ચીને એવું શું કર્યું કે ‘ગ્લોબલ બિઝનેસ હબ હૉંગકૉંગ’માં હવે કોઈ પૈસા રોકવા તૈયાર નથી?

હૉંગકૉંગ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જૉયસ લી
    • પદ, બીબીસી ચાઇનીઝ, હૉંગકૉંગ

હૉંગકૉંગમાં હાલમાં એક જોક ખૂબ ચાલી રહ્યો છે. ‘ગ્લોબલ કૅપિટલ ડાર્લિંગ’ નો દરજ્જો ગુમાવી દેવાને કારણે સ્થાનિકો તેની હાંસી ઉડાવી રહ્યા છે અને કહી રહ્યા છે હવે આ શહેર માત્ર યુનેસ્કો વર્લ્ડ હૅરિટેજ સાઇટ બની ગયું છે.

આમ થવા પાછળનું કારણ કલમ 23 છે જેને ગત અઠવાડિયે જ અહીં લાગુ કરવામાં આવી છે. આ કડક સુરક્ષા કાયદો છે જેના કારણે ચિંતાઓ વધી છે.

સત્તાવાળાઓ કહે છે કે આ કાયદાને કારણે શહેરની સુરક્ષામાં વધારો થશે જ્યાકે ટીકાકારો કહે છે કે બંધબારણે થઈ રહેલા ટ્રાયલો અને રાજદ્રોહ તથા બળવાના આરોપસર અપાતી જનમટીપની સજાને કારણે અનેક લોકોના મોં બંધ કરી દેવામાં આવશે.

સુરક્ષા કારણોસર પોતાનું આખું નામ છતું ન કરવા ઇચ્છતા રિયલ ઍસ્ટેટ સર્વેયર મિ. ચાન કહે છે, "આ કાયદો એવા સમયે આવી રહ્યો છે જ્યારે હૉંગકૉંગ પર ચીનનો લોખંડી પંજો વધુ મજબૂત થઈ રહ્યો છે તથા અમેરિકા અને ચીન વચ્ચેનો તણાવ વધી રહ્યો છે. આ કારણોને લીધે અહીં રોકાણકારો પહેલેથી જ ભાગી રહ્યા છે."

તેઓ કહે છે, "હૉંગકૉંગને લોકો ચીનથી અલગ ગણતા હતા અને તેના કારણે જ અહીં તેઓ રોકાણ કરતા હતા. પરંતુ હવે એમ નહીં થાય."

કલમ 23 લાગુ થયા પછી શું થશે?

હૉંગકૉંગ બિઝનેસ ચીન બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીને 2020માં વિરોધપ્રદર્શનો પછી પણ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કર્યો હતો

ચીનની હાલમાં લાગુ કરવામાં આવેલી નીતિઓમાં એક કૉમન થીમ દેખાય છે જેમાં ‘રાષ્ટ્રીય સુરક્ષા’ અને ‘વિદેશી તાકાતોનો વધી રહેલો ખતરો’- આ બે બાબતો પર ભાર છે.

ચીનની સરકારી માલિકીની બૅન્કમાં કામ કરતા મિ.સે કહે છે કે, "છેલ્લાં બે વર્ષમાં અહીં વેપાર સારો ચાલી રહ્યો નથી અને કોઈ મોટા કરાર પણ થયા નથી."

તેમના કહ્યા અનુસાર તેમની કંપનીએ 10 ટકાથી વધુ સ્ટાફને જૂનમાં નોકરી પરથી હઠાવી દીધો હતો અને ગત અઠવાડિયે વધુ પાંચ ટકા સ્ટાફને નોકરી પરથી બરતરફ કરી દેવાયો છે.

"કોઈને એ વાતનો ખ્યાલ નથી કે તેમનો વારો આમાં ક્યારે આવી જશે."

જર્મન ચૅમ્બર ઑફ કૉમર્સના પ્રૅસિડેન્ટ જૉહાનિસ હૅક કહે છે કે, "અત્યારથી એ વાતનું અનુમાન લગાવી ન શકાય કે આ કલમ 23ના લાગુ થવાથી વેપારને કેટલી અસર થશે. આ કાયદામાં રહેલા ‘ગંભીર શબ્દો’ અને જો તેનો ભંગ થાય તો ભોગવવા પડે તેવા ગંભીર પરિણામોને કારણે, આ કાયદાનું પાલન કરાવવા માટે કંપનીઓનો ખર્ચ વધી શકે છે."

હૉંગકૉંગની સરકારે બીબીસીને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "કલમ 23ને કારણે આ શહેરની સમૃદ્ધિમાં ઘણો વધારો થશે. તેના કારણે સામાન્ય વેપારને કોઈ ફર્ક નહીં પડે."

તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે અન્ય દેશોમાં પણ સુરક્ષા કાયદાઓ હોય ત્યારે હૉંગકૉંગને તેનાથી અલગ ન રાખી શકાય.

હૉંગકૉંગની અર્થવ્યવસ્થા પર અસર

હૉંગકૉંગ બિઝનેસ ચીન બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જિમી લાઈ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હૉંગકૉંગમાં કલમ 23 એવા સમયે લાગુ કરવામાં આવી છે જ્યારે શહેરનું વ્યવસ્થાપન તંત્ર વિશ્વને હજુ પણ આશ્વસ્ત કરવાના પ્રયત્નો કરી રહ્યું છે કે હૉંગકૉંગ હજુ પણ નાણાકીય રીતે ગતિશીલ છે.

આ કલમ 2020માં ચીને લાદેલા રાષ્ટ્રીય સુરક્ષા કાયદનું વધુ વિસ્તરણ કરે છે.

હૉંગકૉંગ જનરલ ચૅમ્બર ઑફ કૉમર્સ એવી દલીલ કરે છે કે, "આ કલમના લાગુ થવાથી હૉંગકૉંગ એ સ્થાનિક અને વિદેશી વ્યાપાર જૂથો માટે વધુ સુરક્ષિત સ્થળ બનશે."

હૉંગકૉંગના ચીફ ઍક્ઝિક્યુટિવ જ્હૉન લીએ આ તર્કને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો કે વ્યવસ્થાતંત્ર માત્ર રાષ્ટ્રીય સુરક્ષાની જ ચિંતા કરે છે. તેમણે આ કલમ વિશે રજૂ થઈ રહેલી ચિંતાઓને નરમ પ્રતિકાર ગણાવી હતી.

2019માં લોકશાહી માટે થયેલા વિરોધપ્રદર્શનો અને કડક ઝીરો-કૉવિડ નીતિ બાદ હૉંગકૉંગની અર્થવ્યવસ્થાને ચીનના ક્રૅકડાઉનને કારણે અસર થઈ છે. વેપાર માટેની જગ્યાઓ અને છૂટક જગ્યાઓ માટેના ભાડામાં ઘટાડો થયો છે. તેના કારણે ઑફિસની ઇમારતો અને દુકાનની જગ્યાઓ ખાલી પડી છે.

હૉંગકૉંગમાં પ્રવાસીઓ પણ ઓછા આવી રહ્યા છે. ગત વર્ષે જેટલા પ્રવાસીઓ આવ્યા એ કોવિડ મહામારી પહેલાં જેટલા પ્રવાસીઓ આવ્યા એ આંકડાના માત્ર 60 ટકા હતા.

હૉંગકૉંગના ‘ક્રાઉન જ્વેલ’ ગણાતા હૅંગ સૅંગ ઇન્ડેક્સનું મૂલ્ય પણ 2019 પછી 40 ટકા ઓછું થઈ ગયું છે. ભારત જાન્યુઆરીમાં તેને ઑવરટેક કરીને વિશ્વનું સૌથી મોટું ચોથું સ્ટોક માર્કેટ બની ગયું છે. જ્યારે સિંગાપોર એ નાણાકીય બાબતોમાં હૉંગકૉંગના કટ્ટર પ્રતિસ્પર્ધી તરીકે ઊભરી આવ્યું છે.

આંતરરાષ્ટ્રીય બૅંકો તેના હૉંગકૉંગ અને ચીનમાં કામ કરી રહેલા લોકોની નોકરીઓ પર કાપ મૂકી રહી છે. તેના પાછળ તેઓ હાંફી રહેલા વિકાસદર અને રોકાણકારોના ઘટી રહેલા વિશ્વાસને જવાબદાર ઠેરવે છે.

રોકાણ અને લોકોની હિજરતની વચ્ચે મૉર્ગન સ્ટૅનલી એશિયાના ભૂતપૂર્વ પ્રમુખે એક સમાચારપત્રમાં એવું વિધાન લખ્યું હતું કે ‘હૉંગકૉંગ ઇઝ ઑવર’. પીઢ રોકાણકાર લામ-યાત-મિંગે એક આર્થિક બાબતોના મેગેઝિનમાં લખ્યું હતું કે રોકાણકારોએ હૉંગકૉંગના સ્ટૉક્સમાં રોકાણ કરતાં પહેલાં વિચારવું જોઈએ.

મિ. હૅક કહે છે કે હૉંગકૉંગ પ્રત્યે જોવાની દુનિયાની દૃષ્ટિ કે વલણ બદલાયું છે.

એક દેશ, બે પ્રકારની વ્યવસ્થા

હૉંગકૉંગ બિઝનેસ ચીન બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભૂતકાળમાં બ્રિટનના તાબા હેઠળ રહેલું હૉંગકૉંગ 1997માં ચીન હેઠળ પરત ફર્યા પછી ‘એક દેશ, બે પ્રકારની વ્યવસ્થા’ના સિદ્ધાંત હેઠળ ચાલે છે. ચીને એવું વચન આપ્યું હતું કે હૉંગકૉંગ પચાસ વર્ષ સુધી નાગરિક સ્વતંત્રતાનો આનંદ માણી શકશે.

પરંતુ ટીકાકારો કહે છે કે ચીને લોકશાહી તરફી વિરોધને કચડીને અને 2020માં રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાદીને આ કરારને રદ્દ કર્યો છે. આ કાયદા હેઠળ ભૂતપૂર્વ ધારાસભ્યો સહિત 260થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સત્તાવાળાઓ આ કાયદાનો બચાવ કરતા કહે છે કે તેનાથી અંધાધૂંધીથી સારા શાસન સુધી જઈ શકાયું છે.

શહેરના સ્થાનિક બંધારણમાં ચિન્હિત સ્થાનિક સુરક્ષા કાયદો હંમેશાથી લાવવાની વાતા થતી હતી. તેના માટેનો પહેલો પ્રયાસ 2003માં કરવામાં આવ્યો હતો પરંતુ ત્યારે લાખો લોકો તેનો વિરોધ કરવા માટે રસ્તા પર ઊતરી ગયા હતા અને તેને લાગુ કરવામાં નિષ્ફળતા મળી હતી. આ વખતે આ કાયદો રજૂ કર્યાના બે અઠવાડિયામાં જ પસાર કરી દેવામાં આવ્યો છે.

હૉંગકૉંગ બાપ્ટિસ્ટ યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્ટિસ્ટ કૅનેથ ચાન કહે છે કે, "શી જિનપિંગના શાસનકાળમાં ચીન રાષ્ટ્રીય સુરક્ષાને સૌથી વધુ પ્રાધાન્ય આપે છે અને હૉંગકૉંગનું મુક્ત વિસ્તાર તરીકેનું સ્થાન અને આંતરરાષ્ટ્રીય ગેટવે તરીકે તેની અગત્યના બીજા ક્રમે આવે છે."

તેમનું કહેવું છે કે રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ જેમના પર આરોપ મૂકવામાં આવ્યો તેવા ભૂતપૂર્વ મીડિયા સમ્રાટ જીમી લાઈની ધરપકડ એ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે જાગૃતિ ચોંકાવનારી બાબત હતી.

તેઓ કહે છે કે, "રાષ્ટ્રીય સુરક્ષા કાયદાની કોઈ મર્યાદા નથી. વ્યક્તિગત સલામતી, ખાનગી મિલકતના અધિકારો અને વ્યક્તિગત સંપત્તિની કોઈ ખાતરી આપવામાં આવતી નથી."

હૉંગકૉંગ બિઝનેસ ચીન બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

2021માં લાઈના ઍપલ ડેઈલી અખબાર પર પોલીસે દરોડા પાડ્યા પછી તેમની કંપનીમાં ટ્રૅડિંગ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું અને તે પછીના વર્ષે તેને ડિલિસ્ટ કરી દેવામાં આવી હતી. 76 વર્ષીય લાઈ કે જેઓ હવે ટ્રાયલ પર છે, તેઓ સતત ત્રણ વર્ષથી જેલના સળિયા પાછળ છે અને તેમની 500 મિલિયન હૉંગકૉંગ ડૉલરની સંપત્તિઓ ફ્રીઝ કરવામાં આવી છે.

હૉંગકૉંગની સામાન્ય કાયદા પ્રણાલી એ સતત લોકશાહી તરફી લોકો પર દમનને કારણે લોકોની નજરમાં આવી છે. પરંતુ શહેરના ન્યાયતંત્રને વ્યાપારી બાબતોમાં સ્વતંત્ર માનવામાં આવે છે. જોકે, ટીકાકારોને ચિંતા છે કે મિ. લી હવે રાષ્ટ્રીય સુરક્ષાના કેસ સંભાળતા ન્યાયાધીશોને પણ પસંદ કરી શકે છે.

ડૉ. ચાન કહે છે, "આવા સુરક્ષા કાયદાઓને કારણે હૉંગકૉંગના વ્યવસાયોએ રાજકીય જોખમને ઘટાડવા માટે વધારાના પગલાંઓ પર તેમનું ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે. ખાસ કરીને વેપારકેન્દ્ર ગણાતા હૉંગકૉંગ મૅઇનલૅન્ડમાં આવી સંભાવનાઓ વધી જાય છે."

"કોઈપણ વ્યક્તિ રાજકીય દિશાને સમજી શકતું નથી. તેથી મોટી કંપનીઓએ જોખમોનું મૂલ્યાંકન કરવા અને રાજકીય જોડાણો બનાવવા માટે રાજકીય સલાહકારોની નિમણૂક કરવાનું પણ શરૂ કર્યું છે. આ બધા નવા ખર્ચ છે. આવા ખર્ચાઓ સરવાળે ઓછી કાર્યક્ષમતા તરફ દોરી જાય છે."

રોકાણ કરવું કે ન કરવું?

હૉંગકૉંગ બિઝનેસ ચીન બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

રિસર્ચ ફર્મ ઑરિએન્ટિસના મુખ્ય અર્થશાસ્ત્રી કેવિન ત્સુઈ કહે છે કે, "શહેરને આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર ગણીને છોડી ન દેવું જોઈએ. તેઓ ઉમેરે છે કે હૉંગકૉંગે તેની પાસે જે લાભ છે તેનો મહત્તમ ઉપયોગ કરવો જોઈએ."

"તેની પાસે એક સરળ અને ઓછા દરની કર પ્રણાલી છે. હકીકત એવી છે કે તે એકમાત્ર ચીની શહેર છે જેમાં કોઈ ફૉરેન ઍક્સચૅન્જનું નિયંત્રણ નથી. હૉંગકૉંગ ડૉલર પણ યુએસ ડૉલર સાથે જોડાયેલો છે, જેના કારણે નાણાકીય સ્થિરતા જળવાઈ રહે છે."

તેઓ કહે છે કે, "ભલે હૉંગકૉંગ એ ચીનનું શહેર છે પરંતુ વિદેશી રોકાણકારો ચીન સાથે પણ ધંધો કરવા ઇચ્છે છે."

આ શહેરને ચીનના મંદ પડી રહેલા અર્થતંત્ર, બજારમાં ઊભા થયેલા પડકારો, અને દેવાને કારણે પણ ઘણી અસર પડી રહી છે અને એવું લાગી રહ્યું છે કે હૉંગકૉંગ પર લોકોના ભરોસામાં ઘટાડો થયો છે.

ચીનમાં કામ કરતી 2600માંથી અડધોઅડધ કંપનીઓનું હૉંગકૉંગના શેરબજારમાં લિસ્ટિંગ થયેલું છે.

એક બૅન્કરે નામ ન જાહેર કરવાની શરતે કહ્યું, “પરંતુ ચીને દાખલ કરેલા નવા કાયદાને કારણે ચીની કંપનીઓને બીજા દેશોમાં લિસ્ટિંગ માટે હવે અધિકૃત પરવાનગીની જરૂર પડે છે જેના કારણે આ પ્રક્રિયા વધુ થકવી દેનારી બની છે.”

હૉંગકૉંગ છેલ્લાં 15 વર્ષમાં સાત વખત વિશ્વના નંબર વન આઈપીઓ સ્પૉટ તરીકે સ્થાન ધરાવતું હતું. ઇન્ડસ્ટ્રીના અહેવાલો દરમિયાન તે હવે આઠમા સ્થાને છે.

તેઓ કહે છે કે, "ચીન ઇચ્છે છે કે ખાનગી કંપનીઓ અર્થતંત્રને બચાવવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ભંડોળ એકત્ર કરે. પરંતુ સાથે જ તેને એવી ચિંતા પણ છે કે આ કંપનીઓ લિસ્ટિંગ પછી તેના નિયંત્રણમાં રહેશે નહીં,"

"તેઓ દરેક વસ્તુને નિયંત્રિત કરવા માંગે છે, પરંતુ તે આખરે નાણાકીય બજાર માટે મારક બનશે."

ઍડિશનલ રિપોર્ટિંગ: ગ્રૅસ સોઈ