કેજરીવાલ ઈડી સમક્ષ હાજર નહીં રહે, શું છે કથિત શરાબનીતિ ગોટાળો?

દિલ્હી દારૂ ગોટાળો અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ દિલ્હીની જૂની આબકારી નીતિમાં કથિત ગોટાળા મામલે પ્રવર્તન નિદેશાલય (ઇડી) સામે રજૂ નહીં થાય.

'ઇન્ડિયન એક્સ્પ્રેસ' અનુસાર કેજરીવાલે ગુરુવારે મધ્ય પ્રદેશમાં એક ચૂંટણીસભાને સંબોધવા જવાનું પસંદ કર્યું છે. ઈડીએ તેમને 2 નવેમ્બરે રજૂ થવા માટે સમન્સ પાઠવ્યા હતા.

સોમવારે આ જ કેસમાં આપના નેતા મનીષ સિસોદિયાના જામીન ફગાવાયા બાદ પ્રવર્તન નિદેશાલય (ઈડીએ) દ્વારા રાજ્યના સીએમ અરવિંદ કેજરીવાલને 2 નવેમ્બરે રજૂ થવા માટે સમન્સ પાઠવાયા હતા.

આ મામલે પહેલાંથી જ દિલ્હીના પૂર્વ ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહ જેલમાં બંધ છે. કથિત દારૂ ગોટાળાના મામલામાં ઈડીએ આ જ વર્ષે 9 માર્ચે મનીષ સિસોદિયાની અને 4 ઑક્ટોબરે સંજય સિંહની ધરપકડ કરી હતી. ત્યારથી આપના આ બન્ને નેતાઓ જેલમાં જ છે અને હજુ સુધી તેમને જામીન મળ્યા નથી. દિલ્હીના પૂર્વ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ મની લૉન્ડરિંગ મામલે જેલમાં બંધ હતા પરંતુ તેમને સ્વાસ્થ્ય કારણોથી 30 નવેમ્બર સુધી જામીન આપવામાં આવ્યા છે.

ઈડીએ આ મામલે દાખલ કરેલા આરોપપત્રમાં કેટલીય વખત કેજરીવાલના નામનો ઉલ્લેખ કરેલો છે અને કેજરીવાલને સમન્સ મોકલાવાયા બાદ રાજકારણ પણ ગરમાયું છે.

શું હતી દિલ્હીની નવી શરાબનીતિ?

દિલ્હી કથિત દારૂ ગોટાળો અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા

ઇમેજ સ્રોત, Getty Images

ફાઇનાન્સિયલ ઍક્સપ્રેસના એક અહેવાલ અનુસાર નવી પૉલિસી અંતર્ગત દિલ્હી સરકારે પોતાને શરાબના વ્યવસાયથી બહાર કરી દીધી હતી.

આ નીતિના અમલ સાથે જ દિલ્હીમાં શરાબની સરકારી દુકાનો બંધ કરી દેવાઈ હતી અને શરાબવેચાણ માટે ખાનગી પાર્ટીઓને લાઇસન્સ અપાયાં હતાં. આ સિવાય દિલ્હીમાં શરાબ પીવાની કાયદાકીય ઉંમર 25 વર્ષથી ઘટાડીને 21 કરી દેવાઈ હતી.

નવી શરાબનીતિનો હેતુ સરકારની આવક વધારવાનો, ગ્રાહકોને સારો અનુભવ આપવાનો, શરાબમાફિયાની અસર ખતમ કરવાનો અને દારૂની કાળા બજારી બંધ કરાવવાનો હોવાનું જણાવાયું હતું.

આ પૉલિસી નવેમ્બર 2021થી અમલી બની હતી.

દિલ્હી સરકારના દાવા અનુસાર આ નવી નીતિના અમલીકરણથી સરકારની આવકમાં 27 ટકાનો વધારો થયો હતો, જે 8,900 કરોડ રૂપિયા જેટલો હતો.

આ પૉલિસીને વધુ આકર્ષક બનાવવા માટે સરકારે લાઇસન્સધારકોને શરાબની કિંમત નક્કી કરવાની સ્વતંત્રતા આપી હતી, જેમાં MRPમાં ભારે ડિસ્કાઉન્ટ આપવાની શક્યતા પણ વધી ગઈ હતી. તમામ દુકાનો વહેલી સવારના ત્રણ વાગ્યા સુધી ચાલુ રાખી શકાય તેવી પરવાનગી પણ અપાઈ હતી તેમજ હોમ ડિલિવરી માટેની સુવિધા પણ ઊભી કરાઈ હતી.

ઉપરાજ્યપાલના આરોપો અને ચીફ સેક્રેટરીનો રિપોર્ટ

દિલ્હી કથિત દારૂ ગોટાળો અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ વર્ષે જુલાઈ માસમાં દિલ્હીના ઉપરાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ નવી શરાબનીતિ મામલે સીબીઆઈ તપાસની ભલામણ કરી હતી.

તેમણે દિલ્હીના ચીફ સેક્રેટરી નરેશકુમારને અધિકારીઓએ આ નવી નીતિના નિર્માણ મામલે કરેલ યોગદાન, સુધારા અને તેના અમલીકરણ બાબતે રિપોર્ટ તૈયાર કરવા કહ્યું હતું.

કુમારે પોતાના રિપોર્ટમાં નોંધ્યું કે દિલ્હીની શરાબનીતિમાં બદલાવ ઉપરાજ્યપાલની મંજૂરી વગર કરાયો છે, જેનાથી શરાબના ખાનગી વેપારીઓને 'ખોટી રીતે ફાયદો' કરાયો હતો.

કુમારે આ નીતિ અંગે ઘણી પ્રક્રિયા સંબંધિત ત્રુટિઓ ગણાવી હતી. આ નીતિ અંતર્ગત કોરોનાના કારણે 144.36 કરોડ રૂપિયાની લાઇસન્સ ફીમાં છૂટ અપાઈ હતી.

જેના માટે ઉપરાજ્યપાલની મંજૂરી લેવાઈ નહોતી. પ્રતિ બિયર 50 રૂપિયાની ઇમ્પૉર્ટ પાસ ફી માફ કરાઈ હતી. જેના કારણે સરકારને ભારે નુકસાન થયું છે અને બીજી તરફ લાઇસન્સધારકોને ભારે ફાયદો થયો છે.

દિલ્હી ઍક્સાઇઝ રુલ્સ, 2010 અને ટ્રાન્ઝેક્શન ઑફ બિઝનેસ રુલ્સ, 1993 અંતર્ગત આમાં કોઈ પણ પ્રકારના ફેરફાર માટે ઉપરાજ્યપાલ અને કૅબિનેટની મંજૂરી લેવી આવશ્યક છે.

જો એવું ન કરવામાં આવે તો આ બદલાવ ગેરકાયદેસર ઠરે છે. આ કારણે જ દિલ્હી પોલીસનો ઇકૉનૉમિક ઑફેસન્સ વિંગ અને સીબીઆઈએ આ સમગ્ર મામલે તપાસ આદરી છે.

ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ જે-તે સમયે નવી નીતિ લાવવા પાછળ મુખ્યત્વે બે કારણો જણાવ્યાં હતાં. પ્રથમ શરાબમાફિયા પર નિયંત્રણ મેળવવું અને બીજું સરકારની આવક વધારવી.

સાથે જ તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે શરાબની દુકાનોનું વિસ્તાર અનુસાર સમાન વિતરણ થવું જોઈએ, ગ્રાહકો માટે શરાબ ખરીદવાની પ્રવૃત્તિ સુવિધાજનક હોવી જોઈએ.

તેમણે કહ્યું કે, નવી નીતિમાં ફેરફાર કરીને આ તમામ ફૅક્ટરોને હઠાવવામાં આવ્યા છે. આ ફૅક્ટરોને કારણે જ શરાબમાફિયા પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા.

મનીષ સિસોદિયાએ કહ્યું હતું કે, "અમુક મહિના પહેલાં આબકારી વિભાગમાં દિલ્હીમાં શરાબ ખરીદવા અને વેચવાની સિસ્ટમ, રેવન્યૂ લિકેજને ઠીક કરવા માટે એક વિશેષજ્ઞ સમિતિ બનાવવામાં આવી હતી. સમિતિએ રિપોર્ટમાં જનતાની ભલામણો માગી હતી. લગભગ 14,700 ભલામણો આવી હતી."

"આ અંગે મુખ્ય મંત્રી દ્વારા ભલામણો કરવા અંગે મંત્રીઓના સમૂહની નિમણૂક કરાઈ હતી. આ ભલામણોને કૅબિનેટે મંજૂરી આપી દીધી હતી."

આ સાથે જ તેમણે શરાબની દુકાનોએ સમાન વિતરણ પર પણ ભાર મૂક્યો હતો. જોકે, ઉપરાજ્યપાલના આરોપો બાદ દિલ્હી સરકારે આ નવી નીતિમાંથી પીછેહઠ કરી હતી.

આમ આદમી પાર્ટીએ શું કહ્યું?

દિલ્હી કથિત દારૂ ગોટાળો અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા

ઇમેજ સ્રોત, Getty Images

દિલ્હી સરકારમાં મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું હતું કે, "ઈડીએ આપેલી નોટિસથી એ સ્પષ્ટ થાય છે કે ભાજપની કેન્દ્ર સરકારનો એકમાત્ર હેતુ આમ આદમી પાર્ટીને ખતમ કરવાનો છે."

તેમણે કહ્યું હતું કે, "તેઓ કેજરીવાલને એક ખોટા કેસમાં ફસાવવા અને જેલમાં મોકલવા માટે તેમનાથી બનતું બધું જ કરી રહ્યા છે."

એ પહેલાં દિલ્હી સરકારનાં શિક્ષણ પ્રધાન આતિશીએ કહ્યું હતું કે, "મનીષ સિસોદિયા મામલે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્ણયનું સન્માન કરીએ છીએ પણ અમે આ ચુકાદા સાથે સહમત નથી અને અમે શક્ય કાયદાકીય પગલાં લેવા વિચારી રહ્યા છીએ."

તેમણે કહ્યું હતું કે, "મને વિશ્વાસ છે કે ગમે તેટલા કેસ તેઓ અમારી સામે કરે, અંતે એક પણ કેસ પુરવાર થશે નહીં. જે લોકો ભાજપ સામે બોલી રહ્યા છે તેમની સામે ઈડી અને સીબીઆઈનો ઉપયોગ થઈ રહ્યો છે."

"હવે અરવિંદ કેજરીવાલ પછી અન્ય વિપક્ષી નેતાઓ હેમન્ત સોરેન, તેજસ્વી યાદવ, સ્ટાલિનનો પણ નંબર આવી શકે છે."

વિપક્ષી નેતાઓએ શું કહ્યું?

દિલ્હી કથિત દારૂ ગોટાળો અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદિયા

ઇમેજ સ્રોત, ANI

શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના સાંસદ સંજય રાઉતે આ મામલે પ્રતિક્રિયા આપી હતી.

તેમણે કહ્યું હતું કે, "જે કોઈ પણ તેમના (ભાજપના) વિરોધીઓ છે, તે નેતાઓ પર તેઓ મની લૉન્ડરિંગનો આરોપ લગાવશે અને તેમને જેલમાં બંધ કરી દેશે. આપણે તો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે એવું સાંભળી રહ્યા હતા કે મનીષ સિસોદિયા વિરુદ્ધ પુરાવા કોઈ પુરાવા નથી, તો પણ તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવી.”

"આ પહેલાં પશ્ચિમ બંગાળના એક મંત્રીની પણ ધરપકડ કરવામાં આવી હતી. આપ, આરજેડી, તૃણમૂલ કૉંગ્રેસ, એનસીપી કે શિવસેના, તમામ પાર્ટીઓના અગ્રણી નેતાઓ વિરુદ્ધ ખોટા કેસ કરવામાં આવ્યા છે."

"સીબીઆઈ અને ઈડીને વિપક્ષી નેતાઓને રાજકીય રીતે ખતમ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલને બોલાવવામાં આવ્યા છે, પણ શું ભાજપના બધા લોકો નિર્દોષ છે? ... જો અરવિંદ કેજરીવાલ ભાજપમાં સામેલ થશે તો શું તેઓ હરિશ્ચંદ્ર બની જશે?"

બીજી તરફ ભાજપે પણ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, "જે લોકો ઈમાનદારીના પ્રમાણપત્રો આપતા હતા તેમના મંત્રીઓ જેલમાં છે અને તેમને જામીન મળતા નથી. હકીકત એવી છે કે આપના નેતાઓ જ્યારથી સત્તામાં આવ્યા ત્યારથી ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે."

"આપે દિલ્હી અને પંજાબમાં ભ્રષ્ટાચાર કર્યા છે. આજે એવી પરિસ્થિતિ છે કે જેટલા નેતાઓ બહાર છે તેના કરતાં વધુ નેતાઓ જેલમાં છે."