તાઇવાનની આસપાસ મિલિટરી ડ્રિલને ચીનની સેનાએ ગણાવી- 'સખત સજા'

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, કેલી એનજી અને તાઇપેઈથી રૂપર્ટ વિંગફિલ્ડ-હેયેસ
- પદ, બીબીસી ન્યૂઝ
ચીને તાઇવાનની આજુબાજુ સૈન્ય અભ્યાસ શરૂ કર્યો છે.
બે દિવસ સુધી ચાલનારી આ મિલિટરી ડ્રિલને ચીનની સેનાએ પોતાની રીતે સરકાર ચલાવતા તાઇવાનને તેની 'અલગાવવાદી ગતિવિધિ' માટે 'સખત સજા' ગણાવી છે.
તાઇવાનના નવા રાષ્ટ્રપતિ વિલિયમ લાઈએ ત્રણ દિવસ પહેલાં જ પદભાર સંભાળ્યો છે.
પદભાર ગ્રહણ કરતી વખતે તેમણે ચીનને કહ્યું હતું કે તે તાઇવાનને ધમકીઓ આપવાનું બંધ કરે અને તેના લોકતંત્રના અસ્તિત્વનો સ્વીકાર કરે.
ચીન તાઇવાનને પોતાનાથી છૂટો પડી ગયેલો વિસ્તાર તરીકે ગણે છે. ચીન કહે છે કે તાઇવાનને એક દિવસ બીજિંગના નિયંત્રણ હેઠળ આવવું જ પડશે.
પરંતુ તાઇવાન આ દલીલ સાથે સહમત નથી અને તે પોતાને એક અલગ અને સ્વતંત્ર ભૌગોલિક વિસ્તાર તરીકે જુએ છે.
તાઇવાનની રક્ષા મંત્રાલયે ચીનની મિલિટરી ડ્રિલને વખોડી કાઢી છે. તાઇવાનના રક્ષા વિભાગે તેને ‘પાયાવિહોણી ઉશ્કેરવા માટેની કાર્યવાહી’ ગણાવી છે.
રક્ષા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે પોતાની સંપ્રભુતાની રક્ષા માટે તાઇવાને નૌસેના, વાયુસેના અને સૈન્યને તહેનાત કરી દીધાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાઇવાનના મિલિટરી ઍક્સપર્ટ્સ અનુસાર ગુરુવારથી શરૂ થયેલી મિલિટરી ડ્રિલ એટલા માટે પણ મહત્ત્વની છે કે આ પ્રથમ વખત છે કે આર્થિક નાકાબંધી કરવાની જગ્યાએ મોટા પાયે હુમલાની તૈયારી માટેના અભ્યાસ કરાઈ રહ્યો છે.
ચીન તાઇવાનની મુખ્ય જમીનની આજુબાજુ દરેક જગ્યાએ સૈન્ય અભ્યાસ કરી રહ્યું છે. પહેલી વખત તાઇવાનના નિયંત્રણ હેઠળ આવતા કેટલાક ટાપુઓને પણ નિશાન બનાવવામાં આવ્યા છે.
મિલિટરી ડ્રિલનો હેતુ

ઇમેજ સ્રોત, CCTV
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ટાપુઓ છે- કિનમેન, માત્સુ, વુકીયુ અને ડૉંગ્યિન. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ બહાર પાડેલા નક્શા અનુસાર આ ટાપુઓ ચીનના દરિયાકાંઠાની નજીક છે.
તાઇવાનના પૂર્વમાં પણ સૈન્ય અભ્યાસ થયો છે. પહાડોની બીજી તરફ આવેલા પૂર્વ કિનારો, ટાપુનો ઊબડખાબડ પૂર્વ કાંઠા વિસ્તાર લાંબા સમયથી તાઇવાનની સૈન્યની તાકાત રહ્યો છે.
તાઇવાને તેના પૂર્વ કિનારે મોટા ભાગની સૈન્ય માળખાકીય સુવિધાને મજબૂત બનાવી રાખી છે. અહીં તે એક પહાડની અંદર એક ભૂગર્ભ લશ્કરી ઍરબેઝ પણ ધરાવે છે, જે હુઆલીન શહેરની નજીક છે.
આ વિસ્તાર જાપાનના દક્ષિણી ટાપુઓની નજીક આવેલો છે. આ વિસ્તાર લશ્કરી મદદ પહોંચાડવા માટેનો કુદરતી માર્ગ પણ છે.
તાઇવાનના પૂર્વમાં પોતાનાં નૌકાદળ અને હવાઈદળને પેટ્રોલિંગ માટે મોકલીને ચીન તાઇપેઇને એ સંકેત આપવા માગે છે કે તેનો પૂર્વ વિસ્તાર તેના હુમલાથી બચી શકે એવી સ્થિતિમાં નથી.
તે અમેરિકાને એ પણ બતાવવા માગે છે કે પૂર્વના માર્ગે તાઇવાનને સૈન્ય સહાય મોકલવાના કોઈ પણ પ્રયાસને ચીનની મિસાઇલ અને નૌકાદળના હુમલાનું જોખમ રહેશે.
પીપલ્સ લિબરેશન આર્મી અનુસાર તેના સૈન્ય અભ્યાસનું ફોક્સ દરિયા અને હવાઈ હુમલો કરવા સક્ષમ પેટ્રોલિંગ કરવું, મુખ્ય લક્ષ્યો પર સચોટ રીતે હુમલો કરવો અને તાઇવાનની અંદર અને બહાર ઇન્ટિગ્રેટેડ ઑપરેશન ચાલવવા માટેની તૈયારીઓની ચકાસણી કરવી છે, જેથી તેનાં સૈન્ય બળો સાથે મળીને યુદ્ધ લડવાની ક્ષમતાઓની ચકાસણી કરી શકાય.
લશ્કરી નિષ્ણાત ચીહ ચુંગને ટાંકીને તાઇવાનના મીડિયાએ કહ્યું છે કે આ ચીનના સૈન્ય અભ્યાસનો હેતુ "તાઇવાન પર વ્યાપક હુમલાની તૈયારી કરવાનો છે."
છેલ્લા એક વર્ષમાં ચીને ઘણી વખત આવો સૈન્ય અભ્યાસ કર્યો છે જેમાં ફાઇટર પ્લૅન અને જહાજોથી તાઇવાનની ચારે બાજુ ઘેરાબંધી કરવામાં આવી હતી.
તાઇવાન અનુસાર લાઈના કાર્યકાળની શરૂઆતના પહેલાંના દિવસોમાં તાઇવાનના જળ અને હવાઈ વિસ્તારમાં ઘૂસણખોરી વધી છે.
તાઇવાનની નાકાબંધી

ઇમેજ સ્રોત, RITCHIE B TONGO/EPA-EFE/REX/SHUTTERSTOCK
અમેરિકન કૉંગ્રેસનાં તત્કાલીન સ્પીકર નેન્સી પેલોસીની તાઇપેઇની મુલાકાત બાદ ચીને ઑગસ્ટ 2022માં પહેલી વાર તાઇવાનની આસપાસ સૈન્ય અભ્યાસ શરૂ કર્યો હતો.
આ સૈન્ય અભ્યાસમાં ચીને જહાજો, ફાઇટર પ્લૅન અને મિસાઇલ હુમલાની મદદથી તાઇવાનની નાકાબંધી કરી હતી.
પીપલ્સ લિબરેશન આર્મીએ ગુરુવારે કહ્યું કે આ સૈન્ય અભ્યાસ તાઇવાન સ્વતંત્રતા દળોની અલગતાવાદી પ્રવૃત્તિઓ માટે કડક સજા અને બાહ્ય શક્તિઓ દ્વારા હસ્તક્ષેપ અને ઉશ્કેરણી સામે કડક ચેતવણી છે.
આ બાજુ ચીનના વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે મિલિટરી ડ્રિલ તેની રાષ્ટ્રીય સાર્વભૌમત્વની સુરક્ષા માટે 'જરૂરી અને કાયદેસર પગલું' છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યું, "આ વાત પર ભાર મૂકવાની જરૂર છે કે તાઇવાન ચીનના ભૂભાગનું અવિભાજ્ય અંગ છે. આ એક ઐતિહાસિક હકીકત અને વાસ્તવિકતા બંને છે. આ ભવિષ્યમાં બદલાશે નહીં. તાઇવાનને એવો અભિશાપ છે કે તેની સ્વતંત્રતા નિષ્ફળ જશે.
સોમવારે રાષ્ટ્રપતિ વિલિયમ લાઈએ તેમના કાર્યકાળના પ્રથમ સંબોધનમાં કહ્યું હતું કે "ચીને તાઇવાનને ધમકી આપવાનું બંધ કરવું જોઈએ."
ચીને આ ભાષણની નિંદા કરી હતી. વિદેશમંત્રી વાંગ યીએ તાઇવાનના રાષ્ટ્રપતિ વિલિયમ લાઈને 'શરમજનક' ગણાવ્યા હતા.
જાન્યુઆરીમાં વિલિયમ લાઈની ચૂંટણીમાં જીત બાદ બીજિંગે એક નિવેદન બહાર પાડીને ભારપૂર્વક જણાવ્યું હતું કે "તાઇવાન ચીનનો ભાગ છે."
આટલું જ નહીં ચીને તાઇવાન પર વાતચીત માટે વિલિયમ લાઈના પ્રસ્તાવને પણ ફગાવી દીધો હતો.
ચીને અગાઉ વિલિયમ લાઈને એક 'અલગતાવાદી' અને 'મુશ્કેલી સર્જનાર' ગણાવ્યા હતા. તેનું કારણ એ હતું કે વિલિયમ લાઈ ભૂતકાળમાં તાઇવાનની આઝાદીના સમર્થનમાં નિવેદનો આપતા રહ્યા છે.
ગ્રે ઝોન

ઇમેજ સ્રોત, Getty Images
તાઇવાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે ગુરુવારે સૈન્ય અભ્યાસ ચીનની લડાકુ પ્રવૃત્તિનું ઉદાહરણ છે.
મંત્રાલયે કહ્યું, "હાલનાં વર્ષોમાં ચીનમાં વિમાનો અને સમૃદ્રી જહાજોએ વૈશ્વિક શાંતિ અને સ્થિરતાને નુકસાન પહોંચાડ્યું છે."
તાઇવાનના રાષ્ટ્રપતિ કાર્યાલયે પણ કહ્યું કે ચીનની એકતરફી સૈન્ય ઉશ્કેરણી તાઇવાનનાં લોકતંત્ર અને સ્વતંત્રતા માટે જોખમી છે.
આ દરમિયાન તાઇવાનની મેનલૅન્ડ અફેયર્સ કાઉન્સિલે કહ્યું કે ચીન સાથેના સંબંધોથી તેના ઉદ્દેશોમાં કોઈ પરિવર્તન આવ્યું નથી.
આ કાઉન્સિલ ચીન સાથે તાઇવાનના સંબંધો માટે જવાબદાર છે.
વક્તા લિયાંગ વેન-ચીહે કહ્યું, "ચીને એ સમજવું જોઈએ કે તેની ધમકીઓથી તે લોકોનાં દિલો-દિમાગ પર જીત મેળવી નહીં શકે."
જોકે ચીન અને તાઇવાન વચ્ચે વેપાર ચાલુ છે, પરંતુ તેમની વચ્ચે કોઈ ઔપચારિક વાતચીત નથી થતી. આખી દુનિયા ચીનને કૂટનીતિક માન્યતા આપે છે, પણ તાઇવાનને નહીં.
વિશ્લેષકોનું કહેવું છે કે શી જિનપિંગના સમયમાં ચીને તાઇવાન પર પોતાના દાવાને ભારપૂર્વક દુનિયા સામે મૂક્યા છે.
શી જિનપિંગ હંમેશાં કહેતા રહ્યા છે કે એક દિવસે તાઇવાનનો ચીનમાં વિલય થઈ જશે. તાઇવાનમાં ચૂંટણી પહેલાં ગત વર્ષે ડિસેમ્બરમાં પણ શી જિનપિંગે આ વાત કરી હતી.
અત્યાર સુધી તાઇવાનની આસપાસ ચીનનો સૈન્ય અભ્યાસ ગ્રે ઝોન સુધી સીમિત હતો અને તેને તાઇવાન પર હુમલો ન ગણી શકાય.
વિશ્લેષકોએ બીબીસીને જણાવ્યું કે ગ્રે ઝોનમાં યુદ્ધ અભ્યાસનો હેતુ પોતાના વિરોધીને લાંબા યુદ્ધમાં અટવાવીને નબળું કરવાનો છે. તેમના મતે, ચીન તાઇવાનની સાથે એ જ કરી રહ્યું છે.
ચીન અને તાઇવાનના સંબંધોને સમજો
ચીન અને તાઇવાન વચ્ચે સંબંધો આટલા ખરાબ કેમ છે?
ચીન તાઇવાનને પોતાનો વિદ્રોહી પ્રાંત ગણે છે. તેનું કહેવું છે કે તાઇવાનનો ચીનમાં વિલય થવો જોઈએ. અને તેના માટે જો તાકતનો ઉપયોગ કરવો પડે તો કરશે. પરંતુ તાઇવાન પોતાને ચીનથી અલગ માને છે.
તાઇવાનનું પ્રશાસન કેવી રીતે ચાલે છે?
આ દ્વીપનું પોતાનાં બંધારણ, લોકતાંત્રિક રીતે ચૂંટેલા નેતા અને અંદાજે ત્રણ લાખ સૈનિક છે.
તાઇવાનને કયા દેશો માન્યતા આપે છે?
તાઇવાનને બહુ ઓછા દેશ માન્યતા આપે છે. મોટા ભાગના ચીનને માન્યતા આપે છે. અમેરિકાના તાઇવાન સાથે કોઈ સત્તાવાર સંબંધ નથી, પરંતુ અમેરિકામાં એક કાયદો છે, જેના હેઠળ તેના પર તાઇવાનના રક્ષણની જવાબદારી છે.












