You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'મહારાષ્ટ્રમાં ખેડૂતોને ભાજપ દેવામાફીનો વાયદો કરે તો ગુજરાતમાં કેમ નહીં?' - કૉંગ્રેસ અને આપનો સવાલ, ભાજપ શું કહે છે
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલાં પોતાનો ચૂંટણી ઢંઢેરો – સંકલ્પ પત્ર 10 નવેમ્બરે જાહેર કર્યો હતો જેમાં ભાજપે ખેડૂતોની દેવામાફીની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જ ખુદ આ સંકલ્પપત્ર જાહેર કર્યો હતો.
આ સંકલ્પપત્રની વિગતો જાહેર થતા સોશિયલ મીડિયા પર પણ ભાજપના આ વાયદા અંગે ચર્ચા થઈ રહી છે.
તો બીજી તરફ ગુજરાતમાં કૉંગ્રેસ અને આપના નેતાઓનું કહેવું છે કે જો ભાજપ મહારાષ્ટ્રમાં આ જાહેરાત કરી શકતો હોય તો ગુજરાતના ખેડૂતોને પણ દેવામાફી મળવી જોઈએ.
જ્યારે ભાજપનું કહેવું છે કે ગુજરાત સરકાર ખેડૂતો પર આફત આવે ત્યારે તેમની વહારે ઊભી રહે છે અને ખૂબ સહાય કરે છે.
અહીં ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં ભાજપ એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારવાળી એનસીપી સાથે મળીને મહાયુતિ તરીકે ચૂંટણી લડી રહ્યો છે જ્યારે તેની સામે કૉંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ) અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ની મહાવિકાસ અઘાડીનું ગઠબંધન છે.
‘શું ગુજરાતના ખેડૂતો એ ખેડૂતો નથી?’
ગુજરાત કિસાન કૉંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ કહ્યું હતું કે, "મહારાષ્ટ્રના ખેડૂતો એ ખેડૂતો છે તો શું ગુજરાતના ખેડૂતો એ ખેડૂતો નથી? મહારાષ્ટ્રમાં ચૂંટણી આવી એટલે ખેડૂતો યાદ આવ્યા અને ભાજપે દેવામાફીનો વાયદો કર્યો."
તેઓ કહે છે કે, "ગુજરાતમાં ચાલુ વર્ષે ચાર તાલુકાના 15 જિલ્લા એવા છે કે જ્યાં 140 ટકા કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તેમ છતાં ત્યાંના ખેડૂતો ગુજરાત સરકારને યાદ આવતા નથી. 2016ના કેન્દ્ર સરકારના અછતગ્રસ્તો માટેના મૅન્યુઅલનો જો અમલ કરવામાં આવે તો આ 104 તાલુકામાં ખેડૂતોનું ચાલુ વર્ષનું પાકધિરાણ સરકારે માફ કરવું જોઈએ. જે સરકાર નથી કરી રહી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ભાજપના કિસાન મોર્ચાના પ્રમુખ હિતેષભાઈ પટેલનું કહેવું છે કે ગુજરાતની અંદર વાવઝોડું કે અતિવૃષ્ટિ આવે ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોની વહારે ઊભી રહેતી હોય છે.
તેઓ કહે છે કે, "ગુજરાતના ખેડૂતો અને ભૌગોલિક સ્થિતિ પ્રમાણે રાજ્ય સરકારે અલગ અલગ યોજના બહાર પાડેલી છે. હાલના સંજોગોમાં પણ ખેડૂતોને થયેલા વરસાદી નુકસાનને સહાયરૂપ થવા સરકારે 1419.62 કરોડનું કૃષિ રાહતપૅકેજ જાહેર કર્યું છે."
‘અતિવૃષ્ટિમાં સરકારી પાક નુકસાનની સહાય ખૂબ ઓછી’
આ વર્ષે ગુજરાતના જે કેટલાક જિલ્લામાં વરસાદે માઝા મૂકી હતી અને અનેક ખેતરો ધોઈ નાખ્યાં હતાં.
આ વરસાદથી પ્રભાવિત થયેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો જામનગર છે. ત્યાં વરસાદ એટલો પડ્યો હતો કે કેટલાંક ખેતર બેટમાં ફેરવાઈ ગયાં હતાં અને ઊભા પાક તણાઈ ગયા હતા.
જામનગર જિલ્લાના બેડ ગામના નરેન્દ્રભાઈ સોનગરાનું ખેતર નદીકાંઠે હતું. તેમના ખેતરમાં શાકભાજીના પાકનું તો ધોવાણ થઈ જ ગયું પણ ખેતરનો એક મોટો ટુકડો નદીમાં ધોવાઈ ગયો હતો.
નરેન્દ્રભાઈ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે, "સરકારના માણસો આવ્યા હતા અને સરવે કરી ગયા પછી મને નુકસાની પેટે કુલ 22 હજાર રૂપિયા મળ્યા છે. મારી તો જમીન નદીના પટમાં સમાઈ ગઈ અને પાક પણ ધોવાઈ ગયો. સરવાળો માંડો તો મને કુલ વીસેક લાખનું નુકસાન ગયું છે. એની સામે વીસ હજાર રૂપિયાની સહાય તો પાશેરામાં પૂણી બરાબર છે."
આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા સાગર રબારીનું પણ માનવું છે કે સરકારે જે સહાય જાહેર કરી છે તે અત્યંત ઓછી છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, "ગુજરાતનું ખેત ઉત્પાદન દોઢ લાખ કરોડની આસપાસ છે. જેમાં ચોમાસું તેમજ શિયાળુ પાક મુખ્ય છે. ચોમાસુ પાકમાં એક લાખ કરોડ રૂપિયાનું ઉત્પાદન થાય છે. એમાં અતિવૃષ્ટિને લીધે સરેરાશ 20 ટકા નુકસાન ગણો તો પણ 20 હજાર કરોડનું નુકસાન થયું છે."
"એ 20 હજાર કરોડ સામે સરકારની 1400થી 1700 કરોડ સરકારી સહાય છે. તમે ખેડૂતનું વાવેતર જુઓ, પાક જુઓ અને નુકસાન જુઓ તો આ રકમ કંઈ નથી."
તો ભાજપના નેતા હિતેષભાઈ પટેલનું કહેવું છે પહેલાં સહાય અને વળતર બે શબ્દોનો ભેદ જાણવો જરૂરી છે.
તેઓ કહે છે, "રાજ્ય સરકાર હંમેશાં સહાય જાહેર કરતી હોય છે, વળતર નહીં. તેથી રાજય સરકાર ખેડૂતની ખેતી માટેની જે ઇનપુટ કોસ્ટ છે એમાં જેટલી મદદ થતી હોય એ પ્રકારે સહાય આપે. કોઈ ખેડૂતને ઉત્પાદન, ખર્ચ અને નફા સહિતની તમામ સહાય કોઈ સરકાર ન કરી શકે."
તેમનું માનવું છે કે, "માત્ર સહાય આપવાથી ખેડૂત સદ્ધર નથી થતા. તેમનું અપલિફમેન્ટ કરવું પડે છે. એ કામ ગુજરાતમાં અમારી સરકારે કર્યું છે. રાજ્યના ખેડૂતોનું ઉત્પાદન મૂલ્ય અન્ય રાજ્યોની તુલનામાં ખૂબ સારું છે. મગફળી અને કપાસ અને કેરીમાં ગુજરાત દેશમાં અગ્રસર છે."
'અમને કમસેકમ નુકસાનીમાં તો સહાય આપો'
2022ની વિધાનસભા ચૂંટણી વખતે બહાર પાડેલા સંકલ્પપત્રમાં ગુજરાત ભાજપે વચન આપ્યું હતું કે, મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડૂતોને પાકના નુકસાનની સમયબદ્ધ આકારણી અને રાહત રકમનું વિતરણ સુનિશ્ચિત કરીશું. તેમજ આગામી પાંચ વર્ષમાં ગુજરાતનો કૃષિ નિકાસ બમણો કરશું.
બેડ ગામના જ અન્ય એક ખેડૂત નવીનભાઈએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "મારા ખેતરમાં કપાસ અને શાકભાજીના પાકને ખૂબ નુકસાન થયું હતું. હજુ સુધી કોઈ વળતર મળ્યું નથી. સરવે કરવાવાળા આવ્યા હતા. અમે નુકસાનીની વિગતો પણ આપી હતી. જોકે, એ પછી નુકસાની સહાય માટેની જે યાદી બહાર પાડી તેમાં મારું નામ નથી. મહારાષ્ટ્રમાં જો દેવા માફી થઈ શકતી હોય તો અમને કમસેકમ નુકસાનીમાં સહાય તો આપો."
જ્યારે હિતેશભાઈ પટેલે કહ્યું હતું કે, "સરવેના માપદંડ રાજ્ય સરકારે અગાઉથી નક્કી કરેલા હોય છે. રાજ્યનું તંત્ર એ બાબતે પારદર્શિતાથી કામ કરતું હોય છે. તેમ છતાં પણ જો કોઈ ખેડૂતને લાગતું હોય કે ક્યાંક જણાવવા જેવું છે તો તેમણે મામલતદાર કે નાયબ કલેક્ટરને જઈને જણાવવું જોઈએ. રાજ્ય સરકાર તેમને મદદરૂપ થતી જ હોય છે."
અગાઉ પણ ભાજપે દેવામાફીનું વચન આપેલું
આમ આદમી પાર્ટીના નેતા સાગર રબારી કહે છે કે, "મહારાષ્ટ્ર જ નહીં અગાઉ ઉત્તર પ્રદેશમાં પણ ભાજપે 2017ની વિધાનસભાની ચૂંટણી વખતે ખેડૂતો માટે દેવા માફીની જાહેરાત કરી હતી. એ જ વર્ષે ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી હતી પણ ગુજરાત માટે એવી જાહેરાત કરી નહોતી."
અહીં ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશમાં 2017માં નાના અને સીમાંત ખેડૂતોને દેવા માફી અને વ્યાજમુક્ત લોનનું વચન આપવામાં આવ્યું હતું. એ પછી યોગી સરકારે 36,359 કરોડની દેવામાફીની જાહેરાત કરી હતી. જે અંતર્ગત 2.15 લાખ જેટલા નાના અને સીમાંત ખેડૂતોની એક લાખ સુધીની દેવા માફી થઈ હતી.
પાલ આંબલીયા કહે છે કે, "હાલમાં અતિવૃષ્ટિને લીધે સરકારે પાક નુકસાની માટે ભલે 1400 કરોડ કરતાં વધારેનું પૅકેજ જાહેર કર્યું હોય પણ અગાઉના અનુભવને આધારે કહું છું કે એમાંથી 500 કરોડ પણ સરકાર ચૂકવશે નહીં. 2019માં પાકવીમા યોજના ચાલુ હતી ત્યારે 3750 કરોડનું આર્થિક પૅકેજ રાજ્ય સરકારે ખેડૂતો માટેજાહેર કર્યું હતું. એમાંથી 1275 કરોડ જ ચૂકવાયા હતા એવો જવાબ રાજ્ય સરકારે વિધાનસભામાં આપ્યો હતો."
તો હિતેશ પટેલનું કહેવું છે કૉંગ્રેસની જ્યાં રાજ્ય સરકારો છે તેણે ખેડૂતો માટે કોઈ કામ કર્યા નથી.
તેઓ કહે છે, "મહારાષ્ટ્ર, રાજસ્થાનમાં પણ કૉંગ્રેસની સરકાર હતી. એક યોજના એવી બતાવી દો કે જેમાં ખેડૂત માટે ખૂબ સારું કામ કર્યું હોય. એની સામે ખેડૂત માટે ભાજપ સરકારે યોજેલી અનેક યોજના હું ગણાવી શકું છું જેમાં ખેડૂતનું ભલું થયું હોય."
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)