ભારતથી બહાર ગયેલા લોકો કેવી રીતે અન્ય દેશોને સમૃદ્ધ બનાવી રહ્યા છે

- લેેખક, ગૌરી શર્મા
- પદ, ફીચર્સ સંવાદદાતા
વિદેશમાં સ્થાયી થતા, મોટી કમાણી કરતા ભારતીયો સ્થાનિક અર્થતંત્રમાં અબજો ડૉલર્સ ઠાલવી રહ્યા છે.
બર્લિનના સમૃદ્ધ વિસ્તારમાંના પોતાના પારિવારિક ઘરે ડૉ. શુભાંગી શર્માએ આ વર્ષે હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ વર્ષે 25 માર્ચે ઊજવવામાં આવેલા હિન્દુઓના લોકપ્રિય રંગસભર તહેવારની ઊજવણી માટે જરૂરી ભોજન તથા મીઠાઈઓ માટે લગભગ 218 (આશરે 18,000 રૂપિયા) ડૉલર ખર્ચવાનું શુભાંગીનું આયોજન હતું. તેમણે મોંઘા રંગ પણ ઑનલાઇન ખરીદ્યા હતા અને વતન દિલ્હીની તાજેતરની મુલાકાત દરમિયાન તેમણે કરેલી જથ્થાબંધ ખરીદીના ભાગરૂપ પરંપરાગત વસ્ત્રો પણ પહેર્યાં હતાં.
ડૉ. શુભાંગી શર્મા માઇક્રોબાયોલૉજિસ્ટ છે અને તેમના પતિ ટેકનૉલૉજી ક્ષેત્રમાં કામ કરે છે. તેઓ હોળી જેવા પરંપરાગત તહેવારોમાં ખુલ્લા હાથે ખર્ચ કરી શકે છે. તેમના પરિવારમાં એક નાની દીકરી છે તથા તેમનું બીજું સંતાન ટૂંક સમયમાં જન્મવાનું છે. ડબલ આવક ધરાવતું શર્મા દંપતિ સાપ્તાહિક શૉપિંગ દરમિયાન મુખ્યત્વે ઑર્ગેનિક ખોરાક ખરીદે છે. દર ત્રણ મહિને રજાઓ માણવા જાય છે અને મોંઘા ભાવની ફ્લાઇટ ટિકિટ્સ ખરીદીને ભારતની વાર્ષિક યાત્રાએ જાય છે.
ડૉ. શુભાંગી કહે છે, "મેં મારું રોકાણ ભારતમાંથી જર્મનીમાં ખસેડ્યું છે. તેથી મારી બધી બચત હવે અહીં છે અને મને અલગ-અલગ શેરોમાં તથા વિવિધ ઍક્સચેન્જ ટ્રેડેડ ફંડ્ઝ(ઈટીએફ)માં રોકાણ કરવાનું ગમે છે."
તેઓ ઉમેરે છે, "હવે અમે ઘર ખરીદવાની તૈયારીમાં છીએ. એ કામ આ વર્ષના અંત સુધીમાં થઈ જવું જોઈએ. તેમાં મારી બચતનો એક મોટો હિસ્સો ચાલ્યો જશે, પરંતુ અમારા ભવિષ્ય માટે એ પણ એક કમિટમેન્ટ છે. એકંદરે, જર્મની આવવાથી મને આર્થિક સ્વતંત્રતા અને સ્થિરતા મળી છે."
ડૉ. શુભાંગી તાજેતરનાં વર્ષોમાં જર્મની આવેલા ભારતીયોના વિશાળ જૂથનો ભાગ છે. અત્યંત ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકોને અનુકૂળ વિઝાના નિયમોને પગલે આવા લોકોનો આંકડો સતત વધી રહ્યો છે.
ઘણા સુશિક્ષિત અને અંગ્રેજી બોલતા ભારતીયો મુખ્યત્વે વિજ્ઞાન, ટેકનૉલૉજી, એન્જિનિયરિંગ અને મેથ્સ જેવા ઉચ્ચ પગાર ધરાવતા ક્ષેત્રોમાં નોકરીઓ પ્રાપ્ત કરી રહ્યા છે. આવા ફૂલટાઇમ કર્મચારીઓનો સરેરાશ માસિક પગાર 5,416 ડોલર્સ (આશરે સાડા ચાર લાખ રૂપિયા) હોય છે ત્યારે ભારતીયો યુરોપના સૌથી મોટા અર્થતંત્રમાં સૌથી વધુ કમાણી કરતા ઇમિગ્રન્ટ્સમાં સ્થાન મેળવી રહ્યા છે.
ભારતીયોની આર્થિક શક્તિ વિદેશમાં તેમની તાકાત બની રહી છે

સંયુક્ત રાષ્ટ્રસંઘના જણાવ્યા અનુસાર, જર્મનીમાંના ભારતીયો ઇતિહાસના સૌથી મોટા ડાયસ્પોરા જૂથ સાથે સંકળાયેલી વ્યાપક કથાના પ્રતીક છે. હવે ઉત્તર અમેરિકા, યુરોપ, મધ્ય પૂર્વ અને મલેશિયા તથા સિંગાપુર જેવા એશિયાના અન્ય દેશોમાં લગભગ 1.8 કરોડ ભારતીયો રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અર્થશાસ્ત્રીઓના કહેવા મુજબ, આ વૃદ્ધિ વચ્ચે ભારતીયોની આર્થિક શક્તિ તેમની મૂળ સીમાઓથી આગળ ફેલાઈ ગઈ છે અને તે એક મોટી આર્થિક છાપ છોડી રહી છે.
બ્રિટનની લેન્કેસ્ટર યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર વી એન બાલાસુબ્રમણ્યમ કહે છે, "વૈશ્વિક અર્થતંત્ર અને તેમની પોતાની ખરીદ શક્તિ બંનેની દૃષ્ટિએ તેની અસર નોંધપાત્ર છે."
વૃદ્ધિ પામી રહેલો ભારતીય ડાયસ્પોરા ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ખર્ચ કરી રહ્યો છે તથા અનેક રીતે બચત અને રોકાણ કરી રહ્યો છે. ભારતીય રિઝર્વ બૅન્કના જણાવ્યા અનુસાર, ભારતીય બૅન્કોમાંના બિન-નિવાસી ભારતીયો(એનઆરઆઈ) અકાઉન્ટ્સમાં એપ્રિલ 2022 માર્ચ 2023 સુધીમાં કુલ 7.99 અબજ ડૉલર જમા થયા હતા, જે પ્રમાણ આગલા નાણાકીય વર્ષ દરમિયાન જમા થયેલા નાણાંના બમણા કરતાં પણ વધુ હતું.
બાલાસુબ્રમણ્યમ કહે છે, "વિદેશમાં અને ખાસ કરીને અખાતી દેશોમાં સ્થાયી થયેલા દક્ષિણ ભારતના લોકો તેમજ બ્રિટનમાંના આઈટી વર્કર્સ તેમજ શિક્ષણવિદો તેમનાં સંતાનોના બહેતર શિક્ષણ માટે પૈસા ખર્ચે છે."
બિલેફેલ્ડ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના વ્યાખ્યાતા અમૃતા દત્તાના કહેવા મુજબ, કેટલાક કિસ્સાઓમાં ભારતીયો આર્થિક પેટર્ન પણ બદલી રહ્યા છે. જર્મનીમાં તેઓ હજુ પણ વિશિષ્ટ ડાયસ્પોરા જૂથ છે અને ત્યાં ઘણા લોકો પ્રૉપર્ટી ખરીદી રહ્યા છે. જર્મનીમાં તે નવો ટ્રેન્ડ છે, કારણ કે જર્મન લોકો પરંપરાગત રીતે પોતાનાં મકાનો ખરીદતાં નથી.
અમૃતા દત્તા ઉમેરે છે, "જર્મનીમાં ઘણા ભારતીયો પણ શેરબજારમાં ટ્રેડિંગ કરી રહ્યા છે અને મ્યુચ્યુઅલ ફંડ તથા બિટકૉઇનમાં રોકાણ કરી રહ્યા છે. આ જંગી નાણાકીય મૂવમેન્ટમાં ખાસ કરીને એક મોટું પરિબળ ભારતમાં પૈસા મોકલવા(રેમિટન્સ પેમેન્ટ)નું છે. તેણે 2023માં 125 અબજ ડૉલરનો વિક્રમ સર્જ્યો હતો અને આગલા નાણાકીય વર્ષના 100 અબજ ડૉલર કરતાં તે વધુ હતું."
બાલાસુબ્રમણ્યમના કહેવા મુજબ, આ આંકડાઓ વાસ્તવિક સરવાળા કરતાં ઓછા હોવાની શક્યતા છે અને તે આર્થિક પ્રભાવના એક હિસ્સાની કથા જ કહે છે.
તેઓ કહે છે, "વાત માત્ર રેમિટન્સની નથી. દેશમાંથી આવતા અને જતા લોકોને લીધે થતી આર્થિક અસરની પણ છે. તેઓ પાછા આવે છે, કંપનીઓ સ્થાપે છે, લોકોને તાલીમ આપે છે અને ચાલ્યા જાય છે. તેથી આવું ડાયસ્પોરા જૂથ ભારતીય આઈટી ઉદ્યોગ અને ખાસ કરીને ફાર્માસ્યુટિકલ્સ સહિતના ઉદ્યોગમાં નોંધપાત્ર પ્રદાન આપી રહ્યું છે."
જીડીપી અનુસાર વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર ગણાતા અમેરિકામાં પણ ભારતીયો સૌથી વધુ કમાણી કરતા વંશીય લઘુમતી જૂથ તરીકે ઊભરી રહ્યા છે. પ્યુ રિસર્ચ સેન્ટરના 2021ના ડેટા દર્શાવે છે કે અમેરિકામાંના આશરે 44 લાખ આવા લોકો પૈકીના અમેરિકા બહાર જન્મેલા ભારતીયો દર વર્ષે સરેરાશ 1,20,000 ડૉલર (અંદાજે 99 લાખ રૂપિયાથી વધુ) કમાય છે.
અમેરિકન એશિયનોની ખરીદ શક્તિમાં વધુ વ્યાપક રીતે દક્ષિણ એશિયનોનો હિસ્સો 29 ટકા, 381 અબજ ડૉલરનો છે.
એનઆરઆઈનું ભારતમાં રોકાણ વધ્યું?

તેઓ આ ખર્ચ શક્તિનો ઉપયોગ હોંશિયારીપૂર્વક કરે છે. નવી દિલ્હીસ્થિત લકઝરી રિયલ એસ્ટેટ કંપની ડીએલએફ લિમિટેડના આંકડા અનુસાર, તેઓ રિયલ એસ્ટેટમાં મોટા પ્રમાણમાં રોકાણ કરે છે. ડીએલએફે એપ્રિલથી સપ્ટેમ્બર-2023 દરમિયાન વેચેલાં ઘરો પૈકીના 20 ટકા એનઆરઆઈએ ખરીદ્યાં હતાં. તે પ્રમાણ આગલા વર્ષ કરતાં 15 ટકા વધારે હતું. આ પેટર્ન વૈશ્વિક છે. બ્રિટન, સિંગાપુર અને અખાતી દેશોમાં પણ રિયલ એસ્ટેટની વ્યાપક માંગ છે.
આ ડાયસ્પોરા જે રીતે મૂડી જાળવી રાખે છે તથા વૃદ્ધિ કરે છે તેમાં વ્યૂહાત્મક બચત અને પસંદગીનું રોકાણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
આ સંદર્ભમાં ડૉ. શુભાંગી શર્મા કહે છે, "ભારતમાં સંતાનોનો ઉછેર આવી રીતે થાય છે. શિક્ષણ પૂર્ણ થાય પછી નોકરી મેળવવાની અને ત્યાર બાદ જે કમાણી થાય છે તે પૈસા ક્યાં રોકવા એ વિચારવાનું શરૂ કરવાનું. તેથી આગળનું પગલું દેખીતી રીતે બચત યોજના હોય છે."
વાસ્તવમાં લગભગ 25 ટકા એનઆરઆઈ ભારતમાં રોકાણના ઓછા જોખમવાળા વિકલ્પો પસંદ કરે છે, જ્યારે કૅનેડાસ્થિત એનઆરઆઈ પૈકીના 18 ટકા ભારતમાંના તેમના પોર્ટફોલિયોમાં લાંબા ગાળાની રોકાણ વ્યૂહરચનામાં નિવૃત્તિ આયોજનને પ્રાધાન્ય આપે છે.
બ્રિટનમાં આ પ્રમાણ 18 ટકા અને સિંગાપુરમાં 12 ટકા છે. આ વાત સાથે સહમત થતાં બાલાસુબ્રમણ્યમ કહે છે, "તેઓ ચોક્કસપણે તેમના નાણાંનો સમજદારીપૂર્વક ઉપયોગ કરી રહ્યા છે. દાખલા તરીકે, કેટલાક લોકો અમેરિકામાં ખાનગી ઉદ્યોગસાહસિકોની જેમ પણ રોકાણ કરે છે."
વિશ્લેષકોના કહેવા મુજબ, ડિજિટલાઇઝ્ડ, ગ્લોબલાઇઝ્ડ અને ફ્રી-માર્કેટના સંદર્ભમાં ભારતીય ડાયસ્પોરાની કથા વૈશ્વિક સ્તરે રાજકારણ, નીતિઓ તથા વિઝા નીતિમાં પ્રસરતી રહેશે.
બાલાસુબ્રમણ્યમ કહે છે,"ભારતીય ડાયસ્પોરાની આર્થિક શક્તિ સતત વધતી રહેશે અને નોંધપાત્ર રહેશે. તેઓ ભારતમાં કેટલું રોકાણ કરશે અને સંયુક્ત સાહસો વિકસાવશે તે નોંધપાત્ર હશે એવું મને લાગે છે."
તેઓ ઉમેરે છે, "તે આગળ જતાં ભારતની આર્થિક નીતિ પર નિર્ભર હશે, પરંતુ હમણાં તો તે અત્યંત ઉદાર છે અને તે વધુ પ્રેરિત કરશે."
દત્તાના કહેવા મુજબ, "આ નવા ઇમિગ્રન્ટ્સ ઓપન માર્કેટ નીતિ સાથે જુદા જુદા દેશોમાં જવા સક્ષમ છે. તેથી તેઓ આજે જર્મનીમાં હોય તો આવતીકાલે અમેરિકા અથવા કૅનેડામાં હોઈ શકે છે, કારણ કે આ બધા દેશો તેમને તુલનાત્મક સિટીઝનશિપ ફ્રેમવર્ક ઑફર કરી રહ્યા છે."
તેઓ ઉમેરે છે, "આ લોકો આયુષ્યની ત્રીસીના દાયકામાં હોય તેવા યુવાનો છે. તેમની પાસે કામ કરવા માટે અનેક વર્ષો બાકી છે. તેઓ અતિ મહત્ત્વાકાંક્ષી છે અને મોટા કૉર્પોરેશનો તેમને નોકરી પર રાખવા તૈયાર છે, કારણ કે તેઓ જે યોગદાન આપી રહ્યા છે અને જે ઉત્પાદન કરી રહ્યા છે તેનું વૈશ્વિક કન્ઝ્યુમર માર્કેટ છે. મને લાગે છે કે મોટી કમાણી કરતા આ કૌશલ્યવાન લોકો જંગી આર્થિક યોગદાન આપવાનું ચાલુ રાખશે."
(સંપાદકની નોંધઃ ડૉ. શુભાંગી શર્મા અને લેખિકા ગૌરી શર્મા એકમેકના સંબંધી નથી)












