એશિયા કપની ફાઇનલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર, કઈ ટીમનું પલ્લું ભારે?

રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપનો ફાઇનલ મુકાબલો રમાશે. એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બંને ટીમો ફાઇનલમાં ટકરાશે.

દુબઈ ખાતે રમાનારી મૅચ પર ભારત અને પાકિસ્તાન ઉપરાંત વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.

ટુર્નામેન્ટ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રૂપ રાઉન્ડ તથા સુપર-4માં મુકાબલો થયો હતો અને બંનેમાં ભારતે તેના પરંપરાગત હરીફ પાકિસ્તાને પરાજય આપ્યો હતો.

જોકે, ફાઇનલની મૅચ પહેલાં સુપર-4 રાઉન્ડ દરમિયાન શ્રીલંકા સામેની મૅચ છેક સુપર ઓવર સુધી ખેંચાઈ ગઈ હતી, જેના કારણે આજની મૅચ રોમાંચક બની રહેશે એવું મનાય રહ્યું છે.

આ સિરીઝ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચો રસપ્રદ તબક્કે ન પહોંચી હોય તો પણ વિવાદાસ્પદ રહી જ છે, જેની અસર ટ્રૉફી માટેના મુકાબલામાં પણ જોવા મળશે.

પાકિસ્તાન સામેની ફાઇનલ મૅચમાં ભારતની આશા

શુક્રવારે ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપના સુપર-4 રાઉન્ડની મૅચ રમાઈ હતી. શ્રીલંકા અગાઉથી જ આ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું, એટલે આ મુકાબલો ઔપચારિકતા માત્ર હતો.

આમ છતાં શ્રીલંકાના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કર્યું હતું. ભારતે 202 રન કર્યા હતા, જેના જવાબમાં દાવ લેવા ઊતરેલી શ્રીલંકાની ટીમે 202 રન કર્યા હતા.

મૅચ પછી ભારતીય ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે કહ્યું, "ફાઇનલ જેવી મૅચ" હતી. યાદવે કહ્યું હતું કે શ્રીલંકા સામેની મૅચની ટીમ ઉપર ઊંડી અસર થઈ છે.

પાકિસ્તાન સામેની મૅચ અંગે યાદવે કહ્યું હતું, "આજે રાત્રે અમને સારી રીતે રિક્વરી કરવા દો. અમે અત્યારે ફાઇનલ અંગે નથી વિચારી રહ્યા. આજે અમારા અનેક ખેલાડીઓના સ્નાયુઓમાં ખેંચ આવી ગઈ છે. શનિવારનો દિવસ રિક્વરી માટે સારો રહેશે, એ પછી અમે આજે (શુક્રવારે) જે રીતે ઊતર્યા, એમ જ મેદાનમાં ઊતરીશું."

યાદવે સ્વીકાર્યું હતું કે દુબઈના હવામાનને કારણે ખેલાડીઓને મુશ્કેલી પડી રહી છે.

આ પહેલાં એક પ્રેસ કૉન્ફરન્સમાં યાદવે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ રાઇવલરી નથી રહી અને હવે આના વિશે વાત કરવાનું પણ બંધ કરી દેવું જોઈએ.

ટુર્નામેન્ટની અત્યાર સુધીની મૅચોમાં ઓપનર અભિષેક શર્મા અને શુભમન ગિલે ભારતીય ટીમને સારી શરૂઆત આપી છે, જેના કારણે મિડલ ઑર્ડરના બૅટ્સમૅન પર દબાણ નથી આવ્યું.

જોકે, શ્રીલંકા સામેની મૅચમાં શુભમન સસ્તામાં આઉટ થઈ ગયા હતા. આવું જ કંઈક પાકિસ્તાન સામેની મૅચમાં થાય તો તમામ બૅટ્સમૅને કોઈ પણ પરિસ્થિતિ માટે સજ્જ રહેવું ઘટે.

કૅપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે જવાબદારીપૂર્વક રમવું પડશે. અત્યાર સુધીમાં તેઓ બૅટથી નોંધપાત્ર પ્રદર્શન નથી કરી શક્યા, જોકે, તેમની કૅપ્ટનશિપ સારી રહી છે. તેમનો બેટિંગ ક્રમ વારંવાર બદલાયો છે, જે મિડલ ઑર્ડરને અનપેક્ષિત બનાવે છે.

બૉલિંગમાં અર્શદીપ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તો વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ અને અક્ષર પટેલની ત્રિપુટીએ ભારતના વિજયમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ઉલ્લેખનીય છે કે શુક્રવારની મૅચમાં જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો, જ્યારે હાર્દિક પંડ્યા એક ઓવર કરીને મેદાન છોડી ગયા હતા.

'કોઈને પણ હરાવી શકીએ છીએ'

બાંગ્લાદેશ સામેની મૅચ જીતીને પાકિસ્તાને એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. એ પછી પાકિસ્તાનની ટીમના કૅપ્ટન સલમાન અલી આગાએ પોતાની ટીમને 'સ્પેશિયલ' ગણાવી હતી.

આગાએ કહ્યું, "અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. અમને ખબર છે કે અમારે શું કરવાનું છે. અમારી ટીમ એટલી મજબૂત છે કે અમે કોઈને પણ હરાવી શકીએ છીએ. અમે રવિવારે એમને હરાવવા માટે મેદાનમાં ઊતરીશું."

બાંગ્લાદેશ સામેની મૅચમાં ઑલ રાઉન્ડ પ્રદર્શન કરીને 'પ્લેયર ઑફ ધ મૅચ'નો ખિતાબ જીતનારા શાહીનશાહ આફ્રિદીએ ભારત સામેની મૅચ માટે કહ્યું હતું, "અમે તૈયાર છીએ."

પાકિસ્તાની ક્રિકેટ ટીમના કોચ માઇક હેસને ભારત સામેની મૅચ અંગે કહ્યું હતું કે પાકિસ્તાનની ટીમ ભારત સામે કોઈ પણ જાતના મૅન્ટલ બ્લૉક વગર રમે છે.

માઇક હેસને કહ્યું, "મને લાગે છે કે ભારત સામેની પહેલી મૅચની સરખામણીમાં બીજી મૅચમાં અમે ઘણું સારું પ્રદર્શન કર્યું. પહેલી ગેમમાં અમે એટલા ઍક્ટિવ ન હતા અને અમે ભારતને ગેમ કંટ્રોલ કરવા દીધી."

"પરંતુ છેલ્લી મૅચ દરમિયાન લાંબા સમય સુધી અમારી પકડ રહી હતી. અભિષેક શર્માની અદભુત ઇનિંગ મૅચને પેલી તરફ લઈ ગઈ. એના સિવાય અમે સારી રમતનું પ્રદર્શન કર્યું હતું."

ભારતને હરાવવાની વ્યૂહરચના વિશે વાત કરતા હેસને કહ્યું, "અમે ભારતને લાંબા સમય સુધી દબાણમાં રાખી શકીએ, એ માટેનો રસ્તો અમારે શોધવાનો છે. ગત મૅચમાં બેટિંગ દરમિયાન અમે 10 ઓવર સુધી એવું જ કર્યું હતું."

હેસને ઉમેર્યું હતું, "અમે અત્યાર સુધીની દરેક મૅચ ટ્રૉફી જીતવાના પ્રયાસ સાથે રમી છે. અમે હંમેશાં એના વિશે જ વાત કરીએ છીએ. ફાઇનલ જ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ મૅચ છે. અમે અમારી ઉત્કૃષ્ટ રમતનું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું."

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચો દરમિયાન તણાવ અંગે હેસને કહ્યું, "મારો સંદેશ છે કે ક્રિકેટ ઉપર ફોકસ કરો અને અમે એ જ કરવાના છીએ. જે કંઈ થયું, એના વિશે મારા કરતાં તમને વધુ ખબર છે. હું તો માત્ર ક્રિકેટ સાથે ડીલ કરું છું."

પાકિસ્તાન અને ભારત : ફાઇનલમાં કોણ ટક્કર આપશે?

વિખ્યાત ક્રિકેટ ઍક્સપર્ટ અયાઝ મેમણે બીબીસી સંવાદદાતા ભરત શર્મા સાથે વાત કરતા કહ્યું કે આ ફાઇનલ મૅચ હોવાથી પાકિસ્તાનની ટીમને હળવાશથી ન લેવી જોઈએ.

મેમણે કહ્યું, "ભારત ટી-20 ચૅમ્પિયન છે એટલે તેની ઉપર વધુ દબાણ રહેશે. કાગળ ઉપર જોવામાં આવે તો પાકિસ્તાન કરતાં ભારતની ટીમ ચડિયાતી જણાય છે, પરંતુ એનો મતલબ એવો નથી કે ભારતીય ટીમ મૅચ જીતી ગઈ છે. મૅચ રમાવાની બાકી છે."

"આપણે જાણીએ છીએ કે ક્રિકેટની રમતમાં મોટા પાયે ઊથલપાથલ થઈ શકે છે, વિશેષ કરીને ટી-20 ફૉર્મેટમાં."

ભારત અને પાકિસ્તાનની કોઈ પણ મૅચ હોય ખેલાડીઓ ભારે દબાણ હેઠળ હોય છે, એમાં પણ આ એશિયા કપની ફાઇનલ મૅચ છે એટલે બંને ટીમના પ્લેયર્સ પર ભારે દબાણ રહેવાનું છે. આવા સંજોગોમાં નાનકડી અમથી ભૂલ પણ મૅચનું પરિણામ પલટી શકે છે.

ખેલ વિશ્લેષક નીરુ ભાટિયાના કહેવા પ્રમાણે, "ભારત અને પાકિસ્તાન વચ્ચેની બંને મૅચોને જોશો, તો પહેલાંની સરખામણીમાં બીજી મૅચમાં પાકિસ્તાનનું પ્રદર્શન સુધર્યું હતું. માત્ર ભારત જ નહીં, અન્ય ટીમો સામેના પાકિસ્તાનના પ્રદર્શનમાં પણ સુધાર જોવા મળ્યો હતો."

"એટલે પાકિસ્તાનની ટીમને હળવાશથી ન લેવી જોઈએ. પાકિસ્તાનનાં બેટિંગ અને બૉલિંગ પર્ફૉર્મન્સ સુધર્યાં છે, પરંતુ ભારત મજબૂત ટીમ સાથે મેદાનમાં ઊતરશે, એ પણ સત્ય છે."

પાકિસ્તાન સામેની આ પહેલાંની બે મૅચ દરમિયાન ભારતીય ટીમે કેટલાક નોંધપાત્ર કૅચ છોડ્યા હતા, જોકે, ફાઇનલ મૅચમાં આમ કરવું પાલવે તેમ નથી.

પાકિસ્તાનનું પ્રદર્શન

ટી-20 ફૉર્મેટમાં કોઈ ખેલાડીનું પ્રદર્શન મૅચનું પાસું પલટી શકે છે. કોઈ પણ ટુર્નામેન્ટમાં જે ટીમ હૉટ ફેવરિટ હોય, તેના પર દબાણ વધુ હોય છે. એટલે એશિયા કપની ફાઇનલમાં ભારતીય ટીમ દબાણ હેઠળ હશે.

પાકિસ્તાન હારી જશે, તો તેની એટલી ચર્ચા નહીં થાય, પરંતુ જો તે જીતી ગયું તો તેના માટે બહુ મોટી વાત હશે.

બીજી બાજુ, ભારતની ટીમની હાર થઈ, તો તે ભારત માટે મોટો આંચકો હશે, કારણ કે ટીમની દૃષ્ટિએ અત્યારે તે સબળ જણાય છે.

ખેલ પત્રકાર ધર્મેન્દ્ર પંતે બીબીસી હિંદીના સંવાદદાતા ભરત શર્મા સાથે વાત કરતા જણાવ્યું, "પાકિસ્તાનની રેકૉર્ડ ખરાબ રહ્યો છે. એવું કહેવાય છે કે તેઓ ભારતની સામે હારે જ છે. આ સંજોગોમાં પાકિસ્તાનની ઉપર દબાણ નહીં હોય અને તે મુક્ત રીતે રમી શકશે."

પંતે કહ્યું, "રઉફ જે રીતે બૉલિંગ કરે છે, તેનાથી સતર્ક રહેવું ઘટે. આ સિવાય શાહીનશાહ આફ્રિદીએ પણ લૅન્થ પકડી છે. આ પહેલાં અભિષેક શર્માએ તેમને લૅન્થ પકડવા દીધી ન હતી. જો ફાઇનલમાં પણ આવું થયું તો અન્ય બૉલરો ઉપર પણ તેની અસર થશે. એ ખરું કે ગત બે મૅચ દરમિયાન આફ્રિદીની બૉલિંગ શાર્પ રહી હતી."

સાહિબઝાદા ફરહાન તેમની બેટિંગ ઉપરાંત ઉજવણી સમયની વર્તણૂકને કારણે વધુ ચર્ચામાં રહ્યા છે. ફરહાન ટકી ગયા તો તે ભારત માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. એવી જ રીતે જો ફરહાનને વેળાસર આઉટ કરી દેવામાં આવે, તો પાકિસ્તાનના અન્ય બૅટ્સમૅન પર પણ દબાણ ઊભું થશે.

આ સિવાય ફખર જમાન પણ ભારતીય ટીમ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

એશિયા કપમાં ભારતનું પ્રદર્શન

વર્ષ 1984માં એશિયા કપ શરૂ થયો, ત્યારથી કરીને અત્યાર સુધીનાં 41 વર્ષના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન પહેલી વખત ટકરાશે.

ભારતે સૌથી વધુ આઠ વખત ટ્રૉફી પર કબજો કર્યો છે. શ્રીલંકાએ છ વખત આ કપ જીત્યો છે. તો પાકિસ્તાને બે વખત આ ખિતાબ પર કબજો કર્યો છે. બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન હજુ સુધી એક પણ વખત આ કપ જીતી નથી શક્યા.

વર્તમાન ટુર્નામેન્ટ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 સપ્ટેમ્બર (ગ્રૂપ લેવલ મૅચ), 21 સપ્ટેમ્બર (સુપર-4 મૅચ) ટક્કર થઈ છે અને 28 સપ્ટેમ્બરને રવિવારના રોજ બંને દેશ વચ્ચે ફાઇનલ મૅચ રમાશે.

ભારતે તેના ગ્રૂપ લેવલની ત્રણ મૅચ અને સુપર-4ના બે મુકાબલામાં ચૅમ્પિયનને છાજે એવું પ્રદર્શન કર્યું હતું અને સરળતાથી વિજય મેળવ્યો હતો, ત્યારે રવિવારે શું થશે,તેના ઉપર દેશ-વિદેશના કરોડો ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન