ભારત vs ન્યૂઝીલૅન્ડ: ટીમ ઇન્ડિયા આ વર્લ્ડકપમાં કેમ 'ખતરનાક' ગણાય છે?

    • લેેખક, ઓંકાર કરમબેલકર
    • પદ, બીબીસી સંવાદદાતા

એ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કે રોહિત શર્માની આગેવાનીમાં ભારતની ટીમે આ વર્લ્ડકપમાં આશાથી બે ડગલાં ઉપર રહીને પ્રદર્શન કર્યું છે. આ યાત્રામાં ટીમના લગભગ બધા ખેલાડીઓએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.

વર્લ્ડકપ ઘરઆંગણે રમાઈ રહ્યો હોવાને કારણે ભારતની ટીમ ટ્રૉફીની પ્રબળ દાવેદાર તો પહેલેથી જ હતી. પરંતુ આ ટુર્નામેન્ટમાં કેટલીક મજબૂત ટીમો સામે પણ ભારતે જે રીતે એકતરફી જીત મેળવી છે તેનાથી ભારતની અલગ જ છાપ ઊભી થઈ છે.

ભારતની ટીમે આ ટુર્નામેન્ટમાં તમામ નવ મૅચો જીતી લીધી છે અને આ ટુર્નામેન્ટમાં એકમાત્ર એવી ટીમ છે જેને કોઈ હરાવી શક્યું નથી.

પૂર્વ ક્રિકેટર શેન વૉટ્સને ભારતીય ટીમની સરખામણી 2003 અને 2007ના વર્લ્ડકપ વિજેતા ઑસ્ટ્રેલિયાની ટીમ સાથે કરી છે.

સેમિફાઇનલમાં પહોંચીને ભારતીય ટીમ હવે વર્લ્ડકપની ટ્રૉફીથી માત્ર બે કદમ દૂર છે.

ભારતની સફળતા અને રમતમાં આવેલા આ સુધારાનું શ્રેય કોને જાય છે? ટીમના કયા ખેલાડીએ યોગદાન આપ્યું?

રોહિત શર્મા: આગળ રહીને લડનાર કપ્તાન

મૅચ - 9, ઇનિંગ્સ - 9, રન - 503, સરેરાશ - 55.88, 100/50 - 1/3

રોહિતની આક્રમક બેટિંગ અને નેતૃત્વે ટીમ ઇન્ડિયાને અજેય રહેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

ભારતીય ટીમ ક્યારેય પહેલી ઓવરથી જ આક્રમક રીતે રમવા માટે જાણીતી નથી. ભારતીય બૅટ્સમૅનો છેલ્લી ઓવરોમાં વિકેટ બચાવવા અને વધુમાં વધુ રન બનાવવા પર ધ્યાન આપતા હતા.

પરંતુ રોહિત શર્માએ ટીમ ઇન્ડિયાની રમતની પૅટર્ન બદલી નાખી છે. એવું લાગે છે કે રનનો પીછો કરતી વખતે રોહિત એ વાતનું ધ્યાન રાખે છે કે મૅચનું પરિણામ પ્રથમ 10 ઓવરના પાવર-પ્લૅમાં જ નક્કી થઈ જાય.

પ્રથમ બેટિંગ કરતી વખતે પણ ટીમ ઇન્ડિયાને તેની આક્રમક રમતનો ફાયદો મળતો જોવા મળી રહ્યો છે.

હકીકતમાં રોહિતે ઑસ્ટ્રેલિયા સામેની વર્લ્ડકપની પ્રથમ મૅચમાં સારું પ્રદર્શન કર્યું ન હતું. પરંતુ ત્યારબાદ તેમણે શ્રીલંકા સિવાય દરેક મૅચમાં ઝડપથી રમીને ભારતીય ઇનિંગનો પાયો નાખ્યો હતો.

શુભમન ગિલ: બેટિંગ સારી, મોટી ઇનિંગની રાહ

મૅચ - 7, ઇનિંગ્સ - 7, રન - 270, સરેરાશ - 38.57, 100/50 - 0/3

વનડે રેન્કિંગમાં ટૉપ પર રહેલા શુભમન ગિલ ડેન્ગ્યુને કારણે આ વર્લ્ડકપની પ્રથમ બે મૅચ રમી શક્યા ન હતા. પરંતુ બીમારીમાંથી સાજા થયા બાદ તેમણે પહેલા જ બૉલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

એક તરફ રોહિત શર્માની ધમાકેદાર બેટિંગથી શુભમન ગિલને સેટ થવાનો સમય મળી રહ્યો હતો. તેમણે નેધરલૅન્ડ સામે 30 બૉલમાં અડધી સદી ફટકારીને એ દર્શાવી દીધું છે કે તેઓ પણ રોહિતની જેમ બેટિંગ કરી શકે છે.

આ ટુર્નામેન્ટમાં શુભમન ગિલ સિવાય ભારતના ટૉપ ઑર્ડરના તમામ બૅટ્સમૅનો સદી ફટકારી ચૂક્યા છે. હવે શુભમન ગિલ પણ આ યાદીમાં જોડાઈ જાય તો નવાઈ નથી.

વિરાટ કોહલી: ભારતની બેટિંગનો સૌથી મજબૂત સ્તંભ

મૅચ - 9, ઇનિંગ્સ - 9, રન - 594 સરેરાશ - 99.00, 100/50 - 2/5

પોતાનો ચોથો વર્લ્ડકપ રમી રહેલા વિરાટ કોહલી ટીમ ઇન્ડિયાની જાણે કે ધરી છે અને અત્યારે સૌથી લોકપ્રિય ક્રિકેટર છે.

આ વર્લ્ડકપમાં ભારતની ઇનિંગ ભટકી ન જાય તે માટે વિરાટ અંત સુધી બેટિંગની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમણે ટુર્નામેન્ટમાં 9માંથી 7 મૅચમાં અડધી સદીનો આંકડો પાર કર્યો છે.

આ દરમિયાન વિરાટે કેટલાક રેકૉર્ડ પણ બનાવ્યા છે. વિરાટે વનડે ક્રિકેટમાં સચીન તેંડુલકરના 49 સદીના રેકૉર્ડની પણ બરાબરી કરી લીધી છે. આ ઉપરાંત તેઓ હાલમાં એક જ વર્લ્ડકપમાં સૌથી વધુ રન બનાવવાના સચીન તેંડુલકરના રેકૉર્ડથી માત્ર 80 રન દૂર છે.

પરંતુ આ બધા રેકૉર્ડ્સ કરતાં પણ વધુ વિરાટની નજર બે વાર વનડે વર્લ્ડકપ જીતવાના રેકૉર્ડ પર છે જેને અત્યાર સુધી કોઈ ભારતીય ખેલાડી હાંસલ કરી શક્યો નથી અને તે આ રેકૉર્ડને હાંસલ કરવાના નિર્ધાર સાથે મેદાનમાં ઊતરવા જઈ રહ્યા છે.

શ્રેયસ અય્યર: નંબર 4ની ચિંતા દૂર કરી

મૅચ - 9, ઇનિંગ્સ - 9, રન - 421, સરેરાશ - 70.16, 100/50 - 1/3

ચોથા નંબરે રમવા માટે કોણ શ્રેષ્ઠ છે? ટીમ ઇન્ડિયા આ સવાલનો જવાબ 2015 વર્લ્ડકપમાં શોધી શકી નથી. પરંતુ આ વર્ષના વર્લ્ડકપમાં શ્રેયસ અય્યરે આ ચિંતા દૂર કરી દીધી છે.

આ ટુર્નામેન્ટમાં કંઈક અંશે નબળી શરૂઆત કરનાર શ્રેયસે ટુર્નામેન્ટના બીજા પડાવમાં તેમનો લય પાછી મેળવી લીધો છે. તેમણે છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં 82, 77 અને અણનમ 128 રન ફટકાર્યા છે.

વિરાટ પછી ભારતીય બૅટ્સમૅનોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી શ્રેયસ ઐય્યર છે. ટુર્નામેન્ટના અગત્યના તબક્કામાં તેમના પર નજર રહેશે.

કેએલ રાહુલ: કઠણ રોગનો સાચો ઉપચાર

મૅચ - 9, ઇનિંગ્સ - 8, રન - 347, સરેરાશ - 69.40, 100/50 - 1/1

કેએલ રાહુલ પર ટીમ મૅનેજમૅન્ટ દ્વારા મૂકવામાં આવેલ વિશ્વાસનો તેને આ ટુર્નામેન્ટમાં ફાયદો થતો જણાય છે.

ઑસ્ટ્રેલિયા સામેની પહેલી જ મૅચમાં તેમણે વિરાટ સાથે મળીને ટીમને મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉગારી હતી.

પાંચમાં નંબરે બેટિંગ કરવાનો મતલબ એ છે કે ખેલાડી મૅચની બદલાતી પરિસ્થિતિઓ અનુસાર રમવાના પડકારનો સામનો કરે છે.

પ્રથમ મૅચમાં સ્થિરતા સાથે બેટિંગ કરનાર રાહુલે નેધરલૅન્ડ સામે માત્ર 62 બૉલમાં સદી ફટકારી હતી.

બેટિંગની સાથે રાહુલ સારી વિકેટકીપિંગ પણ કરી રહ્યા છે. ઉપરાંત, આપણે સૌએ આ ટુર્નામેન્ટમાં વારંવાર જોયું છે કે ડીઆરએસ લેતી વખતે તેમની સલાહ હંમેશાં મદદરૂપ થાય છે.

સૂર્યકુમાર યાદવ: શું ભારતને નવો રૈના મળી ગયો?

મૅચ - 5, ઇનિંગ્સ - 5, રન - 87, સરેરાશ - 21.75, 100/50 - 1/1

હાર્દિક પંડ્યાની ઈજાના કારણે સૂર્યકુમાર યાદવને રમવાની તક મળી હતી. ટ્વેન્ટી-20ના સ્ટાર ખેલાડી ગણાતા સૂર્યાએ તે તકનો લાભ ઉઠાવ્યો હતો.

લખનઉની પડકારજનક પીચ પર સૂર્યકુમાર યાદવની 49 રનની ઈનિંગે ટીમ ઈન્ડિયાને 200 રનનો આંકડો પાર કરવામાં મદદ કરી હતી. બૉલરોના જબરદસ્ત પ્રદર્શનને કારણે સૂર્યાની ઈનિંગ લોકોના ધ્યાનમાં આવી ન હતી પરંતુ તેનું મહત્ત્વ ક્યારેય ઓછું નહીં થાય.

2011 વર્લ્ડકપની સેમિફાઇનલમાં સુરેશ રૈનાએ છેલ્લી ઓવરોમાં બેટિંગ કરીને શાનદાર 36 રન બનાવ્યા હતા. આ વર્ષે જો ભારતીય ટીમને છેલ્લા રાઉન્ડમાં જરૂર પડશે તો સૂર્યા પણ રૈનાની જેમ રમી શકે છે.

મુંબઈ અને અમદાવાદની પીચો પણ સૂર્યાની બેટિંગ માટે અનુકૂળ છે.

રવીન્દ્ર જાડેજા: ઑલરાઉન્ડર નંબર-1

મૅચ - 9, ઇનિંગ્સ - 4, રન - 111, સરેરાશ - 55.50

ઓવર - 73.3, વિકેટ - 16, ઇકોનોમી રેટ - 3.97

ભારતીય ટીમમાં એકમાત્ર ઑલરાઉન્ડર તરીકે જાડેજા તેની જવાબદારી સારી રીતે નિભાવી રહ્યા છે.

ન્યૂઝીલૅન્ડ સામે વિરાટ કોહલીને સપોર્ટ આપતી બેટિંગ કરવાની હોય કે પછી દક્ષિણ આફ્રિકા સામે ઝડપી રન બનાવવાના હોય, તેમણે બંને પ્રકારની બેટિંગ કરી હતી.

જાડેજાએ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી માત્ર 3.97ના ઈકૉનૉમી રેટથી બૉલિંગ કરી છે. યુવરાજસિંહ પછી વર્લ્ડકપની એક જ મૅચમાં 5 વિકેટ લેનારા તેઓ બીજા ભારતીય સ્પિનર બન્યા છે.

જાડેજા મૅચના યોગ્ય તબક્કે બૉલિંગ કરે છે અને બૅટ્સમૅનોને માત્ર નિયંત્રણમાં જ રાખતા નથી પરંતુ તેને આઉટ કરવાનું કામ પણ કામ કરે છે.

જસપ્રીત બુમરાહ: બૂમ બૂમ બૉલિંગ

મૅચ - 9, ઇનિંગ્સ - 9, ઓવર - 72.5, વિકેટ: 17, ઇકોનોમી રેટ - 3.55

વર્લ્ડકપની લીગ મૅચોમાં તમામ બૉલરોએ જોરદાર પ્રદર્શન કર્યું છે. તેનું મોટું શ્રેય જસપ્રીત બુમરાહને જાય છે જેમણે પહેલા જ બૉલથી યોગ્ય સમયે યોગ્ય બૉલિંગ કરી હતી.

બુમરાહની સચોટ બૉલિંગનો ફાયદો ટીમના અન્ય બૉલરોને પણ મળી રહ્યો છે.

જાડેજાની જેમ તેનો પણ ઇકૉનૉમી રેટ 4 કરતાં ઘણો ઓછો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બુમરાહના વર્ચસ્વનું વાસ્તવિક ઉદાહરણ આ વર્લ્ડકપમાં જોવા મળ્યું છે.

મોહમ્મદ શમી: અસંભવને સંભવ કરનાર

મૅચ - 5, ઇનિંગ્સ - 5, ઓવર - 32, વિકેટ - 16, ઇકોનોમી રેટ - 4.16

મોહમ્મદ શમીની બૉલિંગનું વર્ણન કરતી વખતે એક જ વાક્ય તેમના જાદુને વર્ણવવા માટે પૂરતું છે એ છે ‘અશક્યને શક્ય કરી બતાવનાર’.

શમીને આ ટુર્નામેન્ટમાં તક થોડી મોડી મળી. પરંતુ ત્યારપછી તેમણે પ્રદર્શનથી રહીસહી કસર ભરપાઈ કરી દીધી.

આ વર્ષે વર્લ્ડકપમાં પોતાની પહેલી જ મૅચમાં ન્યૂઝીલૅન્ડ સામે 5 વિકેટ લેનાર શમીએ પછી ક્યારેય પાછળ વળીને જોયું નથી.

મુંબઈના વાનખેડે ખાતે તેમણે ઇંગ્લૅન્ડ સામે 4 અને શ્રીલંકા સામે 5 વિકેટ લીધી હતી. શમીના જબરદસ્ત ફૉર્મના કારણે ટીમ ઇન્ડિયાને છઠ્ઠા બૉલરની જરૂર પડી નથી.

કુલદીપ યાદવ: ભાગીદારીઓને તોડનાર બૉલર

મૅચ - 9, ઇનિંગ્સ - 9, ઓવર - 75.1, વિકેટ - 14, ઇકોનોમી રેટ - 4.78

હરીફ ટીમ ન્યૂઝીલૅન્ડ હોય કે નેધરલૅન્ડ, જામી ગયેલી જોડીને તોડવાનું કામ કુલદીપ યાદવ કરતા જોવા મળે છે.

વર્લ્ડકપમાં કુલદીપની આ કુશળતાના કારણે ભારતીય બૉલરો સમયાંતરે કમબૅક કરી શક્યા અને વિરોધી ટીમ પર દબાણ વધારીને પ્રભુત્વ જમાવી શક્યા.

સેમિફાઇનલમાં રમનારી ન્યૂઝીલૅન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાની ટીમો એશિયાઈ ટીમો નથી એટલે કુલદીપની સ્પિન બૉલિંગથી ભારતને ફાયદો થવાની પ્રબળ શક્યતા છે.

મોહમ્મદ સિરાજ: ધૂન પર સવાર બૉલર

મૅચ - 9, ઇનિંગ્સ - 9, ઓવર - 63.3, વિકેટ - 12, ઇકોનોમી રેટ - 12

ટુર્નામેન્ટની શરૂઆતમાં જ સિરાજની કસોટી થઈ હતી. પહેલા જ બૉલ પર બાઉન્ડરી જવા બદલ તેમની બૉલિંગની ટીકા પણ થઈ હતી.

પરંતુ મુંબઈમાં શ્રીલંકા સામેની મૅચમાં સિરાજને ખરેખર લય મળી ગયો. સિરાજે તે મૅચમાં 16 રન આપીને 3 વિકેટ લીધી હતી. ત્યારથી તેમનો પ્રભાવ અકબંધ છે.

વર્લ્ડકપના મહત્ત્વના વળાંકે સિરાજની ઘાતક બૉલિંગથી ભારતીય બૉલિંગ વધુ ખતરનાક થઈ ગઈ છે.

હાર્દિક, શાર્દૂલ, ઈશાન અને અશ્વિન

આ ટુર્નામેન્ટમાં હાર્દિક પંડ્યા, શાર્દૂલ ઠાકુર, ઈશાન કિશન અને રવિચંદ્રન અશ્વિનને ઓછી તક મળી છે.

ઈજાના કારણે હાર્દિકે ટુર્નામેન્ટમાંથી ખસી જવું પડ્યું હતું. હવે તેમની જગ્યાએ પ્રસિદ્ધ કૃષ્ણાને ટીમમાં લેવામાં આવ્યા છે. અશ્વિનને માત્ર એક જ મૅચમાં રમવાની તક મળી હતી.

ઈશાન કિશન અને શાર્દૂલ સારી છાપ છોડવામાં નિષ્ફળ રહ્યા છે. પરંતુ ભારતીય ચાહકો માને છે કે જો સમય આપવામાં આવશે તો તેઓ પણ સારું પ્રદર્શન કરશે.