મોઢામાંથી દુર્ગંધ કેમ આવે છે? આ પાંચ ઉપાયો અજમાવીને દૂર કરી શકો

મોંમાંથી દુર્ગંધ કેમ આવે, શ્વાસની તકલીફ, શ્વાસમાંથી દુર્ગંધ, બીબીસી ગુજરાતી, હેલ્થ, સ્વાસ્થ્ય, શરીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોઢામાંથી દુર્ગંધ આવવી એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તેને રોકી શકાય છે

દાંતને સાફ રાખવા તે એવા બૅક્ટેરિયા સામેના ક્યારેય સમાપ્ત ન થનારા યુદ્ધ જેવું છે જે આપણા દાંત અને પેઢાં વચ્ચેની જગ્યામાં અને જીભ પર જમા થાય છે.

જો તમે બૅક્ટેરિયાને દૂર નથી કરતા, તો ત્યાં તેની સંખ્યા વધી શકે છે.

આવી સ્થિતિ પેઢાંની ગંભીર બીમારીના કારણે થઈ શકે છે.

પરંતુ એવી ઘણી પદ્ધતિ છે, જેના દ્વારા તમે આ સ્થિતિને રોકી શકો છો.

મોઢામાંથી દુર્ગંધ કેમ આવે છે?

મોઢા અને શ્વાસમાંથી દુર્ગંધ આવવાનું એક મહત્ત્વનું કારણ પેરિયોડૉન્ટાઇટિસ છે. તેને ગમ રિસેશન કહે છે. તેમાં પેઢાંના ટિશ્યૂ દાંતથી છૂટા પડવા લાગે છે અને તમારા દાંતનાં મૂળ દેખાવા લાગે છે.

બ્રિટનમાં બર્મિંઘમ યુનિવર્સિટીના રેસ્ટોરેટિવ ડેન્ટિસ્ટ્રીના ઍસોસિએટ પ્રોફેસર ડૉક્ટર પ્રવીણ શર્માએ બીબીસીના કાર્યક્રમમાં 'વૉટ્સઍપ ડૉક્સ'માં જણાવ્યું, "અડધા જેટલી વયસ્ક વસ્તીને કોઈ ને કોઈ પ્રકારની પેઢાંની બીમારી હોય છે."

તેઓ જણાવે છે, "તમે દુર્ગંધભર્યો શ્વાસ એટલે કે ઑબ્જેક્ટિવ બૅડ બ્રેથને મોંમાંથી આવતી દુર્ગંધ કહી શકો છો. લગભગ 90 ટકા દુર્ગંધયુક્ત શ્વાસ ઓરલ કૅવિટીના કારણે આવે છે. બાકીના 10 ટકા કિસ્સામાં કારણ કંઈક જુદાં હોય છે."

ડૉક્ટર શર્મા કહે છે, "જો ડાયબિટીસ કંટ્રોલમાં ન હોય, તો તમારા શ્વાસમાંથી એક ખાસ પ્રકારની ગંધ આવી શકે છે."

"જો કોઈ દરદીને ગૅસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ એટલે કે પાચન સંબંધિત સમસ્યાઓ, જેવી કે, ગૅસ્ટ્રિક રીફ્લક્સ વગેરે હોય, તો શ્વાસમાંથી દુર્ગંધ આવી શકે છે."

એટલે કે, શરીરની કેટલીક આંતરિક બીમારીઓ પણ મોં દ્વારા સંકેત આપી શકે છે.

તો પછી આ સમસ્યાને દૂર કઈ રીતે કરી શકાય?

સમસ્યાના મૂળ સુધી પહોંચો

મોંમાંથી દુર્ગંધ કેમ આવે, શ્વાસની તકલીફ, શ્વાસમાંથી દુર્ગંધ, બીબીસી ગુજરાતી, હેલ્થ, સ્વાસ્થ્ય, શરીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દાંત અને પેઢાંની વચ્ચે જમા થયેલા બૅક્ટેરિયાને સાફ કરવા જરૂરી છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જો તમે પોતાના દાંત અને પેઢાંની વચ્ચે જમા થયેલા બૅક્ટેરિયાને સાફ નથી કરતા, તો તે ખૂબ જ સૂક્ષ્મ ઘા અને પછી પેઢાંમાંથી લોહી નીકળવાનું કારણ બની શકે છે.

તે જિંજિવાઇટિસ છે એટલે કે, પેઢાંની બીમારીનો શરૂઆતનો તબક્કો. સારી વાત એ છે કે તેને સંપૂર્ણ ઠીક કરી શકાય છે.

ડૉક્ટર શર્મા કહે છે, "જિંજિવાઇટિસનો અર્થ 'પેઢાંમાં સોજો આવવો' થાય છે. જ્યારે તમે બ્રશ કરો છો ત્યારે તમારાં પેઢાં લાલ, સોજેલાં અને તેમાંથી લોહી નીકળતું દેખાય છે, આ તેનાં લક્ષણ છે."

તેઓ કહે છે, "જો તેને અટકાવવામાં ન આવે, તો આગળ વધીને તે પેરિયોડૉન્ટાઇટિસમાં ફેરવાઈ શકે છે."

તેથી જ્યારે તમે બ્રશ કરો, ત્યારે ધ્યાન આપો કે ક્યાંક પેઢાં લાલ, સોજેલાં તો નથી ને અથવા તો, તેમાંથી લોહી તો નથી નીકળતું ને! પરંતુ તેનાથી ગભરાવાની જરૂરત નથી. તેને ઠીક કરી શકાય છે.

ડૉક્ટર શર્મા જણાવે છે, "ઘણી વાર લોકો જ્યારે બ્રશ કરતા સમયે પેઢાંમાં પીડા અનુભવે છે અથવા તો લોહી જુએ છે, ત્યારે તે ભાગમાં બ્રશ કરવાનું ટાળે છે. તેમને લાગે છે કે એવું કરીને તેઓ પોતાનાં પેઢાંને નુકસાન પહોંચાડી શકે છે."

તેઓ કહે છે, "પરંતુ હકીકતમાં એનાથી ઊલટું થાય છે. જો પેઢાંમાંથી લોહી નીકળતું હોય, તો તેને એ વાતનો સંકેત સમજવો જોઈએ કે તમારે વધારે સારી રીતે બ્રશ કરવું પડશે. તેનો મતલબ એ છે કે સફાઈ યોગ્ય રીતે નથી થઈ."

મોંમાંથી દુર્ગંધ કેમ આવે, શ્વાસની તકલીફ, શ્વાસમાંથી દુર્ગંધ, બીબીસી ગુજરાતી, હેલ્થ, સ્વાસ્થ્ય, શરીર

બ્રશ કરતા સમયે સંપૂર્ણ ધ્યાન આપો

મોંમાંથી દુર્ગંધ કેમ આવે, શ્વાસની તકલીફ, શ્વાસમાંથી દુર્ગંધ, બીબીસી ગુજરાતી, હેલ્થ, સ્વાસ્થ્ય, શરીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડૉક્ટર કહે છે કે બ્રશ કરતા સમયે સંપૂર્ણ ધ્યાન તેના પર જ હોવું જોઈએ

ડૉક્ટર શર્મા કહે છે કે, બ્રશ કરવા માટે પૂરતો સમય આપો.

તેઓ કહે છે, "બ્રશ કરતા સમયે સંપૂર્ણ ધ્યાન તેના પર જ હોય. કોઈ બીજું કામ કરતાં કરતાં બ્રશ ન કરો."

તેઓ કહે છે કે, સૌથી સારી રીત તો એ છે કે અરીસાની સામે ઊભા રહીને યોગ્ય રીતે બ્રશ કરો.

જમણા હાથથી કામ કરનારા ઘણા લોકો પોતાના મોંના ડાબા ભાગમાં વધારે સમય સુધી બ્રશ કરે છે અને ડાબા હાથે કામ કરનારા લોકો જમણા ભાગમાં વધારે વાર સુધી બ્રશ કરે છે.

પરંતુ, તેનાથી જે ભાગમાં ઓછું બ્રશ થાય છે, ત્યાં સોજો આવી શકે છે.

એ વાતનું ધ્યાન રાખો કે તમે કયા હાથનો ઉપયોગ કરો છો. એ વાત પર પણ ધ્યાન આપો કે બંને બાજુ સાવધાનીથી બરાબર બ્રશ થાય.

મોંમાંથી દુર્ગંધ કેમ આવે, શ્વાસની તકલીફ, શ્વાસમાંથી દુર્ગંધ, બીબીસી ગુજરાતી, હેલ્થ, સ્વાસ્થ્ય, શરીર

બ્રશ કરવાની પદ્ધતિ શીખો

મોંમાંથી દુર્ગંધ કેમ આવે, શ્વાસની તકલીફ, શ્વાસમાંથી દુર્ગંધ, બીબીસી ગુજરાતી, હેલ્થ, સ્વાસ્થ્ય, શરીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડૉક્ટર કહે છે કે દાંતને સાફ કરવા માટે ઇન્ટરડેન્ટલ ક્લીનિંગ એક સારો ઉપાય બની શકે છે

ડૉક્ટર શર્મા કહે છે કે, પહેલાં ઇન્ટરડેન્ટલ ક્લીનિંગથી શરૂઆત કરવી જોઈએ.

તેઓ કહે છે, "દાંત પર જમા થનારા પ્લાકને હટાવવા અને પેઢાંને સ્વસ્થ રાખવા માટે ઇન્ટરડેન્ટલ બ્રશનો ઉપયોગ કરવો વધુ સારો છે.

ઇન્ટરડેન્ટલ બ્રશ એવા પ્લાક એટલે કે દાંત પર જમા થતા ચીકણા પદાર્થ અને બૅક્ટેરિયાને હટાવવામાં મદદ કરે છે, જે જગ્યાએ મોટાં ટૂથબ્રશ નથી પહોંચી શકતાં.

ઇન્ટરડેન્ટલ બ્રશનો ઉપયોગ કર્યા પછી, જ્યારે તમે મોંમાં ટૂથબ્રશ ઘસો ત્યારે એક નક્કી કરેલી રીત અપનાવવી સારી વાત છે. તેમાં ઉતાવળ ન કરવી જોઈએ.

યાદ રાખો કે દરેક દાંતની સાવચેતીપૂર્વક સફાઈ જરૂરી છે.

આ વાત ઘણા લોકોને આશ્ચર્ય પમાડી શકે છે, પરંતુ દાંતને બ્રશ કરવાનો ઓછામાં ઓછો સમય બે મિનિટ છે.

ઘણા લોકો દાંત પર 90 ડિગ્રીના કોણ પર ટૂથબ્રશ રાખીને આગળપાછળ દબાવે છે, પરંતુ આ રીત પેઢાં પાછળ ખસવાનું કારણ બની શકે છે.

ટૂથબ્રશને લગભગ 45 ડિગ્રીના કોણ પર દાંત પર મૂકો અને ધીમે ધીમે બ્રશ કરો.

નીચલા દાંતોની સફાઈ કરતા સમયે બ્રશના રેસાને પેઢાં બાજુ નીચેની તરફ અને ઉપરના દાંતો પર ઉપરની દિશામાં ફેરવો.

તેનાથી પેઢાંની લાઇનની નીચે છુપાયેલા બૅક્ટેરિયા હટાવવામાં મદદ મળે છે.

મોંમાંથી દુર્ગંધ કેમ આવે, શ્વાસની તકલીફ, શ્વાસમાંથી દુર્ગંધ, બીબીસી ગુજરાતી, હેલ્થ, સ્વાસ્થ્ય, શરીર

યોગ્ય સમયે બ્રશ કરો

મોંમાંથી દુર્ગંધ કેમ આવે, શ્વાસની તકલીફ, શ્વાસમાંથી દુર્ગંધ, બીબીસી ગુજરાતી, હેલ્થ, સ્વાસ્થ્ય, શરીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિવસમાં બે વાર બે-બે મિનિટ સુધી બ્રશ કરવું તે આદર્શ સ્થિતિ છે

આપણામાંના ઘણા લોકોને એવું શિખવાડવામાં આવ્યું હશે કે ભોજન કર્યા પછી દાંતને બ્રશ કરવા જોઈએ.

પરંતુ ડૉક્ટર શર્મા કહે છે, "સારી રીત તો એ છે કે તમારે નાસ્તાની પહેલાં દાંત બ્રશ કરવા જોઈએ."

તેઓ કહે છે, "લીંબુ, સંતરાં, સરકો જેવી ખાટી વસ્તુઓ પેટમાં અમ્લ (ઍસિડ) ઉત્પન્ન કરી શકે છે. ખાદ્યમાં મોજૂદ ઍસિડ તમારા દાંતની ઉપરની સપાટી પર રહેલા સુરક્ષાત્મક ઇનેમલ અને તેની નીચેના ડેન્ટિનને નરમ કરી દે છે, તેથી ખાધા પછી તરત દાંત બ્રશ કરવા તમારા ઇનેમલને નુકસાન પહોંચાડી શકે છે."

ડૉક્ટર શર્મા કહે છે, "જો તમે નાસ્તો કર્યા પછી બ્રશ કરવાનું પસંદ કરતા હો, તો નાસ્તા અને બ્રશ કરવાની વચ્ચે થોડા સમયનું અંતર રાખો."

તમારે સારી રીતે કોગળા કરવા જોઈએ અને પછી થોડી રાહ જોવી જોઈએ.

દિવસમાં બે વાર બે-બે મિનિટ સુધી બ્રશ કરવું આદર્શ સ્થિતિ છે.

પરંતુ કેટલાક લોકો માટે દિવસમાં એક વાર યોગ્ય રીતે બ્રશ કરવું પણ પર્યાપ્ત હોઈ શકે છે.

જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે મોંમાં લાળનો પ્રવાહ ઓછો થઈ જાય છે, જેનાથી બૅક્ટેરિયાને દાંતને વધારે નુકસાન કરવાની તક મળે છે.

તેથી, જો તમે દિવસમાં માત્ર એક જ વખત દાંતની સંપૂર્ણ સફાઈ કરતા હો, તો સૌથી સારો સમય રાતનો હોય છે.

મોંમાંથી દુર્ગંધ કેમ આવે, શ્વાસની તકલીફ, શ્વાસમાંથી દુર્ગંધ, બીબીસી ગુજરાતી, હેલ્થ, સ્વાસ્થ્ય, શરીર

યોગ્ય બ્રશ અને ટૂથપેસ્ટ પસંદ કરો

મોંમાંથી દુર્ગંધ કેમ આવે, શ્વાસની તકલીફ, શ્વાસમાંથી દુર્ગંધ, બીબીસી ગુજરાતી, હેલ્થ, સ્વાસ્થ્ય, શરીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બ્રશ કર્યા પછી તરત માઉથવૉશનો ઉપયોગ ન કરો

મધ્યમ સખત રેસાવાળું બ્રશ પસંદ કરવું જોઈએ. ટૂથપેસ્ટ મોંઘી હોવી જરૂરી નથી.

ડૉક્ટર શર્મા કહે છે, "જ્યાં સુધી ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ છે ત્યાં સુધી બરાબર છે."

ફ્લોરાઇડ દાંતોના ઇનેમલને મજબૂતી આપે છે અને તેને સડવાથી બચાવે છે.

બ્રશ કર્યા પછી ફીણ થૂંકી દો, પરંતુ કોગળા ન કરો. જેથી ટૂથપેસ્ટ અને ફ્લોરાઇડ મોંમાં જળવાઈ રહે અને દાંતના સડાને રોકવામાં મદદ કરે.

જો તમને પેઢાંની બીમારીનાં શરૂઆતનાં લક્ષણો અનુભવાતાં હોય, તો માઉથવૉશનો ઉપયોગ પણ લાભકારક બની શકે છે; કેમ કે, તે પ્લાક અને બૅક્ટેરિયા ઘટાડે છે.

પરંતુ બ્રશ કર્યા પછી તરત માઉથવૉશનો ઉપયોગ ન કરો, કેમ કે તે ટૂથપેસ્ટમાં રહેલા ફ્લોરાઇડને ધોઈ શકે છે.

મોંમાંથી દુર્ગંધ કેમ આવે, શ્વાસની તકલીફ, શ્વાસમાંથી દુર્ગંધ, બીબીસી ગુજરાતી, હેલ્થ, સ્વાસ્થ્ય, શરીર

પેઢાની ગંભીર બીમારીને ઓળખો

મોંમાંથી દુર્ગંધ કેમ આવે, શ્વાસની તકલીફ, શ્વાસમાંથી દુર્ગંધ, બીબીસી ગુજરાતી, હેલ્થ, સ્વાસ્થ્ય, શરીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વધારે ગળ્યું ભોજન અને સૉફ્ટ ડ્રિંક પેઢાંને નુકસાન કરે છે

જો પેઢાં સંકોચાય એટલે કે, પેરિયોડૉન્ટાઇટિસ વધે, તો તમે જોશો કે દાંત વચ્ચે જગ્યા વધવા લાગે છે.

તેનાથી જે હાડકું દાંતોને આધાર આપે છે, તે ગળવા લાગે છે. તેનાથી દાંત હલવા લાગે છે.

જો તેના પર કંટ્રોલ કરવામાં ન આવે, તો હાડકાને એટલું વધુ નુકસાન થઈ શકે છે કે દાંત પડી પણ શકે છે.

તમને સતત શ્વાસની દુર્ગંધ પણ અનુભવાઈ શકે છે. જો આવાં લક્ષણ દેખાય તો તરત ડેન્ટિસ્ટની મુલાકાત લો.

અને અંતમાં, શ્વાસને તાજા રાખવા માટે કેટલાક આસાન ઉપાયો પર જરૂર ધ્યાન આપવું જોઈએ–

  • ભરપૂર પાણી પીઓ, કેમ કે મોં સુકાઈ જવાથી બૅક્ટેરિયા આસાનીથી વધી શકે છે.
  • જીભને ટંગ સ્ક્રૅપરથી સાફ કરો. તેનાથી ભોજનના કણ, બૅક્ટેરિયા અને મરી ગયેલી કોશિકાઓ હટી જાય છે, જે દુર્ગંધનું કારણ બની શકે છે.
  • જો તમને ખાતરી ન હોય કે તમારા શ્વાસમાંથી દુર્ગંધ આવે છે કે કેમ?, તો કોઈ મિત્ર અથવા તો પરિવારના સભ્યને પૂછો. પણ ધ્યાન રાખો કે કોને પૂછવાનું છે.

આ લખાણ બીબીસીના 'વૉટ્સઍપ ડૉક્સ' પૉડકાસ્ટમાંથી લેવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 29 એપ્રિલ, 2025એ પ્રસારિત થયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન