You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કબીરવડ : 3000થી વધુ શાખા અને 350 જેટલા થડ ધરાવતા વટવૃક્ષની કહાણી
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
ભરૂચ જિલ્લામાં નર્મદા નદીને કાંઠે શુક્લતીર્થ નામનું સ્થળ આવેલું છે. ત્યાં ટાપુ પર કબીરવડ આવેલો છે. નર્મદાને કાંઠે દૂરથી નજર માંડો એટલે ફેલાયેલો ઘેઘૂર કબીર વડલો જોવા મળે.
નદી વચ્ચોવચ કોઈ પહાડ ઊભો હોય એવો દૂરથી લાગે એવું ભવ્ય વર્ણન કવિ નર્મદે કર્યું છે-
“ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પ્હાડ સરખો, નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો.”
કોઈ વડલો ઓળખ બની ગયો હોય અને પછી તે ટાપુ કે સ્થળ એ વડલાના નામે જ ઓળખાતું હોય એવી ઓળખ કબીરવડ ધરાવે છે.
કબીરવડ ઉત્તરોત્તર ફેલાતો ગયો અને ત્રણ કિલોમીટરના ઘેરાવમાં તે ફેલાયેલો છે એવું ગુજરાત ટૂરિઝમની વેબસાઇટ પર જણાવવામાં આવ્યું છે. તેમાં એવું પણ લખેલું છે કે સંતકવિ કબીરે અહીં ઘણા વર્ષ વિતાવ્યાં હતાં.
વડોદરાના વનસ્પતિશાસ્ત્રી અને ટ્રીઝ ઑફ ગુજરાત પુસ્તકના લેખક જિતેન્દ્રભાઈ ગવળી કહે છે કે, "કબીરવડ વિશાળ છે પણ ત્રણ કિલોમીટરમાં ફેલાયેલો છે એમ કહેવું થોડું વધારે પડતું છે."
કબીરવડના ઉદ્ભવ સાથે એક પ્રચલિત દંતકથા જોડાયેલી છે. જે અનુસાર કબીરે અહીં નર્મદાના કાંઠે દાતણ કરીને જે ચીરી ફેંકી તેના પરથી આ વડલો ઊગ્યો જેને લીધે તેને કબીરવડ કહેવામાં આવે છે.
જાણીતા લોકસાહિત્યકાર અને સંશોધક જોરાવરસિંહ જાદવ બીબીસીને જણાવે છે કે, “આ લોકકથા વર્ષોથી કબીરવડ સાથે વણાયેલી છે. આ લોકકથાનાં કોઈ ચોક્કસ મૂળિયાં કે સંદર્ભ મળતાં નથી.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કબીરવડ ખાતે સ્થાનિક ગાઇડ મોનીષ ભાવસાર કહે છે કે, અમે પણ પર્યટકોને આ લોકવાયકા કહીએ છીએ પરંતુ આના દસ્તાવેજમાં નોંધાયેલા કોઈ ચોક્કસ પ્રમાણ મળતાં નથી.
1814માં બૉમ્બે મેડિકલ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ સર્જન જૉન કોપલૅન્ડે કબીરવડની મુલાકાત લીધી હતી. એ વખતે તેમણે જે વર્ણન કર્યું હતું તેમાં પણ આ દંતકથા ટાંકવામાં આવી હતી. મતલબ કે આ લોકવાયકા બસ્સો વર્ષથી તો ચાલી જ આવે છે.
1814ની તેમની મુલાકાતમાં જૉને એમ પણ લખ્યું હતું કે, “કબીરવડ ત્રણથી ચાર એકરમાં ફેલાયેલો હોવો જોઈએ. શ્રદ્ધાના તાંતણે ખેંચાઈને દૂરસુદૂરથી લોકો કબીરવડ આવે છે. વડલા નીચે ધાર્મિક વિધિવિધાન પણ થાય છે.”
વૃક્ષોના સમૂહ જેવો લાગે, પણ સરવાળે તો એક જ વૃક્ષ
વડસવિત્રીનું વ્રત વડલા સાથે જોડાયેલું છે. એ વ્રત હોય ત્યારે ઠેર ઠેર મહિલાઓ વડને વીંટળાઈ વળે છે અને પૂજાઅર્ચના કરે છે.
વર્ષો અગાઉ અંગ્રેજ અધિકારીઓએ કરેલા વર્ણનમાં પણ કબીરવડ પાસે આસ્થાળુનાં વિધિવિધાન થતાં એવું નોંધ્યું છે. હવે જોકે, કબીરવડ એક પર્યટનસ્થળ અને રક્ષિત સ્મારક છે, તેથી ત્યાં વિધિવિધાન નિષેધ છે. વડવાઈ પર ઝૂલવું નહીં જેવી સૂચના પણ ત્યાં જોવા મળે છે.
કબીરવડ એટલો ઘટાદાર છે કે તેની વડવાઈ પણ કોઈ વૃક્ષના થડ જેવી છે.
કવિ નર્મદને તો એ એક વડ જ વડોના વન જેવો લાગતો હતો. કવિતામાં તેમણે લખ્યું છે કે-
જતાં પાસે જોઉં, વડ નહિ વડોનું વન ખરે,
મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;
વડે ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,
વળી સંધાઓનું, અસલ જીવતું એક મૂળ તો.
જંગલ, ઇકૉલૉજી અને ક્લાયમેટ ચેન્જના અભ્યાસુ લેખક માઇક શાનાહને તેમના પુસ્તક લૅડર્સ ટુ હેવનમાં લખ્યું છે કે, કબીરવડની નીચે હોઈએ ત્યારે હજારો વૃક્ષના સમૂહ નીચે હોઈએ એવું લાગે અને એવું લાગે કે બધાં વૃક્ષ એકબીજાં સાથે જોડાયેલાં છે, પરંતુ સરવાળે તો એ એક જ વૃક્ષ છે.
વડલા તો ગામેગામ ઊગે, પણ કબીરવડ જ કેમ આટલો વિશાળ છે?
વડલા તો ઠેર ઠેર ઊગે છે, પણ કબીરવડ જ કેમ આટલો વિશાળ ફેલાયેલો છે? અન્ય કોઈ વડ કેમ આટલા વિશાળ નથી હોતા?
જિતેન્દ્રભાઈ ગવળી કહે છે કે, કબીરવડની ફરતે નર્મદા નદી છે તેથી પાણી પુષ્કળ મળી રહે છે, બીજું કે કબીરવડ ટાપુ છે, તેથી ત્યાં માનવખલેલ હોતી નથી તેથી વિસ્તરવા માટે આ મહત્ત્વનાં કારણો ખરાં.
ગાંધીનગરસ્થિત વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર એસ.કે. પટેલ બીબીસી ગુજરાતીને કહે છે કે, "પૂરતાં હવાપાણી અને જરૂરી સંભાળ મળે તો કબીરવડની જેમ જ કોઈ પણ વડ ફેલાઈ શકે છે, શક્ય છે કે કબીરવડને પણ વર્ષો અગાઉ પૂરતી સંભાળ મળી હોય જેને લીધે તે વટવૃક્ષ થયો હોય. સાધુસંતો વિચરતા હોય તો તે વૃક્ષની ડાળીઓ કાપે નહીં, તેથી પણ કદાચ તે વિસ્તર્યો હોઈ શકે."
કબીરવડ વિસ્તર્યો છે તો એનું પાયાનું કારણ તેની વડવાઈઓ જમીનમાં ઊતરીને વિસ્તરી તે છે. એસ.કે. પટેલ કહે છે કે, "વડવાઈઓ નીચે જમીનમાં અડે એટલે તેનું વનસ્પતિક પ્રજનન થાય. જે સંતત થતું રહે અને વડ આગળ વધતો જાય છે. વડવાઈ જેને વનસ્પતિશાસ્ત્રની ભાષામાં અવલંબન મૂળ કહે છે. વડ ફેલાતો જાય એમાં એ વડવાઈઓનો પાયાનો રોલ રહેલો હોય છે, તે જમીનમાં અડતી જાય અને પ્રજનન પામીને જમીનમાં નીચે ફેલાતી જાય તેમ તેમ વડ વિસ્તરતો જાય છે. ગાંધીનગર જિલ્લામાં ચિલોડા પાસે કંથારપુરનો વડ પણ વિશાળ છે. એ પણ સવા વીઘા જેટલા વિસ્તારમાં ફેલાયેલો છે."
અંગ્રેજોના આગમન અગાઉ દેશવિદેશના વેપારીઓના વાટાઘાટનું એક સ્થળ પણ કબીરવડ હતું
કોઈ વૃક્ષ વેપાર-વાણિજ્યના વાટાઘાટનો પણ મંચ બની શકે એનો દાખલો પણ કબીરવડે પૂરો પાડ્યો છે.
નમન રામૈયા કબીરવડ અને ગુજરાતમાં ટૂરિસ્ટ ગાઇડ તરીકે સેવા આપે છે.
તેઓ બીબીસી સાથે વાત કરતાં કહે છે કે, “અંગ્રેજો ભારતમાં આવ્યા તે અગાઉ ચીનથી લઈને અન્ય ઘણા દેશોના વેપારીઓ વેપાર અર્થે ભારતનાં વિવિધ સ્થળે આવતા-જતા હતા. ગુજરાત પ્રમાણમાં થોડો ગરમ પ્રદેશ હતો. આપણે ત્યાં જે વાવ બનાવવામાં આવે છે એ માત્ર પાણીના સંગ્રહ માટે જ નહોતી, વાવ જમીનથી નીચે હોવાથી તેમાં થોડી ઠંડક રહેતી હતી. તેથી વેપારીઓ વેપારના વાટાઘાટ માટે વાવમાં મળતા હતા. તેથી વાવનો ઉદ્દેશ એ માત્ર પાણી ઉલેચવા માટેનો જ નહોતો, પણ વેપારધંધાની વાતચીત માટેનું પણ તે સ્થાન હતી.”
વાવની પ્રસ્તાવના બાંધીને નમનભાઈ જણાવે છે કે, “ભરૂચની આસપાસ જ્યારે ચીનથી લઈને અન્ય દેશના વેપારી એકઠા થતા ત્યારે કબીરવડ પણ વેપાર-વાણિજ્યના વાટાઘાટ માટેનું સ્થળ હતું. ગરમીમાં ઘટાદાર વૃક્ષની નીચે ઠંડક હોવાથી વેપારીઓ ત્યાં એકઠા થતા હતા અને સોદા થતા હતા. તેથી એ રીતે પણ કબીરવડ અંગ્રેજોના આગમન પહેલાં વેપાર-વાણિજ્યના વાર્તાલાપ માટેનું પણ એક કેન્દ્ર હતું.”
જિતેન્દ્રભાઈ ગવળી માને છે કે, માત્ર કબીરવડ જ નહીં, દેશભરમાં જ્યાં જ્યાં પણ વડલાનાં ઝાડ હતાં તેના છાંયડામાં બેસીને વેપાર વાટાઘાટ થતી હતી.
તેઓ કહે છે કે, "વાણિયા એ વેપારી કોમ અને બનયન ટ્રી એ શબ્દ બનિયા – વાણિયા પરથી અંગ્રેજો લાવ્યા છે. વાણિયા લોકો પ્રવાસ કરીને પોતાનો વેપાર કરતા હતા. તેઓ ભારતમાં એક ગામથી બીજે ગામ જતા હતા. એમાં વડના ઝાડની નીચે વાણિયા પોતાનો ધામો નાખતા હતા અને ધંધાની વાટાઘાટ કરતા હતા. ત્યાં આરામ પણ કરતા હતા."
"વાણિયા એટલે કે બનિયા વડલાના ઝાડની નીચે આરામ કરે છે એ પરથી તેમણે એ ઝાડને બનયન ટ્રી નામ આપી દીધું હતું. કબીરવડની નીચે પણ આવા વાણિયા ધંધાપાણી કરતા હતા. જોકે, આવો વેપાર દેશભરમાં માત્ર કબીરવડ તળે જ નહીં, પણ દેશભરમાં જ્યાં જ્યાં પણ વડલા તેમજ ફેલાયેલાં વૃક્ષ હતાં તેની નીચે થતા હતા."
3000થી વધુ શાખા અને 350 જેટલા થડ
સંતકબીર સોળમી સદીમાં થઈ ગયા હતા. બ્રિટિશ ઇતિહાસકાર થૉમસ મોરીસે કબીરવડ વિશે લખ્યું હતું. તેમનું માનવું છે કે કબીરવડ એ કદાચ કબીરથીય પુરાણો છે.
1794માં તેમણે લખ્યું હતું કે, “કબીરવડ પાસેના સ્થાનિક લોકો કહે છે કે આ વૃક્ષ 3000 વર્ષ જૂનું છે. જો એવું હોય તો વડ એ કબીર કરતાંય પહેલાંના સમયથી ઊભો છે.” સાથે જ તેમણે એ પણ શક્યતા પ્રગટ કરી છે કે સિકંદર (ઍલેકઝાન્ડર) જ્યારે પોતાના લશ્કરને લઈને નર્મદા નદી પાસેથી પસાર થયો ત્યારે જે વૃક્ષ પાસે આરામ માટે રોકાયા હતા તે કદાચ કબીરવડ હોઈ શકે છે.
કબીરવડનું વર્ણન કરતાં થૉમસે લખ્યું હતું કે, આ વડને 3000થી વધુ શાખા છે અને 350 જેટલા થડ છે જેનું એક થડ ઇંગ્લિશ ઑક વૃક્ષના થડ કરતાંય મોટું છે.
ક્યાં ક્યાંથી લોકો કબીરવડ જોવા આવે છે?
અમેરિકાના ફૉરેસ્ટ ઇકૉલૉજિસ્ટ યૉવ ડેનિયલ બાર્નૅસે જગતનાં સૌથી મોટાં વૃક્ષો પર વિગતો એકઠી કરી હતી. ધ વર્લ્ડ્સ લાર્જેસ્ટ ટ્રીઝ? કૅટેલોગિંગ ઇન્ડિયાઝ જાયન્ટ બન્યન્સ નામનો એક દસ્તાવેજ તેમણે તૈયાર કર્યો હતો. જેમાં ઇસ્ટ ઇન્ડિયાના અધિકારી જેમ્સ ફોર્બ્સે કરેલું કબીરવડનું વર્ણન લખ્યું છે.
તેમાં નોંધ્યું છે કે ફૉર્બ્સે 1772માં જ્યારે કબીરવડની મુલાકાત લીધી હતી ત્યારે તેમણે કબીરવડને બે હજાર ફૂટમાં ફેલાયેલો દર્શાવીને લખ્યું હતું કે સૂર્યનાં કિરણો પણ ત્યાં જમીન પર પહોંચી શકે એમ નથી. કબીરવડનો એક સ્કૅચ પણ તેમણે તૈયાર કર્યો હતો.
ફૉર્બ્સે કરેલા કબીરવડના વર્ણનનો સંદર્ભ પુસ્તક અ હિસ્ટ્રી ઑફ ગુજરાત – ઇન્ક્લુડિંગ સર્વે ઑફ ઈટ્સ ચીફ આર્કિટેક્ચરલ મોન્યુમેન્ટ્સ ઍન્ડ ઇન્સ્ક્રિપ્ન્સમાં પણ કબીરવડનો સંદર્ભ મળે છે.
જોકે, એમાં સાલ 1780 દર્શાવાઈ છે. તેમાં ફૉર્બ્સના શબ્દો છે કે, “ભારે પૂરને કારણે આ વિશેષ વડલાનો ઘણો હિસ્સો ધોવાઈ ગયો છે છતાં તેના થડની ફરતેનો પરીઘ 2000 ફૂટનો હશે.”
જિતેન્દ્રભાઈ ગવળી પણ એ વાતની શાખ પૂરતાં કહે છે કે, "એ પૂરને કારણે અડધોઅડધ વડલો ધોવાઈ ગયો હતો. અત્યારે કબીરવડ જેટલો ફેલાયેલો છે એના કરતાં પણ ત્યારે વધુ ફેલાયેલો હોઈ શકે છે."
"વડની એક વિશેષતા એ છે કે તેની વડવાઈઓ નીચે જમીનમાં ઊતરીને થડ પણ બની જાય છે. તેથી કોઈક તબક્કે જ્યારે વીજળી પડે કે પૂર આવે ત્યારે વડલાનું જે મૂળભૂત થડ હોય તે નાશ પામે તો પણ આખો વડલો નાશ પામતા નથી, તે ટકી રહે છે."
ફૉર્બ્સને ટાંકીને જિતેન્દ્રભાઈ કહે છે કે, "તેમણે પોતાનાં સંસ્મરણોમાં એમ પણ લખ્યું હતું કે કબીરવડ તળે દશ હજાર ઘોડા બાંધી શકાય એટલો વિશાળ છે. જો વડ તળે દશ હજાર ઘોડા બાંધી શકાય તો એનો અર્થ એ કે કબીરવડ તળે દશ હજાર માણસ આરામ પણ કરી શકે, સૂઈ શકે."
કબીરવડના ટૂરિસ્ટ ગાઇડ મૌનીષ ભાવસાર કહે છે કે દર વર્ષે સરેરાશ સાઠ હજારથી લાખ જેટલા પર્યટકો – યાત્રાળુ કબીરવડની મુલાકાત લેતા હશે. દેશભરમાંથી લોકો અહીં આવે છે.
નમન રામૈયા કહે છે કે, વૅકેશન તેમજ રજાના દિવસોમાં તેમજ ચોક્કસ તહેવારોમાં કબીરવડમાં લોકો ઊમટી પડે છે. ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક આદિવાસી શિવરાત્રી વખતે કબીરવડમાં જોવા મળે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન