You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર બનાવશે કે ઉદ્ધવ અને પવારનું આવશે રાજ, ઍક્ઝિટ પોલ શું કહે છે?
20મી નવેમ્બરે મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. બંને રાજ્યોની ચૂંટણીનાં પરિણામો હવે 23મી નવેમ્બરે જાહેર થશે. પરંતુ મતગણતરી પૂર્વે મતદાન પૂર્ણ થતાંની સાથે જ ચૂંટણીનું વિશ્લેષણ કરતી બધી એજન્સીઓ અને ન્યૂઝ ચૅનલોએ ઍક્ઝિટ પોલ જાહેર કરવાનું શરૂ કરી દીધું છે.
પરંતુ આ અહેવાલમાં આગળ વધતા પહેલાં એ વાત ખાસ જાણી લો કે આ ઍક્ઝિટ પોલ છે અને અંતિમ પરિણામ નથી.
ઍક્ઝિટ પોલ એ માત્ર અલગ અલગ સંસ્થાઓ કે એજન્સીઓ દ્વારા કરવામાં આવેલો સર્વે છે. તેના પરથી કોઈ અંતિમ પરિણામ કે તારણ કાઢી શકાય નહીં.
બંને રાજ્યોની વિધાનસભાની ચૂંટણી તથા પેટાચૂંટણીનાં પરિણામો તમને 23 નવેમ્બર, 2024ના રોજ બીબીસી ગુજરાતીની વેબસાઇટ પર જોવાં મળશે.
ઝારખંડના ઍક્ઝિટ પોલ શું કહે છે?
ઝારખંડ વિધાનસભામાં કુલ 81 બેઠકો છે. આથી, ઝારખંડમાં સરકાર બનાવવા માટે 41 બેઠકોની જરૂર પડે છે.
અલગ અલગ એજન્સીઓ અને સમાચાર સંસ્થાઓએ ઝારખંડમાં કોની સરકાર બનશે તેની આગાહી કરી છે.
ઝારખંડમાં મેટ્રાઇઝ એજન્સીએ એનડીએ સરકારને સૌથી વધુ બેઠકો મળવાની આગાહી કરી છે. તેના અનુમાન પ્રમાણે એનડીએને 27-42 અને ઇન્ડિયા ગઠબંધનને 25-30 બેઠકો મળી શકે છે.
પીપલ્સ પલ્સના અનુમાન પ્રમાણે પણ ઝારખંડમાં એનડીએનો હાથ ઉપર રહેશે. પીપલ્સ પલ્સે આગાહી કરી છે કે ઝારખંડમાં એનડીએને 44થી 53 બેઠકો તથા ઇન્ડિયાને 25થી 37 બેઠકો મળવાનું અનુમાન છે. જ્યારે અન્યના ફાળે 5થી 9 બેઠકો જશે તેવી આગાહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઍક્સિસ માય ઇન્ડિયાના ઍક્ઝિટ પોલે ઝારખંડ માટે આગાહી કરી છે કે ઇન્ડિયા ગઠબંધનને પૂર્ણ બહુમતી સાથે 53 બેઠકો મળશે. જ્યારે એનડીએને માત્ર 25 બેઠકો મળશે.
ટાઇમ્સ નાઉ-જેવીસીએ આપેલા વરતારા પ્રમાણે એનડીએને 40-44 બેઠકો અને ઇન્ડિયા ગઠબંધનને 30-40 બેઠકો મળી શકે છે.
ઝારખંડમાં મુખ્ય મુકાબલો ઝારખંડ મુક્તિ મોરચા-કૉંગ્રેસના ગઠબંધન અને ભાજપની આગેવાની ધરાવતા એનડીએ વચ્ચે હતો. આ રાજ્યમાં હાલમાં ઝારખંડ મુક્તિ મોરચા અને કૉંગ્રેસના ગઠબંધનની સરકાર છે.
મહારાષ્ટ્રમાં કોની જીતનું અનુમાન?
મહારાષ્ટ્ર વિધાનસભામાં કુલ 288 બેઠકો છે. આથી, સરકાર બનાવવા માટે ત્યાં કુલ 145 બેઠકોની પર જીત મેળવવાની જરૂર છે.
મહારાષ્ટ્રની ચૂંટણી ઇતિહાસની સૌથી જટિલ ચૂંટણીઓ પૈકીની એક મનાઈ રહી છે. એવામાં કોની સરકાર બનશે તેનું અનુમાન કરવું અતિશય કઠિન ગણાવાઈ રહ્યું છે. કોઈ એક પક્ષને ત્યાં એકલે હાથે બહુમતી મળે તેવી શક્યતા નહીંવત છે, કારણ કે તમામ પક્ષો પોતપોતાના ગઠબંધનના સાથીપક્ષો પર નિર્ભર છે.
મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી અંગે પણ અનેક એજન્સીઓએ પોતાનાં અનુમાનો જાહેર કર્યાં છે.
મેટ્રાઇઝ એજન્સીએ જાહેર કરેલા ઍક્ઝિટ પોલ અનુસાર મહારાષ્ટ્રમાં એનડીએ ગઠબંધનની સરકાર બનશે તેવી આગાહી થઈ છે. મેટ્રાઇઝના અનુમાન પ્રમાણે મહારાષ્ટ્રમાં મહાયુતિને 150થી 170 બેઠકો અને મહાવિકાસ અઘાડીને 110થી 130 બેઠકો મળવાનું અનુમાન છે.
પીપલ્સ પલ્સના અનુમાન પ્રમાણે પણ મહારાષ્ટ્રમાં એનડીએને 175-195 બેઠકો તથા મહાવિકાસ અઘાડીને 85થી 112 બેઠકો મળશે, જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોને ફાળે 7થી 12 બેઠકો જઈ શકે છે.
પી-માર્કના ઍક્ઝિટ પોલ પ્રમાણે મહાયુતિ અને મહાવિકાસ અઘાડીમાં કાંટાની ટક્કર છે. તેમાં મહાયુતિને ફાળે 137-157 બેઠકો તથા મહાવિકાસ અઘાડીને ફાળે 126-146 બેઠકોનું અનુમાન છે. જ્યારે અન્યોને 2થી 8 બેઠકો મળી શકે છે.
લોકશાહી-મરાઠી અને રુદ્રએ કરેલા ઍક્ઝિટ પોલમાં એનડીએને 128-142 બેઠકો તથા મહાવિકાસ અઘાડીને 125-140 બેઠકોની આગાહી કરવામાં આવી છે. જ્યારે અન્યને 18થી 23 બેઠકો મળી શકે છે.
મહારાષ્ટ્રમાં હાલમાં એકનાથ શિંદેના નેતૃત્ત્વવાળી શિવસેના અને ભાજપની ગઠબંધન સરકાર છે. જ્યારે કૉંગ્રેસ, શિવસેના-યુબીટી, અને એનસીપી-શરદ પવાર જેવા મહાવિકાસ અઘાડીના પક્ષો રાજ્યમાં સત્તામાં પુનરાગમનની આશા સેવી રહ્યા છે.
ઍક્ઝિટ પોલ શું હોય છે, તે કેવી રીતે કરવામાં આવે છે?
ઍક્ઝિટનો અર્થ થાય છે બહાર નીકળવું. તેથી ઍક્ઝિટ શબ્દ જ જણાવે છે કે આ પોલ (ચૂંટણી) શું છે. મતદાતા મતદાન કરીને બૂથની બહાર નીકળે છે ત્યારે તેને પૂછવામાં આવે છે કે તમે ક્યા પક્ષ કે ઉમેદવારને મત આપ્યો છે તે જણાવવા ઇચ્છો છો.
ઍક્ઝિટ પોલ કરાવતી કંપનીઓ તેમના લોકોને પોલિંગ બૂથ બહાર ઊભા રાખે છે. મતદાતાઓ બૂથમાંથી બહાર આવતા જાય તેમ-તેમ તેઓને પૂછવામાં આવે છે કે તેમણે કોને મત આપ્યો છે. વડા પ્રધાનપદ માટે તમને પસંદ ઉમેદવાર કોણ છે વગેરે જેવા કેટલાક અન્ય સવાલો પણ પૂછવામાં આવે તે શક્ય છે.
સામાન્ય રીતે એક પોલિંગ બૂથ પર પ્રત્યેક દસમો મતદાતા અથવા મતદાન મથક બહું મોટું હોય તો પ્રત્યેક વીસમા મતદાતાને સવાલ પૂછવામાં આવે છે. મતદાતાઓ પાસેથી મળેલી માહિતીનું વિશ્લેષણ કરીને ચૂંટણીનું પરિણામ શું હશે, તેનો તાગ મેળવવાના પ્રયાસ કરવામાં આવે છે.
ભૂતકાળમાં પણ અનેક ઍક્ઝિટ પોલના અનુમાનો ખોટા પડી ચૂક્યા છે.
ભારતમાં પહેલી વાર ઍક્ઝિટ પોલ ક્યારે થયો હતો?
ભારતમાં બીજી સામાન્ય ચૂંટણી વખતે 1957માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક ઓપિનિયને પહેલી વખત ઇલેક્શન પોલ કર્યો હતો. ઇન્સ્ટિટ્યૂટના વડા ઍરિક ડી કોસ્ટાએ ચૂંટણી સર્વેક્ષણ કર્યું હતું, પરંતુ તેને સંપૂર્ણ રીતે ઍક્ઝિટ પોલ કહી શકાય નહીં.
એ પછી 1980માં ડૉ. પ્રણય રોયે પહેલીવાર ઍક્ઝિટ પોલ કર્યો હતો. તેમણે 1984ની ચૂંટણીમાં બીજી વખત ઍક્ઝિટ પોલ કર્યો હતો. એ પછી 1996માં દૂરદર્શને ઍક્ઝિટ પોલ કર્યો હતો. એ પોલ પત્રકાર નલિની સિંહે કર્યો હતો, પરંતુ તેના આંકડા મેળવવા માટે સીએસડીએસએ ફિલ્ડ વર્ક કર્યું હતું.
એ પછીથી આ સિલસિલો સતત ચાલતો રહ્યો છે. એ સમયે એક-બે ઍક્ઝિટ પોલ્સ થતા હતા, જ્યારે આજકાલ ડઝનબંધ ઍક્ઝિટ પોલ્સ થાય છે.
ભારત પહેલાં અનેક દેશોમાં ઍક્ઝિટ પોલ થતા રહ્યા છે. અમેરિકા, દક્ષિણ અમેરિકા, યુરોપ, દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયા સહિત દુનિયાભરના અનેક દેશોમાં ઍક્ઝિટ પોલ હાથ ધરવામાં આવે છે.
સૌથી પહેલો ઍક્ઝિટ પોલ અમેરિકામાં 1936માં હાથ ધરવામાં આવ્યો હતો. જ્યોર્જ ગેલપ અને ક્લૉડ રોબિન્સને ન્યૂયોર્ક શહેરમાં એક ચૂંટણી સર્વેક્ષણ કર્યું હતું. તેમાં મતદાન કરીને બહાર નીકળેલા મતદાતાઓને પૂછવામાં આવ્યું હતું કે તેમણે પ્રમુખપદ માટે ક્યા ઉમેદવારને મત આપ્યો હતો?
આ રીતે મેળવવામાં આવેલા આંકડાઓનું વિશ્લેષણ કરીને તારણ કાઢવામાં આવ્યું હતું કે ફ્રૅંકલિન ડી રુઝવેલ્ટ ચૂંટણી જીતશે. રુઝવેલ્ટ વાસ્તવમાં જીત્યા હતા. એ પછી ઍક્ઝિટ પોલ અન્ય દેશોમાં પણ લોકપ્રિય થયા હતા. 1937માં બ્રિટનમાં પહેલો ઍક્ઝિટ પોલ થયો હતો, જ્યારે ફ્રાંસમાં 1938માં પહેલો ઍક્ઝિટ પોલ થયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન