You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં 'ભાજપને ભવ્ય જીત અપાવનાર' સીઆર પાટીલ માટે બિહારમાં કેવા કેવા પડકારો છે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
આગામી થોડા સમયમાં બિહાર વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એ પહેલાં ચૂંટણીપંચ દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અને પક્ષ-વિપક્ષ વચ્ચે ચાલી રહેલા શાબ્દિક જંગને કારણે બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલાંથી રાષ્ટ્રીય ફલક પર એક મોટો મુદ્દો બની ચૂકી છે.
ગુરુવારે ભાજપે બિહારની વિધાનસભા ચૂંટણી માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને પ્રદેશ ચૂંટણી પ્રભારી નીમ્યા છે.
જ્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય મંત્રી કેશવપ્રસાદ મૌર્યને સહ-પ્રભારી બનાવાયા છે.
ગુજરાતના નવસારીના સાંસદ સી. આર. પાટીલને આ જવાબદારી સોંપાતાં ગુજરાતમાં ચર્ચા જામી છે કે શું તેઓ બિહાર વિધાનસભાની આગામી ચૂંટણીમાં પણ ગુજરાતની વિધાનસભા ચૂંટણી જેવી 'કમાલ' કરી શકશે?
નોંધનીય છે કે સી. આર. પાટીલ કેન્દ્રીય જળશક્તિ મંત્રી બન્યા બાદ હજુ પણ ગુજરાતમાં ભાજપના પ્રદેશપ્રમુખ છે. તેમના કાર્યકાળમાં ડિસેમ્બર 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રાજ્યમાં 156 વિધાનસભા બેઠકો પર જીત હાંસલ કરી 'અભૂતપૂર્વ દેખાવ' કરી ચૂક્યો છે.
એ પહેલાં 1985ની ચૂંટણીમાં 'ખામ થિયરી'ના બળે માધવસિંહ સોલંકીની આગેવાનીમાં કૉંગ્રેસ પક્ષ 182માંથી 149 બેઠકો જીતી હતી. જે રેકૉર્ડ 2022માં તૂટ્યો હતો.
ગુજરાતમાં ભાજપની આ 'ભવ્ય જીત'નું શ્રેય ઘણી વાર સી. આર. પાટીલને અપાય છે. આ ઉપરાંત વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપની 'એકતરફી' જીતને કારણે તેમને 'માસ્ટર વ્યૂહરચનાકાર' પણ ગણાવાય છે.
પરંતુ શું તેઓ આવી જ કંઈક 'કમાલ' બિહારમાં કરી શકશે? આ અંગે વધુ જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક રાજકીય વિશ્લેષકો સાથે વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સી.આર. પાટીલ બિહારમાં પણ ગુજરાત જેવું પ્રદર્શન કરી શકશે?
બિહારના રાજકારણમાં ભાજપને 'શિરમોર' બનાવવાનું લક્ષ્ય સી. આર. પાટીલ પાર પાડી શકશે?
આ સવાલના જવાબમાં ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના ભૂતપૂર્વ પ્રોફેસર અને રાજકીય વિશ્લેષક પુષ્પેન્દ્ર કહે છે:
"દરેક રાજ્યની હકીકતો જુદી જુદી હોય છે. તેથી માત્ર એક વ્યક્તિની નિમણૂકથી બિહારમાં ભાજપ બધાને પાછળ છોડીને આગળ નીકળી જશે એવું ન માની શકાય."
"આ હકીકતમાં કેટલી તક છે, કેટલા વિકલ્પો સામે આવી રહ્યા છે અથવા કેટલા નવા વિકલ્પો પેદા કરી શકાય છે, આ બધી વાતોને આધારે ચૂંટણીનું પરિણામ નક્કી થતું હોય છે. આ બધું કોઈ એક વ્યક્તિને આધારે નથી બદલાઈ જતું."
તેઓ કહે છે કે, "કોઈ એક વ્યક્તિના ચહેરા પર ક્યારેક મત મળી જાય છે તો ક્યારેક નથી મળી શકતા."
તેઓ બિહારની ચૂંટણીમાં ભાજપના પડકારો તરફ ધ્યાન દોરતાં કહે છે કે, "ભાજપ અને તેના સાથી પક્ષો લગભગ પાછલાં 18 વર્ષથી વધુ સમયથી રાજ્યમાં શાસન કરી રહ્યા છે. આ વાતને જોતાં શું ભાજપ પોતાની વોટ બૅન્કને બચાવી રાખી શકશે કે તેમાં વધારો કરી શકશે કે કેમ, તેના આધારે હાલની સ્થિતિમાં કોઈ ફરક પડશે."
"જોકે, આ વધારા માટે ક્યાંથી નવા મત આવશે, કોના મત તોડશે? આ બધા સવાલો સામે ભાજપે ઝઝૂમવું પડશે. આ બધી વાતો બિહારની હકીકતને સમજીને જ થઈ શકે. આ બધું કરવામાં વ્યક્તિની પોતાની એક મર્યાદા છે."
તેઓ વાતને આગળ વધારતાં કહે છે કે પાછલા કેટલાક સમયમાં ઘણી વિધાનસભાની ચૂંટણીમાં આપણે ઘણા 'માસ્ટર વ્યૂરચનાકારો'ને 'નિષ્ફળ' જતા જોઈ ચૂક્યા છીએ.
"તેથી મને નથી લાગતું કે સી. આર. પાટીલની નિમણૂકને કારણે બિહારમાં ભાજપ માટે કોઈ મોટો ફરક પડશે."
ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ આચાર્ય પણ કહે છે કે "ગુજરાતમાં સી. આર. પાટીલ આટલા બધા કારગત નીવડ્યા એના માટે માત્ર સી. આર. પાટીલનું ફૅક્ટર જ એકલું કારણભૂત નહોતું. બીજાં પણ ઘણાં કારકો આના માટે જવાબદાર હતાં. કારણ કે ગુજરાતમાં ભાજપ પહેલેથી જ મજબૂત છે અને વિપક્ષ સાવ નબળો. તેથી જો પાટીલના સ્થાને એ સમય અન્ય કોઈ પ્રદેશાધ્યક્ષ હોત તો પણ 2022ની ચૂંટણીમાં મળ્યાં એની આસપાસનાં જ પરિણામ મળ્યાં હોત. આ રીતે સી. આર. પાટીલ માટે ગુજરાત એ સમયે સાવ 'સરળ મેદાન' જેવું હતું."
તેઓ ગુજરાતમાં સી. આર. પાટીલ માટેના પડકારો જણાવતાં કહે છે કે, "સી. આર. પાટીલ વર્ષોથી ગુજરાતમાં સ્થાયી થયેલા છે, અહીંના લોકો, અહીંની સંસ્કૃતિ, રાજકારણ અને ભાષાથી પરિચિત છે. પરંતુ બિહાર તેમની માટે સાવ નવી ભૂમિ હશે."
"બિહારના રાજકારણને સમજવામાં સી. આર. પાટીલને સમય લાગી શકે. ઉપરાંત તેઓ સમજી શકે ખરા અને ન પણ સમજી શકે, બંને શક્યતા છે. આ સિવાય ગુજરાતમાં ગુજરાતી કાર્યકરોને સંગઠિત કરવામાં તેમને જેવી સફળતા મળી, એવી સફળતા તેમને બિહાર ભાજપના અજાણ્યા કાર્યકરો સાથે મળી શકશે કે કેમ એ પણ જોવા જેવી વાત છે."
તેઓ સી. આર. પાટીલની બિહારની ચૂંટણીમાં સહ-પ્રભારી તરીકેની નિમણૂકનાં કારણોનો અંદાજ લગાડતાં કહે છે કે "મને એવું લાગે છે કે તેમને આ જવાબદારી ભાજપની યુદ્ધની વ્યૂહરચનાની રાજ્યમાં યોગ્ય અમલવારી માટે સોંપવામાં આવી હોઈ શકે. આ ઉપરાંત વડા પ્રધાન મોદીના ખાસ વિશ્વાસુ માણસ તરીકે તેમને આ જવાબદારી અપાઈ છે."
"આ સિવાય ત્યાંના કેટલાક સ્થાનિક મુદ્દાઓ પણ હોઈ શકે છે. જે આપણને ન ખબર હોય, પરંતુ ત્યાં ખૂબ મહત્ત્વપૂર્ણ હોય. અને વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય મુદ્દાઓને સ્થાને સ્થાનિક મુદ્દાઓ વધુ અગત્યના હોય છે.
"હું એવું માનું છું કે આ બધાં પરિબળોનું અનુમાન કાઢવા માટે અને તેને લગતા અહેવાલો તૈયાર કરવા માટે સી. આર. પાટીલને ત્યાં મોકલવામાં આવ્યા હોય એવું બને."
બિહારનાં રાજકીય પરિબળો
બિહારમાં રાજકારણની સ્થિતિ અંગે વાત કરતાં પુષ્પેન્દ્ર જણાવે છે કે, "હાલ રાજ્યનું રાજકારણ અતિશય સ્પર્ધાત્મક છે. અહીં કૉંગ્રેસ પોતાની હાજરી કેટલી મજબૂત કરી શકે છે એ વાત મુખ્ય પરિબળો પૈકી એક છે."
"આ વખત મને ભાજપ કે જેડીયુમાં નવા મતદારો જોડાશે એવું નથી દેખાઈ રહ્યું."
"રાજ્યમાં નીતીશકુમારની લોકપ્રિયતા પર થયેલી અસરને કારણે આર્થિક પછાત વર્ગના મતદારો કૉંગ્રેસ તરફ જોડાતા હાલ દેખાઈ રહ્યા છે."
