JN.1: કોરોનાના ઝડપથી ફેલાતા આ વેરિયન્ટથી કેમ બચવું ? વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને શું કહ્યું?

    • લેેખક, ફિલિપા રૉક્સબી
    • પદ, હૅલ્થ રિપોર્ટર

કોરોના વાઇરસના ઑમિક્રોન સ્ટ્રેઇનના પેટા પ્રકાર એવા JN.1 ને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા તેના ઝડપથી વધી રહેલા ફેલાવાને કારણે ‘વૅરિયન્ટ ઑફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે.

JN.1 વેરિયન્ટના ભારત, ચીન, યુનાઇટેડ કિંગડમ, અમેરિકાના સહિતના દેશોમાં કેસો નોંધાયા છે.

પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર હાલમાં તેનાથી ખતરો નથી. બજારમાં ઉપલબ્ધ રસીઓ જ તેનાથી રક્ષણ આપશે.

પરંતુ તેમણે એમ પણ કહ્યું છે કે શિયાળામાં કોરોના સહિત અનેક પ્રકારના ચેપમાં વૃદ્ધિ થઈ શકે છે.

વિશ્વના ઘણા દેશોમાં હાલમાં ફ્લૂ, રેસ્પિરેટરી સિનિક્ટિકલ વાઇરસ અને બાળકોમાં ન્યૂમોનિયાના કેસોમાં ઊછાળો જોવા મળ્યો છે.

ઝડપથી ફેલાઈ રહ્યો છે વેરિયન્ટ

કોવિડની મહામારી ફેલાવતા વાઇરસના સ્વરૂપ વારંવાર બદલાતાં રહ્યાં છે અને સમયાંતરે તેના નવા વેરિયન્ટ સામે આવતા રહ્યા છે.

ઑમિક્રોન વેરિયન્ટ સમગ્ર વિશ્વમાં લાંબા સમય સુધી ફેલાયેલો રહ્યો હતો અને તબાહી મચાવી હતી.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન હાલમાં JN.1 ના આંકડાઓ પર નજર રાખી રહ્યું છે અને તેમના જણાવ્યા પ્રમાણે હાલમાં આંકડાઓ ચિંતા ઉપજાવે તેવા નથી.

પરંતુ JN.1 વિશ્વના અનેક દેશોમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

હાલમાં અમેરિકામાં તે સૌથી વધુ ઝડપથી ફેલાઈ રહેલો વેરિયન્ટ છે. યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રીવેન્શનના જણાવ્યા અનુસાર 15થી 29 ટકા ચેપ પાછળ આ વેરિયન્ટ જવાબદાર છે.

જ્યારે યુનાઇટેડ કિંગડમ હૅલ્થ સિક્યુરિટી ઍજન્સીના જણાવ્યા અનુસાર JN.1 વેરિયન્ટનો હાલમાં આવેલા પોઝિટિવ કેસોમાં ફાળો 7 ટકાનો છે.

શિયાળામાં કેસોમાં ઊછાળો આવવાની સંભાવના

JN.1 દરેક ક્ષેત્રમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે તેનું સંભવિત કારણ એ છે કે BA.2.86ની સરખામણીએ તેનાં સ્પાઇક પ્રોટીનમાં એક વધારાનું મ્યુટેશન છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું રિસ્ક ઍસેસમૅન્ટ જણાવે છે કે, “એવી સંભાવના દેખાઈ રહી છે કે આ વેરિયન્ટ કોરોના વાઇરસના કેસમાં મોટો ઊછાળો લાવે, અને એ સિવાય અન્ય બૅક્ટેરિયલ ઇન્ફેક્શન અને વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં પણ વધારો થાય. ખાસ કરીને જે દેશોમાં શિયાળો આગળ વધી રહ્યો છે તે દેશોમાં આવી સંભાવના દેખાઈ રહી છે.”

પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા અનુસાર હજુ પણ એ વાતના કોઈ પુરાવા મળ્યા નથી કે વૅક્સિન દ્વારા મળતી ઇમ્યુનિટી JN.1 વાઇરસ સામે કેટલી કારગર છે.

એ સાથે જ એ વાતના પણ કોઈ પુરાવા મળ્યા નથી કે અગાઉના વેરિયન્ટ કરતાં આ વેરિયન્ટથી વધુ લોકો બીમાર થઈ રહ્યા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન કહે છે, “તેની અસરો જાણવા હજુ ઘણા અભ્યાસની જરૂર છે. કારણ કે મોટાભાગના દેશોથી હજુ એ ડેટા મળ્યો નથી કે કેટલા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.”

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ફરીથી સૌને સલાહ આપે છે કે, ભીડવાળી અને બંધિયાર જગ્યાએ માસ્ક પહેરવું, છીંક ખાતી વખતે અથવા ઉધરસ ખાતા સમયે મોં ઢાંકી દેવું, તમારા હાથ વારંવાર ધોવા, બીમાર પડો તો શક્ય હોય તો ઘરે જ રહેવું, લક્ષણો દેખાય તો તરત જ ટેસ્ટ કરાવી લેવો. હજુ પણ રસી ન લીધી હોય તો લઈ લેવી.