અધિકમાસ કેમ આવે છે અને હિંદુઓમાં એનું કેમ મહત્ત્વ છે?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારતીય પંચાગ અને હિંદુઓની ધાર્મિક માન્યતા પ્રમાણે, તા. 18મી જુલાઈથી અધિકમાસની શરૂઆત થઈ છે, જે પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાય છે.

અગાઉ 'મલમાસ' તરીકે ઓળખાતા આ વધારાના મહિનાને નવું નામ મળવા સાથે એક પૌરાણિક માન્યતા જોડાયેલી છે, જે તેને વિષ્ણુ અને કૃષ્ણ સાથે જોડે છે.

આ માસ દરમિયાન હિંદુઓ દ્વારા શુભ કે માંગલિકકાર્યો ટાળવામાં આવે છે, પરંતુ દાન અને સદાચારપૂર્ણ આચરણનું વિશેષ મહત્ત્વ રહેલું છે.

ભારતમાં ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા આ અધિકમાસનું મહત્ત્વ ભારતીય ખગોળશાસ્ત્રમાં પણ વિશેષ છે. ભારતીય પંચાંગ પ્રમાણે, સરેરાશ ત્રણ વર્ષે આવતાં પુરુષોત્તમ માસ સાથે ખગોળીય ઘટનાક્રમ જોડાયેલો છે.

શું તમે જાણો છો કે જેવી રીતે વધારાનો મહિનો ઉમેરવામાં આવે છે, એથી વિપરીત ક્ષયમાસ પણ હોય છે? તે કેટલા વર્ષે આવે અને આમ કરવા પાછળ શું ગણતરી રહેલી હોય છે?

ધર્મ : શાસ્ત્ર, માન્યતા અને શાસ્ત્રાર્થ

પુરુષોત્તમ માસ અને શ્રાવણ મહિનાનું હિંદુઓમાં મહત્ત્વ રહેલું છે. આ ગાળા દરમિયાન હિંદુઓ શરાબ, માંસ, ઈંડા અને માછલી જેવો ખોરાક નથી લેતા અને દાન-ધર્મને મહત્ત્વ આપે છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશને દેશમાં ભારતીયસંગીત, ભારતીયનૃત્ય, ભારતીય તત્ત્વચિંતન, જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રે અભ્યાસક્રમો દાખલ કરવા યુનિવર્સિટીઓની જેમ ઉચ્ચઅભ્યાસ સંસ્થાનોને જણાવ્યું છે. એક વર્ગ દ્વારા જ્યોતિષશાસ્ત્રના અભ્યાસ ઉપર સવાલ ઉઠાવવામાં આવે છે. છતાં જનસામાન્યમાં આ મુદ્દે શ્રદ્ધા પ્રવર્તે છે. એટલે સુધી કે કેટલાક રાજનેતા મહત્ત્વપૂર્ણ પદભાર સંભાળતા પહેલાં કે કાર્યનો આરંભ કરતાં પહેલાં જ્યોતિષશાસ્ત્રના અભ્યાસુઓ પાસેથી માર્ગદર્શન લે છે.

છેલ્લા લગભગ 25 વર્ષથી જ્યોતિષશાસ્ત્રના અભ્યાસ સાથે જોડાયેલા અર્ચિત રાવલના કહેવા પ્રમાણે, "ચાલુ વર્ષે તારીખ 18મી જુલાઈથી અધિકમાસ શરૂ થઈ રહ્યો છે, જે 16મી ઑગસ્ટ સુધી ચાલશે. આ ગાળા દરમિયાન મુંડન, જનોઈ, સગાઈ, લગ્ન, રાજ્યાભિષેક, નવું પદગ્રહણ, નવા ઘરમાં પ્રવેશ, ખાતમુહૂર્ત, નવા વાહન કે પ્રૉપર્ટીની ખરીદી જેવાં કાર્યો ટાળવામાં આવે છે."

"આ માસ ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ગાળા દરમિયાન વિષ્ણુ સહસ્ત્રના પાઠ અને પૂજાનું મહત્ત્વ રહેલું છે. આ સિવાય પવિત્ર નદીઓમાં સ્નાન, ગાયને નીરણ, દીપદાન અને તાંબુલદાન કરવાનું મહાત્મ્ય રહેલું છે."

ધાર્મિક વિષયો પર કટારલેખક અને પૌરાણિક સાહિત્યના અભ્યાસુ સુરેશ પ્રજાપતિના કહેવા પ્રમાણે, "શ્રીમદ ભાગવત પુરાણ અને પદ્મપુરાણ જેવા ધર્મગ્રંથોમાં જોવા મળતા ઉલ્લેખ પ્રમાણે દરેક માસ સાથે અધિષ્ઠાતા દેવ જોડાયેલાં છે, પરંતુ અધિકમાસ સાથે કોઈ અધિષ્ઠાતા દેવ જોડાયેલા ન હતા. આના કારણે તે જનમાનસમાં 'અપવિત્ર' કે 'મલમાસ' તરીકે ઓળખાવા લાગ્યો. જ્યારે તેની શરૂઆત થતી, ત્યારે તેની અપાર નિંદા થતી અને લોકોએ આ માસમાં શુભપ્રસંગ યોજવાનું વર્જિત કર્યું."

"આથી, વ્યથિત થઈને મલમાસે અલગ-અલગ દેવો પાસે જઈને પોતાના અધિષ્ઠાતા બનવા વિનંતી કરી, પરંતુ કોઈએ તેનો સ્વીકાર ન કર્યો. દેવ-માનવથી ત્યજાયેલા મલમાસે વૈકુંઠમાં વિષ્ણુ પાસે જઈને પોતાને શરણમાં લેવા માટે પ્રાર્થના કરી. શ્રીહરિ તેના ઉપર પ્રસન્ન થયા અને ગોલોકમાં શ્રીકૃષ્ણની શરણે જવા કહ્યું."

હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે, રામે ભગવાન વિષ્ણુનું સાતમું સ્વરૂપ છે, જે 'મર્યાદા પુરુષોત્તમ' તરીકે ઓળખાય છે શ્રીકૃષ્ણએ ભગવાન વિષ્ણુનું આઠમું અને 'પૂર્ણ પુરુષોત્તમ' સ્વરૂપ છે.

પ્રજાપતિ ઉમેરે છે, "ગોલોકમાં શ્રીકૃષ્ણે મલમાસના અધિષ્ઠાતા દેવ બનવા વિનંતી કરી. જેનો કૃષ્ણે સ્વીકાર કર્યો અને તેને પોતાની સાથે જોડ્યો હોવાથી 'પુરુષોત્તમ માસ' તરીકે ઓળખાવા લાગ્યો."

કૃષ્ણે પોતાના સદ્ગુણો તેને સમર્પિત કર્યા, જેના કારણે તેનું મહત્ત્વ અને માસ કરતાં વધી જવા પામ્યું. દેવ-માનવ ભગવાન પુરુષોત્તમની કૃપા પામવા માટે આ માસ દરમિયાન વ્રત-પૂજા અને ભક્તિ કરે છે, જેથી તે 'ભક્તિમાસ', 'સર્વોત્તમમાસ' કે 'પવિત્રમાસ' તરીકે પણ ઓળખાય છે. પુરાણોમાં આ માસ દરમિયાન ભક્તિ સંદર્ભે અનેક ઉદાહરણો જોવા મળે છે.

પંચાંગ અને ખગોળમાં અધિકમાસ

કાર્તિકી પંચાગના સંપાદક વસંતલાલ પોપટના કહેવા પ્રમાણે, "સામાન્ય રીતે એક સૂર્ય વર્ષ કરતાં ચંદ્રવર્ષ લગભગ 10 દિવસ જેટલું ટૂંકું હોય છે. સૂર્ય દરમહિને એક વખત રાશિ બદલે, જેને 'સૂર્યસંક્રાંતિ' કહેવાય. જેમકે, સૂર્ય મકરમાં પ્રવેશ કરે, ત્યારે તેને 'મકરસંક્રાંતિ' કહેવામા આવે છે. આવી રીતે 12 મહિના દરમિયાન 12 સંક્રાંતિ થાય."

"જે માસમાં સૂર્યસંક્રાતિ ન થાય,તે મહિનો 'અધિકમહિનો' ગણાય. સરેરાશ ત્રણેક વર્ષે એક વખત અધિકમાસ કે પરષોત્તમ માસ આવે. જેનો હેતુ સૂર્ય તથા ચંદ્રવર્ષની વચ્ચે સામંજસ્ય બેસાડવાનો છે."

વસંતલાલ ઉમેરે છે, "આ સિવાય ઋતુઓની સાથે અને તહેવારોનો તાલમેલ બેસાડવામાં પણ અધિકમાસની ભૂમિકા છે. જેમ કે શ્રાવણ મહિનામાં વરસાદ હોય અને ત્યરે જન્માષ્ટમી ઉજવવામાં આવે. જો અધિકમહિનો ઉમેરવામાં ન આવે, તો અમુક વર્ષો પછી ચૈત્ર મહિનામાં ધમધોખતા તાપમાં જન્માષ્ટમીનો તહેવાર આવે, એવું પણ બને. આમ ઋતુ અને તહેવારની વચ્ચે સંતુલન પ્રસ્થાપિત કરવાની દૃષ્ટિએ પણ અધિકમાસનું મહત્ત્વ રહેલું છે."

વસંતલાલ છેલ્લા 31 વર્ષથી હરિલાલ પ્રેસ પંચાંગનું સંપાદન કરે છે, જે લગભગ 80 વર્ષથી પ્રકાશિત થાય છે.

પંચાંગમાં તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ (ત્રીસ ઘડીના કાળનો એક એકમ) એમ પાંચ અંગ જણાવવામાં આવ્યા છે. આખો દિવસ, ઘડી, પળ અને વિપળ જેવા સમયના પ્રાચીન એકમ છે. ભારતીય પંચાંગો અને ધર્મશાસ્ત્રોમાં, સૌર, ચંદ્ર, સાયન અને નક્ષત્ર એમ ચાર પ્રકારના કાલમાનનું મિશ્ર સ્વરૂપ સ્વીકારાયેલું છે. સાયન વર્ષમાં એક ઋતુથી શરૂ કરીને ફરી એ ઋતુ આવે તેને વર્ષ ગણવામાં આવે છે અને તેમાં સૂર્યનો રાશિપ્રવેશકાલ 22 દિવસ મોડો ગણાય છે.

ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા પ્રકાશિત 'ખગોળ સંબંધી વ્યાખ્યાનમાળા'માં (પેજ 50-51) પર આપવામાં આવેલા વિવરણ મુજબ :

રાશીઓની સંક્રાંતિ મુજબ, સૂર્ય જ્યારે બાર રાશી પૂર્ણ કરે એટલે તે 'સૌરવર્ષ' પૂર્ણ કરે છે, પરંતુ વ્યવવહારમાં ચંદ્રમાસ પ્રચલિત છે, જે સુદ એકમથી વદ અમાસ સુધીનું હોય છે. ચંદ્રમાસમાં 29 દિવસ 31 ઘડી અને 50 પળ હોય છે. જ્યારે સૌરમાસ 30 દિવસ 26 ઘડી, 19 પળ અને 31 વિપળની હોય છે.

આમ દર મહિને 54 ઘડી, 29 પળ અને 31 વિપળનો તફાવત પડે છે. આમ લગભગ સાડા બત્રીસ સૌરમાસે, સાડા તેંત્રીસ ચંદ્રમાસ થાય છે. એટલે સરેરાશ પાંચ વર્ષમાં બે અધિકમાસ આવે.

અંગ્રેજી કેલેન્ડર અને પંચાંગમાં સમયની વધઘટની ગણતરી

ભારતમાં સત્તાવાર રીતે અને વ્યવહારમાં અંગ્રેજી કેલેન્ડરનો ઉપયોગ થાય છે, એટલે પંચાંગ અને તેમની વચ્ચે સરખામણી થવી પણ સ્વાભાવિક છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર વિભાગના પૂર્વ પ્રાધ્યાપક ડૉ. એચ. પી. જોશીના જણાવ્યા પ્રમાણે, "અંગ્રેજી કેલેન્ડર સૂર્યોદયથી સૂર્યાસ્ત પર ચાલે છે. રાત્રે બાર વાગ્યે એટલે દિવસ બદલાઈ જાય. જ્યારે હિંદુ કેલેન્ડર ચંદ્રની કળા ઉપર ચાલે છે. ચંદ્ર અને સૂર્યના સમયની વચ્ચે દૈનિક 54 મિનિટ જેટલો તફાવત હોય છે. જેને તિથિના ક્ષય દ્વારા ઍડજસ્ટ કરવામાં આવે છે. મતલબ કે એક અંગ્રેજી તારીખમાં બે તિથિ હોય."

"આવી જ રીતે અંગ્રેજી કેલેન્ડર મુજબ 365 દિવસ અને એક ચતુર્થાંશ દિવસ વધુ થાય છે. જેને દર ચાર વર્ષે એક વખત ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ ઉમેરવામાં આવે છે. જેને લીપ યર કહેવામાં આવે છે."

ઉલ્લેખનીય છે કે જો કોઈ વર્ષનો 100 વડે ભાગાકાર થઈ શકે તેમ હોય તો તે શતકીય લીપ વર્ષ છે, તો તેમાં ફેબ્રુઆરી મહિનાના 29 દિવસ ન હોય, પરંતુ જો તેને 400 વડે ભાગી શકાય તેમ હોય તો તેમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય, દાખલા તરીકે વર્ષ 2000.

માસનો ક્ષય

એક ચંદ્રમાસમાં સૂર્ય રાશિ બદલે તો તે 'શુદ્ધમાસ', જો રાશિ ન બદલે તો 'અધિકમાસ' અને જો બે વખત રાશિ બદલે તો તેને 'ક્ષયમાસ' કહેવામાં આવે છે.

ચંદ્રમાસની સુદ એકમના દિવસે સૂર્યની સંક્રાંતિ બેસે અને અમાવસ્યાના દિવસે સૂર્યની બીજી સંક્રાંતિ બેસે તો તેને ક્ષયમાસ ગણવામાં આવે છે. આમ તે 11 માસનું વર્ષ બને છે. કારતક, માગશર કે પોષ મહિનામાં જ ક્ષયમાસ આવે એવી પરંપરા છે. બે મહિનાને 'માસ યુગ્મ' તરીકે લખવામાં આવે છે. જેમ કે, 'કારતક-માગશરનું યુગ્મ', 'માગશર-પોષનું યુગ્મ' વગેરે.

મહા મહિનો સદાકાળ પ્રાકૃત્તિક રહે છે, એટલે તે ક્યારેય અધિક કે ક્ષયમાસ બનતો નથી. ફાગણથી આસો સુધીના મહિના અધિકમાસ બની શકે, પરંતુ તે ક્ષય માસ નથી હોતા.

ક્ષયમાસ પડે તેના ત્રણ માસ પહેલાં એક અધિકમાસ આવે છે અને ક્ષયમાસના ત્રણ મહિના પછી વધુ એક અધિકમાસ આવે છે. આમ એક વર્ષ દરમિયાન બે અધિકમાસ આવે. અન્યથા સામાન્ય સંજોગોમાં બે અધિકમાસ વચ્ચે ઓછામાં ઓછું 27 માસ અને વધુમાં વધુ 35 મહિનાનું અંતર હોય છે. રાશિપરિભ્રમણના આધારે તે 19થી 255 વર્ષના અનિયમિત ગાળે આવે છે.

ખગોળશાસ્ત્રના અલગ-અલગ ગ્રંથો અને પુસ્તકોમાં અધિકમાસની ગણના માટેના ઘડી, પળ અને વિપળમાં તફાવત પણ જોવા મળે છે, છતાં તે અસામાન્ય નથી હોતો.