અગરબત્તીથી હૃદયરોગ અને કૅન્સર પણ થઈ શકે? ડૉક્ટરો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, કોટ્ટેરુ શ્રાવણી
- પદ, બીબીસી સંવાદદાતા
જો અમે તમને કહીએ કે ઘરમાં સુગંધ ફેલાવવા માટે ઉપયોગમાં લેવાતી અગરબત્તી તમારા આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે તો આશ્ચર્ય ન પામતા. કારણ કે વૈજ્ઞાનિકોના સંશોધનમાં આ વાત બહાર આવી છે. અહીં તેના વિશે વિગતવાર જણાવીએ.
અગરબત્તીનો ધુમાડો ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને નબળાં ફેફસાં ધરાવતા લોકો માટે ખતરનાક હોય છે.
લગભગ દરેક ભારતીયના ઘરમાં દરરોજ એક સુગંધિત અગરબત્તી કરવામાં આવે છે. તહેવારો દરમિયાન વિશેષ અગરબત્તી પ્રગટાવાય છે.
અલગ અલગ વૈજ્ઞાનિક સંશોધનો પરથી જાણવા મળ્યું છે કે આ અગરબત્તીમાંથી પેદા થતો ધુમાડો અને ગંધ કેટલાક લોકો માટે સ્વાસ્થ્યની ગંભીર સમસ્યા પેદા કરી શકે છે.
દરરોજ અગરબત્તીનો ધુમાડો શ્વાસમાં જાય તો તબિયત માટે હાનિકારક છે. પલ્મોનોલૉજિસ્ટ સોનિયા ગોયલ ચેતવણી આપે છે કે આમાંથી નીકળતો ધુમાડો એક ખતરનાક 'ઝેર' હોય છે જે ધીમે ધીમે ફેફસાંને નુકસાન પહોંચાડે છે.
તેમણે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરવામાં આવેલા એક વીડિયોમાં આની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે સિગારેટ પીનારની આસપાસના લોકોને જે રીતે સિગારેટનો ધુમાડો નુકસાન કરે છે, એટલા જ પ્રમાણમાં અગરબત્તીનો ધુમાડો પણ જોખમી છે.
અગરબત્તીનો ધુમાડો આરોગ્ય માટે જોખમી

ઇમેજ સ્રોત, Getty Images
ગયા વર્ષે બૉસ્ટનમાં અમેરિકન કૉલેજ ઑફ એલર્જી, અસ્થમા ઍન્ડ ઇમ્યુનોલૉજી (એસીએએઆઈ)ના વાર્ષિક સંમેલનમાં અગરબત્તીના ધુમાડાથી પેદા થતા આરોગ્યને લગતા ખતરા વિશે ચેતવણી આપવામાં આવી હતી.
તેમાં જણાવાયું હતું કે ઍલર્જી કે અસ્થમાથી પીડાતા લોકો, નાનાં બાળકો અને વૃદ્ધો માટે આ ધુમાડો સૌથી વધુ ખતરનાક હોઈ શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ આરોગ્ય સંસ્થાનું હેડક્વાર્ટર ઇલિનૉયસમાં આવેલું છે જેમાં લગભગ 6000 ડૉક્ટરો કામ કરે છે.
સંગઠને પોતાના રિપોર્ટમાં ચેતવણી આપી કે અગરબત્તીના ધુમાડાથી માથામાં દુખાવો, શ્વાસને લગતી સમસ્યા, ત્વચાને લગતી તકલીફો અને ઍલર્જી થઈ શકે છે.
એસીએએઆઈના રિપોર્ટમાં જણાવાયું છે કે એક ગ્રામ અગરબત્તીમાંથી લગભગ 45 મિલીગ્રામ સૂક્ષ્મ કણો (પાર્ટિક્યુલેટ મેટર-પીએમ) નીકળે છે. જ્યારે સિગારેટમાંથી માત્ર 10 મિલીગ્રામ કણો નીકળે છે.
તેનો અર્થ એવો થયો કે સિગરેટની તુલનામાં અગરબત્તી ચાર ગણા વધારે કણોનું ઉત્સર્જન કરે છે.
નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસ પ્રમાણે અગરબત્તીના ધુમાડાથી હૃદયરોગથી મૃત્યુનું જોખમ $1.12$ ગણું વધી જાય છે અને સ્ટ્રોકથી મૃત્યુનું જોખમ પણ એટલું જ વધી જાય છે.
એસીએએઆઈનાં સભ્ય અને વરિષ્ઠ સંશોધનકર્તા મેરી લી વોંગે જણાવ્યું કે "જે લોકો ધૂપબત્તી પેટાવે છે, તેમને કદાચ એ વાતની ખબર નથી કે તેનાથી આરોગ્યની ગંભીર સમસ્યા થઈ શકે છે. ખાસ કરીને નાનાં બાળકોને."
એસીએએઆઈનું કહેવું છે કે અગરબત્તી માત્ર આરોગ્યની સમસ્યા પેદા નથી કરતી, પરંતુ ઘરમાં વાયુ પ્રદૂષણ પણ વધારે છે. ક્યારેક ક્યારેક આગ લાગવાનો પણ ખતરો રહે છે.
અગરબત્તીમાં કયા તત્ત્વો વાયુ પ્રદૂષણું કારણ બને છે?

ઇમેજ સ્રોત, Getty Images
પાર્ટિક્યુલેટ મેટર (PM): $2.5$ માઈક્રોમીટરથી નાના કણોને પાર્ટિક્યુલેટ મેટર કહેવામાં આવે છે. આ કણ શ્વસનતંત્રમાં ઊંડે સુધી પ્રવેશ કરી શકે છે અને આરોગ્ય પર ગંભીર અસર પાડી શકે છે. આ કણો ઘરેલું અગરબત્તીઓ, સિગારેટ અને મીણબત્તીથી પેદા થાય છે. મોટા પ્રમાણમાં શ્વાસમાં જાય તો શ્વાસની તકલીફો, હૃદયરોગ, ફેફસાંને નુકસાન, અકાળ મૃત્યુ અને કૅન્સરનો ખતરો વધી શકે છે.
કાર્બન મોનોક્સાઇડ: કાર્બનિક પદાર્થો સંપૂર્ણ રીતે ન સળગે ત્યારે આ ગૅસ પેદા થાય છે. આ ગૅસ લોહીમાં હિમોગ્લોબિન (કાર્બૉક્સિહિમોગ્લોબિન) સાથે મળીને લોહીની ઑક્સિજનનું વહન કરવાની ક્ષમતા ઘટાડી દે છે. શરીરમાં તેના નાના સરખા પ્રમાણથી પણ માથાનો દુખાવો, થાક, ચક્કર આવવા વગેરે સમસ્યા પેદા થઈ શકે છે.
સલ્ફર ડાઇઑક્સાઇડ અને નાઇટ્રોજન ડાઇઑક્સાઇડ: આ એવા ગૅસ છે જે હૃદય, ફેફસાં કે શ્વસનની પહેલેથી હાજર સમસ્યાને વધારી શકે છે. તે ફેફસાંની પ્રાકૃતિક સુરક્ષા ઘટાડી શકે છે.
અસ્થિર કાર્બનિક સંયોજનો: આ સંયોજનો વિવિધ ઘન અને પ્રવાહી પદાર્થોમાંથી વાયુઓના સ્વરૂપમાં મુક્ત થાય છે. તે ઘણા ઘરગથ્થુ, ઔદ્યોગિક અને વ્યાપારી ઉત્પાદનોમાં જોવા મળે છે. તેનાથી આંખો લાલ થઈ જવી, આંખોમાં સોજો આવવો, નાક અને ગળામાં બળતરા થવી, ઊલટી થવી અને માથાનો દુખાવો વગેરે સમસ્યાઓ થઈ શકે છે. લાંબા સમય સુધી આ સંયોજનોના સંપર્કમાં રહેવાથી કૅન્સરનું જોખમ વધે છે અને લીવર અને મગજની કામગીરી પર અસર થઈ શકે છે.
એલ્ડિહાઇડ્સ: આ પણ અસ્થિર કાર્બનિક સંયોજનો છે અને ખૂબ જ બળતરા પેદા કરે છે. તે નાક, ગળા અને મોં (મ્યુકોસ મેમ્બ્રેન)ના સ્તરને અસર કરે છે, તેનાથી બળતરા અને ખાંસી થઈ શકે છે. ફૉર્માલ્ડિહાઇડ (એક રંગહીન, તીક્ષ્ણ ગંધવાળું રાસાયણિક સંયોજન) વધારે પડતું શ્વાસમાં લેવું ખતરનાક છે, કારણ કે તેને કાર્સિનોજેન માનવામાં આવે છે.
પૉલિસાયક્લિક એરોમેટિક હાઇડ્રોકાર્બન: આ રાસાયણિક સંયોજનો શરીરમાં નાની રક્તવાહિનીઓને અવરોધિત કરીને પેરિફેરલ ધમની રોગ (પીએડી)નું કારણ બની શકે છે.
અગરબત્તીના ધુમાડાથી સૌથી વધુ ખતરો કોને છે?

ઇમેજ સ્રોત, Getty Images
અગરબત્તીનો ધુમાડો બાળકો, વૃદ્ધો, અસ્થમાથી પીડાતા લોકો અથવા ફેફસાં નબળાં પડી ગયાં હોય તેવા લોકો માટે સૌથી વધુ ખતરનાક છે.
ઘણાં વર્ષો સુધી આ ધુમાડો શ્વાસમાં જાય તો અસ્થમાનો ખતરો વધી જાય છે. તેનાથી ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ (સીઓપીડી) અને ફેફસાંના કૅન્સર જેવી લાંબા ગાળાની શ્વસન સંબંધિત બીમારીઓ થવાનો ખતરો વધી જાય છે.
હવાની આવનજાવન ઓછી હોય તેવા રૂમમાં અગરબત્તી પેટાવવામાં આવે તો પણ ખતરો વધી જાય છે.
આ ધુમાડો અથવા ગૅસ માનવ ડીએનએને પણ અસર કરી શકે છે.
નિમ્સ હૉસ્પિટલના પલ્મોનોલૉજિસ્ટ ડૉ. અનુદીપ બોથિના કહે છે કે, "અગરબત્તીના ધુમાડાને સુંઘવાથી ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિઝીઝ (સીઓપીડી) થવાનો ખતરો વધી જાય છે. આ બીમારી એવા લોકોમાં સામાન્ય છે જેઓ બહુ વધારે ધુમાડો સુંઘે છે. જે લોકોને પહેલેથી અસ્થમા છે, તેમને આ બીમારી ઝડપથી થવાનો ખતરો રહે છે. જેમને અસ્થમા ન હોય, તેમને 10 થી 15 વર્ષની અંદર સીઓપીડી થવાની સંભાવના વધુ રહે છે."
"બાળકોમાં અસ્થમા (પીરિયૉડિક અસ્થમા)ના કેસ વધી રહ્યા છે. આવામાં બાળકોને સતત ઉધરસ આવે છે. તેથી તેમને તરત પલ્મોનૉલજિસ્ટ પાસે લઈ જવા જરૂરી છે. બાળકોને ધુમાડા, ધૂળ અને મચ્છર ભગાવતી દવાઓથી દૂર રાખવાં જોઈએ."
તેમનું સૂચન છે કે, "અસ્થમાથી પીડિત બાળકો અગરબત્તીના ધુમાડાથી અસર પામે છે. અગરબત્તી પ્રગટાવવામાં આવે ત્યારે બાળકો અને આરોગ્યની તકલીફ ધરાવતા લોકોએ તરત રૂમમાંથી બહાર નીકળી જવું જોઈએ."

ઇમેજ સ્રોત, Getty Images
અગરબત્તીના ઉપયોગ વખતે કેવી સાવધાની રાખવી જોઈએ?
- લાંબા સમય સુધી અગરબત્તીનો ધુમાડો શ્વાસમાં ન જાય તે જુઓ.
- અગરબત્તી પ્રગટાવો ત્યારે બારીઓ ખુલ્લી રાખો.
- ઘરમાં નાનાં બાળકો હોય તો અગરબત્તી પ્રગટાવવાનું ટાળો.
- બાળકોને અગરબત્તીના ધુમાડાથી દૂર રાખો.
- બજારમાં જૈવિક અને પર્યાવરણને અનુકૂળ અગરબત્તીઓ ઉપલબ્ધ છે. જોકે, ડૉક્ટરોનું કહેવું છે કે તેના ધુમાડાને શ્વાસમાં લેવાથી આરોગ્ય પર નકારાત્મક અસર પડી શકે છે.
- બીબીસીએ સ્વતંત્ર રીતે એ વાતની ચકાસણી નથી કરી કે જૈવિક અથવા પ્રાકૃતિક સામગ્રીથી બનેલી અને પર્યાવરણ માટે અનુકૂળ ગણાવાતી અગરબત્તીઓ વાસ્તવમાં પર્યાવરણને અનુકૂળ છે કે નહીં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












