ તરત જ તેની તપાસ કરે છે અને ચકાસે છે કે તે સોનું છે કે નહીં. તેઓ એ સોનેરી ચીજને આંગળીઓ વચ્ચે જોરથી દબાવે છે.
અપ્પલરાજુ નામના એક માછીમારના હાથમાં અગાઉ મળી આવેલા સોનાના કણો હતા.
તેમણે કહ્યું હતું, "અહીં પ્રાચીન સમયથી સોનું મળી આવે છે. ક્યારેક સોનાનાં ઘરેણાં પણ મળે છે, પરંતુ ગોલ્ડ રેઝિન વાવાઝોડા દરમિયાન જ મળી આવે છે. તેથી હવે અમે રેતી ચાળવા માટેના ચાળણાનો ઉપયોગ કરીએ છીએ. અમારા દાદા-પરદાદાના સમયથી સોનું શોધવાનું કામ ચાલી રહ્યું છે. માછીમારીની સિઝન ન હોય ત્યારે અમારા પરિવારો માટે તે આવકનો સ્રોત પણ છે."
તેમણે સમજાવ્યું હતું, "સફેદ રેતીમાં સોનું મળતું નથી. વાવાઝોડા વખતે વહી ગયેલી કાળી રેતીમાં અમે સોનું શોધીએ છીએ, કારણ કે સફેદ રેતીમાં સોનાના કણ હોય તો પણ તે દેખાતા નથી. કાળી રેતીને ચાળવામાં આવે તો સોનાના ચમકતા દાણા જોવા મળે છે."
આ ધંધાનો એક ભાગ છેઃ સોનાના વેપારીઓ

ઇમેજ સ્રોત, Getty Images
અપ્પલરાજુએ કહ્યું હતું, "ખાલી બેઠા રહેવાને બદલે તમે અહીં શોધશો તો સોનું મળશે, પરંતુ મેં રોજના 300-400 રૂપિયાથી વધારે કમાણી કરી નથી. મને મળેલા સોનાના કણોને કાગળમાં લપેટીને સોનાની દુકાને લઈ જાઉં છું. તેઓ મને પૈસા ચૂકવે છે. આજે મને 300 રૂપિયા મળશે."
સોનાના વેપારીઓએ કહ્યું હતું, "માછીમારો અમારી પાસે પીળા કણો લાવે છે, જેને તેઓ સોનાના કણો માને છે. તે સોનું છે કે નહીં, તે કેટલીક વાર અમે કહી શકતા નથી."
ઉપ્પડામાં સોનાની દુકાનના એક માલિકે કહ્યું હતું, "કેટલાક લોકોને સોનાની ગાંઠ મળે છે. એ દિવસે સોનાની જે કિંમત હોય એ અમે તેમને ચૂકવીએ છીએ, પરંતુ તેઓ જે લાવે છે તે સોનું છે કે નહીં તે નક્કી કરવામાં ઘણી વાર મુશ્કેલી થાય છે. તેમની સાથેનો ધંધો અને સંબંધ જાળવી રાખવા માટે તેઓ જે લાવે છે તેની ચોક્કસ કિંમત અમે ચૂકવીએ છીએ."
માત્ર સોનાના કણો જ નહીં, દાગીના પણ

ઇમેજ સ્રોત, Getty Images
સ્થાનિક લોકોનું કહેવું છે કે ઉપ્પડા બીચ પર માત્ર સોનાની ગાંઠો જ નહીં, ક્યારેક જ્વેલરીના ટુકડા પણ જોવા મળે છે. બીબીસીએ તે વિસ્તારની મુલાકાત લીધે એ દિવસે સતીશે તેમને એ દિવસે મળેલો સોનાના દાગીનાનો એક નાનો ટુકડો દેખાડ્યો હતો.
તેમણે તેને અમૃતાંજન બામની નાની ડબ્બીમાં છુપાવી રાખ્યો હતો. તેમણે એ બાબતે બીબીસી સાથે વિગતવાર વાત કરી હતી.
તેમણે કહ્યું હતું, "બીચ પર શોધ કરતા દરેકને સોનું મળતું નથી. હું જાણું છું કે આજે મને મળેલા સોનાના ટુકડાની કિંમત રૂ. 1500થી 2,000 છે. વાવાઝોડાની અસર ઓછી થઈ જશે તો અહીં ફરીથી કશું નહી મળે. વાવાઝોડું આવે છે ત્યારે બીચ પરનાં કેટલાંક મકાનો તૂટીને પાણીમાં વહી જાય છે. વહી ગયેલાં ઘરોમાં ક્યારેક સોનું હોઈ શકે છે. અમે તે ફરીથી શોધીએ છીએ. ભૂતકાળમાં અમારા માછીમારોના ઘરમાં મોટા પ્રમાણમાં સોનું હતું. આ તે સોનું હોઈ શકે છે."
સતીશના શર્ટના ખિસ્સામાં તાંબા અને લોખંડના નાના ટુકડા પણ હતા.
આ બાબતે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હતું, "તમે આને વેચશો તો તેમાંથી પણ ઘણા પૈસા કમાઈ શકશો."
"આ બધું પણ અહીં મળી આવે છે. અમારા વડીલો કહે છે કે સેંકડો વર્ષો પહેલાં આ વિસ્તારમાં દરિયાકિનારે શાહી કિલ્લાઓ અને મોટાં ગામો હતા. અહીં પ્રખ્યાત મંદિરો પણ હતાં. તેમના કહેવા મુજબ, એ બધું વાવાઝોડાને કારણે સમુદ્રમાં તણાઈ ગયું છે અને એમાં જે સોનું હતું તે ધીમે ધીમે બહાર આવી રહ્યું છે. અમને સોનાના જે કણો અને ચીજો મળી આવે છે તેને જોતાં તેમની વાત સાચી લાગે છે," એમ સતીશે કહ્યું હતું.
એ સોનું ક્યાં છે?

ઇમેજ સ્રોત, Getty Images
તાજેતરના ફેંગલ વાવાઝોડાને કારણે થયેલા ધોવાણમાં ઉપ્પડાના કિનારા પરનાં 30-40 મકાનો ધરાશાયી થઈ ગયાં હતાં.
જોકે, વર્ષોથી આવી જ સ્થિતિના સાક્ષી બની રહેલા માછીમારોએ દરિયાકિનારા પરના તેમનાં ઘરોમાં મોંઘી વસ્તુઓ અને સોનું રાખવાનું બંધ કરી દીધું છે.
આ વાત બીબીસીને એક મહિલાએ કરી હતી. એ મહિલાએ દરિયાકિનારા પરનું તેનું ઘર વાવાઝોડામાં ગુમાવ્યું હતું.
પાયડમ્માએ કહ્યું હતું, "અમે નાનાં હતાં ત્યારે ઉપ્પડાનો દરિયાકિનારો અત્યાર કરતાં બે-ત્રણ કિલોમીટર દૂર હતો. વાવાઝોડાં આવતાં રહ્યાં છે અને દરિયો આખા ગામને ધીમેધીમે ગળી જતો રહ્યો છે. ગામનાં અનેક ઘર અમારી નજર સામે દરિયામાં ડૂબી ગયાં છે. આ અમારી આદત બની ગઈ છે. સદીઓ દરમિયાન ઘણાં ઘરો તણાઈ ગયાં છે અને તેમાં સોનાના ઘણા દાગીના દરિયામાં ડૂબી ગયા છે."
એક અન્ય માછીમાર મહિલા રાજ્યલક્ષ્મીએ કહ્યું હતું, "કથાઓ જણાવે છે તેમ અહીં ઘણાં મોટા મંદિરો હતા અને તેમાં સોનાનાં અનેક મૂલ્યવાન ઘરેણાં હતાં. અહીં લોકોને સોનું શોધતા જોઉં છું ત્યારે એ વાત સાચી લાગે છે."
રાજ્યલક્ષ્મીએ ઉમેર્યું હતું, "વાવાઝોડું આવે છે ત્યારે બધા દરિયાકિનારાથી દૂર ચાલ્યા જાય છે. ઉપ્પડામાં અમે દરિયાકિનારે રહીએ છીએ અને સોનું શોધીએ છીએ."
'વાવાઝોડા વખતે કોઈ કોઈનું સાંભળતું નથી'

ઇમેજ સ્રોત, Getty Images
ગામના વડીલો, પોલીસ અને અન્ય અધિકારીઓ, કિનારે રહેવું જોખમી છે એમ કહીને લોકોને વાવાઝોડા વખતે દરિયામાં ન જવાની ચેતવણી આપે છે.
જોકે, આ ગ્રામજનો કોઈની વાત સાંભળતા નથી.
લૉ પ્રેશર સર્જાવાના અથવા વાવાઝોડું નજીક આવવાના સંકેતો મળે કે તરત જ દરિયામાં ભરતી વધે છે. એ સાથે જ સ્થાનિક લોકો ચાળણીઓ લઈને દરિયાકિનારે સોનું શોધવા ઊમટી પડે છે. તમામના પરિવારો આવી જાય છે.
લક્ષ્મૈયાએ કહ્યું હતું, "ત્રણ વર્ષ પહેલાં અમારા ગામના એક છોકરાને સોનાની એક વસ્તુ મળી હતી. એ દિવસોમાં તેની કિંમત રૂ. 40,000 હતી. જોકે, બધાને આવી વસ્તુ કાયમ મળતી નથી. તમે આખો દિવસ શોધખોળ કરો તો તમને ત્રણ-ચાર ટુકડા મળે અને એમાંથી તો માંડ 300 રૂપિયા મળે."
એ દિવસે લક્ષ્મૈયા બે કલાકથી સોનું શોધતા હતા, પણ તેમને કશું મળ્યું ન હતું. હવે કશું નહીં મળે એમ વિચારીને તેઓ ઘરે ગયા હતા અને પછી બીબીસી સાથે વાત કરી હતી.
લક્ષ્મૈયાએ બીબીસીને કહ્યું હતું, "મને આજે મળ્યું નથી, પણ કાલે હું ચોક્કસ શોધીશ. ઘણા વર્ષો સુધી આ કામ કર્યા પછી મને એક દિવસે સોનાનો 1,000 રૂપિયાની કિંમતનો એકમાત્ર ટુકડો મળ્યો છે. અન્ય દિવસોમાં હું આવું તો મને ત્રણ કે ચાર ટુકડા મળે છે. ન મળે તો ખાલી હાથે ઘરે જાઉં છું."
અહીં સોનાની કોઈ ખાણ નથી

ઇમેજ સ્રોત, Getty Images
એયુ ખાતેના ભૂસ્તરશાસ્ત્રના પ્રોફેસર એ. યુગાંધર રાવે કહ્યું હતું, "તોફાન આવે ત્યારે તેમાં જે ઘર તણાઈ ગયાં હોય એ ઘરમાંની સોનાની વસ્તુઓ તણાઈ ગઈ હોય. એવી ચીજો ભરતીને કારણે કિનારે આવે તો એ તેઓને દરિયાકિનારે મળી શકે. આમાં કોઈ મોટી વાત નથી, પરંતુ અહીંથી સોનાના ખૂબ જ ઝીણા કણો મળી આવે છે. તેને શોધવાનું આશ્ચર્યજનક છે."
પ્રોફેસર રાવે બીબીસીને એમ પણ કહ્યું હતું, "નજીકમાં સોનાની ખાણો હોય તો જ આવા કણો મળી આવે, પરંતુ ત્યાં એવી કોઈ ખાણ નથી. તેથી શક્ય છે કે સદીઓથી દરિયાકાંઠાના ધોવાણને કારણે દરિયામાં ડૂબી ગયેલાં ઘરો અને મંદિરોમાંના સોનાનાં આભૂષણો મોજાં તથા ખડકોના ઘર્ષણથી નાના રેઝિનમાં પરિવર્તિત થઈ ગયાં હોય."
તેમણે ઉમેર્યું હતું, "સોનું ઉચ્ચ ગુરુત્વાકર્ષણ ધરાવતું હોવાથી વાવાઝોડાને લીધે તથા સામાન્ય દિવસો કરતાં ભરતીના દિવસોમાં તણાઈને ઓછા દબાણવાળા વિસ્તારો પહોંચી ગયું હોય તે પણ શક્ય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