"જો કૉંગ્રેસ આવું કરી શકી તો નવા મતદાર આ જ વર્ગમાંથી આવવાના હોઈ આ સ્થિતિમાં 'ઇન્ડિયા ગઠબંધન' મજબૂત થશે. જો આવું થયું તો 'ઇન્ડિયા ગઠબંધન' રાજ્યમાં સરકાર બનાવવાની દાવેદારી માટે બહેતર સ્થિતિમાં આવી શકે છે. અને જો કૉંગ્રેસ આવું ન કરી શકે તો પણ અહીં કોઈ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળવાની નથી."
વર્તમાન સ્થિતિની વાત કરતાં પુષ્પેન્દ્ર કહે છે કે "રાજ્યમાં હાલ સત્તાવિરોધી લહેર ચાલી રહી છે. આ વાત સત્ય છે. આ સિવાય રાહુલ ગાંધીની 'વોટ અધિકાર યાત્રા'ની પણ અસર છે."
"આ સિવાય નીતીશકુમારની કૅશ ટ્રાન્સફરની યોજના, એઆઈએમઆઈએમ અને સમગ્ર બિહારને અસર કરી શકતું એવું પ્રશાંત કિશોરનું ફૅક્ટર મુખ્ય છે."
તેઓ કહે છે કે, "કૉંગ્રેસ આ વખત નવા મતદારોને આકર્ષશે તો ખરી, પરંતુ એ સંગઠન સ્તરે મજબૂત બનીને તેનો પૂરો લાભ ઉઠાવી શકશે કે કેમ એ પણ એક સવાલ છે."
બિહારના રાજકારણ અંગે વાત કરતાં જગદીશ આચાર્ય કહે છે કે, "હાલ બિહારનું રાજકારણ ગૂંચવાઈ ગયું છે. બિહારના ગઠબંધનમાં ભાજપ નાનો ભાઈ છે અને જેડીયુ એ મોટો ભાઈ. આ સિવાય અન્ય પક્ષો પણ ગઠબંધનમાં જોડાયેલા છે. ત્યાંના ગઠબંધનના રાજકારણમાં તેમણે સેટ થવું પડે. બધાને સાચવીને રાખવું પડે."
બિહારમાં રાહુલ ગાંધીની યાત્રા અને એસઆઇઆર સહિતના મુદ્દા
બિહારમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતના ચૂંટણીપંચે રાજ્યની મતદારયાદીનું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન શરૂ કર્યું હતું. જે અંતર્ગત જાહેર થયેલી પહેલી યાદીમાં બિહારના 65 લાખ મતદારોનાં નામ નહોતાં.
આ મુદ્દે વિપક્ષે સરકાર અને ચૂંટણીપંચ સામે મોરચો માંડ્યા બાદ સમગ્ર વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
રાહુલ ગાંધી મહારાષ્ટ્ર, હરિયાણા, કર્ણાટકમાં 'વોટ ચોરી'ના આરોપ કરી ચૂક્યા છે, જે બાદ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં તેમણે રાજ્યમાં 'વોટર અધિકાર યાત્રા' કરી હતી. જેમાં તેમણે 16 દિવસમાં 25 જિલ્લાનો પ્રવાસ ખેડ્યો હતો, જેમાં તેમણે પોતાનાં જાહેર ભાષણોમાં પોતે બિહારમાં 'વોટ ચોરી' નહીં થવા દે એવું વારંવાર કહી ચૂક્યા છે.
'વોટર અધિકાર યાત્રા' શરૂ થયા પહેલાં મહત્ત્વપૂર્ણ સવાલ એ હતો કે શું બિહારમાં એસઆઇઆરનો મુદ્દો આગામી વિધાનસભાની ચૂંટણીમાં પ્રમુખ મુદ્દો હશે?
જોકે, વોટર અધિકાર યાત્રામાં ધીમે ધીમે રાજ્યના અન્ય મુદ્દા પણ જોડાતા ગયા. જેમાં પેપર લીક, શિક્ષણ, રોજગાર અને અગ્નિવીર જેવા મુદ્દા સામેલ થઈ ગયા.
જો બિહારની 2020ની વિધાનસભા ચૂંટણીમાં તમામ પાર્ટીઓના પ્રદર્શનની ટૂંકમાં વાત કરીએ તો રાજ્યની કુલ 243 બેઠકો પૈકી 75 બેઠકો મેળવીને રાષ્ટ્રીય જનતા દળ સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી.
આ સિવાય ભાજપ 74 બેઠકો મેળવવામાં સફળ રહ્યો હતો.
સત્તાધારી ગઠબંધનનું નેતૃત્વ કરનાર નીતીશકુમારના જનતા દળ યુનાઇટેડના ખાતામાં 43 બેઠકો આવી હતી.
આ સિવાય કૉંગ્રેસને 19 બેઠકો મળી હતી. જ્યારે બાકીની બેઠકો અન્ય પાર્ટીઓ અને અપક્ષોના ખાતામાં ગઈ હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન