ચીની અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, અમેરિકાથી આગળ નીકળી જશે?

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, યાન ચેન
    • પદ, બીબીસી ચાઈનીઝ

ચીને 1978માં તેના અર્થતંત્રના દરવાજા વિશ્વ માટે ખોલવાની અને તેમાં સુધારાની શરૂઆત કરી ત્યારથી તેનો વાર્ષિક જીડીપી વૃદ્ધિદર 9 ટકાથી વધુ રહ્યો છે.

કોવિડ-19 રોગચાળાએ વૈશ્વિક વૃદ્ધિનું એન્જિન બનવા જઈ રહેલા ચીની અર્થતંત્રને જોરદાર ફટકો માર્યો ત્યારે 2020માં તેણે દાયકાઓનો સૌથી નીચો 2.2 ટકાનો વૃદ્ધિ દર નોંધાવ્યો હતો.

એ પછીના વર્ષે તે વધીને આઠ ટકાની પાર થઈ ગયો હતો, પરંતુ 2022માં તેણે માત્ર 2.2 ટકા વૃદ્ધિ નોંધાવી હતી.

તેથી હવે સવાલ થાય છે કે શું ચીન લાંબા ગાળાની નીચી વૃદ્ધિના તબક્કામાં પ્રવેશ્યું છે?

ચીની અર્થતંત્રમાં શું ગડબડ હોઈ શકે છે અને સમગ્ર વિશ્વ માટે તેનો અર્થ શું થાય તે વિશેના પાંચ મુખ્ય સવાલોની રૂપરેખા પ્રસ્તુત કરીએ છીએ.

ચીની અર્થતંત્રમાં શું ચાલી રહ્યું છે?

ચીને જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તેનું અર્થતંત્ર 2023માં 5.2 ટકા વૃદ્ધિ પામ્યું છે, જે વૃદ્ધિના સંદર્ભમાં વિશ્વના ટોચનાં અર્થતંત્રોમાં ભારત પછીના બીજા ક્રમે છે. ચીની અર્થતંત્રનું કદ ભારત કરતાં પાંચ ગણું મોટું છે.

જોકે, ચીનમાંના લોકોનો અનુભવ અલગ છે. 2023માં ચીનમાં છેલ્લાં પાંચ વર્ષમાં વિદેશી રોકાણનો નેટ આઉટફ્લો જોવા મળ્યો હતો. યુવાનોમાં બેરોજગારીનો દર ગયા વર્ષે જૂનમાં 20 ટકાથી વધુની વિક્રમી સપાટીએ પહોંચી ગયો હતો અને શૅરબજાર આ વર્ષની શરૂઆતમાં પાંચ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું.

ગત વર્ષના મોટા ભાગના સમયગાળામાં પોતાના દેશમાં મંદ પડી રહેલી અર્થવ્યવસ્થા બાબતે ગુસ્સે થયેલા કેટલાક ચીની નાગરિકોએ ચીનમાં અમેરિકન ઍમ્બૅસીના વેઈબો અકાઉન્ટ પર રોષ વ્યક્ત કર્યો હતો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

એક યૂઝરે “લાંબા સમયની બેરોજગારી અને દેવામાં ડૂબી ગયા પછી” મદદ માગી હતી, જ્યારે બીજી એક પોસ્ટ શૅરબજારમાં નાણાં ગુમાવવા વિશેની અને અમેરિકન સરકારે “થોડા મિસાઇલ ઝીંકીને શાંઘાઈ સ્ટોક એક્સચેન્જને ફૂંકી મારવું જોઈએ કે કેમ,” એ બાબતે આશ્ચર્ય વ્યક્ત કરતી હતી.

પશ્ચિમી મીડિયાના અહેવાલ અનુસાર, આવી ઘણી કૉમેન્ટ્સ બાદમાં ડિલીટ કરવામાં આવી હતી.

ડ્યુશ બેન્ક આઈએનજીમાં બૃહદ ચીન માટેના વડા અર્થશાસ્ત્રી લીન સોંગના કહેવા મુજબ, કોવિડ-19 રોગચાળા પછી ચીનની નબળી રિકવરીનું કારણ એ છે કે “ચીને ઘણા દેશોથી વિપરીત વૃદ્ધિને ઉત્તેજન આપવા માટે અતિ-આક્રમક નીતિઓનો ઉપયોગ કર્યો ન હતો.”

અમેરિકા જેવા અન્ય દેશોએ કોવિડ રાહત માટે બચાવ યોજનાઓ અમલી બનાવી હતી. અમેરિકાએ કોવિડ રોગચાળા દરમિયાન બેરોજગારોને ટેકો આપવા માટે 1.9 અબજ ડૉલરની યોજના જાહેર કરી હતી અને નાના વ્યવસાયો, રાજ્યો તથા સ્થાનિક સરકારો માટે વધારાની સહાય ઑફર કરી હતી.

લીન સોંગે કહ્યું હતું, “ચીનની આર્થિક નીતિ સમગ્ર સમયગાળા દરમિયાન વધુ સંયમિત રહી છે. પરિણામે ચીનમાં ફુગાવાની સમસ્યા નથી, પરંતુ આર્થિક રિકવરી નબળી રહી છે.”

ઘણા ચીની લોકોએ બાંધકામ પૂર્ણ થવું બાકી હોય તેવા રહેણાક ફ્લેટ્સ માટે ચુકવણી કરી દીધી છે.

ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક યુએસબીના વાંગ તાઓએ નબળી રિકવરી પાછળનું બીજું એક કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું, “ચીનમાં પ્રોપર્ટી ક્ષેત્રે તેના ઇતિહાસની સૌથી ખરાબ મંદી ચાલી રહી છે.”

“ચીનમાં 60 ટકાથી વધુ હાઉસહોલ્ડ સંપત્તિ હાઉસિંગમાં છે. ઘરની કિંમતમાં ઘટાડો થાય ત્યારે લોકો તથા ખાસ કરી મધ્યમ વર્ગના લોકો સમજદારીપૂર્વક ઓછો ખર્ચ કરે છે. દાખલા તરીકે, મોટાં ઉપકરણોના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે તેનો સ્પષ્ટ સંકેત છે.”

અર્થતંત્રમાં ચીનના પ્રોપર્ટી માર્કેટનો 33 ટકા હિસ્સો છે અને પ્રોપર્ટી માર્કેટમાંની સમસ્યાઓની મોટી અસર થઈ રહી છે.

સત્તાવાળાઓએ મોટી પ્રોપર્ટી કંપનીઓની ઉધારી પર નિયંત્રણ લાદવાનાં પગલાં 2021માં લીધાં ત્યારથી આ ઉદ્યોગ મોટી નાણાભીડનો સામનો કરી રહ્યો છે.

ચીનનું પ્રોપર્ટી સૅક્ટર બૅન્કો પાસેથી ઉધાર લઈને, બૉન્ડ બહાર પાડીને અને ખરીદદારોને

ઑફ-પ્લાન નવાં ઘરો વેચીને વર્ષોથી નવા પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરતું રહ્યું છે.

આ બિઝનેસ મૉડલ અનેક દેશોમાં ઘણા લાંબા સમયથી અસ્તિત્વમાં છે, પરંતુ ચીનના ડેવલપર્સ તેનો વધારે પડતો લાભ લઈ રહ્યા છે, બહુ મોટા પ્રમાણમાં પૈસા ઉછીના લઈ રહ્યા છે.

તાજેતરનાં વર્ષોમાં ઘણા મોટા પ્રોપર્ટી ડેવલપર્સ તેમનું દેવું ચૂકવી શક્યા નથી.

ઘણા ચીની લોકોએ હજુ સુધી ન બંધાયેલા કે અર્ધા બંધાયેલા એપાર્ટમેન્ટ્સ માટે આ ડેવલપર્સને ડાઉન પેમેન્ટ કર્યું હતું. તેઓ પર તેમનાં નાણાં ગુમાવવાનું જોખમ તોળાઈ રહ્યું છે. પોતાનું ઘર ખરીદવા માટે જીવનભર કરેલી બચતમાંથી તેમણે આ નાણાં ચૂકવ્યાં હતાં.

સ્થાનિક સરકારો ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે અબજો ઉધાર લીધા હતા અને આવકવૃદ્ધિ માટે જમીનના વેચાણ પર આધાર રાખ્યો હતો. તેમની માનસિક તાણ પણ વધી રહી છે.

આંતરરાષ્ટ્રીય નાણાભંડોળના જણાવ્યા મુજબ, તેમનું દેવું 12.6 ટ્રિલિયન ડૉલર અથવા 2022માં ચીનના આર્થિક ઉત્પાદનના 76 ટકા જેટલું થઈ ગયું છે. 2019માં તે 62.2 ટકા હતું.

અલબત્ત, ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટના વરિષ્ઠ અર્થશાસ્ત્રી તિયાનમેન ઝુ માને છે કે “ચીની અર્થતંત્રમાં કટોકટી તો ચોક્કસ નથી.”

તેઓ એવું પણ માને છે કે 2010ના દાયકામાં ચીનનો વિકાસ “ફ્રન્ટ લોડ” હતો. તેમાં ક્રેડિટ આધારિત ઝડપી વિસ્તરણ થયું હતું અને પ્રોપર્ટી તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેજી આવી હતી.

તેમણે બીબીસીને કહ્યું હતું, “ચીન આ મૉડલમાંથી પોતાને ફરી સંતુલિત કરી રહ્યું છે ત્યારે એક કરેક્શન અનિવાર્ય છે.”

“કોઈ જંગી મશીન થાક સાથે ચાલતું હોય તેવું લાગે છે અને તેના કેટલાક ભાગોમાં તિરાડો દેખાવા લાગી છે.”

ચીની અર્થતંત્ર અમેરિકાથી આગળ નીકળી જશે?

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીને 1978માં તેના અર્થતંત્રના દરવાજા વિશ્વ માટે ખોલવાની અને તેમાં સુધારાની શરૂઆત કરી ત્યારથી તેનો વાર્ષિક જીડીપી વૃદ્ધિદર 9 ટકાથી વધુ રહ્યો છે

ચીન 2010માં જીડીપીના સંદર્ભમાં બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ત્યારે તે અમેરિકન અર્થતંત્રને પાછળ છોડી દેશે તેવી આગાહી કરવામાં આવી હતી. મોટા ભાગના માનતા હતા કે માત્ર સમયનો જ છે.

તેનું કારણ એ છે કે ચીનમાં પ્રભાવશાળી આર્થિક વિસ્તરણ થયું હતું. 2010 સુધીના બે દાયકામાં ચીને બે સમયગાળામાં (1992-95 અને 2002-07) દ્વિઅંકી વાર્ષિક વૃદ્ધિ નોંધાવી હતી.

મંદી પહેલાં ચીન અમેરિકાને 2028 સુધીમાં પાછળ છોડી દેશે તેવો આશાવાદી અને 2032 સુધીમાં પાછળ છોડશે તેવો વધારે નિરાશાવાદી અંદાજ હતો.

સવાલ એ છે કે હાલ તમામ પ્રકારની આર્થિક અનિશ્ચિતતાઓનો સામનો કરી રહેલું ચીન તે કરી શકશે?

“ચીન કરી શકે, પરંતુ કદાચ થોડાં વર્ષો સુધી નહીં,” એમ હૉંગકૉંગ યુનિવર્સિટી ખાતેના સેન્ટર ઑફ કન્ટેમ્પરરી ચાઇના ઍન્ડ ધ વર્લ્ડના સ્થાપક ડિરેક્ટર અને વૉશિંગ્ટન ડીસીસ્થિત બ્રૂકિંગ્ઝ ઇન્સ્ટિટ્યૂશનના ચાઇના સેન્ટરના ભૂતપૂર્વ વડા પ્રોફેસર લી ચેંગે કહ્યુ હતું.

તિયાનમેન ઝુએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ચીન 2040ના દાયકામાં અમેરિકાને પાછળ છોડી દેશે.

પ્રોફેસર લીએ જણાવ્યું હતું કે અમેરિકા આ વર્ષના અંતે જાહેર થનારા રાષ્ટ્રપ્રમુખપદની ચૂંટણીના પરિણામ સહિતની અનેક અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યું છે.

“અમેરિકા માટે આગળ વધવું આસાન નથી. દ્વેષપૂર્ણ પક્ષપાત, વંશીય તણાવ, ઇમિગ્રેશન નીતિ સહિતની સંખ્યાબંધ અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેવી જોઈએ.”

“ચીન માટે નવા ફાયદા ઉભરી આવ્યા છે. દાખલા તરીકે, ચીન થોડાં વર્ષોમાં ઇલેક્ટ્રિક કાર ઉદ્યોગમાં અગ્રણી બની ગયું છે. તેણે ઘણાને આશ્ચર્યચકિત કર્યા છે, પરંતુ ચીનની નબળી બાજુ તેને ત્યાં વૃદ્ધ થતા લોકોની સંખ્યા છે. ચીન કરતાં અમેરિકાનો જન્મદર ઊંચો છે અને વર્કફોર્સમાં પૂરક બનતા ઇમિગ્રન્ટ્સના સંદર્ભમાં તુલનાત્મક રીતે અમેરિકા પર ઘણું ઓછું દબાણ છે.”

અમેરિકામાં જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના એસએઆઈએસ ચાઇના ગ્લોબલ રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર પ્રોફેસર એન્ડ્ર્યુ મેર્થા માને છે કે ચીનના નેતૃત્વને પણ શંકા હોઈ શકે છે.

“આર્થિક ગતિના પાટા પરથી ઊતરી જવાના જોખમના સંદર્ભમાં ચીન કદાચ અમેરિકાને પાછળ છોડવા ઇચ્છતું ન હોય તે શક્ય છે.”

“નીચા અંદાજિત વૃદ્ધિ દર, હાઉસિંગ કટોકટી અને સપ્લાય ચેઇનની વૈશ્વિક પુનઃપ્રાપ્તિને જોતાં ચીની નેતાગીરી કંઈક અંશે જોખમ લેવા ન માગતા હોય તેવું લાગે છે. તે અમેરિકાની સર્વોપરિતાને પડકારી શકે તેવા બહાદુરીભર્યા આર્થિક પગલાં લે તેવી શક્યતા ઓછી છે.”

ચીન માટે શું પરિણામ આવી શકે?

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીની અર્થતંત્રનું કદ ભારત કરતાં પાંચ ગણું મોટું છે

“ગુમાવેલો દાયકો” (એટલે કે આર્થિક સ્થગિતતાના લાંબા સમયગાળાની ભવિષ્યવાણી) આ વાક્યાંશ પ્રસ્તુત સવાલ પૂછવામાં આવે ત્યારે વારંવાર સામે આવે છે.

લીન સોંગ માને છે કે આંકડાઓની પાછળ નકારાત્મક આત્મવિશ્વાસનો ફીડબેક લૂપ અર્થતંત્રને નીચે ખેંચી રહ્યું છે. આત્મવિશ્વાસનો અભાવ રોકાણ તથા વપરાશ ઘટાડે છે. પરિણામે કૉર્પોરેટ નફો ઘટે છે અને તે નીચી એસેટ પ્રાઇસિસમાં પ્રતિબિંબિત થાય છે, જે નબળા આત્મવિશ્વાસમાં વધારો કરે છે.

“તેમાંથી બહાર આવવા માટે સહાયક નીતિઓની જરૂર છે.”

કેટલાકને ડર છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આંતરિક અસંતોષને દૂર કરવા તાઇવાન પર આક્રમણ કરી શકે છે.

ચીન તાઇવાનને એક એવો સ્વ-શાસિત પ્રાંત ગણે છે, જે આખરે બીજિંગના નિયંત્રણ હેઠળ હશે.

પ્રોફેસર મેર્થા માને છે કે “એ મૂર્ખતાથી પર હશે અને તે લોકોનો વિશ્વાસ ટૂંકા ગાળા માટે જીતવાનું એક પગલું હશે એવી અપેક્ષા છે.”

પ્રોફેસર લીએ ચેતવણી આપી હતી કે “તાઇવાન બાબતે ભલે ચીન, અમેરિકા અથવા તાઇવાનના નીતિ નિર્માતાઓ ઇચ્છતા હોય, પરંતુ તેમણે કાળજીપૂર્વક વિચારવું જોઈએ. આ યુદ્ધ યુક્રેનથી અલગ હશે.”

“તે પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુદ્ધ હશે. તે ઑલ-આઉટ હાઈ-ટેક મશીન-ટુ-મશીન યુદ્ધ હશે.”

“ચીન માટે તાઇવાન નિશ્ચિત રીતે મુખ્ય મુદ્દો છે, પરંતુ ચીનના નેતૃત્વને પણ ખબર છે કે યુદ્ધ છેલ્લો ઉપાય છે, જ્યારે આર્થિક સ્થગિતતા તેના માટે પૂરતું કારણ નથી.”

મંદી વૈશ્વિક અર્થતંત્રને કેવી રીતે અસર કરશે?

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મંદી પહેલાં ચીન અમેરિકાને 2028 સુધીમાં પાછળ છોડી દેશે તેવો આશાવાદી અને 2032 સુધીમાં પાછળ છોડશે તેવો વધારે નિરાશાવાદી અંદાજ હતો

તિયાનમેન ઝુ માને છે કે તે વિશ્વને કૉમૉડિટીઝ, ચીની પર્યટન અને ભૌગોલિક રાજનીતિ એમ ત્રણ રીતે અસર કરશે.

“પહેલી વાત એ કે ચીન કૉમૉડિટીઝનો મુખ્ય આયાતકાર હોવાથી તેની મંદીનો અર્થ ખાસ કરીને લોખંડ અને બોક્સાઇટ જેવી બાંધકામમાં વપરાતી વસ્તુઓની ઓછી માગ એવો થાય.”

“બીજું, ચીની પ્રવાસીઓની પીછેહઠથી મહત્ત્વનાં સ્થળોને નુકસાન થશે. આઉટબાઉન્ડ ટુરિઝમે કોવિડ પૂર્વેના ઉચ્ચ સ્તરે પહોંચવા માટે સંઘર્ષ કરવો પડશે.”

“ત્રીજું, ખાસ કરીને જાહેર નાણાકીય કટોકટી સાથેની મંદીથી સહાય અને સત્તાવાર ધિરાણ દ્વારા ભૌગોલિક રાજનીતિને આકાર આપવાની ચીનની ક્ષમતાને અવરોધશે.”

ચીને પોતાની વૈશ્વિક હાજરી સ્થાપિત કરવા માટે પાછલા દાયકામાં સંખ્યાબંધ રોકાણો તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ મારફત બેલ્ટ ઍન્ડ રોડ ઇનિશિયેટિવ(બીઆરઆઈ)ની શરૂઆત કરી હતી. તેણે 152 દેશો સાથે કરારો કર્યા છે અને 3,000થી વધુ પ્રોજેક્ટ્સમાં રોકાણ કર્યું છે.

કેટલાક વિવેચકો માને છે કે બીઆરઆઈના પરિણામે “ડેટ ટ્રેપ્સ” સર્જાયાં છે અને ચીન બીઆરઆઈ મારફત ઓછી અથવા મધ્યમ આવક ધરાવતા ઘણા દેશો માટે પ્રથમ ધિરાણકર્તા બન્યું છે.

વર્લ્ડ બૅન્કના 2022ના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે માલદીવ, પાકિસ્તાન અને શ્રીલંકાનું સૌથી મોટું દ્વિપક્ષીય લેણદાર ચીન છે.

માર્ચમાં યોજાયેલા નેશનલ પીપલ્સ કૉંગ્રેસનાં અધિવેશનો દરમિયાન શી જિનપિંગે આપેલાં મોટાં રોકાણનાં વચનોમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે.

તે સૂચવે છે કે મોટા પાયા પરનું આઉટબાઉન્ડ ઇન્વેસ્ટમેન્ટ ચીનની આર્થિક મંદીના સંદર્ભમાં ટકાઉ નથી.

જોકે, લીન સોંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે મંદી હોવા છતાં ચીનના અર્થતંત્રનું કદ હજુ પણ વૈશ્વિક વૃદ્ધિમાં ફાળો આપનાર બનાવશે.

“આગામી પાંચ વર્ષમાં વૈશ્વિક વૃદ્ધિમાં ચીનનો હિસ્સો 20 ટકા કે તેથી વધુ હોવાની સંભાવના છે.”

ચીન ફરીથી ઉડાન ભરી શકશે?

ચીન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કેટલાકને ડર છે કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ આંતરિક અસંતોષને દૂર કરવા તાઇવાન પર આક્રમણ કરી શકે છે

લીન સોંગ માને છે કે ચીન ઉચ્ચ ગુણવત્તાસભર વૃદ્ધિના આર્થિક સંક્રમણમાં સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.

“નેશનલ પીપલ્સ કૉંગ્રેસનાં બે સત્રો દર્શાવે છે કે નીતિ નિર્માતાઓનું ધ્યાન વ્યાપક પરિદૃશ્ય અને લાંબા ગાળાની અગ્રતા પર કેન્દ્રિત છે. આખરે તે નક્કી કરશે કે ચીન આગળના તબક્કામાં સંક્રમણ કરી શકશે કે નહીં.”

આ માટે તિયાનમેન ઝુએ કેટલાંક સૂચન કર્યાં હતાં.

તેમણે કહ્યું હતું, “ચીન માટે તેની ચાવી પ્રોપર્ટી ક્રાઇસિસ સાથે વધારે જવાબદારીપૂર્વક કામ પાર પાડવાની છે.”

“બીજું, ચીને માત્ર અર્થતંત્રની સપ્લાય સાઇડ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે માગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.”

“ચીને ખાનગી અને વિદેશી કંપનીઓ માટે અર્થતંત્રને વધુ ઉદાર બનાવવું જોઈએ તેમજ એક દાયકાથી વધુ સમયથી ચાલતા રહેલા નાણાકીય વિસ્તરણ પછી લાંબા ગાળે ટકાઉ સાબિત થાય તેવા નાણાકીય સુધારા કરવા જોઈએ.”

બીજી તરફ લીન સોંગ એવું માને છે કે ચીની નેતાગીરી એનપીસી દ્વારા નક્કી કરવામાં આવેલા પાંચ ટકા જીડીપી વૃદ્ધિના લક્ષ્યને હાંસલ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

“આપણે સાધારણ રીતે વધુ સહાયક નાણાકીય નીતિ લક્ષ્યાંકો જોયા છે, પરંતુ 2024 માટેના વૃદ્ધિ લક્ષ્ય સુધી પહોંચવા માટે અમે આગામી સપ્તાહો તથા મહિનાઓમાં વધુ ઉત્તેજક નીતિઓના અમલની આશા રાખીએ છીએ.”